ઘાટકોપરની હત્યાના આરોપી પત્ની અને પ્રેમીને જોધપુરની કોર્ટે આપી જન્મટીપની સજા

Published: Jul 01, 2019, 11:08 IST | મુંબઈ

ઘાટકોપર (ઈસ્ટ)ની વીરજી મદનજી વાડીના નેગાંધી પરિવારને તેમના પુત્રના હત્યારાઓ - પુત્રની પત્ની અને તેના પ્રેમીને ૧૧ વર્ષ પછી જોધપુરની સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા આપતાં માનસિક સંતોષ થયો હતો

ઘાટકોપર (ઈસ્ટ)ની વીરજી મદનજી વાડીના નેગાંધી પરિવારને તેમના પુત્રના હત્યારાઓ - પુત્રની પત્ની અને તેના પ્રેમીને ૧૧ વર્ષ પછી જોધપુરની સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા આપતાં માનસિક સંતોષ થયો હતો તેમ જ આ બન્ને પ્રેમી હત્યારાઓને સાથ આપીને કેસને નબળો કરવાની કોશિશ કરવા બદલ એક સરકારી અધિકારીની પણ તપાસનો કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો. આ પરિવારના મોટા પુત્ર હિતેશ નેગાંધીની તેની પત્ની શિવાની અને હિતેશ નેગાંધીનાં પણ લવ-મૅરેજ જ હતાં તેમ જ શિવાની જ્યારે તેનાથી નાની ઉંમરના બોરીવલીના શ્રવણ ઉર્ફે મેહુલ ઠક્કર સાથે પ્રેમમાં પડી ત્યારે શિવાની અને હિતેશને ૧૨ વર્ષની એક પુત્રી પણ હતી. ઘાટકોપરમાં પરણીને આવેલી શિવાનીની બોરીવલીના શ્રવણ સાથે ઇન્ટરનેટ પર ઓળખાણ થઈ હતી. ઇન્ટરનેટ પર ચૅટિંગ કરતાં-કરતાં શિવાની અને શ્રવણ પ્રેમમાં પડી ગયાં હતાં. શ્રવણ સાથે પ્રકરણ શરૂ થયું ત્યારે શિવાનીની ઉંમર ૩૮ વર્ષની હતી અને હિતેશ નેગાંધીની ઉંમર ૪૮ વર્ષની હતી. જ્યારે એ સમયે શ્રવણની ઉંમર ૨૩ વર્ષની હતી. પ્રેમમાં અંધ બનેલી શિવાની એ સમયે તેની ૧૨ વર્ષની પુત્રીને પણ ભૂલી ગઈ હતી, એટલું જ નહીં, પતિ હિતેશથી છુટકારો મેળવવા શિવાનીએ તેના પ્રેમી સાથે મળીને હિતેશની હત્યાનો પ્લાન બનાવી લીધો હતો. આ સ્ટોરીમાં ક્લાઇમૅક્સની શરૂઆત ૨૦૦૮ની ૧૦ ઑક્ટોબરે થઈ હતી, જ્યારે હિતેશ તેના બિઝનેસના કામ અર્થે જોધપુર જવા નીકળ્યો હતો.

હત્યા કેવી રીતે થઈ?

હિતેશ ઘાટકોપરથી જોધપુર ૨૦૦૮ની ૧૦ ઑક્ટોબરે બિઝનેસના કામસર ગયો હતો. એ પહેલાં જ શિવાની અને શ્રવણના પ્લાન પ્રમાણે શિવાનીએ શ્રવણને પણ જોધપુર મોકલ્યો હતો, જ્યાં શ્રવણે બિઝનેસના બહાને હિતેશને જોધપુરમાં એક એકાંત જગ્યાએ બોલાવીને તેના પર છરીના જીવલેણ ઘા કર્યા હતા. આટલેથી સંતોષ ન થતાં શ્રવણે હિતેશનાં આંતરડાં હાથથી ખેંચીને બહાર કાઢી નાખ્યાં હતાં. જોકે આ જીવલેણ હુમલા બાદ સમયસર પોલીસ પહોંચી જતાં હિતેશને તરત હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ શિવાનીને આ મામલાની ખબર પડતાં પકડાઈ જવાના ડરથી પોતાની બહેન સાથે બાંદરા ટર્મિનસ પહોંચી ગઈ હતી, જ્યાંથી તેની બહેનને ચકમો આપીને શિવાની ભાગી ગઈ હતી. ત્યાર બાદ શિવાનીના પિતાએ પોલીસમાં શિવાનીની મિસિંગ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે હિતેશ હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. નેગાંધી પરિવાર આ પરિસ્થિતિમાં ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. બન્ને પ્રેમીઓ ભાગતાં ફરતાં હતાં, પોલીસને હાથ લાગતાં નહોતાં.

સાસરિયાંને માનસિક ત્રાસ

આ સંજોગોમાં પણ શિવાનીએ તેની રમત ચાલુ જ રાખી હતી એમ જણાવતાં હિતેશના નાના ભાઈ ઉમેશ નેગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક બાજુ હિતેશ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો, જ્યારે મારી ભાભીએ ભાઈથી છુટકારો મેળવવા ડિવૉર્સની નોટિસ મોકલીને અમારા પરિવારને અને ભાઈને માનસિક ત્રાસ આપવાનું શરૂ‍ કર્યું હતું. બાકી હોય એમ શિવાનીએ હિતેશ, મારાં મમ્મી, મારી અને મારી પત્ની સામે દહેજના ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. આ રીતના શારીરિક અને માનસિક ત્રાસમાં ૨૦૦૯ની ૯ માર્ચે હિતેશનું મૃત્યુ થયું હતું જેને પરિણામે જોધપુર પોલીસ દ્વારા શ્રવણ અને શિવાનીની જોધપુરના એક ગેસ્ટહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ધરપકડ હત્યાનાં કારણસર કરવામાં આવી નહોતી. ત્યાર પછી પોલીસે વધુ તપાસ કરીને બન્ને પ્રેમીઓ પર હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી, પણ થોડા જ સમયમાં બન્ને પ્રેમીઓને જામીન મળી ગયા હતા. આ સમયમાં શિવાની અને તેનાં માતા-પિતા તરફથી અમારા પરિવારને માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર છોડવામાં આવી નહોતી.’

આ પણ વાંચોઃ ઍરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓ સામે બૉમ્બ શબ્દ બોલનારા ટ્રાવેલ કંપનીના ગુજરાતી મૅનેજરની ધરપકડ 

ન્યાય મેળવવા સંઘર્ષ

અમારા ૧૧ વર્ષના સંઘર્ષ પછી શિવાની અને શ્રવણને કોર્ટે આજીવન કારાવાસ અને ૫૦,૦૦૦-૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સંદર્ભમાં ઉમેશ નેગાંધીએ કહ્યું હતું કે ‘આખા બનાવમાં શિવાની અને શ્રવણ ગુનેગાર હોવા છતાં એક સરકારી અધિકારીને લીધે કેસ નબળો બનતો જતો હતો. એક તબક્કે તો અમે હિંમત હારી ગયા હતા. અમારા પરિવારે હિતેશને તો ગુમાવ્યો, પણ તેને ન્યાય અપાવવામાં પણ અમે સફળ નહીં જઈએ એવી પ્રતીતિ થઈ હતી. જોકે જોધપુર પોલીસે ત્યાંની સેશન્સ કોર્ટમાં શિવાની અને શ્રવણ હિતેશના હત્યારા હોવાના અનેક પુરાવા રજૂ કરતાં સેશન્સ કોર્ટે બન્ને પ્રેમી હત્યારાઓને આજીવન કારાવાસની સજા આપી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK