Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પૉઝિટિવ ઍટિટ્યુડ : સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલ કર બોજ ઉઠાના

પૉઝિટિવ ઍટિટ્યુડ : સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલ કર બોજ ઉઠાના

04 October, 2019 02:47 PM IST | મુંબઈ
જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

પૉઝિટિવ ઍટિટ્યુડ : સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલ કર બોજ ઉઠાના

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


(આપણે વાત કરીએ છીએ પૉઝિટિવ ઍટિટ્યુડની. નેગેટિવ અને અપસેટનેસ સર્જી શકે એવા વાતાવરણ વચ્ચે પણ મનમાં હકારાત્મકતા રાખવી ખૂબ જરૂરી છે. એટલું યાદ રાખવાનું છે કે બધું સારું થઈ જશે અને આવતી કાલ તો ૧૦૦ ટકા સારી જ છે. આવું વિચારવું એટલા માટે સારું છે કે આજના સમયમાં સ્ટ્રેસનું લેવલ એ સ્તરે વધતું જાય છે કે એની સીધી અસર તબિયત પર થાય છે. સ્ટ્રેસને લીધે તબિયત લથડતાં વાર નથી લાગતી. ભૂલવાનું નથી, જાન હૈ તો જહાન હૈ. હવે વાત વધારીએ આગળ...)

હું હંમેશાં એક આશા સાથે જ જીવ્યો છું, એ આશાની વાત કરું એ પહેલાં નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે મારી પત્નીનું નામ નિપા છે એ તમને ગયા વીકમાં પણ કહ્યું એટલે અહીં બીજી કોઈ આશાને ગણવાની નથી. આશા એટલે કે હોપની વાત કરું છું.



હું હંમેશાં એ આશા સાથે જીવું કે મારી આવતી કાલ આજ કરતાં વધારે સારી હશે. આપણે બધા એવું જ માનતા હોઈએ છીએ કે ભવિષ્ય સારું અને ઉજ્જ્વળ હશે, આ જ આશા સાથે જીવતા હોઈએ છીએ અને એટલે જ આપણું જીવન આસાનીથી કાપી શકીએ છીએ. આજે આવેલી મુસીબત આવતી કાલે નાની જ લાગે અને બીજા દિવસે એને ઝેલવાની તાકાત પણ આપણામાં વધી ગઈ હોય. આ જે તાકાત છે, શક્તિ છે એને વધારવાની છે અને એ આજે જ વધારવાની છે. વાત તમામ પ્રકારની શક્તિની થાય છે. સહનશક્તિ પણ આવી ગઈ અને માનસિક તથા શારીરિક ક્ષમતાની વાત પણ એમાં આવી ગઈ. યાદ રાખજો કે સહનશક્તિમાં અદ્ભુત શક્તિ છે. 


જો તમે સહનશક્તિ કેળવો તો એ તમને સુખ અને શાંતિ તરફ લઈ જવાનું કામ કરે જ કરે. એક બહુ જૂની વાત યાદ આવે છે. મૅનેજમેન્ટના લેસનમાં આ વાત શીખવવામાં આવતી.

કાચના ગ્લાસમાં અડધું પાણી ભરી આપવામાં આવે અને પછી પૂછવામાં આવે કે તમને શું દેખાય છે, ગ્લાસ ખાલી છે કે ભરેલો? કોઈ કહે કે અડધો ખાલી અને કોઈ કહે અડધો ભરેલો. અડધો ભરેલો એ આપણો પૉઝિટિવ ઍટિટ્યુડ છે અને આપણે એ કેળવવાનો છે જો ન હોય તો.


મારી બા મને નાનપણમાં એક વાર્તા કહેતી એ અત્યારે મને યાદ આવે છે. બહુ સરસ એ વાર્તા છે અને ખાસ તો એ વાર્તાનો બોધપાઠ ખૂબ સરસ છે.

ગુરુ દ્રોણે એક વાર અર્જુનને કહ્યું કે જા પૃથ્વી પરથી એક ખરાબ વ્યક્તિને શોધી લાવ અને એ જ સમયે તેણે દુર્યોધનને પણ કહ્યું કે જા, જઈને તું પૃથ્વી પરથી એક સારી વ્યક્તિ શોધી લાવ. બન્ને નીકળી ગયા અને ઠેર-ઠેર ફર્યા. બન્ને જુદી-જુદી દિશામાં ગયા. બહુ બધી જગ્યાએ ફર્યા પછી પણ અર્જુનને એક પણ વ્યક્તિ ખરાબ ન મળી, કારણ કે દરેકમાં કંઈક ને કંઈક તો સારું હતું જ અને તેણે બધામાં એ સારપ જોવાનું પસંદ કર્યું. બીજી બાજુએ દુર્યોધન પણ બહાર હતો, તે સારામાં સારો માણસ શોધવાનું કામ કરતો હતો, પણ લાખ પ્રયાસ પછી પણ તેને કોઈ સારું મળ્યું નહીં, કારણ કે તેને બધામાં કંઈક ને કંઈક ખરાબ જ દેખાતું હતું. ફરક માત્ર આટલો જ છે કે આપણે કરીએ છીએ શું, સારું શોધીએ છીએ કે પછી ખરાબ શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને આપણે શું જોઈએ છીએ, સારું કે ખરાબ?

વ્યક્તિ તરફનો પૉઝિટિવ ઍટિટ્યુડ તમને સંબંધો માટે પૉઝિટિવ બનાવશે અને હકારાત્મકતા રાખતાં શીખવશે. જો મનમાં હકારાત્મકતા હશે તો જ જીવન જીવવાની મજા પડશે, નહીં તો સંસારમાં કંકાશ વધી જશે અને જીવન જીવવાનો ત્રાસ છૂટવા માંડશે. હકારાત્મકતા લાવવા માટે એક નહીં, અનેક રસ્તા છે અને ૫૦૦ ઉપાયો છે જેને અમલમાં મૂકવાથી હકારાત્મકતા આવે. ખાવા-પીવાના શેડ્યુલ અને ડાયટ-ચાર્ટથી લઈને આદતો સુધી, જેમાં તમે સુધારો લાવીને બહુ પૉઝિટિવ ફેરફારો કરી શકો છો અને એ કરવા જ જોઈએ.

તમે કંઈ જોતા હો કે વાંચતા હો તો એના પરથી પણ તમારો અભિગમ નક્કી કરશે કે તમે એને કેવી રીતે માણો છો. નેગેટિવિટીમાં પણ તમને પૉઝિટિવટી લાવવાની રીત શીખવી પડશે. આજનો સમય કૉમ્પિટિશનનો છે. એકધારા ભાગતા રહેવાનું અને હરીફાઈમાં પણ આગળ રહેવાનું. આવા સમયે સૌથી મહત્ત્વનું જો કંઈ હોય તો એ છે હકારાત્મકને સાચવી રાખવાની અને બીજા નંબરની મહત્ત્વની વાત હવે આવે છે, જેના કારણે આ આખા વિષયની શરૂઆત થઈ છે.

આ અતિ મહત્ત્વની વાત એટલે પૉઝિટિવ એનર્જીને ઍક્શનમાં કન્વર્ટ કરવાની રીત, જે ખરેખર કરવાની જરૂર છે.

આ એક વિચાર સાથે જ આપણે હકારાત્મકતા અને સકારાત્મકતાની આ વાત શરૂ કરી છે અને હું તમને મારા વિચારો દર્શાવી રહ્યો છું. જો એવું કરશો તો હું આશા રાખું છું કે તેમને એનો ખૂબ સારો પ્રતિસાદ મળશે અને તમારા એ પ્રવાસમાં તમને સંગાથ પણ મળી રહેશે. અત્યારે બંધ થયેલી બૅન્કમાં અનેક લોકોનાં નાણાં ફસાયાં છે, અનેક લોકોનાં કામ એને કારણે અટવાઈ ગયાં હશે. આજની મોંઘવારીના સમયમાં તેમનને માટે આવી વિકટ અને કફોડી પરિસ્થિતિનો સામનો કરવો બહુ અઘરું હશે એ સમજી શકાય છે. મિત્રો એક કામ કરો કે બધા સાથે મળીને વૉટ્સઍપ કે સોશ્યલ મીડિયાના અન્ય પ્લૅટફૉર્મનો ઉપયોગ કરો અને એવું કરીને રજિસ્ટ્રેશન શરૂ કરો. જે એના પર રજિસ્ટ્રેશન કરાવે તેમને બીજી કોઈ મોટી આર્થિક હેલ્પ નથી કરવાની તમારે, બસ નાનકડો સાથ જ આપવાનો છે. તંદુરસ્તીથી ભરેલા ભોજન સાથે ટિફિન-સર્વિસની વ્યવસ્થા કરી આપો તેમને અને બૅન્ક બંધ થવાને કારણે આર્થિક રીતે અટવાઈ ગયા હોય અને સાથોસાથ શારીરિક રીતે પણ બીમારી ભોગવતા હોય તેમને ઇલાજ માટે મેડિકલ સપોર્ટ કરો. આ બે કામ કરશો તો ચોક્કસતે ફરીથી ઊભા થવાની દિશામાં વિચારતો થશે. તેણે આશા પડતી મૂકી દીધી હશે તો તે નવેસરથી મનમાં આશા જન્માવશે અને તેને પણ થશે કે તેની સાથે કોઈ ઊભું છે. આપણે દિવસમાં ૧૦૦-૨૦૦ રૂપિયાનો ક્યાંય પણ ખોટો કહેવાય એવો ખર્ચ કરી નાખતા હોઈએ છીએ, આપણે માત્ર એ ધ્યાન રાખવાનું છે કે એ ખોટો ખર્ચ ન થાય અને એ રકમ કોઈને એક ટંક જમવામાં કે દવા માટે કામ લાગે.

‘મિડ-ડે’ સાથે જોડાયેલો કોઈ વાચક કે કોઈ સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિ કે પછી સમાજની અગ્રણી વ્યક્તિ આવી મદદ કરવા માટે તૈયાર થાય, આવી મદદ માટે ઉત્સુકતા દેખાડી શકે તો એનાથી ઉત્તમ બીજું કશું નથી. હકારાત્મકતા મનમાં હશે એનાથી નહીં ચાલે. હકારાત્મકતાને ઍક્શનમાં પણ લાવવી પડશે. સકારાત્મકતા વાતમાં હશે તો નહીં ચાલે, એને આચરણમાં પણ લાવવી પડશે. આ વિચારને, આ વાતને અમલમાં મૂકીને જેકોઈ આ રીતે અચાનક અને પોતાની ભૂલ વિના પણ ખોટી રીતે અટવાઈ ગયા છે એ બધાના પડખે ઊભા રહેવું જોઈએ. આ સલાહ આપતી વખતે મેં તૈયારી રાખી છે કે હું પણ આ પૉઝિટિવ થિન્કિંગ અને એના ઍક્શનના અભિયાનમાં મારી રીતે જોડાઈશ. કોઈએ આઉટ ઑફ વે જઈને કશું નથી કરવાનું. પોતાના રોજિંદા જીવનમાં પસાર થતાં-થતાં જ બીજાને મદદરૂપ થઈ જવાનું છે.

આ પણ વાંચો : એટલા બધા સ્વાર્થી બનો કે ભરપૂર પરમાર્થ કરી શકો

સવારના પહોરમાં વાંચેલા સમાચારમાંથી પૉઝિટિવ શું થઈ શકે એ જોવાના મારા હકારાત્મક અભિગમે મને આ પગલું સુઝાડ્યું છે. ‘ઈશ્વરની મરજી’ કે ‘ઈશ્વર કરે એ સૌથી સારું’ એવાં સ્ટેટમેન્ટ કરીને શું કામ ઈશ્વરનો બોજ વધારવો. રસ્તો આપણે જ કાઢવો પડશે. કારણ કે ઈશ્વર પર અનેક બોજ છે. બૅન્કના ખાતેદારોને કેવી રીતે રૂપિયા પાછા આપવા એ પ્રશ્નનો બોજ પણ તેમના પર જ છે. આવા નકારાત્મક સમાચાર વાંચીને મનનો બોજ વધારવાને બદલે આ બૅન્ક સાથે સંકળાયેલા આપણા જ પણ માત્ર ઓળખાણ નથી થઈ એટલા પૂરતાં જે પારકાં છે એવાં આપણાં ભાઈ-બહેનોને મદદ કરીએ. આ આશા છે અને આશા હંમેશાં અમર રહી છે.

મારા મનમાંથી નીકળેલા તમારા આ અભિયાનને વેગ આપો તો એને કેવો રિસ્પૉન્સ મળ્યો એની જાણ કરશો તો ગમશે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 02:47 PM IST | મુંબઈ | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK