શો મસ્ટ ગો ઑન : અમિતસર અને ઉત્પલભાઈ

Published: Oct 18, 2019, 14:59 IST | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

બચ્ચનસાહેબના બર્થ-ડેનું પોસ્ટ સેલિબ્રેશન ચાલતું હતું એ જ વખતે ખબર પડી કે ઉત્પલ ભાયાણી હવે નથી રહ્યા

અમિતસર અને ઉત્પલભાઈ
અમિતસર અને ઉત્પલભાઈ

અમિતાભ બચ્ચનનો પોસ્ટ બર્થ-ડે આપણે ચાલુ રાખવાના છીએ.

મારી સાથે બનેલો એક બીજો કિસ્સો કહું તમને. ‘દરિયાછોરુ’ના થોડા સમય પછી અમિતજી અમારું નાટક જોવા આવ્યા. નામ હતું ‘આવજો વ્હાલા ફરી મળીશું’. મારા મિત્ર અને ડિરેક્ટર વિપુલ શાહે તેમની સાથે ઑલરેડી ફિલ્મ ‘આંખે’ બનાવી હતી. અમારું નાટક જોવા માટે વિપુલે જ અમિતજીને આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે તમે આ નાટક જુઓ, આપણે આના પરથી ફિલ્મ બનાવીએ. તમે મારાં નસીબ તો જુઓ.

એ એક જ દિવસે નાટક જોવા માટે ઑડિયન્સમાં અમિતજી, મુકેશભાઈ અંબાણી, નીતાબહેન અંબાણી, કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી અને બીજા અનેક મહાનુભાવો બેઠા હતા. નેહરુ ઑડિટોરિયમમાં શો હતો અને એ શો જબરદસ્ત ગયો હતો. નાટક પૂરું થયા પછી અમિતજી બૅકસ્ટેજમાં મળવા આવ્યા. બધા કલાકારોને મળ્યા અને બધા સાથે ફોટો પણ પડાવ્યા. અમિતજી એટલી ઉષ્માથી મળે, ભેટે કે તમે પોતે ખરેખર ગદ્ગદ થઈ જાઓ. તેમના હાથમાં પણ એવી જ ઉષ્‍મા અને ભેટે ત્યારે તો એવું લાગે જાણે આપણે વિશ્વપુરુષનું આલિંગન લઈએ છીએ.

અત્યારે મને એક બીજો કિસ્સો પણ યાદ આવે છે. થોડાં વર્ષો પહેલાંની વાત છે. પ્રમાણમાં મોટા કહેવાય એવા બ્રેક પછી ફરીથી ‘કૌન બનેગા કરોડપતિ’ શરૂ થયું. એ સમયે સેલિબ્રિટી ક્રિકેટ લીગ હતી. આ ક્રિકેટ લીગના પ્રમોશન માટે અમે આખી ટીમ સાથે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર ગયા. મને થોડું ઑડ ફીલ થતું હતું, કારણ કે લાંબો સમય થઈ ગયો હતો તેમને મળ્યાને, વચ્ચે કોઈ જાતનો સંપર્ક પણ નહોતો.

ટીમના બધા મેમ્બરો અમિતજીને મળતા હતા એટલે હું સાઇડમાં ઊભો રહ્યો. ઓળખે ન ઓળખે, આપણને કેમ ખબર પડે અને તેમને તો દરરોજ મળવા આવનારાઓ કેટલાબધા લોકો હોય. અચાનક તેમની નજર મારા પર પડી કે તરત જ તેમણે અવાજ આપ્યો :

‘અરે, જેડી...’

અવાજ આપીને પણ તેઓ ઊભા ન રહ્યા અને સીધા ચાલતા સામેથી આવ્યા એટલે હું દોડીને તેમની પાસે પહોંચ્યો. હું જેવો તેમને પગે લાગવા માટે ઝૂક્યો કે તરત જ તેમણે મને રોકીને ગળે વળગાડી લીધો. તરત જ મને પૂછ્યું કે ક્યા કર રહે હો આજકલ... કિતને સાલોં કે બાદ તુમ્હે દેખા.

મળ્યાનો આનંદ મારા ચહેરા પર હોય એ તો સમજાય પણ એટલો જ આનંદ તેમને થયો હતો એ પણ સ્પષ્ટ દેખાતું હતું. અમે શોમાં અમારી ટીમનું પ્રમોશન કર્યું. ખૂબ વાતો કરી. તેમને મારી કૉમેડી યાદ હતી એટલે ગુજરાતી કૉમેડીની પણ વાતો થઈ અને પછી તેમણે અમારી સિરિયલ ‘ખીચડી’ની સ્ટાઇલમાં મારી પાસે કૉમેડી સીન કરાવ્યો. મેં કર્યો એટલે રીતસર ખડખડાટ હસી પડ્યા. અમિતજીની આ વાત મને બહુ ગમે છે. તમે તેમને જ્યારે પણ મળો, જ્યાં પણ મળો, તેઓ ખુશહાલ અને મજેદાર મૂડમાં  હોય. પોતે આવડી મોટી હસ્તી અને એ પછી પણ સામેવાળાને ખૂબ માન આપે અને તેમને એવું ફીલ કરાવી દે કે તેઓ ખૂબ મોટું અને મહત્વનું કામ કરે છે. બચ્ચનસાહેબ સાથેની વાતો અઢળક છે અને એ ક્યારેય પૂરી નથી થવાની, પણ આ વાતને અત્યારે અહીં અલ્પવિરામ આપવાનો સમય આવ્યો છે.

અમિતજીનો જન્મદિવસ ૧૧ ઑક્ટોબર તો ૧૦ ઑક્ટોબરે જન્મદિવસ મારા અને ગુજરાતી રંગભૂમિના અઢળક કલાકારોના મિત્ર એવા ઉત્પલ ભાયાણીનો. હા, મને ઉત્પલભાઈની વાતને અહીં વણવી છે. ૧૧ ઑક્ટોબરે અમિતજી વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે ઉત્પલભાઈના બર્થ-ડેની ખબર હતી, પણ એ ખબર નહોતી કે અમિતજીના આર્ટિકલમાં જ મારે તેમને પણ લઈ લેવા પડશે અને તેમને આવજો કહેવું પડશે. બુધવારે ઉત્પલભાઈનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમની આસપાસના કોઈને આ વાત માનવામાં નથી આવતી. ઉત્પલભાઈને ઉંમરની આડઅસર જ ન થઈ હોય એવું તેમનું વ્યક્તિત્વ હતું.

આ ‘હતું’ શબ્દ લખતાં હાથ ધ્રૂજે છે અને મનમાં બેચેની પ્રસરી જાય છે. તેમની સાથેનો મારો પરિચય એ તેમની વિશ્વનાં નાટકોની વાતો સાંભળવાથી થયો હતો. જ્યારે હું રંગભૂમિ પર કામ કરતો ત્યારે એક શો પહેલાં અમને સૌને કહેવામાં આવ્યું હતું કે આજનો શો આપણો સારો જવો જોઈએ. કારણ પૂછ્યું તો કહેવામાં આવ્યું કે ઉત્પલ ભાયાણી નાટક જોવા આવવાના છે. જો ઉત્પલભાઈને નાટક ગમે અને જો એ સારો રિવ્યુ લખે તો નાટક પાર પડી જાય. ખરેખર આ વાત ખૂબ સાચી હતી.

ઉત્પલભાઈના રિવ્યુઝથી નાટકોની સફળતા બદલાઈ જતી. સારા પણ પ્રયોગશીલ અને મોટા નામવાળા કલાકારો ન હોય એવાં નાટકોની લાઇફ ઉત્પલભાઈએ બદલી નાખી છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે નાટકને બારી પર હાઉસ ન આવતું હોય અને ઉત્પલભાઈના રિવ્યુ પછી મોટો પ્રેક્ષકવર્ગ એ નાટક જોવા માટે ઊમટવાનું શરૂ થઈ ગયું હોય. ઉત્પલભાઈના રિવ્યુને લીધે નાટકનું અને નાટક સાથે સંકળાયેલા કલાકારોનું ભવિષ્ય બદલાઈ જાય એવું બનતું અને અનેકના જીવનમાં ઉત્પલભાઈએ આ ચેન્જ લાવવાનું કામ કર્યું છે. રંગભૂમિ માટે તેમનું બહુ મોટું યોગદાન રહ્યું છે. કલાકારો માટેનું તેમનું બીજું એક યોગદાન પણ ભૂલવું ન જોઈએ. કલાકારોનાં સંતાનોને શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ માટે ઍડ‍્‍‍મિશનના ગાઇડન્સથી માંડીને જરૂરી યોગ્ય મદદ કરવા ઉત્પલભાઈ હંમેશાં તૈયાર રહેતા. જરૂર પડે ત્યારે તેઓ ઍડ‍્‍‍મિશન માટે જાતે પણ જાય અને કલાકારોનાં સંતાનોની બધી પ્રોસેસ પૂરી કરાવી તેનું ઍડ‍્‍‍મિશન ફાઇનલ ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રહે.

ઉત્પલભાઈ પાસેથી હંમેશાં સાચી સલાહ અને સૂચન મળતાં. બહુ સ્પષ્ટવક્તા હતા. તેમનો દૃષ્ટિકોણ સાવ જુદો અને એટલે જ આખી ટીમને એક નવી દિશા દેખાડી જાય. તમે માનશો નહીં, પણ ઉત્પલભાઈના રિવ્યુ પછી નાટકોમાં ઘણાખરા બદલાવ અને સુધારા આવી જતા અને એને માટે ઉત્પલભાઈનો આભાર પણ માનતા.

વર્લ્ડ થિયેટરના જાણકાર એટલે નાટકોનાં તમામ પાસાંઓને ખૂબ નજીકથી જાણે અને એવી રીતે ઍનૅલાઇઝ કરે કે નાટક જોવાનો દૃષ્ટિકણો બદલાઈ જાય. કલાકાર તરીકે તમે તમારી ક્ષમતાથી અજાણ હો તો તેઓ તમારી સાથે વાત કરીને કે પછી તેમના રિવ્યુ થકી તમને એની ક્ષમતાનો પરિચય પણ કરાવે. એક વાત સૌકોઈએ સ્વીકારવી પડે કે રિવ્યુની બાબતમાં તેઓ એકદમ તટસ્થ હતા. તેઓ કોઈ પણ કલાકારની પાછલી સફળતા કે પછી કલાકારના સ્ટારડમથી જરા પણ પ્રભાવમાં ન આવે. તટસ્થ રીતે નાટકોના રિવ્યુ કરે જે પ્રેક્ષકોના અને નાટકના હિતમાં હોય. ગુજરાતી રંગભૂમિએ બહુ કટોકટીના સમયે એક ઉમદા દૃષ્ટિકોણ ગુમાવ્યો છે. ગુજરાતી પ્રેક્ષકો અને પ્રજા માટે આ એક બહુ મોટી ખોટ રહેશે.

ઉત્પલભાઈનાં અંતિમ દર્શન વખતે કલ્યાણીભાભી અને તેમની દીકરી રુચાને મળ્યો ત્યારે તેમનું ધૈર્ય, સ્થિરતા અને હિંમત જોઈને દંગ રહી ગયો. આપણને દિલાસો આપતાં હોય એવાં વ્યક્તિત્વ બન્નેનાં. આવી પડેલી વિકટ પરિસ્થિતિને સ્વીકારવાનું મનોબળ મક્કમ રાખવું અઘરું છે.

વિધિની વક્રતાની ખબર ઉત્પલભાઈનાં અંતિમ દર્શન દરમ્યાન પડી.

લલિતભાઈ શાહે મને કહ્યું કે આજે (એટલે કે બુધવારે) કલ્યાણીબહેનનો જન્મદિવસ હતો. બહુ પીડાદાયી અવસ્થા કહેવાય. ઉત્પલભાઈનું અકાળે મૃત્યુ અને એ પણ જીવનસાથીના જન્મદિવસે જ. ખરેખર બહુ દુઃખ થયું, પરંતુ એ દુઃખ વચ્ચે પણ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. ઉત્પલભાઈની ખોટ સાલશે.

એવું કહેવાય છે કે શો મસ્ટ ગો ઑન બટ વિલ ઑલવેઝ મિસ યૉર કમેન્ટ, હાઉ શૂડ ધી શો ગોન ઉત્પલભાઈ. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ફરી એક વાર દરેક સૂચનો અને મદદ બદલ વ્યક્તિગત રીતે અને ગુજરાતી રંગભૂમિના પ્રતિનિધિત્વ સાથે સૌ વતી આપનો ખૂબ ખૂબ આભાર.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK