શ્રીમંત થવાને બદલે સમૃદ્ધ થવાની દિશામાં ખુશી વધુ હોય

Published: 29th October, 2014 05:22 IST

ક્યારેય કોઈ કામ વિજેતા બનવા માટે થતું નથી હોતું અને જો એ રીતે કામ થતું હોય તો એ કામમાં વિજેતા બનવાની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી હોતી.
સ્પેશ્યલ કમેન્ટ - કૈલાસ સત્યાર્થી, નોબેલ પ્રાઇઝ વિનર

કામને સક્ષમતા સાથે કરવું જોઈએ અને સહજ રીતે કરવું જોઈએ. પછી એ કોઈ પણ કામ હોય. તમારા પ્રોફેશન સાથે જોડાયેલું હોય તો પણ આ જ વાત યાદ રાખવાની અને જો એ સોસાયટી સાથે જોડાયેલું હોય તો પણ આ જ વાતનો અમલ કરવાનો. ૧૯૮૦થી સોસાયટી સાથે છું, પણ મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું આ કામ કોઈના માટે કે કોઈના બેનિફિટ માટે કરી રહ્યો છું. જે સમયે એવો વિચાર મનમાં આવશે એ સમયે કોઈ જગ્યાએ મારા મનમાં મારી જાત માટે અહોભાવ આવવો શરૂ થશે અને એ અહોભાવ આવશે એ સમયે કામ કરવામાં પણ ઉપકારની ભાવના દેખાઈ આવશે. જુઓ, એક વાત યાદ રાખવાની કે સમાજસેવા કે પછી સોસાયટી માટે કરવામાં આવતાં કોઈ પણ કામ માટે ક્યારેય કોઈએ ઇન્વિટેશન નથી આપ્યું હોતું. મહાત્મા ગાંધીને આઝાદીની ચળવળ માટે આગળ આવવા માટે કોઈએ કહ્યું નહોતું અને મને પણ બાળકોને એજ્યુકેશન માટે કે પછી ચાઇલ્ડ લેબર અટકે એ દિશામાં કામ કરવાનું કોઈએ કહ્યું નહોતું. મેં જોયું અને મને લાગ્યું કે આ કામ મારે કરવું જોઈએ એટલે મેં એ શરૂ કર્યું અને આજે પણ મને લાગે છે કે મારે આ કામ કરવું જોઈએ એટલે કરી રહ્યો છું.

સોશ્યલ વર્કમાં નવી જનરેશન આવે એવું હું ઇચ્છું છું. પહેલાં કરતાં વધારે જાગ્રત રીતે આ કામ આજે થઈ રહ્યું છે, પણ એમાં નવી જનરેશનનો અભાવ છે. યંગસ્ટર્સ જોવા નથી મળતા. કૉલેજ દરમ્યાન કે ધાર્મિક માનસિકતા વચ્ચે કેટલીક વખતે કોઈ જગ્યાએ યંગસ્ટર્સ દ્વારા સોશ્યલ વર્ક થતું જોવા મળે છે, પણ એ અમુક સમય પછી અટકી જતું હોય છે અને કરીઅર પર ધ્યાન આપવાના ઇરાદાથી સોશ્યલ વર્કની દિશાઓ છૂટી જતી હોય છે.

નવી જનરેશન આ ફીલ્ડમાં આવશે તો ભારત વધુ ઝડપથી વિકાસના પથ પર હશે એવું કહેવામાં મને કંઈ ખોટું નથી લાગી રહ્યું. એજ્યુકેશન ઇઝ મસ્ટ ફૉર ધી સોસાયટી. આજે દેશમાં લિટરસીનો આંક ઊંચો આવી રહ્યો છે, પણ એની જે ગતિ છે એ બહુ ધીમી છે. કોઈ એક માણસથી કે કોઈ એક સંસ્થાથી ક્યારેય આ કામ થઈ નહીં શકે. ભારતનું ભવિષ્ય ચા આપવાનું કે ગાડી સાફ કરવાનું કામ કરે એ ઘટના જ શરમજનક છે. જો આવું શરમજનક ભવિષ્ય ન જોઈતું હોય તો સૌ કોઈએ પોતાની રીતે આગળ આવવું પડશે અને સોસાયટી માટે પોતાનાથી શક્ય હોય એ કામ કરવું પડશે. હું માનું છું કે શ્રીમંત થવાને બદલે કોઈને ખુશ કરી સમૃદ્ધ થવાનું કામ વધુ ખુશી આપનારું હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK