Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે પાણીપૂરીવાળાને પાણીપૂરી ખાતાં જોયો છે?

શું તમે પાણીપૂરીવાળાને પાણીપૂરી ખાતાં જોયો છે?

10 January, 2019 09:58 AM IST |
Jayesh Chitaliya

શું તમે પાણીપૂરીવાળાને પાણીપૂરી ખાતાં જોયો છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

શું તમે પાણીપૂરીવાળાને પાણીપૂરી ખાતાં જોયો છે? આ સવાલ તમને વિચિત્ર લાગી શકે. એમ તો એવું પણ પુછાય કે શું તમે મીઠાઈ-ફરસાણની દુકાનના માલિકને મીઠાઈ ખાતાં જોયો છે? ત્યાં કામ કરતા માણસોને પણ મીઠાઈ ખાતાં નહીં જોયા હોય. આ જ વાતને જરા જુદા દાખલા સાથે જોઈએ. શું



હિલ-સ્ટેશન પર રહેતા લોકોને ત્યાં જ પ્રવાસે જતા જોયા છે? કોઈ પણ યાત્રાધામમાં રહેતા લોકોને એ યાત્રાનું એવું મહત્વ હોય છે ખરું, જે બીજાં શહેરોમાંથી ત્યાં જનારાઓને મન હોય છે. આપણે જે આસ્થાથી શ્રીનાથજી કે વીરપુર કે પાલીતાણા જઈએ છીએ એ જ આસ્થા ત્યાં રહેતા લોકોમાં હોય છે ખરી?


થોડું હજી આગળ વિચારીએ. કોઈ પણ જાણીતા યા બિનજાણીતા મંદિરમાં પૂજા કરાવતા પૂજારીને મનમાં કે હૃદયમાં પરમાત્મા પ્રત્યે શું જુદો કે વિશેષ ભાવ હોઈ શકે જે ત્યાં દર્શન કરવા જનારાઓથી વિશેષ હોય? શું પરમાત્મા તે પૂજારીને પોતાની વધુ નજીક કે તેને વધુ પ્રિય ગણે એવું હોઈ શકે? બાય ધ વે, કોઈ મંદિરમાં જ નહીં જનાર વ્યક્તિ પ્રત્યે પરમાત્માને નારાજગી હોય યા ગુસ્સો હોય એવું પણ બની શકે ખરું?

મૂળ સવાલ એ છે કે આપણી પાસે, આપણી નજીક, આપણને ઉપલબ્ધ જે પણ વસ્તુ યા વ્યક્તિ હોય છે તેની કદર આપણને કાયમ ઓછી યા અધૂરી કેમ હોય છે? એ જ વ્યક્તિ યા વસ્તુ કે સ્થળ દૂર હોય તો આપણને તેનું આકર્ષણ રહ્યા કરે છે, તેની અપેક્ષા યા ઇચ્છા રહે છે. પ્રેમિકા પરણીને પત્ની બની ઘરમાં આવી જાય એ પછી ધીમે-ધીમે આપણામાં તેનું આકર્ષણ, પ્રેમ, લાગણી ક્રમશ: ઘટતાં જાય છે. અગાઉ કલાકો જેની સાથે વાત કરતાં ધરાતા નહોતા, જેને મYયા વિના એક દિવસ પણ પસાર કરવાનું કઠિન બનતું હતું તે જ વ્યક્તિ ઘરમાં આવી ગયા બાદ અને રોજ મળતી-વાત કરતી થઈ ગયા બાદ તેના પ્રત્યેનો ભાવ પણ કેમ બદલાઈ જાય છે? શું સમાજ કે અંગત સંબંધોમાં પણ ઇકૉનૉમિક્સનો ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો નિયમ લાગુ પડે છે? અર્થાત્ જે સહેલાઈથી અને કાયમ ઉપલબ્ધ છે એનું આકર્ષણ ઘટતું જાય છે.


જીવનમાં કોઈ પણ બાબત હોય, માણસની પ્રકૃતિ સતત પરિવર્તન ઝંખે છે. આ પરિવર્તનનો સમયગાળો દરેકનો જુદો હોઈ શકે, પરંતુ આ સત્ય સનાતન છે.

માણસ પાસે જે હોય છે, જે ઉપલબ્ધ છે, જેની સતત હાજરી છે, જેને તે ગમે ત્યારે મેળવી શકે છે એના માટે માણસને ખાસ લગાવ લાંબો સમય રહેતો નથી. યસ, શરૂમાં તેને આ લગાવ યા આકર્ષણ હોઈ શકે, પરંતુ પછીથી માણસ કાયમ તેના માટે લગાવ રાખી શકતો નથી. માણસને પછી જે પોતાની પાસે નથી એની આકાંક્ષા જાગે છે, વધે છે અને તેના પ્રયાસો પણ એ દિશામાં વધુ રહે છે. ઘર કી મુર્ગી દાલ બરાબર એ કહેવત આપણે વરસોથી સાંભળતા આવ્યા છીએ એટલું જ નહીં, એ જીવતા પણ આવ્યા છીએ. અંગ્રેજીમાં આ માટે આવી પંક્તિ પણ છે, બાય રૂલ મૅન ઇઝ અ ફૂલ. વેન ઇટ ઇઝ હૉટ, હી વૉન્ટ્સ ઇટ કોલ્ડ. વેન ઇટ ઇઝ કોલ્ડ, હી વૉન્ટ્સ ઇટ હૉટ. ઑલ્વેઝ વૉન્ટિંગ વૉટ ઇઝ નૉટ.

આપણે શું-શું બદલીએ છીએ?

આપણે કપડાં બદલીએ, ઘર બદલીએ, વિસ્તાર કે શહેર બદલીએ. સમય-સ્થળ-સંજોગ સાથે આપણાં મિત્રો-સંબંધીઓ પણ બદલાય છે. સંજોગોવશાત્ ઘણુંબધું બદલીએ યા બદલાવવું પડે છે. આપણે તો આપણા ચહેરા પણ બદલતા રહીએ છીએ. આપણને આપણે પણ જેવા છીએ એવા કાયમ જોઈતા નથી, આપણે સામેના માણસો મુજબ આપણા સ્વભાવના રંગ પણ બદલીએ છીએ. આમ સતત બદલાવ અને પરિવર્તન તેમ જ નવું પામવાના, જુદું મેળવવાના આકર્ષણમાં આપણે આપણી પાસે જે છે એને માણવાનું-સમજવાનું ચૂકી જઈએ છીએ. પરિવર્તનની આશા કે મહત્વાકાંક્ષા રાખવી ખોટી નથી, કંઈક નવું પામવાની ઝંખના રાખવી ગેરવાજબી નથી; મનુષ્યસહજ છે. પરંતુ જે પાસે છે, જે સતત સાથે છે અને સાથ નિભાવે છે, જેણે જીવનમાં આનંદ આપ્યો છે, જેણે જીવનમાં પાયાની ભૂમિકા ભજવી છે, એ માત્ર જૂના થઈ જવાથી કે સતત સાથે, પાસે યા ઉપલબ્ધ રહેવાથી તેમનું મહત્વ ઓછું કરી દેવું કે પછી તેમની ઉપેક્ષા કરવી એ વાજબી અને ન્યાયી પણ નથી.

મળે છે એનું મૂલ્ય નહીં?

કોઈ વ્યક્તિ આપણને માન આપતી હોય, આપણા માટે લાગણી ધરાવતી હોય તો આપણને એ કૉમન લાગે છે, તેની કદર કરવાનું આપણને યાદ રહેતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ આપણને અગાઉ માન આપતી નહોતી અને હવે માન આપવા લાગી છે તો જાણે શુંનું શું થઈ ગયું! આપણે રાજી થઈ જઈએ છીએ. શું અગાઉ માન આપતી વ્યક્તિ ખોટી કે નાની હતી? તેના માનનું કોઈ મૂલ્ય નહોતું, કારણ કે તે પહેલેથી જ આપતી હતી? જ્યારે હવે બીજી વ્યક્તિ અગાઉ માન નહોતી આપતી અને હવે આપે છે તેથી તે વધુ મહત્વની બની જાય છે? એ જ સમજવું અઘરું છે કે આપણને જે છે એનું મૂલ્ય કેમ હોતું નથી?

પરમાત્મા માટે પણ આપણે એવા જ

પરમાત્માની બાબતમાં પણ આપણે એવા જ માણસ રહ્યા છીએ. તેણે આપણને જે અઢળક આપ્યું છે એની ગણતરી કે કદર યા કિંમત આપણે કરતા નથી. આપણું સ્વસ્થ શરીર, આપણને આપેલો એક સારો પરિવાર, સારું ઘર, સારા મિત્રો, આ તમામ લોકોનાં સ્નેહ અને લાગણી બદલ આપણે તે બધાનો કે પરમાત્માનો આભાર માનતા નથી. તે તો આપણને મળવા જ જોઈએ એવું આપણે અધિકારપૂર્વક માની લઈએ છીએ. તેથી જ કાયમ ભગવાન પાસે પણ બીજું ઘણુંબધું માગતા રહીએ છીએ. આપણી ભગવાન સાથેની વાતમાં તેને કરવામાં આવતી પ્રાર્થનામાં આભારની લાગણી કેટલી વાર આવે છે તે દરેક જણ પોતાના અંત:કરણને પૂછી જુએ. આપણી પાસે બીજાઓ કરતાં ઓછું છે, બીજા પાસે જે છે એ નથી, આપણી માગણીઓની યાદી કાયમ મોટી હોય છે. આપણને તો આપણું કામ થઈ જાય પછી ભગવાન પણ બહુ યાદ આવતા નથી, તેના પ્રત્યે બહુ ધ્યાન રહેતું નથી. તેની સાથે વાત કરવાનું પણ બનતું નથી. હા, જરૂર પડે ત્યારે યા આપણા પર આફત આવે ત્યારે તરત તેની યાદ આવે છે, તેને મળવા મંદિરે દોડી જઈએ છીએ, તેને કરગરવા લાગીએ છીએ. એ કામ પણ થઈ ગયા બાદ પાછા આપણે એના એ જ. આઘાત અને કરુણતાની વાત એ છે કે આપણને તો ઘણી વાર ભગવાન પણ જુદા-જુદા મહિમાવાળા જોઈએ છે. એમાં પણ નવીનતા જોઈએ, ચમત્કાર યા અનોખું મહત્વ જોઈએ. જાણીતા-ફેમસ મંદિર કે ભગવાન જોઈએ.

આપણી જ શ્રેષ્ઠ બાબતો બહારથી આવે છે

કાતિલ કરુણતા એ વાતની છે કે ઘણી વાર આપણા ધર્મમાં, આપણા સંસ્કારોમાં-કલ્ચરમાં ઘણું સારું હોવા છતાં આપણે એની ઉપેક્ષા કરીએ છીએ અને બીજા કલ્ચર અને ધર્મ આપણને આકર્ષતા રહે છે. આપણે આપણા જ ધર્મને ઘર કી મુર્ગી દાલ બરાબર સમજી બીજાઓના આકર્ષણમાં ભાન ભૂલી જઈએ છીએ. આ જ અભિગમ શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન, શાસ્ત્રો, પુસ્તકો સહિત ઘણી બાબતોમાં લાગુ પડે છે. તેથી જ તો આપણા દેશની ખાસિયતો નવા નામ કે સ્વરૂપ સાથે આપણી પાસે પરદેશથી આવે છે.

આ પણ વાંચો : યાદ રાખજો, સારા નિર્ણય માટે દરેક દિવસ પહેલી જાન્યુઆરી છે

વિદેશી વસ્તુ, વ્યક્તિ, વિચારધારા, કલ્ચર આપણને આજે પણ એવાં જ અસર કરે છે, ખેંચે છે; જેમાં આપણે આપણી મૌલિકતા, સંસ્કારની સચ્ચાઈ ખોઈ બેઠા છીએ. આ બધા ગંભીર સંજોગો માટે પણ આપણી એ જ માનસિકતા કામ કરી રહી છે કે આપણી પાસે જે છે, આપણી સાથે જે છે અને આપણને ઉપલબ્ધ જે છે એના કરતાં કંઈક જુદું જ આપણને જોઈએ છે. જે છે એનો આનંદ માણવાનું, એને સમજવાનું આપણે વરસોથી ચૂકતા રહ્યા છીએ. એ જ બાબતો જ્યારે બીજેથી-બહારથી આવે છે ત્યારે આપણે એને અપનાવવા ઘેલા થઈ જઈએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 09:58 AM IST | | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK