મુંબઈથી મૉસ્કો, વાયા વરસાદ

Published: Aug 02, 2019, 15:12 IST | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા | મુંબઈ ડેસ્ક

વેકેશન હંમેશાં ચૅલેન્જિંગ હોય એ અનુભવે અનેક વખત સમજાઈ ગયું હોવા છતાં આ વેકેશનની શરૂઆત જ એવી થઈ કે ફ્લાઇટ પોતે જ કૅન્સલ થઈ જાય એવી પ્રાર્થના મનમાં થવા માંડી હતી

થ્રી ચિયર્સ: અમને આ રીતે હસતા જોઈને એવું લાગે ખરું કે અમારી રશિયાની ટૂર ઘરની બહાર નીકળતાંની સાથે જ તકલીફો અને ટ્રબલનાં ટોપલાં લઈને આવી હશે?
થ્રી ચિયર્સ: અમને આ રીતે હસતા જોઈને એવું લાગે ખરું કે અમારી રશિયાની ટૂર ઘરની બહાર નીકળતાંની સાથે જ તકલીફો અને ટ્રબલનાં ટોપલાં લઈને આવી હશે?

જેડી કૉલિંગ

સમય સતત પસાર થયા કરે છે અને હું આજે મારા જીવનના વર્તમાનમાં જ્યાં ઊભો છું એ જગ્યાએથી ભૂતકાળ દિવસે-દિવસે મોટો અને ભવિષ્યકાળ એટલો જ નાનો થતો જાય છે. મારા ભૂતકાળની જો કોઈ આનંદની વાત હોય તો એ કે બની રહેલા આ ભૂતકાળમાં હું તમને ભેગા કરી રહ્યો છું, સાથે જોડી રહ્યો છું. ભૂતકાળને વાગોળવાની સાચી મજા ત્યારે જ આવે જ્યારે ભૂતકાળ તમારી પાસે ભવ્ય હોય અને ભવ્યતા એ માત્ર ઇમારત કે સાધન-સુવિધાને કારણે જ નથી આવતી, એ મિત્રોને કારણે આવે છે. ધીમે-ધીમે કૉલમ બે વર્ષ પૂરાં કરવા તરફ આગળ ધપી રહી છે ત્યારે આ બે વર્ષના સમયગાળાની વાત આપણે ભવિષ્યમાં કરીશું પણ એ પહેલાં મને વાત કરવી છે મારા આ વખતના વેકેશનની.

આ વખતે અમે વેકેશનમાં રશિયા ગયા હતા. વેકેશનની વાત આવી એટલે મને તરત જ તમે યાદ આવ્યા અને થયું કે ચાલો, વેકેશનની મારી બધી વાતો તમારી સાથે શૅર કરું. ગયા વર્ષના વેકેશનની વાતો પણ તમને યાદ હશે અને એ વાતો પછી તમારી સાથે થયેલી વેકેશનની ટિપ્સની વાતો પણ તમને યાદ હશે. એ વાતો સમયે જ મેં તમને ટર્કીમાં ખોવાયેલી અને પછી ૬ મહિને ઘરે પાછી આવેલી બૅગની વાત પણ કરી હતી. ગયા વેકેશનની વાત વખતે મેં તમને કહ્યું હતું કે વેકેશનમાં લોકોએ સ્કૂબા ડાઇવિંગનો કોર્સ કર્યો હતો. બેઝિક કોર્સ થઈ ગયો એટલે હવે ઍડ્વાન્સ કોર્સ ક્યાં કરીએ એની વાતો પરથી જ અમારા હૉલિડેનું પ્લાનિંગ શરૂ થયું હતું. હૉલિડેનું પ્લાનિંગ હંમેશાં વહેલું શરૂ કરવું જોઈએ, એના એક નહીં, ઘણા ફાયદા હોય છે. તમારી જિંદગી તમે તમારી રીતે જીવો છો એનો હકીકતમાં તો એક આભાસ હોય છે. ઘણી જવાબદારીઓ હોય એટલે એ જવાબદારીનું બંધન પણ હોય. વેકેશન માટે કોઈની રજા લેવી, આમતેમ જોવું, બીજી ફરજો પર ધ્યાન આપવું એવું કશું નહીં કરવાનું. નક્કી કરવાનું કે મારે આ દિવસોમાં અહીં જવું છે, આ ડેટ છે, હવે જોઈ લો. જો પહેલેથી જ પ્લાનિંગ થવા માંડે તો ઘણા બધા પ્રદેશોની બરાબર તપાસ કરીને નક્કી કરી શકો કે તમને કેવું હવામાન જોઈએ છે, જે એ વિસ્તારમાં કોઈ મોટી ઇવેન્ટ કયા સમયે હોય કે ફેસ્ટિવલ હોય તો એની પણ પહેલેથી ખબર પડી જાય. ઘણાને ગમતું હોય એવી ઇવેન્ટ કે ફેસ્ટિવલમાં રહેવું તો એ રીતે પણ મજા આવે અને જો કોઈને ન ગમતું હોય તો એ રીતે પણ પહેલેથી ખબર પડી જાય અને ભરાઈ પડવાની ફીલ ન આવે. વહેલું કરવાથી બીજો પણ એક મોટો ફાયદો થાય, વિમાનપ્રવાસ અને રહેવાસ બન્ને બહુ સસ્તા હોય છે. આવું બધું શોધતાં-શોધતાં અમે નક્કી કર્યું કે જૂન-એન્ડથી અને જુલાઈના પહેલા વીકના ગાળામાં શ્રીલંકા જવું. આ પણ બહુ બધા દેશોની શોધખોળ અને ખાંખાખોળા કર્યા પછી અમે નક્કી કર્યું હતું. કારણ કે અમારે સ્કૂબા ડાઇવિંગનો ઍડ્વાન્સ કોર્સ કરવો હતો. તમને થાય કે આ સમયગાળો શું કામ, તો હું એનો પણ જવાબ આપી દઉં કે જૂનના અંતમાં એટલા માટે કે હું અને મારો પાર્ટનર આતિશ કાપડિયા બન્નેની વેકેશનની તારીખ એક ન થાય એ મુજબ પ્લાન બનાવવાનો હોય અને એ પણ જો અમે એક જ દેશમાં ન જવાના હોઈએ તો.

તો ફરી વાત કરીએ વેકેશનની.
બધી શોધખોળ પછી શ્રીલંકા જવાનું ફાઇનલ થયું અને બુકિંગ કરવાનું આવ્યું ત્યાં શ્રીલંકાની ચર્ચમાં બૉમ્બ-બ્લાસ્ટની ગોઝારી દુર્ઘટના ઘટી. શ્રીલંકન ગવર્નમેન્ટ અને આપણી સરકારે પણ તાકીદની ચેતવણી આપી દીધી કે હમણાંના દિવસોમાં બહુ જરૂરી કે અનિવાર્ય ન હોય તો શ્રીલંકાનો પ્રવાસ ન કરવો. આપણે માટે એવું બની ગયું છે કે પ્લાનિંગ શરૂ કરીએ ત્યારથી જ નક્કી રહે કે આપણા બધા પ્રવાસ ચૅલેન્જિંગ જ રહેવાના છે. પ્રવાસ દરમ્યાન ક્યાંક ને ક્યાંક વાર્તાઓ બનવાની છે અને એનો લાભ તમને મળવાનો છે. જો એવું બને તો જ પ્રવાસ રસપ્રદ લાગેને. ફરી પાછો નવેસરથી પ્લાન બનવાનું શરૂ થયું અને જે-જે જગ્યા નક્કી કરતા જઈએ ત્યાં કોઈ ને કોઈ કારણસર એવું બને કે બધું ગોઠવાઈ ગયા પછી પણ એ કૅન્સલ થઈ જાય. જો એ બધાની વાત બારીકાઈથી કહેવા બેસીશ તો આપણું આ વખતનું વેકેશન શરૂ જ નહીં થાય અને રશિયાનું વિમાન ઊપડશે જ નહીં અને આમ પણ એક વાત કહું તમને, રશિયા જવાનું વિમાન ઊપડ્યું પણ નહીં.

કેમ અને શા માટે એ વાત માંડીને સાંભળવા જેવી છે...
બહુ બધી શોધખોળ પછી નક્કી કર્યું કે રશિયા જવું. મૉસ્કો અને સેન્ટ પિટર્સબર્ગ. બહુ જ સુંદર સ્થળો છે અને આ બન્ને પાસે ઇતિહાસ પણ મોટો અને જાજરમાન છે. રશિયા અને સ્પેસિફિકલી આ બન્ને જગ્યા વિશે બહુ બધું સંશોધન કરીને મારી દીકરી કેસરે નક્કી કર્યું. ‘ટ્રાવેલ૩૬૦’વાળા ચેતનભાઈ અને તેમની ટીમ સાથે કેસરે બહુ બધા વાર્તાલાપ પછી આ આખા પ્રવાસનો પ્રોગ્રામ બનાવ્યો. આપણામાંના ઘણા લોકોને વિદેશ જવાના નામ પરથી જ ગભરામણ શરૂ થઈ જતી હોય છે કે ત્યાં બધા મસ્ત અંગ્રેજી બોલે અને આપણને બોલવાના વાંધા. આવું વિચારનારા લોકોએ તો બિન્દાસ રશિયા જવું. ત્યાં અંગ્રેજી બોલવામાં તમારાથી પણ ખરાબ વાંધાવાળા લોકો છે. વધારે સ્પષ્ટતા સાથે કહું તો રશિયામાં મોટાલ ભાગના લોકોને અંગ્રેજી આવડતું જ નથી, પણ ધન્ય છે મોબાઇલ-ઍપ્સને કે એને લીધે તમે વિદેશ જાઓ કે પછી સાઉથ ઇન્ડિયા જાઓ, ભાષા ન આવડવાની ચિંતા નથી કરવી પડતી. સ્માર્ટફોનમાં ટ્રાન્સલેટર ઍપ ડાઉનડલોડ કરી લેવી, આ ઍપ આપણને અને અંગ્રેજી ન આવડતા વિદેશીને પણ વાતો કરતા કરી દેશે. મૂકો અત્યારે આ બધું, આપણે હવે રશિયા જવા માટેનું વિમાન ઉપાડીએ.
૧ જુલાઈની મિડનાઇટની ફ્લાઇટ અને અમે રાતે સમયસર ઘરેથી ઍરપોર્ટ જવા માટે નીકળ્યા.

એમિરેટ્સની ફ્લાઇટ હતી, મુંબઈથી મૉસ્કો વાયા દુબઈ. બહાર સાંબેલાધાર કહેવાય એવો ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદ વચ્ચે અમે ઘરેથી નીકળ્યા. થોડા આગળ ગયા ત્યાં અમને પાછા વાળવામાં આવ્યા કે આગળ બહુ પાણી ભરાયાં છે અને અમને પહેલો ધ્રાસકો પડ્યો. એસ. વી. રોડ પર આવ્યા તો ત્યાં જે દિશાથી જવાનો રસ્તો હતો એ બંધ હતો અને આવવાના રસ્તા પર અડધોઅડધ ભાગ કરીને વાહનો આવતાં-જતાં હતાં. અમે એ રસ્તો લીધો અને જરા આગળ ગયા ત્યાં જોયું કે નાની નાની ગાડીઓ પાણીમાં બંધ પડીને ઊભી રહી ગઈ છે. ફ્લાઇટ એકદમ ટાઇમ પર અને જીપીએસ કહે કે ઍરપોર્ટ પહોંચતાં પચીસ મિનિટ લાગશે. જોકે અમે જ્યાં અટવાયા હતા ત્યાંથી અમને એવું જરાય નહોતું લાગતું કે અમે પહોંચી શકીશું. અમને થયું કે અમારી ફ્લાઇટ ગઈ. કારમાં બેઠાં વાતો ચાલુ થઈ કે આ વખતની હૉલિડે પહેલેથી જ ચૅલેન્જિંગ છે. આવી બધી વાતો ચાલતી હતી અને હેતુ એક જ હતો કે ધ્યાન બીજી દિશામાં રહે. બાકી બધાને ખબર હતી કે આ કંઈ મુંબઈ-અમદાવાદની ફ્લાઇટ નથી કે એક ગઈ તો પાછળ બીજી ફ્લાઇટ તરત જ મળી જશે. ચાર સૂટકેસ અને ચાર હૅન્ડબૅગવાળા પરિવારને, જેણે નોકરોને રજા આપી દીધી હોય અને ઘણી બધી તૈયારીઓ કરીને પ્રવાસ નક્કી કર્યો હોય અને આટલા દિવસની મહેનત હોય એનો શ્વાસ અધ્ધર થઈ જાય એવી પરિસ્થિતિ હતી. મનમાંથી પ્રાર્થના નીકળી ગઈ કે આજે ફ્લાઇટ ડિલે થાય કે પછી એ કૅન્સલ થાય તો સારું, નહીં તો આપણે તો પહોંચી જ નહીં શકીએ, પણ કુદરતના મનમાં નવી જ વાર્તા હતી. મારા માટે પણ અને તમારા માટે પણ.

આ પણ વાંચો : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

જેમતેમ કરતાં ૧૫ મિનિટે ભરેલા પાણીવાળા રસ્તા પરથી હાઇવે પર આવ્યા અને તરત જ ગૂગલ પર ગુસ્સો આવી ગયો. ગૂગલ એવું કહેતું હતું કે પચીસ મિનિટમાં પહોંચી જવાશે અને ૧૫ મિનિટ તો અમને હજી અહીં જ થઈ ગઈ હતી. જોકે પાંચમી મિનિટે મનમાં ભરાયેલો એ ગુસ્સો સન્માનમાં પલટાઈ ગયો, કારણ કે આગળનો રસ્તો સાવ ખાલીખમ અને એકદમ ક્લિયર. (રશિયાની ફ્લાઇટ અને વેકેશનની શું હાલત થઈ એના વિશે વધુ વાત કરીશું આવતા શુક્રવારે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK