આમ તો આ ૮૦ના દસકાની એક ફિલ્મ છે, જસ્ટિસ ચૌધરી. જિતેન્દ્ર એમાં લીડ ઍક્ટર હતો. ન્યાયની બાબતમાં કોઈની પણ સાડાબારી નહીં રાખનારા જસ્ટિસ ચૌધરી સામે જ્યારે પોતાના જ દીકરાના ગુનાનું જજમેન્ટ આપવાનું આવ્યું ત્યારે તે કેવી કફોડી અવસ્થામાં મુકાયા એવો એ વિષય હતો, પણ અહીં આપણે એ જસ્ટિસ ચૌધરી કે પછી જિતેન્દ્રની વાત નથી કરવાની. અહીં વાત કરવાની છે આપણી અંદર જીવી રહેલા જસ્ટિસ ચૌધરીની. હા, ફિલ્મનું એ જે કૅરૅક્ટર હતું એવું જ કૅરૅક્ટર આપણા સૌની અંદર છે. આપણે બધા જજમેન્ટ આપનારા બની ગયા છીએ. રસ્તા પર ખાડા પડી ગયા, કૉન્ટ્રૅક્ટર ચોર છે. દાળનો ભાવ વધી ગયો, સરકાર ચોર છે. પેલી સામે રહેતી હતી તે છોકરી દેખાતી નથી, બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હશે. ખેડૂતો રસ્તા પર છે, બ્લૅકના વાઇટ થતા બંધ થઈ ગયા એટલે. રાતે પાડોશીના ફ્લૅટની લાઇટ ચાલુ હતી, આખી રાત ઝઘડો ચાલ્યો હશે. બધી વાતમાં અને દરેક વાતમાં આપણે એક ચુકાદા પર પહોંચી જઈએ છીએ અને અફસોસની વાત એ છે કે આ જ કામ જ્યારે સામેવાળો કરે, તમારે માટે કોઈ જજમેન્ટ આપવાની તૈયારી પણ કરશે ત્યારે એક જ સેકન્ડમાં મગજ ફાટી જાય છે.
પરિસ્થિતિ અને સંજોગો વિશે કોઈ જાતની જાણકારી ન હોય તો એના વિશે કમેન્ટ કરવા કરતાં ચૂપ રહેવું વધારે હિતાવહ છે, પણ ના, એવું નથી થતું. આવું નહીં થવાનાં અઢળક કારણો પૈકીનું એક કારણ સૌથી મહત્ત્વનું છે. હવે વિચારોમાં નકારાત્મકતા વધતી જાય છે. જવાબ જોશો તો તમને દેખાશે કે એક પણ જવાબમાં ક્યાંય હકારાત્મકતાનો અંશ નથી. બસ, દરેક વાતમાં, દરેક જવાબમાં અને દરેક દલીલમાં નકારાત્મકતા અને મનની ગંદકીનો જ ઉલ્લેખ છે. હકારાત્મકતા જીવનમાં હશે તો જીવન હકારાત્મક દિશામાં આગળ વધશે અન્યથા જીવન અંધકાર જેવી નકારાત્મકતા સાથે એની દિશામાં ખેંચાઈ જશે. શ્રી શ્રી રવિશંકરને મળવાનું બન્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હકારાત્મકતા મનમાં હશે તો જગતની તમામ ઘટનામાં પણ હકારાત્મકતાનો અહેસાસ થશે, પણ જો મનમાં નકારાત્મકતા હશે તો શરીર પર આવતી ખંજવાળથી પણ ડર લાગશે.’
નકારાત્મકતા છોડવી પડશે. જો એ છોડવામાં મોડું કરશો તો એક તબક્કો એવો આવીને ઊભો રહી જશે કે તમે નકારાત્મકતાના ગુલામ થઈ જશો અને એ ગુલામી બહુ ખરાબ છે. પૉઝિટિવ રહેવાથી એક લાભ તો ચોક્કસપણે થશે કે કોઈ તમારું કંઈ બગાડી નાખશે એ ડર મનમાંથી લુપ્ત થઈ જશે. આ ડર મનમાંથી કાઢવો અનિવાર્ય છે. આજની આ હરીફાઈવાળી લાઇફમાં જો આવો ડર મનમાં રહેશે તો ઇચ્છા મુજબનો પર્ફોર્મન્સ નહીં કરી શકો, પણ જો ડર નહીં હોય તો તમે ચોક્કસપણે તમારે જે કરવું છે અને જેવું પર્ફોર્મ કરવું છે એ મુજબનું તમે કરી શકશો. અંગત રીતે હું માનું છું કે હકારાત્મકતા જીવનમાં બહુ જરૂરી છે. વારંવાર નકારાત્મકતા સાથે આગળ વધનારાઓ સાથે રહેવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે હકારાત્મકતા જેટલી ઝડપથી તમને આકર્ષી ન શકે એટલી ઝડપથી નકારાત્મકતા તમને ખેંચતી હોય છે.
ભાષાપુરાણ: ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે
27th February, 2021 09:40 ISTશાસન કરવું અને શાસક બનવું એ બન્ને વચ્ચેનો ફરક સૌકોઈએ સમજવો જોઈએ
26th February, 2021 10:52 ISTમોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવાનો નિયમ લેવામાં લાભ સંબંધોને છે
25th February, 2021 11:16 ISTજરૂરી છે લોકો સુધી સંદેશ પહોંચે, પણ વાજબી રીતે હોય એ આવશ્યક છે
24th February, 2021 12:04 IST