Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આમ ઇનામદાર પણ ઈમાનદાર એટલા જ

આમ ઇનામદાર પણ ઈમાનદાર એટલા જ

13 December, 2019 02:22 PM IST | Mumbai
Jamnadas Majethia

આમ ઇનામદાર પણ ઈમાનદાર એટલા જ

ડાઉન ધ મેમરી લેન : શફીભાઈ સાથે કામ કરવાની તક બહુ મળી નથી એ વાતનો અફસોસ આજે પણ એટલો જ છે જેટલો સંઘર્ષના સમયમાં હતો.

ડાઉન ધ મેમરી લેન : શફીભાઈ સાથે કામ કરવાની તક બહુ મળી નથી એ વાતનો અફસોસ આજે પણ એટલો જ છે જેટલો સંઘર્ષના સમયમાં હતો.


શફી ઇનામદાર.

ઘણા શફી ઈમાનદાર પણ તેમને કહેતા. એવી ઘણી અટકો અને નામો હોય છે જે ખોટા ઉચ્ચારોને લીધે બદલાઈ જતી હોય છે અને એના ઘણા અર્થ-અનર્થ થતા હોય છે, પણ શફીભાઈ માટે ઈમાનદાર પણ એટલું જ યોગ્ય છે જેટલું ઇનામદાર. બહુ ઈમાનવાળા હતા. ‘યે જો હૈ ઝિંદગી’ જોઈને મોટો થયેલો વાચક વર્ગ બરાબર ઓળખે તેમને અને ગુજરાતી નાટકો જોતી પ્રજા તો તેમને કઈ રીતે ભૂલી શકે? ‘બા રિટાયર થાય છે’ ગુજરાતી તખ્તા પર ભજવાયેલા માઇલસ્ટોનમાં શફીભાઈનો હાથ. ‘બા રિટાયર થાય છે’ નાટકે કેટલા લોકોની જિદંગી બદલી નાખી. નાટક સાથે જોડાયેલાઓની તો ખરી જ પણ નાટક જોઈને એને જીવનમાં ઉતારી, એ નાટકને અનુસરે એ લોકોની પણ. એક બહુ જ માર્ગદર્શક, પથદર્શક નાટક હતું ‘બા રિટાયર થાય છે’. વિચાર કરો, ઘરમાં અચાનક જ આપણી મમ્મી આપણને કહી દે કે તે રિટાયર થાય છે. ફાધરની તો વાત જ જુદી છે. તેમની જૉબમાં, બિઝનેસમાં રિટાયર થવાની એક ઉંમર હોય; ખાસ કરીને જૉબની તો હોય જ. પણ મમ્મી અવિરત છેલ્લા શ્વાસ સુધી, સ્વાસ્થ્ય સાથ આપે ત્યાં સુધી કામ કરતી જ હોય છે. એ મમ્મી જો અચાનક એક દિવસ કહી દે કે તે રિટાયર થાય છે તો ઘરમાં શું માહોલ સર્જાય એ વિષય પર બહુ જ સુંદર નાટક ગુજરાતી રંગભૂમિને તેમણે આપ્યું. શફીભાઈ પ્રેક્ષકોની નાડ પારખતા. તેમને ખબર રહેતી કે કયું અને કેવું નાટક લોકોને પસંદ પડશે. મને તેમની સાથે અંગત રીતે નાટકમાં કામ કરવાનો બહુ મોકો મળ્યો નહોતો. છતાં અમારા સંબંધો બહુ સારા હતા એ કહી શકું. એક અજીબ કૉન્ફિડન્સ આપતા તે. અજીબ કમ્ફર્ટ આપતા તે કલાકારોને. હું તો પહેલાં તેમનો ફૅન હતો અને તે ફ્રેન્ડની જેમ રાખતા. હું સ્વભાવે બહુ ટીખળખોર, મસ્તીખોર હતો. તેમની મસ્તી પણ બહુ કરતો અને તે હસીને મને એકદમ નાના ભાઈની જેમ પ્રેમથી સ્વીકારી લેતા અને મારી એ સ્વભાવગત રમૂજને આવકારી લેતા. હું મારી એ મસ્તીના એકાદ-બે પ્રસંગોની વાત કરવા માગું છું.



નાટ્ય કલાકારો જેને નાટકવાળા કહેવાય એ બધા સાંજ પડે એટલે ભાઈદાસ હૉલ પર ભેગા થતા. સબબમાં એ ભાઈદાસ પર અને ટાઉનમાં જે રહેતા એ ભવન્સ ચોપાટી પર. ત્યારે કલાકારો આટલાબધા વ્યસ્ત નહોતા રહેતા. ટીવીનું ચલણ હજી જસ્ટ શરૂ થયું હતું  અને એ પણ નામપૂરતું. ૧૯૯૩-૯૬ની આસપાસના સમયની વાત કરું છું. અમે બધા કલાકારો ભાઈદાસ પર રોજની જેમ સાંજે ઊભા હતા અને વાટો કરતા હતા. ના-ના, ભૂલ નથી કરી મેં લખવામાં. વાતો નહીં, વાટો જ. વાટો, ગૉસિપ. વાટવું કહીએને આપણે એના પરથી મેં બનાવેલો આ શબ્દ છે. વાટો કરતા હતા. બહુ જ સામાન્ય કહેવાય અને મજેદાર હતું આ વાટવાનું કામ. ભાઈદાસ હૉલ પરની એ સાંજો અવિસ્મરણીય છે. બધા કલાકારો ક્યાં-ક્યાંથી ભાઈદાસ પર પહોંચી જાય. ભાઈદાસનો ઓટલો, સામે મળતાં એ વડાપાંઉ  અને ચા. આહ... આ સાંજો ક્યારેય ભુલાશે નહીં.


સોશ્યલ મીડિયા જેવું કંઈ સપને પણ ખ્યાલમાં નહોતું એટલે બધી ઇન્ફર્મેશનનું વૉટ્સઍપ સેન્ટર ભાઈદાસ જ હતું. ત્યારે મારા સારા એવા મિત્ર અને ‘ખિચડી’ના સહકલાકાર રાજીવ મહેતા શફીભાઈના નામે મસ્તીમાં કંઈ બોલ્યા. અમે ઘણાબધા કલાકારો ઊભા હતા. રાજીવ મહેતાએ કહ્યુઃ શફીભાઈ આવશે અને હમણાં પોતાના ફાર્મની કેરીઓની વાતો કરશે; પણ વાતો કરશે, આપશે કે ખવડાવશે નહીં.

આવું રાજીવ બોલ્યો અને એ પણ શફીભાઈના ચાળા પાડતાં-પાડતાં. બધા હસી રહ્યા હતા, વાતો કરતા હતા અને એવામાં પાછળથી શફીભાઈ આવ્યા. બધાએ વાતો બદલી. શફીભાઈનો દબદબો હતો, બધાને થોડો ડર પણ. જેમ આપણે કોઈની વાત કરતાં હોઈએ અને તે અચાનક આવી જાય તો જે રીતે વાત બદલીને બધા ખોટાં લાડ કરવા માંડે એવી જ રીતે રાજીવે પણ કર્યું અને રાજીવે શફીભાઈને લાડમાં કંઈક કહ્યું. થોડા પોરસાયા પણ ખરા શફીભાઈ અને બરાબર એ જ સમયે મેં આ ખોટાં લાડના ફુગ્ગામાં ટાંકણી મારી. મેં કહ્યું, ‘શફીભાઈ, અભી આપ આએના ઉસસે પહલે યે રાજીવ આપકે લિએ ક્યા બોલ રહા થા પતા હૈ...’


આટલું બોલ્યો હું અને ત્યાં તો સોપો પડી ગયો.

રાજીવ તો સ્તબ્ધ જ થઈ ગયો અને પછી મેં થોડુંક વધારીને રાજીવે જે કહ્યું હતું એ જ રીતે, એ જ સ્ટાઇલ કરતાં મેં શફીભાઈને કહ્યું. શફીભાઈ તરત જ સમજી ગયા કે આજના આ માહોલમાં આજે રાજીવ મહેતા લેવાઈ ગયો છે તો તે પણ અમારી સંગે ચડ્યા અને પછી તો તેમણે પણ જબરદસ્ત મસ્તીનો માહોલ જમાવ્યો રાજીવ મહેતાને ફસાવીને. ખૂબ હસ્યા અમે બધા. રાજીવ શરૂઆતમાં તો રીતસર ગભરાયો હતો. આ ગભરાટનું કારણ શફીભાઈ પ્રત્યેની રિસ્પેક્ટ હતી, પણ તે ગભરાયો તો હતો એ હકીકત છે. રાજીવે બૅફફુટ જવા માટે ખૂબબધી મથામણો કરી હતી. આ પ્રસંગ આજે પણ અમને યાદ આવે ત્યારે અમારાથી અત્યારે પણ રીતસર ખડખડાટ હસી પડાય છે.

આવો જ એક બીજો પ્રસંગ પણ છે. મોબાઇલ ફોન નવા-નવા આવ્યા હતા અને મોબાઇલ કૉલ મોંઘાદાટ હતા. મોબાઇલ ફોનમાંથી કૉલ કરવા કોઈને પરવડતું નહીં. ભાઈદાસ પર એક પબ્લિક ટેલિફોન હતો. પંડિત અટકવાળો એક સુરદાસ એ બૂથ ચલાવતો. તેને બધા કલાકારોની કુંડળીઓની ખબર રહેતી. એ દિવસોમાં શફીભાઈ બધાને કૉમ્પ્લેક્સ આવે એમ હાથમાં બે મોબાઇલ લઈને ફરતા. હા સાહેબ, બે મોબાઇલ. આપણે આજે બે મોબાઇલ રાખીએ છીએ પણ શફીભાઈ સોળ રૂપિયા મિનિટના સમયમાં બે મોબાઇલ રાખતા હતા. પણ હા, ખોટું નહીં વિચારતા. બહુ ઉડાઉ કે ખર્ચાળ નહોતા. ઊલટું તેમની ઇમ્પ્રેશન તો બહુ કરકસરવાળી વ્યક્તિમાં આવે. બહુ જ કરકસરથી અને સાચી રીતે રહેતા. મસ્તીમાં કોઈ તેમને કંજૂસ પણ કહી દેતા અને આ જ વાત મને ખટકી હતી. મસ્તી-મસ્તીમાં એવી ચૅલેન્જ લાગી ગઈ કે શફીભાઈ કોઈને પોતાના મોબાઇલ પરથી ફોન કરવા આપે જ નહીં અને જો કોઈ ફોન કરીને દેખાડે તો સાચું.

મને રસિક દવેએ આ વાત કરી હતી. આ બધી હેલ્ધી મસ્તી હતી અને એ બધા કલાકારને ખબર પણ હતી. બધા એકેકથી ચડે એવા ગિલિન્ડર અને અડફેટે ચડે એનો વારો કાઢી નાખે એવા ઉસ્તાદો. પેલી મોબાઇલવાળી વાત ચાલતી હતી અને એવામાં શફીભાઈ ત્યાં આવ્યા. રાબેતા મુજબ, બે મોબાઇલ ફોન સાથે અને આપણે બંદા તૈયાર. બીડું ઝડપી લીધું. એ સમયે અમે બધા પેલા પબ્લિક ફોનની વિન્ડોની બહાર જ ઊભા હતા એટલે ફોન તો આમ પણ કંઈ માગી શકાય એમ નહોતો. ફોન માગવા માટેનું કારણ પણ મજબૂત જોઈએને. મેં નક્કી કરી લીધું અને શફીભાઈને કહ્યું, ‘શફીભાઈ, આજ મેરા મેરે માબાપ કે સાથ મોબાઇલ ફોન પે બાત કરને કા બડા મન કર રહા હૈ... તો એક ફોન કર સકતા હૂં આપકે ફોન સે?’

તે વિચારમાં પડ્યા અને તેમનો વિચાર પૂરો થાય ત્યાં સુધીમાં તો મેં બીજું બાણ પણ છોડી દીધું. મેં તેમને કહ્યું, ‘સબ દોસ્તોં કો લગ રહા હૈ કિ આપ મના કર દોગે, મુઝે ફોન કરને નહીં દોગે...’

અને બિચારા માણસ, મારા નાલાયકીના બાણથી વિંધાયા અને મને તરત જ ફોન આપી દીધો. મેં ફટાફટ એક જ મિનિટમાં વાત પતાવીને ફોન પાછો આપ્યો અને પછી તરત જ તેમને સાચી વાતની જાણ કરી તો તેમણે બહુ સ્પોર્ટી રીતે આખી વાતને સ્વીકારી લીધી અને પછી હસતાં-હસતાં મને કહે, ‘ચલ, ઇસી બાત પે અબ તૂ સબ કો ચાય પીલા...’

બહુ જ મજેદાર માણસ. એન્કરેજિંગ, મોટિવેટિંગ, માર્ગદર્શક. થિયેટરના કોઇ પણ કલાકારોની બાજુમાં ખડા પગે ઊભા રહેનારા.

(શફીભાઈ વધુ વાતો કરીશું આવતાં શુક્રવારે)

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 02:22 PM IST | Mumbai | Jamnadas Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK