A ફૉર અમિતાભ B ફૉર બચ્ચન

Published: Oct 11, 2019, 15:30 IST | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા | મુંબઈ

બચ્ચનસાહેબના બર્થ-ડે પર તેમને અઢળક શુભેચ્છા ને અભિનંદન

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

A ફૉર ‘અમર અકબર ‌ઍન્થની’, B ફૉર ‘બદલા’, C ફૉર ‘કૂલી’, D ફૉર ‘દીવાર’ અને આમ જ Z સુધી જવાનું હોય તો એમાં ‘ઝંજીર’ સુધી જઈ શકે એટલી આખી મોટી બારક્ષરી, Xને અપવાદરૂપ ગણતાં. મનોરંજનની એબીસીડીમાં એક પણ લેટર ન છૂટે એવા છે આપણા અમિતાભ હરિવંશરાય બચ્ચન. મારા ઑલટાઇમ ફેવરિટ અને તમારા પણ હશે, કોના ન હોય? આજે કો-ઇન્સિડન્સ એવો છે કે આજે જ કૉલમનો દિવસ છે અને આજે જ તેમનો જન્મદિવસ પણ છે. તમે આજ સુધીમાં ક્યારેય તેમને પર્સનલી બર્થડે-વિશ કર્યું છે ખરું? નહીં, તો ચાલો, આપણા બધા તરફથી આજે તેમને આ લેખ થકી જન્મદિવસની વધામણી આપીએ.

હૅપી બર્થ-ડે અમિતજી.

તેમની બાયોગ્રાફીમાંથી ખૂબબધું, ટીવીમાંથી ઘણુંબધું, બીજા પ્રોગ્રામમાંથી કે લેખોમાંથી અને તેમના વિશે જાણવા મળી જશે એટલે એ બધા વિશે વાતો કરવી એ સૂરજને દીવડો બતાવવા જેવું છે. તેમની સાથેના મારા આમ તો ઘણાબધા અનુભવો છે, પણ એમાંના શ્રેષ્ઠ અનુભવની વાત તમને આજે કરું...

વાત છે ૧૯૯૬ની.

અમિતાભ બચ્ચન કૉર્પોરેશન લિમિટેડ એટલે કે ABCL. તેમની આ કંપની દ્વારા સ્ટારટ્રૅક ટૅલન્ટ હન્ટનો આરંભ થયો. આપણા નસીબ અને ટૅલન્ટના સથવારે આપણે આખા ભારતમાંથી ડાન્સ, ઍક્ટિંગ અને એવા બીજા અનેક રાઉન્ડમાંથી પસાર થઈને ટૉપ-ટેનમાં એક બન્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર જર્ની હતી એ આખી. ABCL આ ચૂંટેલા 10 છોકરા-છોકરીને ટ્રેઇન કરીને ફિલ્મમાં લૉન્ચ કરવાની હતી. અમારું સિલેક્શન થયું અને એ જ દરમ્યાન મારું નાટક ‘થૅન્ક યુ કોકિલા’ પણ શરૂ થયું. ટ્રેઇનિંગ આગળ વધતી ગઈ અને આ બાજુએ નાટક પણ સુપરહિટ પુરવાર થયું એટલે મારા માટે તો એકસાથે બે ઘોડા પરની સવારી હતી. પૂરપાટ દોડતા બે ઘોડા. એક અભિનેતા તરીકેનો અને બીજો નિર્માતા તરીકેનો. ૧૯૯૭માં લગ્ન થયાં અને ૧૯૯૮-’૯૯માં મારા બીજા નાટક ‘એકબીજાને ગમતાં રહીએ’એ ધૂમ મચાવી. ૧૯૯૮-’૯૯માં આપણો સિતારો ટૉપ પર ચાલતો હતો. ૧૯૯૯-૨૦૦૦ના વર્ષમાં મારી પહેલી ગુજરાતી ફિલ્મ ‘દરિયાછોરુ’નું શૂટિંગ અને પહેલી દીકરી કેસરનો જન્મ, બધું જ જોરદાર જઈ રહ્યું હતું. ગુજરાતી ફલ્મ ‘દરિયાછોરુ’ એ હકીકતમાં તો નાટ્યનિર્માતા કૌસ્તુભ ત્રિવેદી, બિપિન શાહ અને સંજય ગોરડિયા દ્વારા નિર્મિત નાટક ‘ચક્રવર્તી’ પર આધારિત. બિપિન શાહનું નિર્માણ, વિપુલ શાહનું દિગ્દર્શન અને પ્રકાશ કાપડિયાનું લેખન. ફિલ્મમાં હું, શેફાલી શાહ, અરવિંદ વેકરિયા, વિક્રમ ગોખલે અને બીજા ઘણા દિગ્ગ્જ કલાકારો. ફિલ્મ ટ્રાયલ શોમાં જ ખૂબ વખણાઈ. બધાને થયું કે ગુજરાતી ફિલ્મક્ષેત્રે આ ફિલ્મ અલગ ચીલો ચાતરશે, આને ખૂબ સારું પ્લૅટફૉર્મ મળવું જોઈએ. અમે બધાએ નક્કી કર્યું કે ‘દરિયાછોરુ’ને મીડિયાના શોમાં અમિતજીને બતાવવી જોઈએ. અમિતજી ફિલ્મ જોઈને મીડિયાને આ ફિલ્મ પ્રમોટ કરવા માટે આહ્‍વાન આપે.

આ કામ મારા ભાગે આવ્યું, હું ઑલરેડી ABCL સાથે હતો જ, બચ્ચનસાહેબની એ કંપની મને લૉન્ચ કરવાની હતી. આ કંપની તેમના ઘરેથી ઑપરેટ થતી. તેમના ઘરના મેમ્બર જેવી વ્યક્તિ એવી રોઝીને મેં ફોન કર્યો અને આખી વાત સમજાવી. બીજા દિવસે રોઝીએ મને ફોન કરીને કહ્યું કે સર મારી સાથે વાત કરવા માગે છે. ફોન આપવામાં આવ્યો અને બીજા છેડેથી અવાજ આવ્યો, ‘નમસ્કાર જેડી, મૈં અમિતાભ બચ્ચન બોલ રહા હૂં.’

હું તો મેસ્મરાઇઝ્‍ડ હતો. તેમને પહેલાં પણ મળ્યો છું, વાતો કરી છે, પણ તેમના અવાજમાં એક જાદુ છે. અમિતજી તેમનું નામ બોલે એ પ્રભાવ જ જુદો છે. આ ‘કેબીસી’ એમનેમ નથી ચાલતું ભાઈ, આ તેમનો પ્રભાવ છે. બાકી હું તો કહીશ કે આજના સમયમાં જો તમે ટૅલન્ટેડ હો તો કરોડપતિ બનવું સહેલું છે, પણ ‘કૌન બનેગા કરોડપતિ’ના શોમાં સિલેક્ટ થવું અઘરું છે. તેમના અવાજની આ અસર છે અને ગુજરાતી રંગભૂમિના તથા બીજા ક્ષેત્રના ઘણા લોકોને એનો અનુભવ છે. બધા મારી વાત સાથે સહેમત હશે.

મેં ફોન પર વાત કરીને તેમને કહ્યું કે હું રૂબરૂ મળવા માગું છું. મને બીજા દિવસે મેહબૂબ સ્ટુડિયો પર મળવા માટે તેમણે બોલાવ્યો, જ્યાં તેમનું શૂટિંગ ચાલતું હતું. બીજા દિવસે હું ત્યાં પહોંચી ગયો અને તેમની રાહ જોતો બેઠો. થોડી વારમાં બે ખુરસી રાખવામાં આવી, વચ્ચે ટેબલ અને એના પર થોડો નાસ્તો અને પછી થોડી વારમાં સામે અમિતજી આવીને બેઠા. તેમની જે બેસવાની સ્ટાઇલ છે એ જ આઇકૉનિક સ્ટાઇલ સાથે તેઓ બેઠા. એક પર બીજો પગ ચડાવીને. મને કહ્યું, ‘બોલો જેડી, ક્યા કામ હૈ.’

મેં તેમને આખી વાત સમજાવીને કહ્યું કે સર ઘણાં વર્ષો પછી એક બહુ સારી ગુજરાતી ફિલ્મ, બહુ સારા દિગ્દર્શક અને વાર્તા સાથે બહુ સારા અભિયાન સાથે રજૂ કરવામાં આવી રહી છે, પણ ગુજરાતી ફિલ્મોની સ્થિતિ આજે સારી નથી અને જો અમને સપોર્ટ મળે તો આ ગુજરાતી ફિલ્મ અલગ જ ચીલો ચાતરી શકે એમ છે. હું ઘણુંબધું બોલ્યો અને આમ પણ બધાને ખબર છે, બોલવાનું આવે ત્યારે રોકાતો નથી. તેઓ મને સતત સાંભળી રહ્યા હતા. સાંભળે અને મને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે અને કાંઈ બોલે નહીં. મેં તેમને કહ્યું, ‘સર, હું ABCLમાં છું અને મારો બર્થ-ડે પણ અભિષેકની જેમ પાંચમી ફેબ્રઆરીએ છે એટલે એ રીતે આમ તો તમારા દીકરા જેવો જ થાઉં.’ એ સાંભળીને તેઓ હસ્યા અને પછી મને કહ્યું, ‘કબ હૈ ફિલ્મ કી ટ્રાયલ.’

મેં તેમને કહ્યું કે તમે જ્યારે કહો ત્યારે. તમે કહેશો એ રીતે મીડિયાને બોલાવીશું અને તમે આખી ફિલ્મ કદાચ ન જોઈ શકો તો માત્ર અડધો કલાક આવશો તો પણ ચાલશે. તમે ફિલ્મ જોઈને મીડિયાને કહો કે તમને ફિલ્મ કેવી લાગી? તેમણે તરત જ કહ્યું, ‘કન્ફર્મ મૈં આઉંગા.’

એ સમયે મેં તો ઘણીબધી ચર્ચાઓ કરી હતી, વાતો કરી હતી, પણ અત્યારે ટૂંકમાં કહું છું. તારીખ નક્કી થઈ અને કોની ભૂલ હતી એ અત્યારે નથી કહેતો, પણ માર્યો એક લોચો. અમિતજી રહે જુહુમાં અને ટ્રાયલ નક્કી થઈ વરલીમાં, નેહરુ સેન્ટરની પાછળ એક હૉલમાં. મને ખબર પડી અને હું તો મુકાઈ ગયો ધર્મસંકટમાં. મેં તો ટ્રાયલ જુહુમાં જ છે એવું કહ્યું હતું. મેં પાછો રોઝીને ફોન કર્યો અને કહ્યું કે મીડિયાને બોલાવ્યું છે અને આ જ જગ્યા હતી, થોડી ગરબડ થઈ છે. ૧૦૦ સીટરનું થિયેટર છે, બધાને ત્યાં જ સમાવી શકાય એમ છે. હવે શું કરીએ?

તમે માનશો નહીં, કેટલા હમ્બલ છે એ કહીએ એટલું ઓછું છે. કોઈ જાતની ચર્ચા નહીં અને અમિતજી-જયાજી તેમની વૅન લઈને વરલી આવ્યાં. ચૂં કે ચા નહીં, કોઈ પ્રેશર નહીં, તેઓ આવ્યા અને થોડી વારમાં ફિલ્મ શરૂ કરી. અમે તો મીડિયાને પહેલેથી કહી રાખ્યું હતું કે અમિતજી અડધો કલાકમાં જતા રહેશે.

અડધો કલાક થયો. મને અને ફિલ્મના ડિરેક્ટર વિપુલ શાહને લાગ્યું કે હમણાં જશે, હવે નીકળશે, હવે રવાના થશે, પણ એવું કંઈ થયું નહીં. તેમણે સૅન્ડવિચ મગાવી. અમને થયું કે શું થઈ રહ્યું છે. સાચું કહું તો મારી અંગતપણે ઇચ્છા હતી કે એ ઇન્ટરવલ સુધી બેસે તો મજા પડી જાય, કારણ કે ઇન્ટરવલ પહેલાંનો મારો ૧૫ મિનિટનો સીન હતો અને મેં એ સીનમાં બહુ મહેનત કરી હતી. મને એ સીન બહુ ગમતો હતો. કલાકાર તરીકે કોઈને પણ થાય કે અમિતજી તમારી ઍક્ટિંગ જુએ. ઈશ્વરની ઇચ્છા અને મારી ઇચ્છા પૂરી થઈ. તેઓ ઇન્ટરવલ સુધી રોકાયા. 

ઇન્ટરવલ થયો એટલે તેઓ બહાર આવ્યા, આખું મીડિયા તેમને સવાલ સાથે ઘેરી વળ્યું. ફિલ્મ વિશે, મારા વિશે બધું પૂછવા લાગ્યા અને તેમણે તેમની સ્ટાઇલમાં કહ્યું, ‘અમા યાર, નાસ્તા તો કરને દો, પિક્ચર તો અભી બાકી હૈના. પિક્ચર પૂરી કહાં હુઈ હૈ.’

અમને તો કંઈ સમજાય નહીં. અમે પૂછ્યું કે સર તમે આખી ફિલ્મ જોશો? એટલે તેમણે કહ્યું, ‘હા, જરૂર દેખેંગે, ફિલ્મ દેખને તો આયે હૈં.’ પછી તરત જ તેમણે પૂછ્યું, ‘ડિરેક્ટર કહાં હૈ.’ વિપુલ થોડો દૂર હતો. તે નજીક આવ્યો એટલે વિપુલને કહ્યું, ‘કેટલી સરસ ફિલ્મ બનાવી છે. બહુ સારું કામ છે.’ નાસ્તો પતાવ્યો અને પછી તેમણે આખી ફિલ્મ જોઈ. ફિલ્મ તેમને ખૂબ ગમી અને એટલાં જ વખાણ તેમણે કર્યાં. મીડિયાને કહ્યું કે ‘આ ફિલ્મ વિશે નહીં લખો તો કોના વિશે લખશો. ઇતની અચ્છી ફિલ્મ બનાયી હૈ, આપ કો તો ભરભર કે લિખના ચાહિએ. ગુજરાતી ક્યા, હિન્દી ઑડિયન્સ કો ભી યે ફિલ્મ દેખની ચાહિએ.’ આટલું ઓછું હોય એમ અમને કહ્યું, ‘તમે મારા નામે ક્વોટ લખો અને ખૂબ સારી રીતે ફિલ્મને પ્રેઝન્ટ કરો.’ અમિતજી-જયાજીને ફિલ્મ બહુ ગમી હતી અને અમે તો ખુશ અને રાજીના રેડ. તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ખૂબ ખૂબ આભાર. પોતાના આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી તેઓ આવ્યા, માત્ર એક ફોનકૉલ કે ‘તમારી મદદની જરૂર છે અને તેઓ આવ્યા.’

આ પણ વાંચો : પરિવાર માટે જીવન ન્યોછાવર કરવાની ક્ષમતા મહિલાઓમાં છે

અમિતજીના બર્થ-ડેના દિવસે એક વાત કહીશ કેતેઓ સ્ક્રીનના જ નહીં, રિયલ લાઇફના પણ સુપરસ્ટાર છે. કોઈ શંકા નથી એમાં.

ખૂબ ખૂબ જિયો અમિતસર...

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK