Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: લવ યુ ડૅડી

કૉલમ: લવ યુ ડૅડી

21 June, 2019 12:34 PM IST |
જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

કૉલમ: લવ યુ ડૅડી

વરૂણ ધવન ડૅડી સાથે

વરૂણ ધવન ડૅડી સાથે


પહેલાં તો એક વાત કહી દઉં તમને.

ફાધર્સ ડે ભલે ગયા રવિવારે ગયો, પણ મારે માટે ફાધર્સ ડે ૩૬પ દિવસ હોય છે.



ફાધર્સ ડે પણ અને મધર્સ ડે પણ. જોકે આ વખતનો ફાધર્સ ડે મારા માટે બહુ સ્પેશ્યલ ડે હતો અને એનું કારણ પણ જાણવા જેવું છે. મારા બાપુજીને ક્રિકેટનો બહુ શોખ, ટ્રાન્ઝિસ્ટર પર ક્રિકેટ કૉમેન્ટરી સાંભળવાના દિવસોથી. રેડિયો પાસે કાન લગાડીને મૅચને માણ્યા કરે. અમારી ગલીમાં જ્યારે પહેલું ટીવી આવ્યું ત્યારે ટીવી જોવાનો એક રૂપિયો લેતા. આખા દિવસની ત્યાં મૅચ જોવાતી, એ સમયથી માંડીને અમારા માનનીય વૈષ્ણવ રમણરાજાના ઘરે ટીવી આવ્યું ત્યાં સુધી. અમારા ઘરેથી ૧૫ મિનિટ ચાલીને તેમના ઘરે ટેસ્ટ મૅચ જોવા માટે જતા અને એ સમયથી લઈને છેક અમારા ઘરે મેં પહેલું બ્લૅક ઍન્ડ વાઇટ ટીવી ખાસ તેમને ક્રિકેટ જોવા માટે લીધું ત્યાં સુધી અને એ પછી પહેલું કલર ટીવી લીધું ત્યાં સુધી. આમ તો આ બધી વાતો અગાઉ આપણે કરી ચૂક્યા છીએ, પણ આજની વાતનો તંતુ બાંધવા માટે આટલી પૂર્વભૂમિકા જરૂરી હતી.


બાપુજીને એક જ શોખ, ક્રિકેટનો. બીજું કંઈ તેમને આકર્ષી ન શકે. બાપુજીના આ ક્રિકેટના શોખ પાછળનું એક કારણ પણ છે. બાપુજી તેમના યંગ ડેઝમાં ક્રિકેટ રમતા, પણ એક વાર તેમને એવી ઇન્જરી થઈ કે તેમનું ક્રિકેટ બાજુ પર મુકાઈ ગયું અને એ પછી તો તેમના પર પરિવારને પોષવાની જવાબદારી આવી પડી અને એ પછી તેમની આખી કરીઅર કૉલેજના બુક-સ્ટૉલ પર જતી રહી પણ પેલો તેમનો ક્રિકેટપ્રેમ, એ તો ગાંડા શોખમાં પરિવર્તતિ થઈ ગયો. બાપુજીનો આ શોખ અમને બધાને વારસામાં મળ્યો છે. આ જ શોખ અને ક્રિકેટ પ્રત્યેના ગાંડપણે જ મને ૧૯૯૯માં ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવા માટે છેક મૅન્ચેસ્ટર સુધી ખેંચી જવાનું કામ કર્યું હતું. મૅન્ચેસ્ટરની એ મૅચ વિશે મેં તમને બધી વાત કરી છે અને તમે એ આખી સિરીઝ વાંચી છે. હું અમેરિકાની અમારી નાટકની ટૂર પતાવીને કેવી રીતે લંડન અને લંડનથી કેવી રીતે મૅચ જોવા મૅન્ચેસ્ટર ગયો એ આખી જર્ની તમને યાદ હશે. આ વખતે મોટા ભાગની વાતોનું પુનરાવર્તન હતું.
૧૬ જૂન, રવિવાર, ફાધર્સ ડે અને ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની મૅચ અને એ જ મૅન્ચેસ્ટર.

મારા ૯૨ વર્ષના બાપુજી સાથે અમે ફરી પાછા ઇન્ડિયા-પાકિસ્તાનની વર્લ્ડ કપની મૅચ જોઈ શકીશું એ મારા ઉત્સાહનું પહેલું કારણ અને બીજું કારણ, અમારો ક્રિકેટરસિક ભાણેજ રવિ. આ યુવાન ઉંમરે ક્રિકેટરસિક પતિાને બહુ મિસ ન કરે એટલે પતિા જેવા મામા સાથે આ મૅચ જોવાનું ખાસ આયોજન મારે ઘરે કર્યું હતું. બહુ યાદગાર દિવસ રહ્યો. આ મૅચ વિશે બહુ લખાઈ ગયું છે અને તમે વાંચી લીધું છે એટલે એના વિશે વધારે નથી લખતો, પણ ફાધર્સ ડેના વિષયને આપણે પકડીને આગળ વધીએ છીએ. રવિવારે અમે બધાએ સાથે ખૂબ મજા કરી.


અમારી ત્રણ જનરેશન આખી સાથે હતી. ફાધર અને તેમનાં બચ્ચાંઓ. બાળકો હંમેશાં પોતાની માની વધારે નજીક હોય છે અને પપ્પાથી એક ચોક્કસ અંતર હોય છે. આ ફાધરને ઇન્જ‌િસ્ટસ કહેવાય ખરા? એક પતિા તરીકે આ વાતનો જવાબ આપું છું, ના, ન કહેવાય અને જરા પણ એવું માનવું ન જોઈએ. ૯ મહિના સુધી સંતાનને પેટમાં રાખવાની અને પ્રસૂતિની પીડા સહેવાની જે જવાબદારી છે, એ જે આખો સમયગાળો છે એની તોલે કોઈ ન આવે, કંઈ ન આવે. બીજું, લગભગ બધાં ઘરોમાં બનતું હોય છે કે ફાધર કરતાં મા જ બાળકો સાથે વધારે સમય વતિાવતી હોય છે. બાળકોને પતિા સાથે ભણતરથી લઈને કરીઅર, બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, સંગત જેવા અનેક મુદ્દે ઘર્ષણ થતાં હોય છે. આ બધાં ઘર્ષણો જરૂરી છે, ઠીક છે અને એમાં કશું નવું પણ નથી એટલે એના વિશે વધારે વાત કરવાની જરૂર નથી. સમય સાથે ઘણાખરા અંશે બન્ને પક્ષે સુમેળ પણ થઈ જતો હોય છે એ પણ હકીકત છે. ખાસ કરીને આપણાં જેવાં પારિવારિક બંધનો અને જવાબદારીમાં માનતા દેશમાં પણ મને ફાધર્સ ડેના દિવસે કોઈક પતિાએ ભોગવેલી તકલીફની ખૂબ પીડા થઈ રહી છે. એ મહાન પતિાને આખી દુનિયાએ આપણા દેશના ફાધર ઑફ ધ નેશન તરીકે ઓળખ્યા છે અને આપણે તેમને લાડથી બાપુ કહીને બોલાવીએ છીએ. લગભગ દરેક હિન્દુસ્તાનીના પતિા જેવા, સિદ્ધાંતવાદી અને આખી દુનિયામાં આજની તારીખે શોધવા જાઓ તો જૂજ માંડ મળે એવા સત્યવાદી.

મારા ફેવરિટ નવલકથાકાર દિનકર જોશીની ‘પ્રકાશનો પડછાયો’ની શરૂઆતમાં ચાર લાઇનો લખવામાં આવી છે. આ લાઇન વાંચવા જેવી છે.

ગાંધીજી પોતાના જીવનમાં બે જ માણસોને સમજાવી ન શક્યા, એક મોહમદ અલી ઝીણા અને બીજા પોતાના જયેષ્ઠ પુત્ર હરિલાલ.

હું મારા એકેએક વાચકને કહીશ કે જો તમે ‘પ્રકાશનો પડછાયો’ ન વાંચી હોય તો ભૂલ સુધારી લો, આજે જ વાંચવાની શરૂ કરી દો. એ નવલકથાની ઊંડાઈ તમને ઉપરની ચાર લાઇનમાં જ ખબર પડી જતી હશે. આ ચાર લાઇન ખરેખર મનમાં વંટોળ જન્માવી દે છે. જેમને હાથમાં રમાડીને, ઉછેરીને મોટા કર્યા હોય, જીવ કરતાં વધારે પ્રેમ કર્યો હોય એવાં સંતાનો સાથે કેમ થતા હશે મતભેદ?

બાળકો માટે પણ પહેલો આઇડલ અને હીરો તેમના પતિા જ હોય છે. હિન્દુસ્તાનના પતિા તો પાછા એટલા ઇમોશનલ છે કે લગ્ન પછી બાળક આવે ત્યારથી પોતાના મોજશોખના સમય અને પોતાના ખર્ચાઓ પર કાપ મૂકવાનું શરૂ કરીને જીવનની નવી ગંભીર જવાબદારીને સમજવાનો, એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ આદરી દે છે. સંતાનને ભણાવવાથી માંડીને કરીઅર જ નહીં, લગ્ન અને એ પછી એ કપલને સેટલ કરવાની ચિંતા પણ કરે અને એ જ રીતે પોતાની જિંદગીમાં કાપ મૂકીને આખા ઘરની અને પૂરા પરિવારની વ્યવસ્થા કરતા જાય. સંતાનો પણ ક્યાંય પાછીપાની નથી કરતાં. ઘણાં સંતાનો વળતામાં એટલો જ પ્રેમ આપે છે તેમનાં માબાપને જેટલો માબાપે તેમને કર્યો હોય. પોતાના લગ્નજીવનને અસર થતી હોય તો પણ એના તરફ ધ્યાન આપ્યા વિના, દરકાર કર્યા વિના તે ઘરમાં સાથે જ રહીને માબાપનું ખૂબ ધ્યાન રાખતાં હોય છે.

આવા લાગણીઓના સંબંધો છે એ પછી પણ કેમ પતિા અને સંતાનોમાં મતભેદ થતા હોય છે, શું કામ ખૂબબધાં ઘર્ષણો થતાં હોય છે આ સંબંધોમાં? આપણે જોઈએ છીએ કે ઘણાં વચ્ચે તો બોલવાના પણ સંબંધ નથી હોતા. આનું હું વધારે વિશ્લેષણ નથી કરતો, પણ એટલું ચોક્કસ કહીશ કે જ્યાં પ્રેમનું પ્રમાણ વધારે હોય ત્યાં વ્યક્તિ પઝેસિવ થઈ જાય અને વધારે સંભાળ રાખે એટલે અજાણતાં જ બાળકો ભૂલ ન કરી બેસે એવી દરકાર મનમાં જન્મી બેસે, જેને લીધે એ ભૂલ ન કરે એવી ઇચ્છા સાથે આંગળી પકડીને જિંદગી જિવાડવાની કોશિશ શરૂ થઈ જતી હોય છે. આ જે લાગણી છે એ લાગણીમાં સંતાનોને આઝાદી પર મુકાતો કાપ દેખાય કે પછી પોતાના પગ પર ઊભા થવાની ઇચ્છાને કચડી નાખવાની ભાવના દેખાઈ આવે.

ઉંમરનું જોમ અને અનુભવની કચાશ, આ વધારે છલકાતા ઇમોશન્સને અવળી અસર કરે છે. જેમ વધારે પડતું ગળ્યું કે વધારે પડતું તીખું સારું નહીં એમ વધારે પડતો પ્રેમ અને વધારે પડતી ચિંતા કે આઝાદ જીવન જીવવાની ખેવના પણ સારી નથી. એવી ઇચ્છાઓ સંબંધોમાં ઘર્ષણ ઊભી કરવાનું કામ કરે છે. આને જ જનરેશન ગૅપ કહે છે, કારણ કે મોટા ભાગના લોકો સમય સાથે વિચારો બદલી શકતા નથી. નવી પેઢીની લાઇફ-સ્ટાઇલને વર્તણૂક સાથે સંતુલન કરી શકતા નથી. મોહમ્મદ રફી અને કિશોરકુમારની પેઢીને બાદશાહ જેવા સિંગર ન ગમે અને એનાથી ઊલટું પણ એવું જ, એ જનરેશનના કોઈને બાદશાહ ગમે નહીં. હું કહીશ કે માત્રામાં રહેવું અને જતું કરવું પણ બાપ અને સંતાનના સંબંધો ક્યારેય વણસવા ન દેવા.

જો તમે તમારાં માબાપ કે સંતાન સાથે અબોલા રાખ્યા હોય તો ઓગાળી નાખો તમારા ગુસ્સાને, વિરોધને. વધુપડતો ગુસ્સો અને વધુપડતો વિરોધ અહમમાં ફેરવાય છે. તમને તમારા એ ખુશીના દિવસોથી દૂર રાખે છે જે દિવસો તમે પેટ ભરીને માણ્યા છે. ભલે ફાધર્સ ડે ગયો. લેખની શરૂઆતમાં જ મેં કહ્યું એમ, દરેક દિવસ ફાધર્સ ડે જ છે. જાઓ, બધું બાજુમાં મૂકીને ઘરે પહોંચી જાઓ ઘરે બાપુજી પાસે. જઈ ન શકો તો અત્યારે જ ફોન કરી દો અને રાતનું ડ‌િનર સાથે કરવાનો પ્લાન બનાવી લો. હું કહીશ કે આ લેખ વાંચીને જો એક પણ સંતાન કે માબાપ આવું સ્ટેપ લઈને ખુશ થશે તો મારુ જીવન ધન્ય થઈ જશે અને આ ફાધર્સ ડે મારી લાઇફનો બેસ્ટ ફાધર્સ ડે બનશે. ચાલો, એકબીજાની જિંદગીને વધારે ખુશ કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 12:34 PM IST | | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK