ડરવાની જરાય જરૂર નથી કાળી ચૌદશથી

Published: 22nd October, 2014 04:49 IST

એવું અમે નહીં, મુંબઈના મોટા ગજાના પંડિતો કહે છે એટલું જ નહીં; તેઓ કહે છે કે સફળતા મેળવવી હોય તો કાળી ચૌદશે એ કામ ખાસ કરવું જોઈએ
સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય અને રુચિતા શાહ

આજે સાંજે ઘરની બહાર નીકળશો તો તરત વડીલો તમને એક સૂચન ખાસ આપશે કે ચાર રસ્તા આવે ત્યાં જરા સંભાળીને અને નીચે જોઈને ચાલજે, કૂંડાળામાં પગ ન પડી જાય. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં પણ સાંજ પડતાં ચાર રસ્તા મળતા હશે ત્યાં રોડ પર પાણીથી  કૂંડાળાં ચીતરેલાં અને અંદર વડાંનો પ્રસાદ મૂકેલો અને સાથે દીવો ઝગમગતો જોવા મળશે. આ કૂંડાળામાં પગ ન પડી જાય એની તમને ઘરેથી સૂચના મળી હશે, કારણ કે કૂંડાળું એ વાતને બતાવે છે કે લોકો પોતાના અનિષ્ટ તત્વને ત્યાં મૂકી ગયા છે અને જો કૂંડાળામાં પગ પડે તો આ અનિષ્ટ તત્વ તમારામાં આવી જાય એવી ભીતિ આપણા સમાજમાં લોકો પેઢી-દર પેઢીથી સેવી રહ્યા છે. મુંબઈમાં રહેતા અને ભણેલા-ગણેલા લોકો પણ કાળી ચૌદશની રાતે વડાં, પૂરી અને દીવો લઈને ચાર રસ્તે કકળાટ કાઢી આવે છે. કકળાટ કાઢી આવ્યા પછી કદાચ તેઓ હાશ અનુભવતા હશે કે ઘરના અનિષ્ટને મૂકી આવ્યા!

શાસ્ત્રનું પ્રમાણ નથી

વાસ્તવમાં કાળી ચૌદશે આ રીતે કકળાટ કાઢવાની અને આ દિવસે કોઈ શુભ કામ ન થઈ શકે એવી માન્યતાને શાસ્ત્રનું કોઈ પ્રમાણ નથી એવું જણાવતાં દહિસરના ભાગવત કથાકાર લાભશંકર ઓઝા કહે છે, ‘કાળી ચૌદશે કકળાટ મૂકવાની કોઈ જરૂર નથી. આ બાબત શાસ્ત્રમાં ક્યાંય નથી. આ માત્ર અને માત્ર લોકોની અંધશ્રદ્ધા છે જે વર્ષોથી ચાલી આવે છે. કકળાટ મૂકવો એ એક પ્રકારનો ટોટકો એટલે કે ઉપાય છે. ઉપાય એવો કે ફળે અને ન પણ ફળે. વાગ્યું તો તીર નહીં તો તુક્કો ગણી લોકો આ ટોટકા કરતા રહે છે. એથી કૂંડાળામાં પગ પડી જાય તો ડરવાની જરાય જરૂર નથી, એનાથી તમારું અનિષ્ટ થઈ જશે એવું કંઈ જ નથી હોતું. આ બધી લોકોએ ઉપજાવી કાઢેલી વાતો છે.’

કાળી ચૌદશ શું છે?

જગત પર રાજ કરનારી શક્તિને બિરદાવતા ચંડીપાઠના સ્તોત્રમાં ચાર સિદ્ધ રાત્રિઓનો ઉલ્લેખ છે. આ ચારમાંની પહેલી છે કાલ રાત્રિ એટલે કે કાળી ચૌદશ, મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમીની રાત અને હોળીની રાત. આ ચાર રાત્રિઓમાં નિશાકાળ એટલે કે રાત્રે ૧૨થી ૩ના સમયમાં જપ, તપ, સાધના વગેરે કોઈ પણ વ્યક્તિ કરે તો તેને એમાં સિદ્ધિ મળે છે એવું કાંદિવલીના પંડિત ઉદય મહારાજનું કહેવું છે. તેઓ કહે છે, ‘કાળી ચૌદશ તો સિદ્ધિ માટેનો દિવસ છે. એથી આ દિવસે તમે કોઈ કામ કરો તો એમાં સફળતા મળે જ. વાઘબારસથી લઈને દિવાળી સુધીના દિવસો ખરેખર મહાસરસ્વતી, મહાકાળી અને મહાલક્ષ્મીની આરાધનાના દિવસો છે. વાઘબારસ એ ખરેખર વાક્ બારસ છે. વાક્ એટલે વાણી, સરસ્વતીની ઉપાસનાનો એ દિવસ છે. ધનતેરસ લક્ષ્મીની અને કાળી ચૌદશ મહાકાળીની ઉપાસનાના દિવસો છે.’

નર્ક ચતુર્દશી

આ દિવસે ભગવાને ગાયો, બ્રાહ્મણો અને સ્ત્રીઓને રંજાડતા નર્કાસુર નામના રાક્ષસને વહેલી સવારે માર્યો હતો એથી એને નર્ક ચતુર્દશી પણ કહેવાય છે. આ દિવસે તેથી જ સૂર્યોદય પહેલાં સ્નાન કરવાની રૂઢિ પડી છે.

શ્રેષ્ઠ દિવસો

કાળી ચૌદશ જ નહીં, દરેક ચૌદશ કે અમાસ જ્યોતિષશાસ્ત્ર મુજબ શ્રેષ્ઠ દિવસ છે એવું ભાગવત કથાકાર લાભશંકર ઓઝાનું કહેવું છે. તેઓ કહે છે, ‘ચૌદશ કે અમાસના દિવસે સારું કામ ન કરી શકાય એવું શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. આ વાતને ક્યાંય પ્રમાણ નથી. આ લોકોની મનઘડંત વાતો છે. કોઈ વાર આ દિવસોમાં કંઈક અશુભ બની ગયું હશે એથી લોકોએ ઠોકી બેસાડ્યું કે આ દિવસો અશુભ છે અને આ દિવસે સારાં કામ ન જ થાય. આ લોકોની ઉપજાવી કાઢેલી અંધશ્રદ્ધા છે. બાકી સૂર્ય રોજ ઊગે છે, ચૌદશ અને અમાસે પણ... સૂર્ય ઊગે એનાથી સારી વાત દુનિયા માટે બીજી કઈ હોઈ શકે?’

અશુભ હોય તો પૂજન ન થાય

લાભશંકર ઓઝા આ બધી અંધશ્રદ્ધાઓનું ખંડન કરતાં વધુમાં કહે છે, ‘કોઈ પણ કામને તમે શ્રદ્ધાથી કરો તો એ ફળે, નહીં કે કોઈ ચોક્કસ દિવસે. અમાસના દિવસે પણ તમે પૂરી શ્રદ્ધાથી કોઈ કામ કરો તો એ સફળ થાય જ. દિવાળીના દિવસે આપણે ચોપડા પૂજન કરીએ છીએ. જો અમાસ અશુભ હોત તો દિવાળીના દિવસે કામકાજનાં લેખાંજોખાં રાખતા ચોપડાનું આપણે પૂજન શા માટે કરીએ? આ શુભ કામ આપણે અમાસના દિવસે જ તો કરીએ છીએ.’

તેમની વાતને સમર્થન આપતાં ઉદય મહારાજ કહે છે, ‘છેલ્લાં આઠ વર્ષથી અમે દર કાળી ચૌદશે રાત્રે ફ્લાઇટ પકડીને દુબઈ જઈએ છીએ. સરસ રીતે ચોપડા પૂજન કરાવીને પાછા આવીએ છીએ. આટલાં વષોર્માં અમને ક્યાંય કાળી ચૌદશ જરાય નડી નથી. એથી  કાળી ચૌદશે સાંજે કે રાતે બહાર નીકળવામાં કે સારું કામ કરીશું તો નિષ્ફળ જવાશે એવો કોઈ જ ડર રાખવાની જરૂર નથી.’

દિવસ, ચોઘડિયાં અને તારીખનો અતિરેક સાઇકોલૉજિકલી કેટલો જોખમી?

કાંદિવલીમાં રહેતી ૩૯ વર્ષની એક અતિશય ધાર્મિક અને આધ્યાત્મિક મહિલાના ૧૨ વર્ષના દીકરાને તાવ આવ્યો. ૧૦૪ ડિગ્રી તાવ હતો, પણ તેની મમ્મીનો નિયમ કે શનિવારે હૉસ્પિટલમાં કે ડૉક્ટર પાસે ન જવાય એટલે તેમણે એ આખો દિવસ ઘરે જ રૂટીન દવા આપીને ડૉક્ટર પાસે જવાનું અવોઇડ કર્યું. બીજે દિવસે રવિવાર હતો અને તેમણે ડૉક્ટર પાસે જવામાં આળસ કરી, કારણ કે ફૅમિલી ડૉક્ટરનું ક્લિનિક એ દિવસે બંધ હોય. એટલે છેક સોમવારે તેની તપાસ થઈ. રિપોર્ટ્સ સાંજે આવ્યા ત્યારે ખબર પડી કે તેને ટાઇફૉઇડ હતો. હજી જો એક દિવસ મોડું થયું હોત તો કદાચ કેસ ટ્રીટેબલ પણ ન હોત એવું ડૉક્ટરોએ કહ્યું. લગભગ ૧૫ દિવસ માટે તેને હૉસ્પિટલમાં રાખવો પડ્યો. જોકે એ પછી પણ એ મહિલા શનિવારે ડૉક્ટર પાસે નહીં જવાના નિયમને વળગી રહી છે.

અંધેરીમાં રહેતી અને બૅન્કમાં જૉબ કરતી એક યુવતી અત્યારે ૪૯ વર્ષની છે. તેનાં લગ્ન નથી થઈ શક્યાં તેના પેરન્ટ્સની શુકન અને અપશુકનની અનરીઝનેબલ માન્યતાઓને કારણે. ૨૨ વર્ષ પછી તેના માટે ઘણાં માગાંઓ આવવાનાં શરૂ થઈ ગયાં હતાં, પરંતુ કોઈ માગું કાળી ચૌદશ કે અમાસના દિવસે આવ્યું હોય તો તેની સાથે તેમને સંબંધ નહોતો જોડવો. આ ઉપરાંત કોઈ માગું સારા દિવસે આવ્યું હોય તો મીટિંગ ગોઠવવામાં દિવસો અને ચોઘડિયાં જોવાના તેમના અતિઆગ્રહને કારણે વાત આગળ નહોતી વધતી. આ બધામાં છોકરીની ઉંમર વધતી જતી હતી. પેરન્ટ્સનો તારીખ, દિવસ અને ચોઘડિયાનો વધુ પડતો ચંચુપાત થવાને કારણે વાત આગળ વધી નહીં. છોકરીની ઉંમર વધતી ગઈ. અત્યારે તે છોકરી પોતાનાં લગ્ન નહીં થવા બદલ પેરન્ટ્સને કોસી રહી છે.

ઍર ઇન્ડિયામાં કામ કરતું એક કપલ અતિશય ધાર્મિક વૃત્તિ ધરાવનારુ હતું. અમુક અંશે મુરત, ચોઘડિયાં અને શુભ-અશુભ દિવસમાં તેઓ માનતાં હતાં. પરંતુ તેમની આ માન્યતા તેમનાં સંતાનોમાં એટલા મોટા અંશે દૃઢ અને ઑબ્સેસિવ લેવલ પર ઘર કરી ગઈ હતી કે તેમણે મોડે સુધી લગ્ન જ ન કયાંર્ અને લગ્ન થયાં એ પછી પણ એક જ વર્ષમાં તેમના આ અતિશય આગ્રહવાળા વર્તનને કારણે તેમનું લગ્નજીવન તૂટી ગયું.

ઉપરોક્ત દાખલાઓ આપીને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘ઘણા લોકો એવા હોય છે જેઓ માને છે કે શનિવારે શૉપિંગ ન કરાય. બે કલાક શૉપિંગમાં બગાડીને પછી અચાનક તેમને યાદ આવે કે આજે તો શનિવાર છે એટલે કંઈ પણ લીધા વિના તેઓ ઘરે પાછા વળ્યા હોય. આ સમયની બરબાદી છે. કાળી બિલાડી રસ્તો કાપે અને હું મારી મીટિંગ કૅન્સલ કરું તો એ મારા અને બીજાના સમયની બરબાદી છે. કોઈ પણ માન્યતા કે રીતરિવાજો વર્ષોથી આપણે ત્યાં ચાલે છે. એ બની શકે કે આજથી બસો- પાંચસો વર્ષ પહેલાં એનું મૂલ્ય હોય અને એ સમય સાથે સાપેક્ષ થતા હોય, પણ આજના સમયે એ સાપેક્ષ ન પણ હોય.’

આ જ વાતને આગળ વધારતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘આપણે ત્યાં જે રીતરિવાજો પાળવામાં આવી રહ્યા છે એ લોકોને બાંધવાનું કામ કરે છે. એની પાછળ સાયન્સ કે કોઈ સાઇકોલૉજિકલ કારણ પણ સંકળાયેલું હોઈ શકે. પરંતુ એને ભૂલીને લોકો એ રિવાજ સાથે બંધાઈ જાય છે. જેમ કે ઘરનો કકળાટ કાઢવા માટે ચાર રસ્તે જઈને ભજિયાં મૂકવાનો રિવાજ આજે પણ અનેક ઘરોમાં પળાય છે. અને એની પાછળનું લૉજિક શોધનારા લોકો એમ કહી શકે કે ભજિયાંનું માધ્યમ લઈને મનમાં કકળાટ કાઢવાના વિચારને દૃઢ કરવાની આ વાત છે. પરંતુ મારે એમ કહેવું છે કે શા માટે કકળાટ કાઢવાનો વિચાર કરવા માટે ભજિયાંનું માધ્યમ છે? જેમ ભજિયાંનું માધ્યમ આત્મવિશ્વાસ જગાડે છે એમ એ નહીં કરી શકનારા લોકોમાં ડર પણ જન્માવે છે. પહેલાંના જમાનામાં એ લેવલની અવેરનેસ નહોતી, સ્ત્રીઓમાં શિક્ષણ અને આત્મવિશ્વાસ નહોતાં. એટલે આવા માધ્યમની જરૂર હતી. પરંતુ હવે તો એ બધું જ છે. તો શા માટે ભજિયાંના એ માધ્યમને વળગી રહેવું જોઈએ? ઇનફૅક્ટ ક્યારેય એ વિચાર્યું છે કે ભજિયાં અને શ્રીફળ રોડ પર નાખવાને કારણે કેટલી ગંદકી ફેલાય છે? ખાવાની વસ્તુનો વેસ્ટેજ થાય છે. એના કરતાં એ જ વસ્તુ કેમ કોઈને ખવડાવી ન શકાય? કોઈ ગરીબનું પેટ ભરાવીને કકળાટ કાઢવાના વિચારને કેમ અમલમાં ન મૂકી શકાય? કેમ બાવાઓ પાસે જઈને સમસ્યાનું સમાધાન કરવામાં આવે? એ લોકો જો ભગવાન સાથે વાત કરી શકતા હોય તો ભગવાન આપણી સાથે વાત કેમ ન કરે? શું ભગવાનને આપણી સાથે કોઈ દુશ્મની છે? જો તે સર્વ જગ્યાએ હોય અને સર્વના હોય તો આપણે તેમની સાથે ડાયરેક્ટ આપણા પ્રૉબ્લેમ શૅર કરીને પણ આપણી સમસ્યાનો હલ શોધી જ શકીએ. એમાં બાવાઓને વચ્ચે લાવવાની શી જરૂર છે?’

જીવન બંધિયાર બનાવે છે આ રિવાજો?

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આનંદ એક મહત્વની બાબત પર ધ્યાન દોરતાં કહે છે, ‘જીવનનો મતલબ છે આગળ વધવાનું. જેમ આપણા શરીરમાં સતત રક્ત પરિભ્રમણ થાય છે એ જ સંદેશ છે જીવન સતત વહેતું રહેવું જોઈએ. સતત આગળ વધતા રહો અને એ આગળ વધવામાં માટે જે પોષક હોય એને અપનાવતા રહો. પરંતુ જો કોઈ વિચાર, કોઈ માન્યતા, કોઈ રીતરિવાજ તમારા પ્રવાહમાં રુકાવટ ઊભી કરતા હોય કે તમને બંધિયાર બનાવતા હોય તો એનાથી ક્યારેય ક્વૉલિટી લાઇફ નહીં મળે એ સતત યાદ રાખવું જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK