ઘરે-ઘરે યમરાજ ફરે છે

Published: Mar 20, 2020, 15:05 IST | Jamnadas Majethia | Mumbai

જેડી કૉલિંગ: બહારથી આવતી દરેક વ્યક્તિને હાથ ધોવડાવો અને તમે પણ વારંવાર હાથ સાફ કરો

યમરાજ
યમરાજ

કોરોના વાઇરસ.

આપણે ગયા વીકમાં આ જ ટૉપિક પર વાત કરી હતી. ગયા વીક સુધી મારા મનમાં હતું કે કોરોનાના વિષયને ત્યાં જ અટકાવી દેવો. કોરોના વાઇરસનો બીજો ભાગ લખવાનો વિચાર પણ નહોતો અને એવું બને એવી ઇચ્છા પણ નહોતી, પરંતુ ગયા શુક્રવારથી આ શુક્રવાર સુધીમાં એ એટલો ફેલાયો કે જામી પડેલા આ જમાઈરાજને અવગણી શકાય એમ નથી. થોડા દિવસ પહેલાં જ મારા મિત્ર અશોક છેડાએ નાટક કે સિરિયલ માટે આ શીર્ષક સૂચવ્યું હતું, ‘જામી પડેલા જમાઈરાજ.’

કોરોના નામના આ જમાઈરાજને આપણા દેશોમાંથી ઝટ નિકાલ આપવો રહ્યો. કોરોનાની ખાસિયત એ કે છે એ ૧૪ દિવસ સુધી દેખાતો નથી અને ભૂતની જેમ આપણામાં કે આપણી આસપાસ જેમાં જેના પણ શરીરમાં ગયો હોય એમાં છુપાયેલો રહે છે અને એ પછી તે પોતાની જાત દેખાડે છે. અત્યારે આપણે કોરોનાના સૌથી ખતરનાક સ્ટેજમાં આવવાની તૈયારીમાં છીએ. આ સ્ટેજ એટલે સ્ટેજ બીજામાંથી સ્ટેજ ત્રીજામાં. તમે સમાચાર જોતા હશો તો ઘણી ચૅનલ પર આનો ગ્રાફ દેખાડાતો હોય છે. આ ત્રીજા સ્ટેજમાં કોરોના ખૂબ જ મોટો ભરડો લે અને ખૂબ જાનહાનિ થાય. વાત થઈ એમ, એક તો એનાં સિમ્પ્ટમ્સ ઝડપથી પકડાતાં નથી, જેને લીધે સાવચેતી સિવાય અત્યારે બીજો કોઈ રસ્તો નથી.

આ સાવચેતી કે સાવધાનીમાં સૌથી મોટી સાવચેતી, અજાણ્યા લોકોના સંપર્કમાં આવવાનું ટાળો, અકારણ ટ્રાવેલ ન કરો. તમને જો યાદ હોય તો લાસ્ટ વીકમાં મેં કહ્યું હતું કે કદાચ તમારે રિપીટ એપિસોડ જોવાનો વારો આવી શકે છે અને જુઓ, એ વારો આવી ગયો. ડેઇલી શૉપનાં શૂટિંગ હાલ પૂરતાં બંધ કરી દેવામાં આવ્યાં છે. ૧૪ દિવસ એટલે કે ૧૭ માર્ચથી ૩૦ માર્ચ સુધી શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યાં છે. નક્કી થયા મુજબ ૩૧ માર્ચે અમે મળીને (બધું સમુંસૂતરું હશે તો) નિર્ણય લઈશું કે ફરી શૂટિંગ કેવી રીતે ચાલુ કરવું. જો બધું બરાબર હશે તો તમામ પ્રકારની કાળજી, તકેદારી રાખીને પહેલી એપ્રિલથી શૂટિંગ શરૂ કરીશું. 

આ સમયગાળો ગંભીર કેમ છે એ વાત તમને હું ટીવી-શૂટિંગ બંધ કરવાની વાતથી સમજાવું. એક તો અમે ૩૬પ દિવસ કામ કરતા હોઈએ, ઍક્ટર બીમાર હોય કે ઍક્ટ્રેસનાં લગ્ન હોય કે પછી ટેક્નિશ્યનના ઘરે કોઈનો અકસ્માત કે કોઈનું મૃત્યુ થયું હોય કે પછી આખું યુનિટ વરસાદ કે તોફાન જેવી કુદરતી આપત્તિ વચ્ચે હોય તો પણ એપિસોડ રિપીટ ન થાય એની કાળજી રાખીએ. આટલાં વર્ષોથી કામ કરીએ છીએ એટલે આવું અમારું વ્યક્તિત્વ જ થઈ ગયું છે. કંઈ પણ અકલ્પનીય બની જાય તો વાર્તા બદલીને પણ શો મસ્ટ ગો ઓન.

‘યે રિસ્તા ક્યા કહ‍લાતા હૈ’ની હિના ખાન ચાલી ગઈ કે ‘ઉલ્ટા ચશ્મા...’માં દયાબહેન કેટલાય સમયથી પાછાં નથી આવ્યાં તો શૂટિંગ અટકતું નથી અને અટકવા દેવામાં પણ નથી આવતું. આવી અવસ્થા, માનસિકતા અને દૃઢતા પછી પણ ટીવી-સિરિયલના નિર્માતા અને ચૅનલોએ આ નિર્ણય કેમ લીધો છે એ જરા વિચારજો. કોરોના એ મહામારી છે. તમને કહેવામાં આવતા અને સમજાવવામાં આવતા દરેક સંદેશને ધ્યાનથી વાંચજો અને સમજજો. યાદ કરી જુઓ કે તમે કેટલાં વર્ષોથી મૉલમાં કે થિયેટરમાં તાળાં લાગેલાં જોયાં? સિદ્ધિવિનાયકથી લઈને નાથદ્વારા, શિર્ડી, સોમનાથ અને સેંકડો મંદિરોમાં પણ ભક્તજનો માટે તાળાં લાગી ગયાં છે અને એ પણ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે. આવું સાંભળ્યું છે અગાઉ ક્યારેય તમે?

‘ઘાટકોપરમાં એક ગુજરાતીનું મૃત્યુ કોરોના વાઇરસને લીધે થયું’ના આઘાતજનક સમાચાર હજી તાજા છે. આ મુંબઈનો પહેલો કોરોના વાઇરસનો શિકાર. આ વાઇરસ તમારા ઘરમાં ક્યાંથી ઘૂસી જશે એ કોઈને ખબર નથી એટલે તકેદારી રાખવી જરૂરી છે. હાથ, મોઢા, નાક કે હોઠ અડવું નહીં અને સ્વચ્છતા અકબંધ રાખવી. મુંબઈગરાઓને બસ અને ટ્રેન વિના છૂટકો નથી એટલે આપણી આસપાસની વ્યક્તિ યમરાજ તો નથીને એવી પ્રાર્થના કરતા રહેવું. ઘરે-ઘરે યમરાજ ફરી રહ્યા છે જેની તેમને પોતાને પણ ખબર નથી, પણ ડરીને કશું નથી થવાનું. સાવચેતી સિવાય છૂટકો નથી. ઇટલી અને સ્પેનવાળાઓ ચાઇના પાસેથી શીખ્યા નહીં, પણ આપણે શીખી શકીએ છીએ.

જ્યારે આપણને બહાર નીકળવાની ના પાડી છે ત્યારે બહુ જરૂરી હોય કે અનિવાર્ય હોય તો જ બહાર નીકળવું અને એ વાતનો ગંભીરતાથી અમલ કરવો. પાન-માવા કે ભેળ-સૅન્ડવિચને હમણાં મુલતવી રાખી શકો છો. આ પ્રોગ્રામ ઘરે પણ રાખી શકો છો અને મજા લઈ શકો છો. હું તો કહીશ કે લાઇફને ડિઝાઇન કરો. મારી વાત કહું તો અમે અત્યારે ઑફિસ જઈને કામ કરવાને બદલે ઘરેથી કામ કરવાનું નક્કી કર્યું છે, બાળકો સાથે મસ્તી કરવાની, સ્ક્રિપ્ટ લખવાની, નક્કી કરેલી ફિલ્મો જોવાની અને પરિવાર સાથે બેસીને મનોરંજન કરવાનું, જે નૉવેલ બાકી રહી ગઈ છે એ વાંચવાની. મેં નક્કી કર્યું છે કે આ વખતે હું રસોડામાં કામ કરીને બે શાક અને દાળ બનાવવાનું શીખીશ અને કમસે કમ એક ગોળ રોટલી તો બનાવીને જ રહીશ. આવી ખૂબ બધી ઍક્ટિવિટી ઘરે કરવાથી કંટાળો નહીં આવે. તમે તમારા ઘરમાં આવા કંઈક પ્રકારના રસ્તા વિચારી શકો છો, કાં તો આવા અને કાં તો તમને ગમે એવા, પણ એક વાત ભૂલતા નહીં કે પરિવાર સાથે નવી જ રીતે બૉન્ડિંગ કરવાનો આ સમય છે. આ સમય ફરી નહીં મળે અને હું તો કહીશ કે આવવો પણ ન જોઈએ, પણ અત્યારની વાત કરીએ તો તમે એવી રીતે નક્કી કરો કે કમ્પલ્સરી આ જે હાઉસ-રેસ્ટ આવી છે એ હૉલિડેમાં ફેરવી શકો. તમે તમારા ઘરમાં બિગ બૉસ પણ રમી શકો છો અને થોડો જેલનો થ્રિલિંગ અનુભવ પણ કરી શકો છો. બાળકોને કે પછી તેનાં બાળકોને  દુનિયાભરમાં શરૂ થયેલી મહામારીની આ વર્લ્ડ વૉર જેવી મોટી દુર્ઘટનામાં તમે કેવી રીતે ટકી રહ્યા એની વાતો કરવા માટે તમે ડાયરી પણ લખી શકો છો, જેનો ઉપયોગ તમને ભવિષ્‍યમાં થઈ શકે છે. એક ખાસ વાત કહું તમને, ખાવાપીવાનું ઓવર-સ્ટોરેજ નહીં કરતા. ઑનલાઇન પણ મળે જ છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ઇમ્યુનિટી વધારજો અને ઇમ્યુનિટી વધે એવું ફૂડ લેતા રહેજો. વિટામિન્સ લેજો અને ખાસ વાત કે ફેક વૉટ્સઍપ ફૉર્વર્ડ કરતા નહીં અને જૂના મિત્રો કે સગાંસંબંધીના સંપર્કમાં રહેજો. ઘણા વખતથી પોતાની જાત સાથે રહેવાનો સમય શોધતા હો અને તમને એની તક ન મળી હોય તો આ બેસ્ટ સમય છે. જાત સાથે રહેજો. દુનિયા બદલાવાની છે અને બદલાતી આ દુનિયામાં તમે પોતાની જાતને કઈ રીતે બદલશો એ નક્કી કરવાનો આ બેસ્ટ સમય છે.

નજીકના સમયમાં જો તમે ફૅમિલી હૉલિડે કે પછી ટ્રિપ મિસ કરી હોય તો આ સમયમાં અગાઉની ટ્રિપના ફોટો અને વિડિયો જોઈને તમે આનંદ લઈ શકો છો. ધાર્મિક કે ભગવાનમાં ધ્યાન આપવાનો સમય જ ન મળ્યો હોય તો એ સમય પણ હવે તમારા હાથમાં છે. આ એક બદલાતો બહુ મોટો ગાળો છે અને આ ગાળામાં હવે શું થશે અને જિંદગી કેવી રીતે જોવા માગો છો એનો પ્લાન કરજો. કોઈ પણ ધંધામાં હશો, પણ ધંધાની રીતો બદલાઈ જશે, ઇન્ટરનૅશનલ બાઉન્ડરીમાં કેવી રીતે બિઝનેસ કરવો એને માટેના નવા નિયમો આવશે, ઇન્શ્યૉરન્સ પૉલિસી આવી શકે છે અને બીજી અનેક નવી રીતરસમો આવશે. અત્યારે હું જેકંઈ કહું છું કે મારા મનમાં જેકંઈ આવે છે એનાથી તમે વધારે વિચારી શકો છો

અને એ વિચારોથી પણ મોટો બદલાવ લાવી શકે એવો આ સમયગાળો છે. કરુણ વાતો નથી કરવી, છતાં એક વાત કહું કે આપણામાંનો કોઈ એક કોરોનાનો શિકાર બન્યો તો આ દુર્ઘટના આપણને બહુ મોટા પાયે ભારે પડી શકે છે અને જો એવું બન્યું તો કોઈ આ કે એના પછીનો આર્ટિકલ વાંચી નહીં શકે. ગંભીરતાથી બધાં પ્રિકોશન્સ લેજો, કંઈ નથી લૂંટાઈ જવાનું આ ૧૫ દિવસમાં પણ જો વાઇરસ પેસી ગયો તો કંઈ બાકી નહીં રહે એ પણ એટલું જ સાચું છે માટે ખાસ ધ્યાન રાખજો. 

ગૉડ બ્લેસ અસ ઑલ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK