જર્મનીના કૉલોગ્ને શહેરમાં રહેતો મિકાઇલ અકાર નામનો સાત વર્ષનો ટેણિયો જ્યારે ચાર વર્ષનો હતો ત્યારથી પેઇન્ટિંગ પર હાથ અજમાવવા લાગ્યો હતો. નવાઈની વાત એ છે કે ત્રણ જ વર્ષના મહાવરામાં તેનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત થઈ ગયું છે. હાલમાં તેણે તૈયાર કરેલી તસવીરો જબરા ઊંચા ભાવે વેચાય છે. તાજેતરમાં તેણે બનાવેલું એક સ્ટાર ફુટબૉલરનું પેઇન્ટિંગ ૮.૫૧ લાખ રૂપિયામાં વેચાયું છે જેને કારણે સ્થાનિક મીડિયાએ તો મિકાઇલને પ્રી-સ્કૂલ પિકાસો કહેવા લાગ્યા છે અને પેઇન્ટિંગ જગતમાં દંતકથા સમાન સ્પેનના આ પેઇન્ટર જેવી પ્રતિભા તેનામાં હોવાનો દાવો થઈ રહ્યો છે. તે અવારનવાર મીડિયા અને લાઇમલાઇટમાં આવતો રહ્યો છે અને હવે તો તેને પ્રસિદ્ધિ માફક આવી ગઈ છે. અલબત્ત, ભલે તેને પેઇન્ટિંગ ક્ષેત્રે આટલી નામના મળતી હોય, તેની ખરી ઇચ્છા તો મોટા થઈને ફુટબૉલર બનવાની જ છે. જર્મની, ફ્રાન્સ અને અમેરિકાના લોકોને તેના પેઇન્ટિંગમાં ઘણો રસ પડે છે.