જેવીપીડીના બસડેપોમાં કચરાનું સામ્રાજ્ય

Published: 23rd December, 2011 06:40 IST

ડેપોના કૅન્ટીનચાલકો કચરો દૂર કરવાને બદલે ત્યાં જ ઠાલવીને હેરાન કરે છે અન્ય દુકાનદારોનેજુહુ સર્કલ પાસે આવેલી બેસ્ટ (બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ) અન્ડરટેકિંગના જેવીપીડી ડેપોમાં મોટા પાયે ઠલવાઈ રહેલા કચરાને કારણે ત્યાંના દુકાનદારો તોબા પોકારી ઊઠ્યા છે. બેસ્ટ પ્રશાસન આ કચરાપેટી અન્ય સ્થળે ખસેડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ડેપોના કૅન્ટીનચાલકો કચરો દૂર કરવાની ફરિયાદ કરવાને બદલે ત્યાં જ કચરો ઠાલવી રહ્યા હોવાનો આક્ષેપ દુકાનદારોએ કર્યો હતો. જેવીપીડી ડેપોની બાજુમાં કૅન્ટીન ધરાવતા શિવકુમારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈની ક્લીન-અપ વૅન ડેપોમાં મોટા પાયે જમા થયેલો કચરો ક્યારેક લઈ જાય છે અને ક્યારેક નથી લઈ જતી. કૅન્ટીનમાં નાસ્તો કરવા આવતા લોકોને કચરાને કારણે દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ સહન કરવો પડે છે. એની અસર અમારા વ્યવસાય પર પણ પડી છે. સુધરાઈ અને બેસ્ટ પ્રશાસને મળી ડેપોમાંથી આ કચરો ઠાલવવાની વ્યવસ્થા અન્ય સ્થળે કરવી જોઈએ.’

ગણેશ ચાટના દુકાનમાલિક સુરેન્દ્ર યાદવે કહ્યું હતું કે ‘ઝાડુવાળા સવારે એક જ વાર આવે છે. એને બદલે હજી બેથી ત્રણ વાર આવવું જોઈએ. બેસ્ટનો ડેપો અને કૅન્ટીન હોય એવો પરિસર સ્વચ્છ હોવો જોઈએ. બેસ્ટની બસમાં ચડતા પ્રવાસીઓએ કચરાની દુર્ગંધ આવતાં નાક બંધ કરવું પડે છે.’

બૅટરીની દુકાન ધરાવતા ઈશાન શેખે કહ્યું હતું કે ‘બેસ્ટના જ કૅન્ટીનમાલિક દ્વારા દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે કચરો ઠાલવવામાં આવે છે. તેઓ એવી દાદાગીરી કરે છે આ બેસ્ટની જગ્યા છે, તમને શું વાંધો છે. ક્લીન-અપ માર્શલોને અહીં કચરો કરનારાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓ એક-બે દિવસ આવ્યા બાદ ફરક્યા જ નહોતા. વસ્ત્રો તૈયાર કરનારા કારખાનાની ચિંદી ફેંકીને પણ ગંદકી કરવામાં આવે છે. કેટલીયે વાર અમે દુકાનદારોએ પૈસાની ઉઘરાણી કરીને કચરાનો નિકાલ કર્યો છે, પણ દરરોજ કઈ રીતે કરીએ?’

બેસ્ટ પ્રશાસનનું શું કહેવું છે?

ડેપોના પરિસરમાં કચરાનું સામ્રાજ્ય હોય એ બહુ ખોટું કહેવાય એમ જણાવીને બેસ્ટના અધિકારીએ કહ્યું હતું કે ‘આ મામલે અમે તપાસ કરીને પગલાં ભરીશું. આગામી કેટલાક દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK