Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક તરફ બે વાઘ, બીજી તરફ ત્રણ વાઘ અને વચ્ચે સાફ રસ્તો

એક તરફ બે વાઘ, બીજી તરફ ત્રણ વાઘ અને વચ્ચે સાફ રસ્તો

31 January, 2020 03:22 PM IST | Mumbai
Jamnadas Majethia

એક તરફ બે વાઘ, બીજી તરફ ત્રણ વાઘ અને વચ્ચે સાફ રસ્તો

ઍટેક: પાંચ વાઘ, એક હરણ અને જિજીવિષા.

ઍટેક: પાંચ વાઘ, એક હરણ અને જિજીવિષા.


વાત ચાલી રહી છે પેન્ચ ટાઇગર સફારીના અમારા વેકેશનની, પેન્ચનું આ વેકેશન અમે ડિસેમ્બરના અંત ભાગમાં ક્રિસમસની રજા દરમ્યાન કર્યું હતું. પેન્ચ ટાઇગર સફારી માટે જગજાહેર છે. અમારો પણ એ જ ટાર્ગેટ હતો, વાઘ જોવાનો અને એને માટે અમે મચી પડ્યા હતા, પણ દર વખતે એવું બનતું કે અમે વાઘની પાછળ અને વાઘ અમારી આગળ. જંગલની એ સફારીના ત્રીજા દિવસે અમે નીકળ્યા અને એક જગ્યાએ નાસ્તા માટે ઊભા રહ્યા. એ જગ્યાએ વડાં બહુ સરસ મળતાં એ મેં તમને લાસ્ટ વીકમાં કહ્યું. અમે વડાંનું જમણ લેવા ઊભા રહ્યા અને એ દરમ્યાન બાકીની સફારી વૅન રવાના થઈ. વડાં પૂરાં કરવામાં મને પાંચેક મિનિટ લાગી, પણ નાની કહેવાતી આ પાંચ મિનિટ કેવડી મોટી કહેવાય એની અમને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

પાંચ મિનિટ એટલે કે ૩૦૦ સેકન્ડમાં મારા જીવનની જંગલ સફારીની શ્રેષ્ઠ ક્ષણો હું મિસ કરી ગયો. જેટલી વાર મને એ વાત યાદ આવે છે એટલી વાર લોકોના વિડિયોઝ, પિક્ચર્સ અને તેમણે કરેલું વર્ણન મારી આંખ સામે આવી જાય છે. બહુ ઓછી વાતનો જીવનમાં મને અફસોસ રહે છે, પણ આ વાતનો અફસોસ બહુ રહેશે. સામાન્ય રીતે હું નથી ખાતો, પણ એ દિવસે વડાં ખાવામાં રહ્યો અને હું એ પળ મિસ કરી ગયો.



અમે બહાર આવ્યા ત્યાં જ મારા મિત્ર આતિશ કાપડિયા અને અને દેવેન ભોજાણીની વાઇફ જાગૃતિએ અમને કહ્યું કે અમે બે વાઘ ઝાડીમાંથી જતા જોયા.


ધત્તેરીકી.

જે જાગૃતિ અમારે માટે વડાં લેવા ગઈ અને જે વડાં માટે અમે પાંચ મિનિટ મોડા પડ્યા એ જ જાગૃતિને આ લહાવો મળી ગયો. જાગૃતિની વૅન અને અમારી વૅન વચ્ચે તો પાંચ મિનિટનો ફરક પણ નહોતો, માત્ર બે મિનિટ જેટલો ફરક પડ્યો હતો અને એ જ દોઢ-બે મિનિટમાં આતિશે સ્પષ્ટતા કરી કે હજી દોઢ-બે મિનિટ પહેલાં જ વાઘ ઝાડી પાછળ ગયા અને સાવ લગોલગ હતા એ. આ એવી જગ્યા હતી જ્યાં સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં વાઘ આવે નહીં. બહુ અવરજવરવાળો વિસ્તાર હતો એ. ઝાડીઓથી સાવ નજીક રસ્તો એટલે સામાન્ય સંજોગોમાં જંગલી પ્રાણી અહીં સુધી પહોંચે જ નહીં, પણ એ દિવસે...


 

અફસોસ.

આ વસવસો હજી મનમાં અકબંધ હતો ત્યાં નવો વસવસો આવીને અમારી સામે ઊભો રહી ગયો. બીજી વૅનના ગ્રુપમાંથી અમને કહેવાયું કે એ લોકોએ એકસાથે પાંચ વાઘ જોયા. થાયને અફસોસ? વડાંને લીધે બે વાઘ અને હવે એ આંકડો વધીને પાંચ પર પહોંચ્યો. અમારા માટે તો ઓછા બળવામાં પતે એવું નહોતું, એ ગ્રુપે તો પોતાની વાતમાં ઉમેર્યું પણ ખરું કે પાંચ વાઘ સાથે હરણોનું ટોળું અને...

મેં તમને ગયા શુક્રવારે કહ્યું એ રીતે મેં મોટી કહેવાય એવી ત્રણ સફારી કરી છે. સફારી દરમ્યાન ખૂબબધી ઘટનાઓ જોઈ અને વાઇલ્ડ લાઇફની અઢળક ઇચ્છાઓ પૂરી પણ થઈ, પરંતુ એક ઇચ્છા બાકી હતી, એક કિલ જોવાની. કિલ એટલે કે મારણ. તમારી આંખ સામે કોઈ મોટું જાનવર નાના જાનવરની પાછળ પડે, એને પકડે અને પછી એને મારે એ જોવાની ઇચ્છા. આ કિલ એક અદ્ભુત ક્ષણ હોય છે, બધાના જીવનમાં એ જોવાની તક ન આવે.  આ વિરલ અને અકલ્પનીય કહેવાય એવી ક્ષણ જોવાનું મારું સપનું માત્ર દોઢથી બે મિનિટ માટે પૂર્ણ થયા વિનાનું રહી ગયું એમ કહું તો ચાલે. બીજી સફારીવાળા એ ગ્રુપે પાંચ વાઘ અને સાથે હરણોનું ટોળું જેમાં વાઘને શિકાર કરતા જોયા.

મારા મોતિયા મરી ગયા. મારો અફસોસ ચરમસીમાએ પહોંચી ગયો. અમને એ શિકારનો વિડિયો દેખાડ્યો. કોઈ અજાણી વ્યક્તિને ક્યારેય મારો નંબર ન આપતો હું, તેમને મારો નંબર આપીને આતુરતાથી વિડિયો મેળવવાની રાહ જોતો બેસી રહ્યો. એ ચાર મિનિટના વિડિયોનું વર્ણન કહું તમને.

સફારી વૅનની લાઇન ગોઠવાઈ ગઈ અને એ વૅનમાંથી એક જણે વિડિયો લેવાનું શરૂ કર્યું. એકસાથે ખૂબબધાં હરણોનું ટોળું ચરી રહ્યું હતું અને એવામાં  અલગ-અલગ દિશામાંથી એક પછી એક એમ પાંચ વાઘ આવ્યા. એકદમ ધીમે અને દબાતે પગલે એ વાઘ હરણો તરફ આગળ વધવા લાગ્યા. હરણને ખબર નહોતી કે એની આસપાસ શું ચાલી રહ્યું છે. એ પાંચમાંથી એક વાઘની મા હતી, જે બધાથી આગળ હતી. સાવ ધીમે અને લપાતા પગલે હરણ તરફ આગળ વધતી રહી, આને લિમ્પિંગ ટાઇગર કહે છે, જે ધીમેથી નીચે બેસીને આગળ વધવા માંડી. એ પોતાનાં બચ્ચાંઓને મારણ શીખવતી હતી. હરણોને હજી પણ ખબર નહોતી અને એટલામાં પાછળથી સામ્બા હરણ આવ્યું અને આ સામ્બા હરણે કૉલિંગ આપ્યું.

એણે જોયું કે પાંચ વાઘ ગોઠવાઈ ગયા છે અને ટ્રૅપ મૂકી દીધી છે. આ સામ્બાનું કૉલિંગ ઑથેન્ટિકેટ ગણવામાં આવે છે અને એને હરણો નોંધનીય રીતે લે છે.

જેવું એ કૉલિંગ આવ્યું કે તરત એક વાઘે એની સામે જોયું તો આ બાજુએ કૉલિંગ પછી તરત જ બીજાં હરણોએ દોડાદોડી-ભાગાભાગી કરી મૂકી. વાઘને મનમાં એમ હતું કે આજે તો જમવામાં ગુજરાતી થાળી એટલે કે જાતજાતની વરાઇટી ખાવા મળવાની છે, પણ એને થાળી પીરસાય એ પહેલાં જ દોડાદોડી શરૂ થઈ ગઈ. ટોળામાં રહેલા વાઘનાં બચ્ચાં તો હજી કાચાં હતાં, તૈયાર થતાં હતાં. બધું આજુબાજુમાંથી જતું રહ્યું, હવે એને મેળવવું કેવી રીતે? કયા હરણને પકડવું અને તમને ખબર છે કે હરણની સ્પીડ તો બહુ હોય.

ખુશી હાથવેંતમાં હતી અને અચાનક એ ખુશી અફસોસમાં ફેરવાવા લાગી. હમણાં બે-ત્રણ હરણ પકડાઈ જવાનાં હતાં, બસ તૈયારી જ હતી અને ત્યાં જ બધાં ભાગવા માંડ્યાં. મેં આગળ જે વાઘની માની વાત કરી એની નજર એક નાનકડા હરણ પર હતી. તમને એક વાત કહી દઉં કે એ વાઘણ પેન્ચમાં બહુ ફેમસ છે.

આ વાઘણ એક હરણ પર નજર ચોંટાડીને જ બેઠી હતી અને એ હરણની લાચારી પણ જુઓ, એ કોઈ બાજુએ જઈ શકે એમ નહોતું. બીજા જે વાઘ હતા એ બધાની નજર હવે માને શોધવામાં લાગી ગઈ હતી એટલે એની નજર પણ બધી બાજુએ ફરતી હતી. હરણના પૉઇન્ટ ઑફ વ્યુથી જોઈએ તો એની સામે એટલે કે વચ્ચે રસ્તો ખુલ્લો હતો, પણ એની બન્ને બાજુએ વાઘ હતા. એક બાજુએ બે વાઘ અને બીજી તરફ ત્રણ વાઘ. હરણને પણ સમજણ નહોતી પડતી કે એ કઈ તરફ ભાગે?

બન્ને બાજુના પાંચ વાઘ ધીરે-ધીરે હરણ તરફ આગળ વધવા લાગ્યા તો બીજી તરફ ભાગીને દૂર નીકળવા લાગેલાં હરણોએ પણ જોયું કે બચ્ચું ફસાઈ ગયું છે. એના મનમાં એમ કે હવે આ કેવી રીતે ત્યાંથી છૂટશે તો વાઘના મનમાં એમ કે હવે તું કેવી રીતે અહીંથી નીકળીશ?

બીજાં હરણોનું કૉલિંગ ચાલુ હતું કે ભાગ, નીકળ ત્યાંથી અને આ બાજુ વાઘ આગળ વધતા હતા. દિલધડક આ મોમેન્ટ એમ જ આગળ વધી રહી હતી, શ્વાસ થંભી જાય એવી એ પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ વચ્ચે હરણે ભાગવાનું શરૂ કર્યું કે એની પાછળ વાઘની મા અને વાઘે ભાગવાનું શરૂ કર્યું. સેકન્ડનો પણ ફરક નહોતો બન્નેના ભાગવામાં. સામેથી દોડતા આવ્યા અને જે વૅનમાંથી વિડિયો શૂટ થતો હતો એની ૨૦ ફુટ દૂરથી બન્ને નીકળ્યા. 

આગળ હરણ અને પાછળ બે વાઘ.

ચાર-પાંચ ફુટના ડિસ્ટન્સમાં જ આ દોડાદોડી થઈ રહી છે. હરણે બે ઝાડ વચ્ચેથી છલાંગ મારી તો એ જ સેકન્ડે વાઘે પણ છલાંગ મારી અને બીજી બાજુથી બીજો વાઘ પણ એકધારો ભાગી રહ્યો છે. દોડી રહ્યા છે, દોડી રહ્યા છે, દોડી રહ્યા છે અને ઝપાક...

વાઘે તરાપ મારી દીધી.

હરણ પર જમ્પ કરીને વાઘે હરણને પકડી લીધું, તમે કશું કરો કે કંઈ બોલો એ પહેલાં તો વાઘ હરણને ખેંચીને ઝાડીમાં ચાલ્યો ગયો. તરત જ બીજો વાઘ પાછળ કૂદ્યો અને પછી ત્રીજો વાઘ અને પછી ધીમે-ધીમે બીજા બે વાઘ. આ જે છેલ્લા બે વાઘ હતા એ વાઘ આતિશ અને જાગૃતિએ જોયા. આ છેલ્લા બે વાઘ રવાના થયા અને દોઢથી બે મિનિટમાં અમે આવ્યા અને આમ આખી કિલની ઘટના હું મિસ કરી ગયો.

જે દૃશ્ય મેં વિડિયોમાં જોયું અને જે દૃશ્ય મેં મારી નરી આંખેથી જોવાનું મિસ કર્યું એ જિંદગીભરનો વસવસો છે. હું મારી સફારી ચાલુ જ રાખીશ. બને કે આ પ્રકારનું દૃશ્ય જોવાની મારી જે ઇચ્છા છે એ મને ભવિષ્યમાં ક્યારેક જોવા મળી પણ જાય.

આજની વાત પૂરી કરતાં પહેલાં મને એક વાત કહેવી છે કે જો તમને એવું લાગતું હોય કે આ પ્રકારે મારણ ન કરાય કે પછી એવું ન જોવાય તો એક નાનકડી સ્પષ્ટતા કરી લઉં કે આ પ્રકૃતિનો નિયમ છે. કુદરત આમ જ ચાલે છે અને આ જ રીતે એણે ચાલવું પડે. જો આ પ્રકારનાં જાનવરોને વાઇલ્ડ જાનવરો ન મારે તો એક ઇકોલૉજિકલ ઇમ્બૅલૅન્સ ઊભું થાય. વાઇલ્ડ જાનવરની સંખ્યા આ જ કારણે ઓછી હોય છે અને હરણ જેવાં જાનવરોની સંખ્યા આને જ કારણે મોટી હોય છે. જ્યાં સુધી વાઇલ્ડ લાઇફ બચી છે અને પ્રિઝર્વ કરી શકાય અને વધુ ને વધુ એ દિશામાં કામ થતું રહે એ માટે તમે જતા રહેજો, એમને પણ આ વાઇલ્ડ લાઇફને અકબંધ રાખવા માટે ફન્ડની જરૂર રહેતી હોય છે.

મોબાઇલ ફોનને સાઇડમાં મૂકીને કુદરતના ખોળે જાઓ અને જાઓ ત્યારે ત્યાં ડિસિપ્લિન જાળવજો, કચરો નહીં કરતા એ વણમાગી સલાહ પણ આપી દઉં છું. તમારાં બાળકો આખો દિવસ ટીવી કે મોબાઇલ સામે બેસી રહે એના કરતાં તેમને નેચરની નજીક લઈ જાઓ. તેમને નેચર તરફ સેન્સિટિવ રાખશે તો જ નેચરને પ્રિઝર્વ કરવામાં તેઓ પણ એટલાં જ ઍક્ટિવ થશે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2020 03:22 PM IST | Mumbai | Jamnadas Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK