હવે ફિલ્મમાં સ્ટોરી અને સ્ક્રીનપ્લે શોધવાં જવાં પડે

Published: 22nd October, 2014 04:58 IST

આમ તો હેલ્થના કારણે ફિલ્મો ઓછી જોવાય છે, પણ જે કોઈ ફિલ્મો જોવાય છે એ જોતાં એવું લાગે કે ફિલ્મો ન જોવાય તો એમાં ખાસ કંઈ બગડી જવાનું નથી; કારણ કે એમાં કંઈ જોવા જેવું હોતું જ નથી.
સ્પેશ્યલ કમેન્ટ - કાદર ખાન, ઍક્ટર-રાઇટર

ફિલ્મમાં હવે સ્ટોરી-સ્ક્રીનપ્લે તો શોધવાં જવાં પડે છે. પહેલાંના સમયમાં સ્ટોરી એવી સ્ટ્રૉન્ગ રહેતી કે એ સાંભળતી વખતે થતું કે આના પર તો ફિલ્મ બનવી જ જોઈએ. આ વિચાર પછી એ સબ્જેક્ટ પર ફિલ્મ બનવાની શરૂ થતી. કહેવાનો ભાવાર્થ એ છે કે સ્ટોરી મહત્વની રહેતી, પણ હવે એવું લાગતું નથી. હવે તો બહુ બધાં બીજાં મૅથ્સ કામ કરે છે. થિયેટરનું બુકિંગ ઍડ્વાન્સમાં થઈ ગયું છે એટલે ફિલ્મ બને છે. સ્ટારની ડેટ્સ મળી ગઈ છે એટલે ફિલ્મ બને છે. સારું મ્યુઝિક રેડી પડ્યું છે એટલે ફિલ્મ બને છે. કલ્ટ કહેવાય એવી જૂની ફિલ્મના રાઇટ્સ મળી ગયા છે એટલે ફિલ્મ બનાવવામાં આવે છે. હું તો માનું છું કે હવે ફિલ્મ બનતી નથી, હવે પ્રોજેક્ટ ડિઝાઇન થાય છે અને ફિલ્મને એક પ્રોડક્ટની જેમ હૅન્ડલ કરવામાં આવે છે. નવી પ્રોડક્ટ લૉન્ચ થાય ત્યારે જે રીતે એને ગાઈ-વગાડીને બધાની સામે મૂકવામાં આવે એવું પણ હવે ફિલ્મ રિલીઝના સમયે કરવામાં આવે છે. જોકે એમાં કંઈ ખોટું નથી. પ્રોડક્ટની જેમ ફિલ્મનું માર્કેટિંગ થાય તો એ સારી વાત છે, પણ પ્રોડક્ટ બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખોટી છે એવું તો માનું જ છું.

આજની ફિલ્મમાં ટેક્નૉલૉજીનું પ્રમાણ વધ્યું છે, પણ ઇમોશનનું લેવલ ડાઉન થયું છે. હવે સારા ડાયલૉગ્સને બદલે ક્વોટેબલ ક્વોટ્સ સીધા મૂકી દેવામાં આવે છે. કૅરૅક્ટરાઇઝેશનની સીધી નકલ કરવામાં આવે છે અને આગળ કહ્યું એમ સ્ટોરી તો હોતી જ નથી. અફસોસ ત્યારે થાય કે એવું કશું નથી હોતું એ પછી પણ ફિલ્મ બિઝનેસ કરી લે છે. ફિલ્મના બિઝનેસમાં ચીટિંગની અસર વધારે દેખાતી રહેતી હોય છે. મોટા સ્ટાર હોય એટલે તેના નામ સાથે ઑડિયન્સ આવી જાય, પણ એનો અર્થ એવો નથી કે ફિલ્મ સુપરહિટ છે. બૉક્સ-ઑફિસ પર ફિલ્મ સુપરહિટ થઈ એવો એનો અર્થ થાય.

એક સમય હતો કે જ્યારે ફિલ્મના બિઝનેસની પહેલાં ચિંતા કરવામાં નહોતી આવતી, પણ પહેલાં સારા સિનેમાનો વિચાર કરવામાં આવતો. એક સરસ ક્રીએશન તૈયાર કરવાની ઇચ્છા સૌની રહેતી અને એ ઇચ્છા વચ્ચે જ બધા કામ કરતાં. પૂરી મહેનતથી કામ થતું. કલાકોના કલાકો સાથે મળીને ડાયલૉગ્સથી લઈને સ્ટોરી પર ચર્ચા થતી અને એ પછી કામ આગળ વધતું. એ સમયે ફિલ્મમાં મોટાં લોકેશન જોવાં નહોતાં મળતાં, પણ વિચારો મોટા હતા એ દેખાઈ આવતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK