Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખીચડી અમારે નથી કરવી, અમને હવે કંટાળો આવે છે

ખીચડી અમારે નથી કરવી, અમને હવે કંટાળો આવે છે

08 May, 2020 11:01 PM IST | Mumbai
J D Majethia

ખીચડી અમારે નથી કરવી, અમને હવે કંટાળો આવે છે

અમને આમાંથી બ્રેક લેવો છે અને અમે એમાંથી બ્રેક લેવાના છીએ.

અમને આમાંથી બ્રેક લેવો છે અને અમે એમાંથી બ્રેક લેવાના છીએ.


૧૦ સપ્ટેમ્બરે શરૂ થઈ ‘ખીચડી’ અને લોકોને, સાચું કહું તો અમુક લોકોને પહેલા એપિસોડમાં બહુ જ મજા આવી. ગયા વીકમાં તમને કહ્યું પણ ખરું કે ‘ખીચડી’ પહેલા જ એપિસોડથી હિટ નહોતી. એણે ધીમે-ધીમે લોકોના મનમાં અને હૈયામાં જગ્યા કરી. હું તમને એક કિસ્સો કહું. સિરિયલ શરૂ થયાને ચારેક મહિના થયા હશે અને અમને પાકિસ્તાનથી ઈ-મેઇલ આવી, જેમાં લખ્યું હતું, ‘હમ તો યે સબ દેખતે નહીં હૈ. ક્યોં કિ બાકી સબ સિરિયલ મેં રોનાધોના ઔર દાવપેચ હોતે હૈં, આપ અપની સિરિયલ ‘ખીચડી’ મેં વો સબ નહીં દિખાઓના, ઇમોશન જૈસા...’
કારણ પણ હતું આવું કહેવા માટે. અમે વચ્ચે એક-બે વાર્તા એવી કહી હતી જેમાં પેલી ડેઇલી શૉપની પણ ફીલ આવતી હોય. એકેક એપિસોડની એ વાર્તા નહોતી, આખી સળંગ વાર્તા હતી અને એ વાર્તામાં બીજી વાર્તા ચાલ્યા કરે, પણ એ વાર્તામાં મજા નહોતી આવતી એવું પેલી ઈ-મેઇલ પરથી જાણ્યું. તેમણે લખ્યું હતું કે અમને બીજું બધું બધી જગ્યાએ મળે છે, પણ હસવાનું અમને ક્યાંય નથી મળતું. જો આપકી સિરિયલ મેં હૈ વો હસના આપ ચાલુ રાખીએના, ઐસી હસીં હમે કહીં નહીં મિલતી. અહીંથી પણ અમને એવાં જ રીઍક્શન આવતાં હતાં, થોડાં-થોડાં પણ રીઍક્શન સેઇમ કે હસાવવાનું કામ કરો. અમે ધીમે-ધીમે કરતાં-કરતાં ૧૯મા એપિસોડથી ટર્ન લીધો અને વાર્તનો એક એપિસોડ કરી નાખ્યો અને અમે સીધી કૉમેડી કરવાનું ચાલુ કરી દીધું. ત્યારથી તમે જુઓ, ૧૯મા એપિસોડથી એપિસોડિક વાર્તા થઈ ગઈ અને કૉમેડી-ફૉર્મેટ એનું ઘર બની ગયું. એ પછી તો એવી ચાલી કે ધીમે-ધીમે એ ચાર્ટબસ્ટર બની ગઈ. જ્યાં જુઓ ત્યાં ‘ખીચડી’ની જ વાત, ‘ખીચડી’ની વાત અને એનાં કૅરૅક્ટરની વાત. તમે માનશો નહીં, પણ લોકો એનાં કૅરૅક્ટરની ઘરના પરિવાર સાથે સરખામણી કરવા લાગ્યા. પ્રફુલ્લ અને હંસાનાં કૅરૅક્ટરની નકલ થવા માંડી. જોક્સ બનવા લાગ્યા ‘ખીચડી’નાં કૅરૅક્ટર પરથી. બેચારછ જોક્સ નહીં, અઢળક જોક્સ અને એ પણ તમને ખડખડાટ હસાવી દે એવા જોક્સ.
એ સમયથી ‘ખીચડી’એ જે ગતિ પકડી છે એ આજ સુધી અકબંધ છે. સિરિયલે પણ અને એના જોક્સે પણ ગતિ પકડી લીધી. એ સમયે સાદા મોબાઇલ હતા એટલે ટેક્સ્ટ મેસેજમાં જોક આવતા. હવે મીમ્સ આવે છે અને એમાં ‘ખીચડી’નાં કૅરૅક્ટરની સ્ટાઇલથી જ ડાયલૉગ્સ દેખાડવામાં આવ્યા હોય. પહેલાં લોકોને એવું લાગતું કે આ પાત્રોથી અમે ગુજરાતીઓની મજાક કરીએ છીએ, તેમની ઠેકડી ઉડાડીએ છીએ, પણ અમારા તો મનમાં પણ એવું નહોતું અને એ પણ ઑડિયન્સને સમજાઈ ગયું અને એક તબક્કો એવો આવ્યો કે લોકો ‘ખીચડી’ અને એનાં પાત્રોનું ગૌરવ લેવા લાગ્યા કે અમારી ‘ખીચડી’ જુઓ, આ અમારી ગુજરાતીની કૉમેડી છે. તમારી હિન્દી પાસે આવી કૉમેડી છે જ નહીં એટલે આજ સુધી આવી કૉમેડી આવી જ નથી. આગળ વધતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરી લઉં કે હું આને કોઈ કમ્યુનલ રંગ આપવા માગતો નથી, પણ આ તો જેકોઈ વાતો થતી અને અમારા સુધી પહોંચતી એની વાત કરી રહ્યો છું. ગૌરવની વાત તો હજી આગળ આવશે.
‘ખીચડી’ ચાલતી રહી અને અમે એક પછી સફળતાનાં નવા શિખર સર કરતા હતા. બહુ મજા આવતી હતી લોકોને અને પછી એ ‘ખીચડી’ બીજા ફેઝમાં ગઈ. આ બીજો ફેઝ કેમ આવ્યો એની વાત પણ કહું તમને. થોડા સમય પછી અમને એવું લાગવા માંડ્યું કે આમાં અમને મજા નથી આવતી, કંટાળો આવી રહ્યો છે. કંટાળો એટલે તમે વિચાર કરો કે જે સમયે સિરિયલ માર-માર કરતી ચાલતી હતી અને ઑડિયન્સને એમાં બહુ મજા આવતી હતી, પણ શૂટિંગ વખતે અમને એવું લાગતું હતું કે અમે કેટલીક વાતો, કેટલાક ગેગ્સ રિપીટ કરી રહ્યા છીએ. ગેગ્સ એટલે જેને સામાન્ય શબ્દોમાં કહેવાયને જોક કે પછી કૉમિક સંવાદો. અમને એવું લાગતું હતું કે આ બધું તો અમે પહેલાં કરી ચૂક્યા છીએ અને હવે એ બધું રિપીટ થઈ રહ્યું છે, પણ એમ છતાં આખી દુનિયાના સીટ-કૉમ (એટલે કે સિચુએશનલ કૉમેડી શો)માં જે પાત્રો બન્યાં હતાં એ પાત્રોની મજા જુદી જ હોય. એમાં રિપીટેશનની જ મજા હોય. દાખલા તરીકે બાબુજી કામ સોંપે અને પ્રફુલ્લ એ કામમાં ગરબડ કરે એટલે બાબુજી તેને પૂછે કે યે ક્યા કિયા તુને એટલે પ્રફુલ્લ પોતાની ટિપિકલ રીતે વાતની શરૂઆત કરતાં કહે કે યે જો હૈના...
આ જે રિપીટેશન થાય એમાં જ ઑડિયન્સને મજા આવે, પણ અમને ગૅપ નહોતો મળતો અને બીજું એ કે આતિશ કાપડિયા એકલો લખતો હતો એટલે અમને એમ થતું કે આ રિપીટ થવા માંડ્યું છે. આતિશે મને કહ્યું કે મને કંટાળો આવે છે જેડી અને એ રિફ્લેક્ટ થાય છે, દેખાય છે સ્ક્રીન પર. આપણે જો આ અત્યારે ફીલ કરીએ છીએ તો થોડો વખતમાં લોકો પણ ફીલ કરવા માંડશે અને અમારી દૂરંદેશી જુઓ.
આપણી ગુજરાતી કમ્યુનિટીની આ ખાસિયત છે. એનામાં દૂરંદેશી હોય. એ દૂરનું જોઈ શકે અને સાથોસાથ એને જોઈને નિર્ણય પણ લઈ શકે.
અમારું સાચું કમિટમેન્ટ જુઓ, પેશન્સ જુઓ. આજે હું ઈશ્વરનો આભાર માનું છું, પાડ માનું છું કે તમે અમને એવી ક્ષમતા જુઓ કે અમે પૈસા પાછળ ન દોડ્યા અને અમે હંમેશાં અમારા દર્શકોનો પ્રેમ, રિસ્પેક્ટ અને કામ પ્રત્યેની વફાદારીને જ મહત્ત્વ આપ્યું, એને જ વૅલ્યુ આપી કે આ જ દર્શકો છે જે આટલો પ્રેમ આપે છે, ચાહના આપે છે અને આટલા ઉત્સાહથી જુએ છે, આટલું માણે છે એ આવતી કાલે કંટાળી જશે તો અમને કે તેમને કોઈને મજા નહીં આવે. અમે નિર્ણય કર્યો અને અમે ગયા ચૅનલ પાસે. અમે તેમને કહ્યું કે અમે ‘ખીચડી’ બંધ કરવા માગીએ છીએ.
પેલો ચૅનલનો હેડ લિટરલી ખુરસીમાંથી ઊભો થઈ ગયો.
‘વૉટ, પાગલ હો ગયે હૈં આપ લોગ?!’
તેનો આ ડાયલૉગ અને તેની મોટી થઈ ગયેલી આંખો આજે પણ મને યાદ છે. એના પછીના વર્ડ્‍‍‍સ હતા ઃ
‘ઇતના ચલ રહા હૈ શો ઔર આપ ઉસે બંધ કરના ચાહતે હો?’
અમે હા પાડી એટલે તેણે ફરીથી કહ્યું કે આજ તક મૈંને ઐસા નહીં સુના કી હિટ શો બંધ કરને કે લિએ કોઈ પ્રોડ્યુસર સામને સે આયે ઔર બાત કરે.
હવે તેમને સમજાવવાનું કામ અમે શરૂ કર્યું. અમે તેમને કહ્યું કે ભાઈ, અમે આ એટલા માટે બંધ કરવા માગીએ છીએ કે આજે જે કંટાળો અમને આવવાનો શરૂ થયો છે એ કંટાળો લોકોને આવવા માંડશે તો આજે આ સિરિયલ આટલી ઉપર છે અને લોકો આટલા ગાંડાની જેમ એના પર તૂટી પડે છે ત્યારે ભવિષ્યમાં એવું બનશે કે આ જ લોકો ગાળો આપશે. કહેશે કે કિતના ખીંચ રહે હૈ યે લોગ. એના કરતાં આપણે બંધ કરીએ.
બંધ કરવામાં તે માને નહીં એટલે અમે તેમને કહ્યું કે આપણે એક કામ કરીએ બસ, આ બંધ કરીને બ્રેક લઈએ. તેણે તરત જ પોતાનો પ્રશ્ન કહ્યો કે બંધ કરીને હું એની જગ્યાએ નાખું શું? અમે મૂંઝાયા. જોકે એ પછી અમને સમજાયું પણ ખરું કે આ અમારો પ્રશ્ન નથી, એ લોકોનો પ્રશ્ન છે કે એમણે ‘ખીચડી’ની જગ્યાએ મૂકવું શું, નાખવું શું?
અમે તેમની ચિંતા કરવાનું છોડીને એટલું જ કહ્યું કે એ તમને ખબર, પણ બસ, એટલું નક્કી કે અમને આમાંથી બ્રેક લેવો છે અને અમે એમાંથી બ્રેક લેવાના છીએ.
બ્રેક લઈને અમે નવેસરથી વિચારવાનું શરૂ કર્યું કે હવે કરવું શું? રૂટીન તો કરવું જ નહોતું. બોલાવે અમને, મીટિંગ કરે અને બધા એ જ કહે કે ‘ખીચડી’ જૈસા કુછ કરતે હૈં. અમને કહેવાનું મન થયું કે ‘ખીચડી’ જેવું જ કરવું હોત તો ‘ખીચડી’ ક્યાં અમને નડવાની હતી. અમારું મનોમંથન ચાલ્યા કરે. વાર્તાઓ પર કામ કરીએ. વાંચન કરીએ અને સમય પસાર થતો રહે. પસાર થતા આ સમયમાં અમે જાતને વધારે સમૃદ્ધ કરી અને નવું શું થઈ શકે કે કરી શકીએ એના પર કામ કર્યું. મને એક વાત કહેવી છે મિત્રો, જીવનમાં જો નવું કશું કરવું હોય તો જૂનાને છોડવાની તૈયારી રાખવી પડે, એને માટેનું જોખમ લેવું પડે. અમે જોખમ લીધું અને એ જોખમ પછી જે અમને મળ્યું એનું નામ છેઃ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 11:01 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK