મંગળવારની મિજલસ - તરુ કજારિયા
આપણા માટે તદ્દન સામાન્ય બાબત કે ચીજ હોય, પણ જેમની પાસે એ ન હોય તેમને મન એનું બહુમૂલ્ય હોય છે. કોઈ વ્યક્તિને આવી મૂલ્યવાન ભેટ આપવાનો કેટલો આનંદ આવે!
મુંબઈ, અમદાવાદ, બૅન્ગલોર, હૈદરાબાદ વગેરે અનેક શહેરોમાંથી ગાંધીજયંતીથી લઈને આઠમી ઑક્ટોબર સુધીના દિવસો દરમ્યાન અનેક લોકો, સંસ્થાઓ અને કૉર્પોરેટ હાઉસો કોઈક ને કોઈક એવી પ્રવૃત્તિ કરશે જેનાથી તેઓ જરૂરતમંદ લોકોના જીવનની કોઈક જરૂરત પૂરી કરી શકે. જુદા-જુદા લોકોની જિંદગીમાં જુદી-જુદી જરૂરિયાત હોય છે. કોઈને ચીજ-વસ્તુની જરૂર હોય તો કોઈને સમયની તો કોઈને સાથની કે હિંમતની તો કોઈને હૂંફની તો કોઈને જ્ઞાનની તો કોઈને આવડતની ઇત્યાદિ. હવે બીજી બાજુ એવા પણ ઘણા લોકો હોય જેમની પાસે આમાંની કોઈ એક ચીજ તો સ્પેર હોય જ અને એ તેઓ પેલા લોકો સાથે શૅર કરે એવો આ કૉન્સેપ્ટ છે.
ઘસાવાની તૈયારી
આમ તો આપણા રોજના જીવનમાં ઘણી વાર આપણે જોઈએ છીએ કે આપણા માટે તદ્દન સામાન્ય બાબત કે ચીજ હોય, પણ જેમની પાસે એ ન હોય તેમને મન એનું બહુમૂલ્ય હોય છે અને જ્યારે એ વ્યક્તિને એ મૂલ્યવાન ભેટ આપવામાં આપણે નિમિત્ત બનીએ ત્યારે આપણને પણ કેટલો આનંદ આવે! આખો દિવસ ઘરમાં રહેતી વ્યક્તિને કોઈ બહાર લઈ જાય ત્યારે તેને જે આનંદ થાય છે એ જ આનંદ આખો દિવસ બહાર રહેનારી વ્યક્તિને એક દિવસ ઘરમાં રહેવામાં મળે છે. કોઈ પરિવારમાં બીમાર વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોય ત્યારે તેના પરિવારજનો પર ઘર ઉપરાંત હૉસ્પિટલની દોડાદોડીની અને દરદીની દેખરેખની પણ જવાબદારી આવી પડે છે. એમાંય આજ-કાલના નાનકડા પરિવારોમાં જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ખરી મુશ્કેલી ઊભી થાય છે. પહેલાં હતા એવા સંયુક્ત પરિવારોમાં તો ખૈર, ઘરના જ સભ્યો આ ફરજ બજાવી લેતા, પરંતુ આજે આવી ઇમરજન્સી આવે ત્યારે સગાં-સ્નેહી કે મિત્રો તરફ નજર દોડાવવી પડે છે, પરંતુ એ લોકો પણ પોતાની જિંદગીની રફ્તારમાં બિઝી હોય તો? ધારો કે એ વખતે તેમને કોઈ એવી વ્યક્તિ કે સંસ્થાનો સાથ મળે જે તેમના બીમાર સ્વજન પાસે રોજ એક-બે કલાક બેસે અને તેમનું ધ્યાન રાખે તો તેણે પેલા પરિવારના સભ્યોને માટે ફાળવેલો સમય પણ એક ભેટ છે. આવી ભેટ આપનાર પણ આનંદ અનુભવે છે કે હું કોઈને મદદરૂપ થયો. અન્યોને ઉપયોગી થવા માટે દર વખતે નાણાંની જ જરૂર નથી હોતી, જરૂર છે અન્યો માટે કંઈક કરવાની, આંતરિક ઝંખનાની અને બીજાને માટે ઘસાવાની તૈયારીની.
ઓછું નથી થતું
આપણે જાણીએ છીએ કે બહુ ઓછા લોકો આ રીતે વિચારતા હોય છે. જોકે પોતાનાં જ કામકાજ અને જવાબદારીથી ઘેરાયેલા લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી પણ વધુપડતી કહેવાય. આમ છતાં આપવામાં આનંદ રહેલો છે એ વાતની અનુભૂતિ તો માનવીએ જીવનમાં કમ સે કમ એક વાર તો કરવી જ જોઈએ અને આ ‘જૉય ઑફ ગિવિંગ વીક’ની પાછળ એ જ ભાવના રહેલી છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન નાનકડા ગામડાથી લઈને શહેરની મોટી કૉર્પોરેટ કંપનીના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) સુધીના લોકો કેવી-કેવી રીતે સમાજના વિવિધ વર્ગના લોકોને મદદરૂપ થયા છે એની રસપ્રદ માહિતી ‘જૉય ઑફ ગિવિંગ’ની સાઇટ પરથી મળી શકશે. નાના બાળકથી લઈને વડીલ પોતાની પાસે હોય એમાંથી કંઈક ને કંઈક સમાજને આપીને ખુશ-ખુશ થતા જોવા મળ્યા છે. આમાં આપનારનું કંઈ ઓછું નથી થતું, ઊલટાનું તેને આનંદ મળે છે.
જોકે કેટલાક લોકોનો જૉય ઑફ ગિવિંગનો કૉન્સેપ્ટ તદ્દન નોખો હોય છે. તે લોકો અન્યોને આપે છે, પણ દુ:ખ કે પીડા આપીને ખુશ થાય છે.
ટીવી-સિરિયલ્સમાં આવાં ઘણાં પાત્રો જોવા મળે છે અને વાસ્તવિક જિંદગીમાં પણ, પરંતુ આજે આપણે તેમની બિરાદરીની વાત નથી કરવી.
થઈ જાઓ તૈયાર
તો ચાલો, અત્યારે તમારા મનમાં પણ આપવાના આનંદની અનુભૂતિ કરવાની ઇચ્છા જાગી હોય તો એક કામ કરો. તમારી પાસે, તમારા ઘરમાં કે ઑફિસમાં એવી ઘણી વધારાની ચીજો હશે જે બીજા લોકોના કામમાં આવી શકે છે. હવે એવી કોઈ ચીજ તમે દાન આપી શકો તો તમે તો કંઈ ગુમાવતા નથી જ, પણ જે વ્યક્તિને એની જરૂર હોય તેને એ પહોંચાડી શકાય તો? તો તેમની જિંદગીમાં ખુશી લાવવાનું તમે નિમિત્ત બની શકો અને આ આઠ તારીખ સુધીમાં તમે એવું નિમિત્ત બનવા માગતા હો તો ‘જૉય ઑફ ગિવિંગ વીક’ તમને એ તક આપી શકે એમ છે. મુંબઈમાં ‘જૉય ઑફ ગિવિંગ વીક’ના પ્રતિનિધિ નારાયણને આવી વધારાની સારી વસ્તુઓ કલેક્ટ કરીને યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તેમનો સંપર્ક ૯૮૧૯૩૩૮૨૫૫ ઉપર થઈ શકે છે. નવરાત્રિના આ નવલા દિવસોમાં આપવાનો આનંદ લેતા શીખવું હોય તો સારી તક છે.
મિસાલ
મને યાદ આવે છે વર્ષો પહેલાંનો એક મિત્રનો અનુભવ. એક વાર તેમની ઑફિસનાં એક બહેનનો રાત્રે ૧૦ વાગ્યે તેમના પર ફોન આવ્યો. તેઓ પોતાના એક સ્નેહીને ત્યાં પાર્લામાં રહેતાં હતાં. એ રાત્રે જ્યારે તેમણે ઘરે પહોંચીને જોયું તો ઘર બંધ હતું. તેમને યાદ આવ્યું કે એ બપોરે જ એ સ્નેહીને અરજન્ટ બહાર જવું પડેલું અને તેઓ ઉતાવળમાં બાજુમાં ચાવી આપવાનું ભૂલી ગયેલા. એની બીજી એક ચાવી ઘાટકોપર રહેતા એક રિલેટિવ પાસે હતી. તેમને ઘાટકોપર જ રહેતા પોતાના એક કલીગ યાદ આવ્યાં. તેમણે ખૂબ જ સંકોચ સાથે તેમને ફોન કરી પોતાની પરિસ્થિતિ વર્ણવી. કલીગે તરત કહ્યું, ચિંતા ન કરો, હું તમારા રિલેટિવ પાસેથી ચાવી લઈને દાદર સ્ટેશન પર પહોંચું છું. એક કલાક પછી પેલાં બહેન દાદર સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમના કલીગ હાથમાં ચાવી લઈ તેમની રાહ જોઈ રહ્યા હતા. બહેન તો કલીગે પોતાના માટે વેઠેલી તકલીફથી આભારની લાગણી સાથે ગદગદ થઈ ગયેલાં, પરંતુ પેલા કલીગ તો જાણે એ કોઈ મોટી વાત ન હોય એમ હસતાં-હસતાં ચાલ્યા ગયા. ના તો તેમના ચહેરા પર રાત્રે પોતે ડિસ્ટર્બ થયાનો અણગમો હતો ના તો કોઈ પર મોટો ઉપકાર કર્યાનો અહમ! આ જ તેમનો સ્વભાવ હતો. કોઈને પણ મદદરૂપ થાય ત્યારે તેઓ ખૂબ ખુશી અનુભવે. તેમની આસપ્ાાસના મહોલ્લાના લોકો, ઑફિસના કલીગ્સ, સગાં-સ્નેહી કે મિત્રો અને અપરિચિતો સુધ્ધાંને તેમના આ સ્વભાવનો લાભ મળતો.