તૂ કલ ચલા જાયેગા તો મૈં ક્યા કરુંગા...

Published: 27th November, 2020 16:06 IST | J D Majethia | Mumbai

નવા ફ્લૅટમાં શિફ્ટ થવા માટે આતિશ કાપડિયાએ ‘રુસ્તમજી ઓઝોન’ છોડી દીધું, પણ તેના છોડ્યા પછી હવે અહીંથી વસંત ચાલી ગઈ હોય એવું લાગ્યા કરે છે

જેડી મજેઠિયા સાથે આતિશ કાપડિયા
જેડી મજેઠિયા સાથે આતિશ કાપડિયા

૧૩ વર્ષ પછી હું અને આતિશ છૂટા પડ્યા.
આપણે ગયા શુક્રવારથી આ વાત શરૂ કરી છે. ૧૩ વર્ષ સુધી અમે, હું અને આતિશ સાથે રહ્યા. એક જ સોસાયટીમાં અને એ પણ અનાયાસ જ બન્યું હતું. બેમાંથી કોઈએ જાણીજોઈને એવો પ્રયાસ નથી કર્યો. ગયા શુક્રવારે તમને કહ્યું એમ રુસ્તમજી ઓઝોનમાં તો હું રહેવા પણ નહોતો જવાનો. આતિશ ફ્લૅટ લેતો હતો એટલે મેં સામેથી કહ્યું કે ચાલ, હું પણ એક લઉં અને આમ અમે બે ફ્લૅટ લીધા. એ સમયની વાત આપણે કરતા હતા. ફ્લૅટમાં બે જ ઑપ્શન હતા. એક ફ્લૅટ ૧૭મા માળે અને બીજો ૧૨મા માળે. હું પહેલાં હાયર ફ્લોર પર રહેતો એટલે મેં ૧૭મા માળનો આગ્રહ રાખ્યો અને આતિશની પણ એ જ ઇચ્છા હતી. અમારે જ નક્કી કરવાનું હતું કે કોણ કયો ફ્લૅટ લેશે. અહીં દોસ્તીની મિસાલ આવે, ખાસ કરીને આતિશની. અમે વિચારતા હતા એમાં મને સૂઝ્‍યું કે ચાલ ચિઠ્ઠી પાડીએ. જેને જે ફ્લોર આવે એ ફ્લોર તેણે લેવાનો. ચિઠ્ઠી પાડવા ગયા ત્યારે આતિશે કહ્યું કે ના, ના. તું હાયર ફ્લોર પર રહ્યો છે, તું હાયર ફ્લોર લઈ લે. હું ૧૨મા પર લઈ લઉં છું. મેં કહ્યું કે ના, એવું નથી કરવું, પણ આતિશે એ વાત પકડી રાખી. મને કહે કે આપણે એક કૉમ્પ્લેક્સમાં સાથે છીએ એ મહત્ત્વનું છે. તું લઈ લે ૧૭, હું ૧૨ લઈ લઉં છું.
ઓરલી નક્કી થઈ ગયું કે હું ૧૭ પર રહીશ અને તે ૧૨ પર રહેશે, તો પણ મને થયું કે ચિઠ્ઠી બનાવી જ છે તો ચાલો ચિઠ્ઠી નાખીએ, જોઈએ તો ખરા કે શું આવે છે. ચિઠ્ઠી પાડી એમાં આતિશનો ૧૭મો ફ્લોર આવ્યો અને મને ૧૨મો પણ એ ચિઠ્ઠી તેણે વૅલિડ ગણી નહીં અને મને ૧૭મો માળ આપી દીધો. હવે તમે નસીબ
જુઓ. દોસ્તીમાં પણ ઈમાનદારી અને
એક સારો વ્યવહાર કેવું રિઝલ્ટ આપે છે એ જુઓ.
થોડાં વર્ષ પછી ૧૨મા માળે એક મોટી બાલ્કની નીકળી. મોટી એટલે ખાસ્સી મોટી બાલ્કની, જે મને ૧૭મા માળે ન મળી અને ૧૨મા માળે તેને ખાસ મળી, જાણે ભગવાને તેની દિલેરી જોઈ હોય એ રીતે તેને એ બાલ્કની મળી. આવા તો કંઈક ગણાં અમારાં સંસ્મરણો છે એકબીજા સાથે રહેવાનાં, આવાં તો અનેક પ્રસંગો છે અમારી દોસ્તીના.
અમારાં બચ્ચાંઓ એક જ સ્કૂલમાં જાય તો બધાં એક જ ગાડીમાં સાથે જાય. એ લોકોની દોસ્તી પણ એટલી જ પાક્કી. એક જ ગાડીમાં જવાનું અને આવવાનું. એ લોકોમાં કોઈ-કોઈ વાર પ્રૉબ્લેમ પણ થાય પણ બધું સૉલ્વ થઈ જાય. મારી અને આતિશની મીટિંગ કાં તેના ઘરે અને કાં મારા ઘરે. મોડે સુધી મીટિંગ ચાલે તો પણ કોઈને ચિંતા નહીં. મીટિંગમાં જસ્ટ ઊતરીને જતા રહેવાનું. કોઈ પાર્ટી હોય તો રાતના ટ્રાવેલ ન કરવું પડે. એકબીજાના ઘરેથી આમ જ જતા રહીએ. ધારો કે બહાર પાર્ટી હોય તો પણ એક ગાડીમાં નીકળી જવાનું એટલે ડ્રિન્ક્સ ઍન્ડ ડ્રાઇવનો પ્રશ્ન ન આવે. ચાવી એકબીજાના ઘરેથી માંડીને ખાવાનું એકબીજાના ઘરેથી આવે. હું અને આતિશ એક જ ગાડીમાં નીકળ્યા હોઈએ. ઑફિસ સાથે જવાનું હોય, શૂટિંગ પર સાથે જવાનું. ચૅનલમાં મીટિંગ હોય તો પણ સાથે જ નીકળી જવાનું. ખાલી એટલી પૃચ્છા થાય કે તારો ડ્રાઇવર છે કે મારો ડ્રાઇવર લઉં? કે પછી તારી ગાડી કે પછી મારી ગાડી?
આ બીજા બિલ્ડિંગમાં અમે ૧૦ વર્ષ આમ જ સાથે રહ્યા. કેટકેટલા પ્રસંગો એવા બન્યા જે સંભારણાં જેવા બની ગયા. અમારા ઑફિસમાં બધાને સવલત રહે. કોઈ આવે અને બન્નેની સાઇન લેવાની હોય તો બન્નેનાં ઘર બાજુબાજુમાં. વધારે હેરાન ન થવું પડે. બીજા કોઈએ કંઈ મોકલવું હોય તો બધું બાજુબાજુમાં. અરે ઘણી વાર તો એવું થાય કે પહેલો જ બીજાનું ઇન્વિટેશન પણ લઈ લે અને કહી પણ દે. ‘મિડ-ડે’ની જ વાત કહું તમને. ઘણી વાર મારું અને આતિશનું ઇન્વિટેશન આવે તો હું મારે ત્યાં જ રાખી દેવાનું કહી દઉં અને આતિશને મૌખિક કહી દીધું હોય. વાત પૂરી. પાસે-પાસે હોવાની સગવડ અને બીજી સૌથી મોટી એક વાત કહું. તમને ખબર છે આતિશને ગાડી ચલાવતા જ નથી આવડતું! તેને અને વાઇફ એલિસનને ગાડી ચલાવતાં ન આવડે. એક જ વિશ્વાસ તેને કે કંઈ પણ થશે, ક્યાંય પણ રાતે ઇમર્જન્સીમાં જવું પડશે તો જેડી છેને, ગાડી એ ચલાવશે.
અમારા બે વચ્ચે એટલું બૉન્ડિંગ અને આ બૉન્ડિંગમાં પાસે-પાસે રહેવાને કારણે ઉમેરો પણ થયો. હું ‘સર્વાઇવલ’ શો માટે બે મહિના ગયો ત્યારે મારી વાઇફ અને બે બચ્ચીઓ ઘરે એકલાં હતાં, પણ એટલો વિશ્વાસ કે બાજુમાં આતિશ તો છેને. નિપાને પણ શ્રદ્ધા રહે કે આતિશનું ઘર બાજુમાં છે. કેટકેટલું અમે એકબીજાની સાથે રહીને માણ્યું. મારા જીવનની અત્યાર સુધીની બેસ્ટ પાર્ટી થઈ હોય તો એ મારા ૫૦મા વર્ષે આતિશે આપેલી સરપ્રાઇઝ પાર્ટી.
ઇન્ડસ્ટ્રીના અને અમારા બધા શોના મોટા-મોટા લોકો આવ્યા એ પાર્ટીમાં. ખૂબ મજા કરી અમે એ પાર્ટીમાં. એવી તો કંઈક પાર્ટીઓ કરી અમે તેના ઘરે. ઘણી વાર એવું હોય કે પાર્ટી મારા ઘરે રાખવાની હોય પણ મારા ઘરે ડ્રિન્ક્સ અલાઉડ નથી એટલે મારા ઘરે જે આવે તેમને જો ડ્રિન્ક્સ લેવું હોય તો તે આતિશના ઘરે ડ્રિન્ક્સ લઈને પછી મારા ઘરે આવે. મારા જે ડ્રિન્કિંગ ડેઝ હતા એમાં ત્યારે અમારા ગૅરેજમાં પીવાનું. આવા તો કેટકેટલા નાના-મોટા પ્રસંગો એક જ બિલ્ડિંગને લીધે અમે માણી શક્યા છીએ. હું રસ્તામાં હતો અને ટ્રાફિક વચ્ચે અટવાયો, મારી દીકરીનો પર્ફોર્મન્સ હતું એ દિવસે. આતિશને મેં કહ્યું કે જલદી જા, હું નહીં પહોંચું, ટ્રાફિકમાં છું, તું જઈને રેકૉર્ડ કર.
અમે ખૂબ બધું કર્યું સાથે. વૉક લઈએ, જિમમાં જઈએ. અમારી લાઇફ એટલીબધી એકબીજાની ફૅમિલી-ઇન્ટરકનેક્ટ હતી કે માનવામાં ન આવે, પણ એ બધામાં બ્રેક લાગી ગઈ. ૧૬ નવેમ્બરે એટલે કે નવા વર્ષનો દિવસ અને આતિશની વાઇફનો બર્થ-ડે પણ, આતિશ એ દિવસે નવા ઘરે રહેવા ગયો. ૧પ નવેમ્બરે રાતે અમે ભેગા થયા, જસ્ટ મળ્યા. એ સમયે ધ્રુસકે-ધ્રુસકે રડ્યો આતિશ, અમે એટલો અફસોસ કર્યો છૂટા પડવાનો જેની કોઈ કલ્પના પણ નહોતી. મારા જીવનમાં ઘણા મિત્રો આવ્યા છે, ઘણા મિત્રો છે હજી પણ અને ઘણા છૂટા પણ પડ્યા છે, પણ આ ૧૦ અને ૪, કુલ ૧૪ વર્ષનો એક બિલ્ડિંગમાં રહેવાનો જે અનુભવ છે એ અકલ્પનીય છે.
અમે એટલું સાથે આ ૧૪ વર્ષનું જીવન કાઢ્યું છે કે સવારે આંખ ખૂલે ત્યારે તે યાદ આવે કે રાતે છેલ્લે પણ તેની સાથે વાત થઈ હોય. કેટકેટલું જીવ્યા અમે સાથે. તે ગયો તો હવે એમ લાગે છે કે જીવનમાં બહુ મોટો ખાલીપો પડી ગયો. અફકોર્સ અમે સાથે છીએ, કામથી માંડીને દોસ્તી-યારી બધું અકબંધ છે, પણ આ ૧૪ વર્ષનાં જે સંસ્મરણો છે, એવી-એવી વાર્તાઓ છે કે એ યાદ કરું તો આંખ ભીની થઈ જાય છે.
તમારા જીવનમાં પણ એવું ક્યાંક ને ક્યાંક થયું હશે. તમારા બહુ ગમતા મિત્રો છૂટ્યા હશે. મારી સ્કૂલમાં શૈલશ મહેતા નામનો મારો મિત્ર હતો. અમે બેસ્ટ ફ્રેન્ડ્સ અને સાતમા ધોરણમાં તે ડોમ્બિવલી જતો રહ્યો. હું તો હેબતાઈ ગયો કે શૈલેશ જતો રહ્યો. નિર્ણયો એ સમયે માબાપ લે, આપણું કશું ચાલે નહીં. અત્યારે તો શૈલેશ બેલ્જિયમમાં છે, ડૉક્ટર બની ગયો છે અને ત્યાં સેટલ થયો છે, પણ એ સાથ છૂટવાનો જે અફસોસ હોય છે એ પારાવાર હોય છે. આતિશનો પ્રોગ્રેસ જોઈને હું બહુ ખુશ છું અને એના જવાથી મન... કહોને કે ભીનાશથી ભરાઈ ગયું છે. થોડા સમય પહેલાં પણ મારો બહુ જીવ બળ્યો હતો. મારો ભાઈ રસિક અહીંથી અમદાવાદ શિફ્ટ થયો ત્યારે.
આ જે જુદાઈ છે, વિખૂટા પડવાની વાત છે એ હું તરત જ સ્વીકારી નથી શકતો. આમ હું મોઢા પર બહુ મજબૂત લાગું એટલે બધાને થાય કે આને તો ઠીક છે હવે, પણ એવું નથી. ૧૫ની રાતે પણ જ્યારે આતિશ રડતો હતો ત્યારે હું જ સંભાળતો હતો, પણ આ જે પ્રકારના વિખૂટા પડવાની વાત છે એ સહન નથી થતી. હા, એ પણ સાચું કે છૂટા પડ્યા પછી જ અમુક યાદો વાર્તા બની જાય. એવા સમયે લાગે કે છૂટા ન પડીએ તો આ વાર્તાની તીવ્રતા ઘટી જાય, પણ એ પછી પણ કહું છું ઈશ્વર કરે કે હવે કોઈનાથી વિખૂટા પડવાનો વારો ન આવે. ના યાર, નથી સહન થતી આવી પ્રોગ્રેસિવ જુદાઈ પણ.
એક આડવાત કહી દઉં. મારો પણ બીજો ફ્લૅટ તૈયાર છે, પણ આતિશને લીધે બૅક ઑફ માઇન્ડ એવું ચાલતું કે છીએ અહીં, મજા આવે છે, પણ હવે હું પણ નહીં રહું અહીં. હું બહુ ઝડપથી હવે શિફ્ટ થઈ જઈશ એ નક્કી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK