હું પણ એક સૈનિક

Published: Nov 01, 2019, 15:13 IST | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા | મુંબઈ

દેશની સરહદ પર જાણીતા દુશ્મનો સામે લડવા કરતાં વધારે જોખમી કામ દેશમાં રહેલા વણદેખ્યા દુશ્મનો સામે લડવાનું છે અને તેમની સામે લડવાની જવાબદારી હવે આપણે સૌએ લેવાની છે

સૈનિક
સૈનિક

તમે કોઈ દિવસ દેશના સૈનિક બનવાનું વિચાર્યું હતું?

આ પ્રશ્ન ગુજરાતીઓના મનમાં ઓછો આવે કે પછી આ વિચાર ગુજરાતીઓને ઓછો આવે છે એવું ભારતના સૈન્યમાં આજ સુધી ભરતી થયેલા સૈનિકોના આંકડા પરથી કહી શકાય. ગુજરાતના એક સમયના મુખ્ય પ્રધાન અને હવે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમે મુંબઈમાં મળ્યા હતા ત્યારે તેમણે અમને પૂછ્યું હતું કે તમે બધા ગુજરાતના વિકાસ માટે શું સૂચન કરવા માગો છો. એ સમયે આપણા જાણીતા ઍક્ટર પરેશ રાવલે કહ્યું હતું કે આર્મીમાં ગુજરાતીઓની સંખ્યા વધે એવું કંઈક કરો તો એ ક્ષેત્રમાં પણ ગુજરાતીઓની શૌર્યગાથા ગવાય.

મને ત્યારે અચરજ થયું હતું અને મનમાં એક ક્ષણ માટે ઝબકારો થઈ ગયો હતો કે હા, સાલું આ તો સાચું છે. ભારતના સૈન્યમાં ગુજરાતીઓ બહુ ઓછા છે. આવું શું કામ એ બાબતમાં વિચાર શરૂ થયા અને એ વિચારોને અંતે ખબર પડી કે આવું થવાનું એક નહીં, અનેક કારણો છે.

આપણી રહેણીકરણી, આપણો ખોરાક, આપણો સ્વભાવ, આપણી ભૌગોલિક પરિસ્થિતિ, આપણો ઉછેર અને આપણી વિચારસરણી. આ અને આવાં અનેક કારણસર આપણે વૉરને બદલે વેપાર કરતાં વધારે દેખાઈએ છીએ. આમ તો આપણે બહુ શાંત પ્રજા. શાંતિપ્રિય સ્વભાવ એટલે ઘરની અંદર કે પછી હોટેલમાં જમવા જઈએ ત્યારે કે પછી હૉલિડે વખતે ફરવા ગયા હો ત્યારે નહીં, સરવાળે શાંત એક હકીકત એ પણ છે કે આ જ શાંત પ્રજા જો મનસૂબો કરે તો દિલ્હી કે દેશ જ નહીં, વિદેશને પણ હચમચાવી દે. આપણે અત્યારે આ વાત અનુભવી પણ રહ્યા છીએ. હમણાં અમેરિકામાં ‘હાઉડી મોદી’ની ઇવેન્ટ ચાલતી હતી ત્યારે મિસ્ટર ડોનલ્ડ ટ્રમ્પ અને મોદીસાહેબ હાથ પકડીને સાથે સ્ટેજ પર ઊભા હતા એ જોઈને મને ખરેખર એક સુખદ લાગણી અને આશ્ચર્ય થયું હતું. થયું હતું કે મોદીસાહેબે લગભગ અશક્ય જ કહેવાય એવી વાતને શક્ય કરી બતાવી છે. તેમણે એવું પાસું બદલ્યું કે થોડાં વર્ષ પહેલાં અમેરિકાએ તેમને વિઝા આપવાની ના પાડી દીધી હતી અને આજે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ એક જ સ્ટેજ પર તેમની સાથે હાથ પકડીને ઊભા રહીને તેમના અને તેમના કામનાં વખાણ કરે છે. ટૂંકમાં કહું તો ગુજરાતી દેશ જ નહીં, વિદેશ પણ ધ્રુજાવી શકે છે એનો આ સૌથી નજીકનો અને અદ્ભુત દાખલો. ફરી પાછા આપણે આપણી મૂળ વાત પર આવી જઈએ.

અનેક રીતે આપણે આપણી માનસિક શક્તિનો પરચો દુનિયાને આપી દેતા હોઈએ છીએ. સૈનિક બનવા માટે શારીરિક અને માનસિક બન્ને શક્તિની આવશ્યકતા છે. એ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. માત્ર શારીરિક શક્તિની જ વાત નથી હોતી, માનસિક સજ્જતા પણ અનિવાર્ય છે. મૅનેજમેન્ટમાં આપણી સહિષ્ણુતા અને ધૈર્ય જે રીતે ઊભરી આવે છે એ કાબિલ-એ-તારીફ છે. ધંધા કરનાર વ્યક્તિને કટોકટી તો આવવાની જ, પણ એ કટોકટી સામે સહિષ્ણુ બનીને ધૈર્ય સાથે સમયને સાચવી લેવાની જે નીતિ હોય છે એ આપણામાં સૌથી વધારે છે. આગળ વધીએ એ પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરી લઉં કે આ બધી વાતો આજે આપણે શા માટે કરીએ છીએ?

મને નાનપણમાં ઘણી વાર થતું કે મારે મોટા થઈને આર્મીમાં જોડાવું છે. કોઈ વાર ફિલ્મની અસરથી થતું તો કોઈ વાર સૈનિકના હાથમાં બંદૂક જોઈ હોય, દુશ્મનને મારીને દેશઆખાની વાહવાહી મેળવવામાં આવતી હોય એ જોયું હોય એટલે એ ગ્લોરિફાય પ્રોફેશન લાગતું. જેમ-જેમ મોટા થઈને વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે સૈનિકો માટેનું માન ઑર વધી ગયું, તકદીર કે પછી નસીબ કહો તો નસીબ અને બીજાં અનેક કારણસર હું બીજી દિશા તરફ ગયો અને આખી કરીઅર બદલાઈ ગઈ. મારે તમને આજે એક પ્રશ્ન પૂછવો છે...

એક સૈનિકની જવાબદારી શું?

જવાબ એક જ વાક્યમાં આપવાનો હોય તો કહી શકાય કે દેશની રક્ષા કરવાની અને દેશવાસીઓને દેશના દુશ્મનોથી બચાવવાની.

આ જ જવાબ સાચો છે અને જો એવું કરવાથી મારા પોતાના કાર્યની સાથે-સાથે હું દેશની રક્ષા કરી શકતો હોઉં તો હું જ્યાં છું, જે કરું છું એ કરતાં-કરતાં હું દેશનો એક સૈનિક બની જ શકું છું. એને માટે મારે મિલિટરી ગ્રીન યુનિફૉર્મ પહેરવાની જરૂર નથી. આપણી ગુજરાતી કમ્યુનિટીમાં સૈનિકો નથી એ વાતનું મહેણું ભાંગીને આપણે બધાએ આ દિશામાં આગળ વધવાનું છે અને બધા ગુજરાતીઓએ દેશના સૈનિક બનવાની દિશામાં ડગ માંડવાનાં છે. આવો, ગુજરાતીઓ આપણે આ દેશના સૈનિક બનીએ.

મારું આ સજેશન હું દેશના દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડવા માગું છું જે નાતજાત ભૂલીને લોકોનાં હિતની રક્ષા દેશ માટે કરી શકે. તમે એવું વિચારતા હશો કે પછી મૂંઝવણમાં હશો કે જેડીભાઈ, શું કહેવા માગે છે? તો તમને સરળ રીતે કહું કે તમે જે કામમાં, જે કાર્યમાં કે ક્ષેત્રમાં ઇન્વૉલ્વ હો અને એ કામ બરાબર ન થતું હોય તો દરેક જણ એ વાતને નજર સામેથી પસાર કરી દેવાને બદલે દેશના નાગરિક બનીને દેશવાસીઓ માટે વિચારીને એ ગોટાળો કે એ સ્કૅમ રોકવાનો પ્રયાસ કરે. સામાન્ય લોકોનું અહિત થતું હોય ત્યાં સૈનિક બનીને આગળ આવો. તમે બૅન્કના કર્મચારી હો અને તમને લાગે કે પીએમસી બૅન્કની જેમ ગેરકાયદે રીતે લોન અપાઈ રહી છે, જેને કારણે આ નિર્દોષ પ્રજાને દુખી થવાનું આવશે, તેઓ હેરાન થશે કે તેમની જિંદગીભરની મૂડી બરબાદ થઈ જશે તો ચલાવી લેવાને બદલે કે પછી આંખ આડા કાન કરવાને બદલે હિંમતથી સામે આવીને એનો વિરોધ કરો. જો તમને એવું લાગે કે આ કામ તમારા કરતાં બીજા પાસે કરાવવામાં આવે તો સારું રહેશે તો એ ચતુરાઈ સાથે એ કામ કરો અને એવી રીતે આગળ વધો કે સાપ ભી મરે ઔર લાઠી ભી ના તૂટે.

દરેક ક્ષેત્રમાં આ વાત લાગુ પડે છે. તમે સ્ટૉક માર્કેટમાં હો કે રિયલ એસ્ટેટમાં, બિઝનેસ કરતા હો કે પછી મેડિકલ ફીલ્ડમાં હો, કોઈ પણ ક્ષેત્રમાં એવું લાગે કે તમારી આસપાસ એવું કંઈ ખોટું કામ થઈ રહ્યું છે જે દેશની પ્રજાને નુકસાનકર્તા છે તો એક સૈનિકની જેમ આગળ આવો અને એવું થતું રોકો. હું તો કહીશ કે આર્મીમાં જઈને દેશની સરહદ પર ઊભા રહીને ફરજ બજાવવા કરતાં આ મોટું કામ પુરવાર થશે. સરહદ પર તમને દુશ્મનની ખબર છે. તમને ખબર છે કે પાકિસ્તાનની દિશામાંથી જ ગોળી આવવાની છે કે પછી ચાઇનાની બૉર્ડર પર જ અળવીતરા લોકો બેઠા છે, પણ દેશની અંદર રહેલા દેશદ્રોહીઓ સામે લડવાનું કામ વધારે અઘરું છે અને બહુ જરૂરી પણ છે.

આજે કેટલાબધા લોકોનાં આવા સ્કૅમને કારણે હૉસ્પિટલનાં બિલ નથી ભરાયાં, લગ્નો અટકી ગયાં છે, વૃદ્ધ લોકોનાં પેન્શન અટવાઈ ગયાં છે, સ્કૂલ-કૉલેજની ફી નથી ભરી શકાઈ, વિદેશ ભણવા જવાનું સપનું જોનારાઓનું સપનું રોળાઈ ગયું છે. કરીઅર અને ખ્વાબની ઘોર ખોદાઈ ગઈ છે. કેટલાં ઉદાહરણ અને દાખલા છે અને એની આડઅસરરૂપે આવનારા હાર્ટ-અટૅક અને ડિપ્રેશનની તકલીફો, જેને લીધે થઈ રહેલાં મૃત્યુ અને સુસાઇડ. હું તો કહીશ કે આ પરિસ્થિતિ હકીકતમાં બે દેશના યુદ્ધમાં અટવાઈ ગયેલી પ્રજા જેવી છે. દરેક વખતે કટોકટીમાં બૉર્ડર પરનો સૈનિક જ રક્ષા કરવા આવશે? શું કામ, તે દેખીતા દુશ્મનો સામે લડે છેને, તો લડવા દો તેને. દેશમાં રહેલા દેશના વણદેખ્યા દુશ્મનો સામે આપણે લડવાનું કામ કરીએ અને આપણે જ્યાં હોઈએ ત્યાં સૈનિક બનીને દેશની રક્ષા કરીએ.

આ પણ વાંચો : POK અને ISIS: કાશ્મીરમાં થયેલી સફાઈ પાકિસ્તાનને હજીય હજમ નથી થઈ

બહુ શાંતિથી અને ઊંડાણથી મારી વાતને વિચારજો. આવું કરવાથી આપણી આસપાસ એક સુરક્ષા કવચ ઊભું કરી રહ્યા છીએ જે આપણા ઓળખીતાઓને તો લાભ આપવાનું જ છે, પણ સાથોસાથ ન ઓળખતા હોઈએ તેમને માટે પણ આ કવચનો લાભ આપી શકવાના છીએ. જો તમે કોઈની રક્ષા કરશો તો કોઈ તમારી રક્ષા માટે આગળ આવશે, જો તમે કોઈનું હિત વિચારશો તો આપોઆપ એ તમારા હિત વિશે વિચારવા માંડશે. હિત અને રક્ષાનું કામ સૈનિકો કરે છે, પણ હવે એ જ કામ આપણે પણ કરવાનું છે. દેશમાં રહીને, દેશવાસીઓ સાથે ગદ્દારી કરતા લોકો સામે આપણે સૈનિક બનીને ઊભા રહેવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK