કલ્યાણના વિવાદાસ્પદ ગણેશોત્સવને કોર્ટનું ગ્રીન સિગ્નલ

Published: 22nd September, 2012 06:12 IST

પોલીસની લાચારી દેખાડતી થીમને પોલીસે જ  પ્રદર્શિત થતી અટકાવી, પણ કોર્ટે ક્લિયર કરી


લલિત ગાલા

કલ્યાણ, તા. ૨૨

પોલીસે વિવાદાસ્પદ હોવાનું કહીને બંધ કરાવેલી કલ્યાણ (વેસ્ટ)ના વિજય તરુણ મિત્રમંડળના ગણેશોત્સવની થીમને લોકો માટે પ્રદર્શિત કરવાની મંજૂરી ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટે આપતાં ગણેશભક્તોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.

કલ્યાણ (વેસ્ટ)ના રામબાગમાં આવેલા વિજય તરુણ મિત્રમંડળે આ વર્ષે પોલીસોની ધૈર્ય અને મનોબળ તૂટી જતી પરિસ્થિતિ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. જોકે અગાઉ આ થીમને લીધે કોમી અને ધાર્મિક અરાજકતા ફેલાવાનું કારણ દેખાડીને પોલીસે એને પ્રદર્શિત કરવા પર બંધી લગાવી હતી.

થીમમાં શું છે?

શિવસેનાના કલ્યાણ શહેરપ્રમુખ વિજય સાળવીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે રામબાગમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન બનેલા બનાવોને થીમમાં રજૂ કરવાની આ મંડળની પરંપરા છે. આ વર્ષે રજૂ કરેલી થીમમાં દર્શાવવામાં આવ્યું છે કે ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે સંસદ પર થયેલા હુમલામાં ૨૦ પોલીસ શહીદ થયા હતા, પરંતુ આ ઘટનાને ૧૧ વર્ષ વીતી ગયા હોવા છતાં આ હુમલાનો મુખ્ય સૂત્રધાર અફઝલ ગુરુ હજી પણ જીવે છે. સરકારને શહીદોનાં મોત પર કોઈ જ અફસોસ નથી. ૨૦૦૬ની ૬ જુલાઈએ ભિવંડીમાં મુસ્લિમોએ કરેલા દંગલમાં બે પોલીસોની હત્યા કરવામાં આવી હતી. ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો. એમાં કેટલાક જવાનો શહીદ થયા હતા. ૪ વર્ષ થઈ ગયાં હોવા છતાં આ હુમલાના આરોપી કસબને હજી સુધી ફાંસી નથી થઈ. ગયા મહિને ૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનમાં થયેલી હિંસામાં પોલીસદળનું માથું શરમથી ઝૂકી ગયું હતું. અનેક પોલીસોને ઈજા થઈ હતી અને અનેક ગાડીઓને સળગાવી દેવામાં આવી હતી. આટલુંબધું થઈ રહ્યું હોવા છતાં કૉન્ગ્રેસી સરકારે પોલીસોને ગોળીબારનો આદેશ ન આપ્યો. પોતાના જીવની બાજી લગાડનાર પોલીસના મોતની કિંમત કોડીઓના ભાવ જેટલી થવાની હોય તો તેમનું મનોબળ કઈ રીતે વધશે? સરકાર ફક્ત વોટ-બૅન્ક માટે આ બધું અવગણી રહી છે. હવે તો ગણેશજી જ આ બધા લોકોથી બચાવે અને તેમની વિરુદ્ધ લડવા માટે અમને શક્તિ આપે એવું આ થીમમાં દર્શાવવામાં આવ્યું છે.

થોડા શબ્દો હટાવ્યા પછીયે મંજૂરી નહીં


વિજય સાળવીએ ‘મિડ-ડે’ને હતું હતું કે ‘આ થીમ અમે સૌપ્રથમ ડીસીપી અનિલ કુંભારે તેમ જ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ ભુજંગરાવ શિંદે સમક્ષ દર્શાવી હતી. અમુક શબ્દો કાઢી નાખવાની શરતે તેઓ આ થીમના પ્રદર્શન માટે તૈયાર થયા હતા. અમે એ શબ્દો કાઢવાની તૈયારી પણ દાખવી હતી, પરંતુ ત્યાર બાદ થાણેના પોલીસ-કમિશનર કે. પી. રઘુવંશીએ એ માટેની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ક્રિમિનલ પ્રોસીજર કોડ-૧૪૯ અંતર્ગત કોમી અને ધાર્મિક કારણોસર અરાજકતા ફેલાવાનાં કારણોસર પ્રતિબંધાત્મક નોટિસ મોકલાવી હતી. પોલીસના આ નિર્ણય સામે અમે કોર્ટમાં ગયા હતા.’

હાઈ કોર્ટની મંજૂરી


વિજય સાળવીએ કહ્યું હતું કે ‘મુંબઈ હાઈ કોર્ટમાં જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને આર. વાય. ગનુની બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ‘ગણેશોત્સવ મંડળોને ક્રિમિનલ પ્રોસીજર કોડ ૯૧ અંતર્ગત પ્રદર્શન દેખાડવાની સ્વતંત્રતા છે. અરાજકતા ન ફેલાય એની જવાબદારી પોલીસની છે. એ માટે પ્રદર્શન પર રોક લગાવી ન શકાય. અમુક જાતિવાચક શબ્દો દૂર કરીને પ્રદર્શન રજૂ કરવાની પરવાનગી કોર્ટે અમને આપી છે.’

ગયા વર્ષે ફસ્ર્ટ પ્રાઇઝ

વિજય તરુણ  મિત્રમંડળનું આ ૪૯મું વર્ષ છે. ગયા વર્ષે સ્ત્રીભ્રૂણહત્યા પર કરેલી થીમ પર તેમને ફસ્ર્ટ પ્રાઇઝ મળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK