Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ

જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ

22 January, 2021 05:50 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ

જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ

જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ


ઑસ્ટ્રેલિયામાં ૩૬ રનની હાર જ શું કામ સાહેબ, ક્રિકેટ જ શું કામ? આવાં તો હજારો દાખલાઓ છે અને ઉદાહરણો છે. ઇતિહાસ ફંફોસો તો એમાં પણ તમને દૃષ્ટાંતો મળશે જે ગાઈવગાડીને કહેશેઃ જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-શામ.
હિંમત હાર્યા વિના ચાલતાં રહેવું, આગળ વધ્યા કરવું એ જ ધર્મ છે અને એ જ કર્મ છે. કોઈ એક ઘટના જીવનનો એક માઇલસ્ટોન હોઈ શકે, જીવનનો તાળો નહીં. કોઈ એક ઘટના જીવનનું એક પૃષ્ઠ હોઈ શકે, આખી જિંદગીનો સાર નહીં. જો ઘટના સાર હોત તો દરેક એવું ઇચ્છતા હોત કે પોતાનાં મનગમતાં પૃષ્ઠ પર પોઝ લેવામાં આવે. ‘શોલે’ની સફળતા પછી રમેશ સિપ્પી આગળ વધ્યા ન હોત અને ‘અગ્નિપથ’ની નિષ્ફળતા પછી કરણ જોહરના પપ્પા યશ જોહર પોતાના ઓરિજિનલ સ્ક્રૅપના બિઝનેસમાં ફુલફ્લેજ પાછા ફરી ગયા હોત. ઘટના ક્યારેય તાળો ન હોઈ શકે. જો એવું હોત તો ટી-ટ્વેન્ટીમાં પાંચસો રૂપિયામાં પણ નહીં ખરીદાનારો ચેતેશ્વર પુજારા અત્યારે રાજકોટમાં એકાદી બ્રૅન્ડની એજન્સી લઈને શોરૂમ ચલાવવા માંડ્યો હોત અને મિલ્ખા સિંહ આજે પણ દિલ્હીની રેફ્યુજી કૉલોનીમાં રેવડી અને ચણા વેચતા હોત. પણ એવું નથી અને એવું નથી એટલે જ કહેવાનું મન થાય છે, અટકવું નહીં. ક્યારેય નહીં અને કોઈ જ દિવસ નહીં. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-શામ.
એક તકલીફ, એક મુશ્કેલી, એક અડચણ જો તમને અટકાવી દે તો માનવું કે અડચણ મોટી નથી પણ તમારી હિંમત નબળી છે. એક તકલીફ જો તમને નાસીપાસ કરી દે તો ધારવું કે તકલીફમાં તાકાત નથી, પણ તમારી સહનશીલતામાં ક્યાંક ને ક્યાંક કમી છે. જો એક મુશ્કેલી તમને મચકોડી નાખે તો સ્વીકારી લેવું કે મુશ્કેલી સામે મજબૂત બનવાની ક્ષમતા તમારામાં નથી અને જો એવું હોય તો ઘટનાની સામે ઝઝૂમવાને બદલે પહેલાં જાત સાથે સંઘર્ષ કરજો. જાત સાથે કરેલો સંઘર્ષ તમને આજે પણ કામ લાગશે અને આવતી કાલે પણ મદદે આવશે. ૩૬ રનમાં ઑલ આઉટ થઈને નાક વઢાવી નાખનારી ટીમ ઇન્ડિયાએ જો રૂમમાં જઈને ઑસ્ટ્રેલિયન બોલરોને એલિયન જેવા માનવાની ભૂલ કરી હોત તો ઑસ્ટ્રેલિયાના ગાબામાં ગાભા ન કાઢ્યા હોત. જો એ સમયે ટીમ ઇન્ડિયાએ ખૂણો પાળ્યો હોત અને જે ઘટના ઘટી એની નાલેશીને માથે લઈને રોતા રહ્યા હોત તો ગાબામાં ઇતિહાસ ન રચી શક્યા હોત. ભારત પરત ફરતી વખતે સામી છાતીએ અને હોંશભેર નહીં પણ છાના ખૂણે દેશમાં આવવાનું સ્વીકાર્યું હોત. ઘટના છે એક, ગમતી હોય તો પણ અને ન ગમે એવી હોય તો પણ. ઘટનાને ઘડતર તરીકે જોવાની હોય, એને જડતરની જેમ જિંદગી સાથે જોડીને રાખવાની ન હોય. ઘટનામાંથી શીખવા જેવું શીખી લઈને
એકધારું ગમતું, એકધારું મનપસંદ કે પછી એકધારું મનભાવતું જીવનમાં ક્યારેય નથી બનતું અને એ બની પણ ન શકે. ક્યાંક અને ક્યારેક તમને ગમતું થાય તો ક્યારેક સામેવાળાને પણ ચાન્સ મળવો જોઈએ. દાવ લીધો હોય તો ફીલ્ડિંગ ભરવી પડે. સીધો નિયમ. બૅટિંગ કરી હોય તો બોલિંગ કરીને પરસેવો પાડવો પડે પણ જો બોલિંગ કરવાની તૈયારી ન હોય તો ક્યારેય સામેવાળાના એક પણ વીક પૉઇન્ટ તમારા ધ્યાનમાં, તમારી નજરમાં નહીં આવે અને જો એ નજરમાં નહીં આવે તો સક્ષમતા હાંસિલ નહીં કરો. સક્ષમતા પામવા માટે, સધ્ધરતા મેળવવા માટે જેટલી અનિવાર્ય તમારી અંગત ક્ષમતા છે એટલું જ મહત્ત્વનું પાસું સામેવાળાની મર્યાદા છે અને સામેવાળાની મર્યાદાઓને જાણવા માટે પણ જાતને તકલીફમાં મૂકવી જરૂરી છે. જ્યારે જાત તકલીફમાં આવે છે ત્યારે જ જાત પ્રત્યે સભાનતા આવે છે અને જ્યારે સભાનતા આવે છે ત્યારે જાતમાં રહેલી ક્ષમતાનો અણસાર આવે છે. ભૂલવું નહીં, અગર શક્તિ હૈ તુમ્હારે પાસ તો ઝમાના દેગા સાથ.
પણ પણ પણ, અગર શક્તિ હૈ તુમ્હારે પાસ અને આ શક્તિ માટે સંકટની સામે ઊભા રહેવાની તૈયારી દાખવવી પડશે. બૉક્સિંગ રિંગમાં ઊતર્યો પછી જ મોહમ્મદ અલીને પોતાના પંચમાં રહેલી તાકાતની ખબર પડે. તાકાતની ખબર પણ પડે અને સામેવાળાના જડબામાં રહેલી મજબૂતીની ખબર પણ બૉક્સિંગ રિંગમાં ઊતર્યા પછી જ અલીને થાય. રિંગમાં ઊતર્યા વિના કોઈ મજબૂતી માપી ન શકાય અને રિંગમાં કોઈ ક્ષમતાને આંકી ન શકાય અને માટે જ મજબૂતી માપવા અને આંતરિક ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે પણ રિંગમાં ઊતરવું આવશ્યક, અનિવાર્ય અને અવિભાજ્ય છે. કહ્યુંને આગળ એવી જ રીતે, જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ.
ચાલતી રહે એ જ જિંદગી અને ચાલતા રહો એ જ સાચું જીવન. કોઈ જાતના સંકોચ વિના, કોઈ જાતની અવઢવ કે મૂંઝવણ વિના આગળ વધવું એ અનિવાર્ય છે. તકલીફ તમારા જ વિકાસ માટે છે અને મુશ્કેલી તમારી મોહતાજી તોડવા માટે છે. ગીતકાર ઇન્દ્રજિતસિંહ તુલસીએ જ કહ્યું છેને,
જો જીવન સે હાર માનતા, ઉસકી હો ગઈ છુટ્ટી
નાક ચઢકર કહે જિંદગી, તેરી મેરી હો ગયી કુટ્ટી
કે રૂઠા યાર મના મિતરા
કે યાર કો યાર બના મિતરા
ના ખુદ સે રહો ખફા મિતરા
ખુદ હી સે બનો ખુદા મિતરા
જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ
(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 05:50 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK