Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઠેકડાબાજીઃ આનું નામ સફળતા

ઠેકડાબાજીઃ આનું નામ સફળતા

22 March, 2020 08:22 PM IST | Mumbai Desk
Dr. Dinkar Joshi

ઠેકડાબાજીઃ આનું નામ સફળતા

ઠેકડાબાજીઃ આનું નામ સફળતા


૨૦૧૯ની સંસદની ચૂંટણી પછી હજી માંડ એક વરસ પૂરું થવા જઈ રહ્યું છે. આ એક વરસમાં કેન્દ્ર સરકારે આંગળી ચીંધી શકાય એવાં કામ કર્યાં છે. આંગળી ચીંધી શકાય એવાં કામોની વિશેષતા એ હોય છે કે એ સર્વાનુમતિ નથી હોતાં. ૩૭૦મી કલમ હોય કે ત્રાસવાદીઓને ઝબ્બે કરવાનો કોઈક કાનૂન હોય. આપણા વિરોધ પક્ષો પછી એ ભલે કૉન્ગ્રેસ હોય, બીજેપી હોય કે નાનામોટા કોઈ પણ ફૂટકલિયાઓ હોય. વિરોધ પક્ષ વિરોધ, સરકાર જે કંઈ કરે એનો વિરોધ. સીએએનો વિરોધ કરનારાઓને પાસે બોલાવીને કાનમાં પૂછી જોજો, આ સીએએ એટલે શું? 

૨૦૧૯ પછી દેશમાં જેટલી ચૂંટણીઓ થઈ એ બધી ચૂંટણીઓ જીત્યા કે હાર્યા પછી, સરકાર રચવામાં કે રચવા નહીં દેવામાં, સરકાર રચાઈ ગઈ હોય તો સાગમટે નાતરું કરીને નવું ઘરઘરણું કરવાનું આયોજન કરવામાં રાજકીય પક્ષો અને રાજપુરુષો ચોવીસે કલાક વ્યસ્ત રહ્યા છે. એવું લાગે છે દેશમાં રાજકીય પક્ષોને બે જ કામ છે. રચાયેલી સરકારને યેનકેન પ્રકારેણ તોડી નાખો અથવા તો નવી ચૂંટણી શી રીતે લાવી શકાય એનાં ષડયંત્રો રચ્યા કરો.
આ ષડયંત્રોના એક ભાગ તરીકે જે સૌથી વરવું દૃશ્ય જોવા મળે છે એ દૃશ્ય ધારાસભ્યોને હવાઈ જહાજ, બસ કે પછી અન્ય ખાનગી વાહન મારફતથી પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યની સરહદે રિસૉર્ટ કે ફાઇવ સ્ટાર હોટેલમાં ગોઠવી દેવા. પછી આ ફેંકાફેંકી મધ્ય પ્રદેશની સરકાર ઊથલાવી દેવા થતી હોય કે પછી ગુજરાતની રાજસભાની ચૂંટણી માટે થતી હોય. ધારાસભ્યોનો કોથળો ભરીને, આ કોથળો ટેમ્પોમાં ખડકીને આ ટેમ્પો ક્યાંક વાડીખેતરમાં સંતાડી દેવો એવા રાજકારણની આ અદ્યતન પદ્ધતિનો આરંભ ગુજરાતે કર્યો કહેવાય. આયારામ ગયારામનો જશ જો હરિયાણાને મળે (ભજનલાલ, દેવીલાલ અને બંસીલાલ – યાદ છેને આ ત્રણ લાલ.) તો ધારાસભ્યોનો આ કોથળાકાંડનો જશ ગુજરાતને મળે એમ છે. (પંચવટી ફાર્મ અને ચીમનભાઈ પટેલ સાંભરે છેને?)
મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના મળતિયાઓએ કૉન્ગ્રેસની ચાલતી ગાડીમાંથી ઠેકડો માર્યો. ગાડી નહોતી ચાલતી એમ નહીં પણ ગાડીના જે ડબ્બામાં તેમને જગ્યા ફાળવવામાં આવી હતી એ જગ્યા બારી પાસે નહોતી. તેમણે ચાલુ ગાડીએ ઠેકડો માર્યો અને તેમને રજાકજા ન થાય એ માટે તેમને ઝીલી લેવા કમળ પથારી પાથરેલી જ હતી. જ્યોતિરાદિત્ય ઠેકડો મારીને ભોંયને સ્પર્શે એ પહેલાં જ આ કમળ પથારી ઉપર રાજસભાની ટિકિટની ચાદર પાથરી દેવામાં આવી હતી.
હવે મધ્ય પ્રદેશની સરકાર ડામાડોળ થઈ. જે રીતે કર્ણાટકની સરકાર આગળ-પાછળ થઈ ગઈ એ જ રીતે મધ્ય પ્રદેશની સરકારનું પણ આવી બન્યું. લોકશાહીમાં સમયાંતરે સરકારો આવે અને જાય. આ સહજ ક્રમ છે. પણ આપણે ત્યાં જે રીતે કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા આ બધી સરકારો જે રીતે આવી અને જે રીતે ગઈ એ ભારે અસહજ છે. આ સરકારોના આવાગમનની વાત લોકશાહીના ઇતિહાસમાં સંભારવી ગમે એવી નથી.
અખબારી અહેવાલો એવા છે કે મધ્ય પ્રદેશના કૉન્ગ્રેસના ધારાસભ્યોને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી તોડે નહીં એટલા માટે તેમને જયપુર એક રિસૉર્ટમાં આરામ ફરમાવવા રાખ્યા છે. એવું પણ કહેવાય છે કે કેટલાક ધારાસભ્યોને બીજેપીએ પોતાની મહેમાનગતિ હેઠળ ક્યાંક સંતાડીને લહેર કરવા રાખ્યા છે. મધ્ય પ્રદેશ સરકારના એક મંત્રીએ બીજેપીની આ મહેમાનગતિને વખોડી કાઢી.(તેમણે જયપુરની મહેમાનગતિ વખોડી નથી.) બીજેપીની આ મહેમાનગતિ કૉન્ગ્રેસના સભ્યો પર તાંત્રિક વિદ્યા અજમાવીને કરવામાં આવી છે એવો તેમણે આક્ષેપ કર્યો. બીજેપીએ કૉન્ગ્રેસના આ સભ્યો પર મંત્રેલા દાણા છાંટ્યા અને અમુક મંત્ર તંત્ર અજમાવ્યા એવો આક્ષેપ તેમણે મૂક્યો.
આ મંત્ર તંત્રની વાત થોડીક વિચારવા જેવી છે. જે શક્તિ મનને કેન્દ્રમાં રાખીને પ્રયોજાય એ શક્તિને મંત્ર શક્તિ કહે છે અને જે શક્તિ તન એટલે કે માત્ર શરીરને કેન્દ્રમાં રાખીને પ્રયોજાય એને તંત્ર કહે છે. મંત્ર શક્તિને સાત્ત્વિક માનવામાં આવે છે અને તંત્ર શક્તિને તમસના છેડા અડતા રહે છે. મંત્ર શક્તિને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાં સમર્થન મળે છે અને તંત્ર શક્તિને અથર્વવેદનું સમર્થન સાંપડ્યું છે. વશીકરણ મંત્ર જેવા કેટલાય મંત્રો આ અથર્વ વેદમાં આપવામાં આવ્યા છે. મંત્ર શક્તિથી જે કામો પાર પાડી શકાતાં નથી એવાં કામો તંત્ર શક્તિથી પાર પડે છે એવું માનનારો બહોળો વર્ગ અહીં છે જ.
શક્તિ સમજી શકાતી નથી. શક્તિ એટલે શસ્ત્રો અથવા શસ્ત્રવિદ્યા એવો અર્થ મર્યાદિત છે. વાસ્તવમાં માણસની અંદર રહેલી શક્તિ આ બહાર દેખાતી શક્તિ કરતાં અનેકગણી વધુ હોય છે પણ જે શક્તિ વધુ હોવા છતાં વધુ દેખાતી નથી એ શક્તિ જ વાસ્તવમાં વધુ શક્તિમાન છે. ઉપરના કિસ્સામાં બીજા પર પ્રભાવ પાથરવાની અને એ રીતે સામેવાળા માણસને પોતાને વશ રાખવાની વૃત્તિ દેખાય છે. કોણ જાણે કેમ ઘણાખરા માણસોમાં બીજાને પોતાને વશ રાખવાની વૃત્તિ વધતા-ઓછા પ્રમાણમાં દેખાય જ છે. માણસમાં અહંવૃત્તિ ક્યારેય નિર્મૂળ થતી નથી. આ અહંવૃત્તિને કારણે એ બીજા પર પોતાનો પ્રભાવ પાથરવા મથે છે. આચાર્ય રજનીશ રાજકારણીઓ માટે એવું કહેતા કે જે માણસ લઘુતાગ્રંથિથી પીડાતો હોય એ માણસ જ રાજકારણમાં સક્રિય થાય છે. જે માણસમાં લઘુતાગ્રંથિ હોય એ માણસ બીજા માણસોને એવું દેખાડવા મથે છે કે તેનામાં લઘુતાગ્રંથિ નથી અને પોતે બીજાઓ પર પ્રભાવ પાથરી શકે એવો શક્તિશાળી છે. આવું પ્રસ્થાપિત કરવા માટે તે ટોળામાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે, સૂત્રો બોલાવે છે, ભાષણો કરે છે અને ટોળાની આગેવાની લેવા માટે ધમાચકડી કરે છે
ઇન્દિરા ગાંધી અત્યંત સમર્થ રાજકારણી હતાં. બુદ્ધિપૂર્વકની રાજકારણી વ્યૂહરચનાઓમાં એ અત્યંત સમર્થ હતાં અને આમ છતાં જે મેદાનમાં ઊતરે છે તેને પરાજયની આશંકા તો હોય જ. આવી આશંકાનું નિવારણ કરવા માટે આપણે જેને તાર્કિક ન કહીએ એવી યુક્તિઓનો પણ તે સહારો લેતાં. ધીરેન્દ્ર બ્રહ્મચારી નામના એક સંન્યાસી ઉપર તેમને ભારે વિશ્વાસ હતો. આ ધીરેન્દ્ર બ્રહ્મચારી ઇન્દિરાજીના વિજય માટે મંત્રો તંત્રો પાઠપૂજા ઇત્યાદિ ઇન્દિરાજીની સહમતીથી જ કરતા. હેમવતીનંદન બહુગુણા ઇન્દિરાજીનો જમણો હાથ હતા. બહુગુણાજી પણ હિમાલયમાં વસતા એક ટાટબાવા નામના સાધુના ભક્ત હતા અને મંત્રોપચારો કરાવતા. રાજકારણમાં માત્ર મતદાનથી જ વિજય નથી મળતો. હત્યાથી માંડીને વશીકરણ મંત્રો સુધીનાં તમામ હાથવગાં હથિયારો અહીં વાપરવામાં આવે છે. આવાં હથિયારો જેઓ વધુ વાપરી શકે છે તેઓ વધુ શક્તિશાળી ગણાય છે.
એક સફળ માણસને તેની સફળતાની ટોચ જેવા એક પ્રસંગે એક પત્રકારે તેની આ સફળતાનું રહસ્ય પૂછ્યું. પેલા માણસે સહજતાથી જવાબ આપ્યો – ‘જ્યારે ક્યાંય પણ અવસર મળે છે ત્યારે હું ઠેકડો મારીને એ અવસર ઝડપી લઉં છું.’
‘પણ અવસર મળ્યો છે એની તમને ખબર શી રીતે પડે?’ પેલા પત્રકારે પ્રતિ પ્રશ્ન કર્યો.
‘સાવ સહેલું છે.’ પેલા સફળ માણસે જવાબ આપ્યો. ‘મેં આખી જિંદગી જ્યાં-ત્યાં ઠેકડા જ માર્યા કર્યા છે, ક્યાંક કોઈક ઠેકડો તો અવસર પર પડે જ અને હું સફળ થઈ જાઉં.’
આ એક ટુચકો છે. બનવાજોગ છે આ દેશના બધા જ ઠેકડાબાજ રાજકારણીઓને એમાં પોતાનું પ્રતિબિંબ દેખાય.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 08:22 PM IST | Mumbai Desk | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK