આર્મી યુનિફૉર્મની આડમાં ઑનલાઇન ફ્રૉડ

જયેશ શાહ | Apr 15, 2019, 13:40 IST

સસ્તામાં ઑનલાઇન સ્કૂટર ખરીદવાની લાયમાં ગુજરાતી યુવાને હજારો રૂપિયા ખોયા અને સ્કૂટર પણ ન મળ્યું

આર્મી યુનિફૉર્મની આડમાં ઑનલાઇન ફ્રૉડ
ઓળખી લો : આર્મી ડ્રેસમાં ઑનલાઇન છેતરપિંડી આચરનાર શખસ.

સસ્તા દરે ઑનલાઇન વસ્તુઓ લેવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બની રહેલા લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. છેતરપિંડી આચરનારા નવા પ્રકારની કાર્યપદ્ધતિ અપનાવીને લોકોને આસાનીથી છેતરી રહ્યા છે, જેમાં ભારતીય લશ્કરની આઇન્ડેટિટી અને સૈનિકનો યુનિફૉર્મ પહેરીને લોકો સાથે વિશ્વાસઘાત કરતી એક ટોળકી ઑનલાઇન સક્રિય બની હોવાની ઘટના ડોમ્બિવલીમાં રહેતા ૩૨ વર્ષના એક ફોટોગ્રાફર સાથે બનતાં બહાર આવી છે. જોકે આ વિશે પોલીસમાં પુરાવા સહિત લેખિત ફરિયાદ કર્યા છતાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે હજી વધુ લોકો આ ટોળકીનો શિકાર બની રહ્યા છે. ઘણા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ધારણા છે, પણ પોલીસની નિãષ્ક્રયતાને લીધે હજી વધુ લોકો ભોગ બન્યા કરે છે.

ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં ૨૮ માર્ચે લેખિતમાં ફરિયાદ કર્યા છતાં પોલીસ તરફથી આ કેસમાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.

વધુ લોકો આ ટોેળકીનો શિકાર ન બને એ માટે ફરિયાદીએ ‘મિડ-ડે’નો સંપર્ક કર્યો હતો.

શું છે મામલો?

ઑનલાઇન ખરીદ-વેચાણ કરતા લોકોએ સાવધાની વર્તવા જેવી છે. કોઈ પણ પ્રકારની લાલચમાં આવીને ઍડ્વાન્સમાં રૂપિયા ચૂકવી દીધા બાદ તમે છેતરપિંડીનો ભોગ નથી બની રહ્યાને? ડોમ્બિવલીમાં રહેતા એક યુવાનને ઑનલાઇન સ્કૂટર ખરીદવાનુંં ભારે પડ્યું હતું. ઑનલાઇન ખરીદ-વેચાણના પ્લૅટફૉર્મ પર તેણે ફક્ત ૧૮,૦૦૦ રૂપિયામાં સ્કૂટર ખરીદવા જતાં ૪૧,૦૦૦ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

શું છે કાર્યપદ્ધતિ?

કઈ રીતે છેતરપિંડીનો ભોગ બન્યા એ વિશે વાત કરતાં ડોમ્બિવલી (વેસ્ટ)માં રહેતા હિતેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે એક જૂનું સ્કૂટર ખરીદવું હતું એટલે મેં ઑનલાઇન ખરીદ-વેચાણ પ્લૅટફૉર્મ પર ઑનલાઇન તપાસ કરતાં TVS-વેગો વ્હાઇટ સ્કૂટર ફક્ત ૧૮,૦૦૦ રૂપિયામાં વેચાતું હોવાની જાહેરાત મેં જોઈ. મેં તરત એ જાહેરાત આપનાર વ્યક્તિને મેસેજ મોકલ્યો. તેણે મારો સંપર્ક-નંબર માગ્યો અને નંબરની આપ-લે થયા બાદ અમે બન્નેએ મોબાઇલ પર વાતચીત કરી હતી. વેચાણ કરનારે મને કહ્યું કે હું ભારતીય આર્મીમાં છું એમ કહીને તેણે તેનો આર્મીના ડ્રેસ સાથેનો ફોટો પણ ઑનલાઇન બતાવ્યો હતો. તેણે પોતાનું નામ વિકાસ પટેલ જણાવ્યું હતું.

તેણે ફરિયાદી હિતેશ શાહને કહ્યું હતું કે ભિવંડી આર્મી કૅમ્પમાં તમને એન્ટ્રી નહીં મળે એટલે હું તમને ટ્રાન્સપોર્ટ દ્વારા વાહન મોકલી આપું છું અને એ માટે ૩૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ મોકલી આપો. એટલે મેં તરત તેણે જણાવ્યા મુજબ ઑનલાઇન ઍપથી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી અને તેણે મને ૧૮,૦૦૦ રૂપિયાની રિસીટ મોકલી અને કહ્યું કે બાકીના ૧૫,૦૦૦ રૂપિયા મોકલો. હું તમારું સ્કૂટર મોકલી રહ્યો છું. એટલે બૅલૅન્સ અમાઉન્ટ પણ મેં ઑનલાઇન ટ્રાન્સફર કરી દીધી હતી. રકમ ટ્રાન્સફર થયા બાદ વિકાસ પટેલ નામની વ્યક્તિએ અન્ય એક નંબર પરથી મને કૉલ કર્યો કે સ્કૂટર પુણેથી મોકલી આપ્યું છે અને તમને ચાર કલાકમાં મળી જશે. ટ્રાન્સપોર્ટેશન-ચાર્જના ૧૧,૫૦૦ રૂપિયા મોકલી આપો, જે તમને બાદમાં પાછા મળી જશે. હું તેની વાતમાં આવી ગયો અને એ રકમ પણ મેં મોકલી આપી. આમ કટકે-કટકે કુલ ૪૧,૦૦૦ રૂપિયા મોકલ્યા બાદ મેં એ વ્યક્તિ વિશે ઑનલાઇન તપાસ કરી તો ખબર પડી કે આ તો ફ્રૉડ વ્યક્તિ છે અને તેણે મારા જેવા અનેક લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે.’

પોલીસે શું કહ્યું?

હિતેશ શાહની છેતરપિંડીની અરજી વિશે વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર આર. એન. મુંગેકરનો પક્ષ જાણવા ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો. મુંગેકરે કહ્યું કે ‘તમને મારો મોબાઇલ-નંબર કોણે આપ્યો? હું તમને ફોન પર જવાબ આપવા માટે બંધાયેલો નથી. તમારે માહિતી જોઈતી હોય તો રૂબરૂ આવો.’

થાણે પોલીસનાં પબ્લિક રિલેશન્સ ઑફિસર સુખદા નાર્વેકરને મુંગેકરના આવા જવાબ અંગે પુછાતા તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસમાં ઇન્કવાયરી શરૂ છે.

આ મામલે પછીથી મિડ-ડેએ ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના પોલીસ -ઇન્સ્પેકટર (ક્રાઇમ ) બાલાસાહેબ પવાર સાથે વાત કરી તો તેમણે એમ જ કહ્યું હતું કે, ફરિયાદીના કેસ અંગે અમે તપાસ કરી રહ્યા છે અને દસેક દિવસમાં અમે કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકશું પણ આવી છેતરપિંડી અંગે મીડિયાએ પણ લોકોમાં જાગરુકતા ફેલાવવી જોઇએ.

તમારી સાથે પણ આવી છેતરપિંડી થઇ છે?

જો કોઇ વાચક સાથે પણ આવા પ્રકારની ઑનલાઇન છેતરપિંડી થઇ હોય અને તેની પોલીસમાં ફરિયાદ કરી હોય તો તેઓ મિડ-ડેનો gujmid@mid-day.com પર સંબંધિત દસ્તાવેજોની નકલ સાથે સંપર્ક સાધી શકે છે.

ફરિયાદી હિતેશ શાહ શું કહે છે?

કટકે કટકે કુલ ૪૧,૦૦૦ રૂપિયા મોકલ્યા બાદ મેં આ વ્યકિત વિશે તપાસ ઑનલાઇન શરૂ કરી તો ખબર પડી કે આ તો એક ફ્રૉડ વ્યક્તિ છે અને તેણે મારા જેવા અનેક લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. એથી મેં મનોમન નક્કી કર્યું કે આ વ્યક્તિને સબક શીખવાડવા અને નિદોર્ષ અન્ય લોકો આ ટોળકીનો શિકાર ન બને તે માટે પોલીસ-ફરિયાદ દ્વારા તેનો પર્દાફાશ કરું અને એ માટે મેં ડોમ્બિવલી-વેસ્ટમાં વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ૨૮ માર્ચે ફરિયાદની એક અરજી કરી અને આ અરજી પર મારી ફસ્ર્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા જણાવ્યું, પરંતુ બેથી ત્રણ વાર ધક્કા ખાધા બાદ હજુ સુધી મને ફરિયાદની નકલ કે આ વિશે માહિતી પોલીસે આપી નથી.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK