વેકેશન પર એક્સપેન્સની ચિંતા ન કરવી,તો ક્રિમિનલ એક્સપેન્સ પણ ન થવા દેવાય

Published: Aug 09, 2019, 12:15 IST | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ | મુંબઈ ડેસ્ક

મુંબઈ ઍરપોર્ટ પર જ રાતવાસો કરવાનો આવ્યો અને એવી રીતે અમારા વેકેશનનો શુભારંભ થયો

સવાર-સવારમાંઃ સવારમાં શું કામ ભાઈ, રાતે પણ ન પીવું જોઈએ. આ તો ઍરપોર્ટ પર ટાઇમપાસ કરતાં-કરતાં કરેલી મસ્તીનું પરિણામ છે
સવાર-સવારમાંઃ સવારમાં શું કામ ભાઈ, રાતે પણ ન પીવું જોઈએ. આ તો ઍરપોર્ટ પર ટાઇમપાસ કરતાં-કરતાં કરેલી મસ્તીનું પરિણામ છે

જેડી કૉલિંગ

(ગયા વીકમાં આપણે વાત શરૂ કરી હતી અમારા આ વખતના વેકેશનની. મૂળ તો અમે શ્રીલંકા જવા માગતા હતા, પણ શ્રીલંકાનો આખો પ્રોગ્રામ બને અને ફાઇનલ થાય એ પહેલાં જ ત્યાં બૉમ્બ-બ્લાસ્ટ થયા અને બન્ને દેશની સરકારે અનિવાર્ય સંજોગો સિવાય શ્રીલંકા નહીં આવવાની જાહેરાત કરી. અમારી ઇચ્છા આ વેકેશનમાં સ્કૂબા ડાઇવિંગનો ઍડ્વાન્સ કોર્સ કરવાની હતી એટલે અમે આવું નક્કી કર્યું હતું, પણ ઠાકોરજીની ઇચ્છા જુદી હતી. નવેસરથી પ્લાન શરૂ થયો અને બનતા પ્લાન વચ્ચે રશિયાનું નક્કી થયું. આ વખતે બધું બરાબર ચાલ્યું, પણ અંતિમ સમયે વરસાદ કહે મને મૂકીને તમે કેમ જઈ શકો? હવે વાંચો આગળ...)

૧ જુલાઈની મિડનાઇટની ફ્લાઇટ અને અમે રાતે સમયસર ઘરેથી ઍરપોર્ટ જવા નીકળ્યા. એમિરેટ્સની ફ્લાઇટ હતી, મુંબઈથી મોસ્કો વાયા દુબઈ. બહાર સાંબેલાધાર કહેવાય એવો ધોધમાર વરસાદ. ફ્લાઇટ એકદમ ટાઇમસર અને જીપીએસ કહે કે ઍરપોર્ટ પહોંચતાં પચીસ મિનિટ લાગશે. જોકે અમે જ્યાં અટવાયા હતા ત્યાંથી અમને એવું જરાય નહોતું લાગતું કે અમે પહોંચી શકીશું. અમને થયું કે અમારી ફ્લાઇટ ગઈ, પણ જેમ-તેમ કરતાં ૧૫ મિનિટે અમે હાઇવે પર આવ્યા અને સામે દેખાતો આગળનો રસ્તો સાવ ખાલીખમ અને એકદમ ક્લિયર. આપણે ત્યાં પાણી ભરાય છે એ ધોધમાર વરસાદની નહીં, બીએમસીની બલિહારી છે.
હાઇવે પર આવ્યા ત્યારે પણ વરસાદ તો ચાલુ જ હતો અને પાણી ભરાતાં હતાં પણ એટલું સારું હતું કે આગળનો રસ્તો ક્લિયર હતો અને અમારી ગાડી આગળ વધતી હતી. અમે ઍરપોર્ટ પહોંચ્યા અને પ્રમાણમાં ઇન-ટાઇમ કહેવાય એવી રીતે ઍરપોર્ટ પહોંચ્યા. ઍરપોર્ટ જઈને ચેક-ઇનની લાઇનમાં ઊભા રહ્યા ત્યાં ત્રીજી મિનિટે અમારા મિત્ર અને ઍરપોર્ટ પર જે ગાઇડ કરતા હોય છે એ રમેશ ગોરાવાના સ્ટાફ-મેમ્બરે આવીને અમને કહ્યું, ‘તમારી ફ્લાઇટ તો કૅન્સલ થઈ ગઈ છે. તમને મેસેજ આવ્યો હશે.’
અમને તો એવો કોઈ મેસેજ નહોતો આવ્યો.
હવે?
મગજમાં એકસાથે ૫૦-૧૦૦ વિચારો આવી ગયા કે ડ્રાઇવરને ઍરપોર્ટ પર આવ્યા પછી હંમેશાં ૧૫ મિનિટ રોકાવાનું કહીએ છીએ અને આજે વરસાદને લીધે એ બિચારો ઘરે જલદી પહોંચી જાય એવી હાલતમાં નીકળી જવાનું કેમ કહી દીધું, શું કામ? શું કામ આજના દિવસે જ જવાનું નક્કી કર્યું એવા વિચારો પણ આવ્યા અને શું કામ મૉન્સૂનમાં જ વેકેશન કરવા જવું એવું પણ મનમાં આવી ગયું અને જાત પર ખીજ પણ ચડી કે શું કામ રસ્તામાં ભરાયેલાં પાણી જોઈને ભગવાનને પ્રાર્થના કરી કે ફ્લાઇટ કૅન્સલ થાય તો સારું, શું કામ એવી ભગવાનને અરજી કરી?
મિત્રો, ઘણી વાર વિચારીને પ્રાર્થના કરવી, કારણ કે એવું થઈ જાય અને ભગવાન પ્રાર્થના સ્વીકારી લે તો પાછું એ આપણને જ નથી ફાવતું. ફ્લાઇટ કૅન્સલ થવાનું કારણ જાણવા જેવું હતું. વરસાદને કારણે પ્લેન ઘસડાઈને નીચે ઊતરી ગયું હતું અને રનવે ડૅમેજ થયો હતો જેને લીધે આવતા સમયમાં બીજી કોઈ ફ્લાઇટ ઊપડી શકે નહીં એવું લાગી રહ્યું હતું. હું અને મારો પરિવાર તો અટવાયા, પણ ઍરપોર્ટ પર અમારા મિત્ર નીરવ વૈદ્ય અને તેમની ફૅમિલી જે સ્વિઝ્ટરલૅન્ડ જઈ રહી હતી એ પણ અટવાઈ અને એવા જ બીજા ઘણા પરિવાર અને લોકો જે મુંબઈથી જઈ રહ્યા હતા તેઓ બધા ઍરપોર્ટ પર અટકી પડ્યા હતા. એક પછી એક ધડાધડ ફ્લાઇટો કૅન્સલ થતી હતી અને એકધારી એ કૅન્સલ થઈ રહેલી ફ્લાઇટની અનાઉન્સમેન્ટ આવતી હતી.
હવે શું કરવું?
વિચાર મનમાં પ્રગટી ગયો, તો સાથોસાથ ‘હવે શું થશે’ની મૂંઝવણ પણ મનમાં શરૂ થઈ ગઈ અને એ દિશામાં ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ. અમે તરત જ અલગ ફ્લાઇટની તપાસ શરૂ કરી દીધી. અમારે એ કરવું પડે એમ જ હતું, કારણ કે બીજા દિવસે સવારે અમારી દુબઈથી મૉસ્કોની કનેક્ટિંગ ફ્લાઇટ હતી અને એ અમારે કોઈ પણ હિસાબે મિસ કરવી નહોતી, પણ બધું આપણા મનનું ધાર્યું થતું નથી.
ફ્લાઇટ શોધવામાં અમે લગભગ થાકી ગયા અને પછી કોઈ જ ફ્લાઇટ મળે એમ નથી અને કોઈ જ ફ્લાઇટ અહીંથી રવાના થઈ શકે એમ જ નથી એ સ્વીકારીને આજની આ રાત ક્યાં વિતાવવી એનાં ચક્કર ચાલુ થયાં.
આજકાલ ઍરપોર્ટ પર બહુ સારી ફૅસિલિટી શરૂ થઈ છે. ઍરપોર્ટમાં નીચે જ હોટેલ જેવી વ્યવસ્થા શરૂ થઈ છે, જેમાં હોટેલની રૂમ ન હોય, પણ એક માણસ માટે એક બેડ જેવી વ્યવસ્થા હોય અને એ આખી કૅબિન બંધ થઈ જાય. કૅબિન બંધ થાય એટલે તમને એમ જ લાગે કે તમે જાણે બીજા કોઈ ગ્રહ પર આવી ગયા હો. અંદરથી એટલી સરસ હોય કે તમને રહેવું પણ ગમે. મિત્રો, એક આડવાત કહી દઉં તમને. અહીં સેપરેટ રૂમ પણ છે, જેમાં પરિવાર હોય તો મૅક્સિમમ ત્રણ જણ રહી શકે, પણ અમે ચાર હતાં. હું, મારી વાઇફ નીપા, દીકરીઓ કેસર અને મિશ્રી એટલે અમારે માટે એ રૂમ ઉપયોગી નહોતી. અમે ચાર કૅબિન લીધી. આ કૅબિન પ્રમાણમાં થોડી મોંઘી છે, પણ યાદ રાખજો, ફરવા નીકળ્યા પછી પૈસા સામે બહુ નહીં જોવાનું. હા, ક્રિમિનલ એક્સપેન્સ નહીં કરવાના, પણ બહાર નીકળ્યા પછી અને ખાસ તો સંકટ સમયે આવો ન વિચાર ન કરી શકાય. ઘરે પાછા જઈ શકાય એવી તો કોઈ ક્ષમતા જ નહોતી. પાણી ભરાયેલાં હતાં એટલે ટૅક્સીઓ પણ દેખાતી નહોતી અને ઘરે પાછા જઈને ફરી ઍરપોર્ટ આવવાનું કામ પણ અઘરું હતું. સવાર સુધીમાં જો વરસાદનું જોર ન ઘટે તો સવારે પાછા ઍરપોર્ટ આવવાનું અઘરું થઈ જાય અને ફ્લાઇટ સમયસર ઊપડી જાય તો અમારું વેકેશન રખડી પડે.
અમે વેકેશનનો પ્રારંભ મુંબઈ ઍરપોર્ટથી જ કર્યો અને ચાર કૅબિન ફાઇનલ કરી અમે રાતવાસો ત્યાં જ કરી લીધો. જાગવું અઘરું, નહોતું પણ ફરવા નીકળ્યા હોય ત્યારે જ્યાં થાકવાની જરૂર ન હોય ત્યાં થાક લેવાની અમારી તૈયારી નહોતી. રાતે સૂઈ ગયા હોય તો થોડો આરામ થઈ જાય અને સવારે ફ્રેશ થઈ સરસ બ્રેકફાસ્ટ સાથે નવી શરૂઆત થાય અને ફ્લાઇટ માટે કોઈએ દોડધામ ન કરવી પડે. જોકે કુદરતના મનમાં કંઈક જુદું જ ચાલતું હતું.
સવાર પડી અને અમે બધી નિત્યક્રિયા પૂરી કરીને ઍરપોર્ટમાં આવી ગયાં.
નવ, દસ, અગિયાર, સાડાઅગિયાર અને બાર.
સમય આગળ વધતો રહ્યો અને ફ્લાઇટ અમારી ડિલે થતી રહી. દર વખતે નવો સમય અનાઉન્સ થાય અને અમે ઉત્કંઠા સાથે તૈયાર થઈએ અને એ પછી નવેસરથી અનાઉન્સમેન્ટ આવે અને ફ્લાઇટ ફરીથી ડિલે થાય. આ સમય દરમ્યાન અમને સતત દુબઈની ફ્લાઇટની ચિંતા હતી. એ અમારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી. નવો કૉલ-ટાઇમ આવ્યો, બપોરે બે વાગ્યાનો.
અને ફાઇનલી બપોરે બે વાગ્યે અમારી ફ્લાઇટ મુંબઈ રનવે પરથી ટેક-ઑફ થઈ. એ ટેક-ઑફ સાથે આછોસરખો હાશકારો અમારા મનમાં થયો અને અમારી નવી ચિંતા દુબઈ ઍરપોર્ટ પર જઈને અટકી. જો એ ફ્લાઇટ અમને મળી જાય તો સારું. દુબઈની ફ્લાઇટ અમારે પકડવાની હતી અને એને માટે વિમાને સમયસર પહોંચવાનું હતું.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

મુંબઈથી દુબઈ સુધીની સફરમાં અમારા હાર્ટબીટ અમારી ફ્લાઇટ કરતાં વધારે ઝડપી હતા, પહોંચ્યા દુબઈ, હૅન્ડબૅગ હાથમાં જ રાખી હતી, આગળ ગયાં અને ગેટની તપાસ કરીને સીધાં એ દિશામાં ભાગ્યાં. જેવા અમે દુબઈ-મૉસ્કો ગેટ પાસે પહોંચ્યાં ત્યાં હાજર રહેલા સ્ટાફે અમને કાચમાંથી દેખાડ્યું, તમારી ફ્લાઇટ જસ્ટ ઊપડી અને એ... ઊડીને જાય. વેકેશન બરાબર પરીક્ષા લઈને આવ્યું હતું એવું મને વધુ એક પ્રતીત થયું.
(રશિયા માટે નીકળેલી અમારી યાત્રા દુબઈ પહોંચ્યા પછી કેવી રીતે આગળ વધી એની રસપ્રદ વાતો આવતા અઠવાડિયે કરીશું)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK