તમે મને આજે બચાવશો તો કાલે હું તમને બચાવીશ: પૈસો આમ પણ બોલે છે!

Published: May 28, 2020, 21:31 IST | Jayesh Chitalia | Mumbai

સોશ્યલ સાયન્સ - વર્તમાન સમયમાં શીખવા જેવા પાંચ પાઠ

બચતનાં પાંચ પાઠ
બચતનાં પાંચ પાઠ

આ વિધાન કોનું છે એ જાણવું છે? તમે સમજદાર છો, સમજી જ ગયા હશો, તેમ છતાં જાણી લો. આ વિધાન છે રૂપિયા-પૈસાનું. રૂપિયા-પૈસાની આ જ ભાષા છે, તમે તેને બચાવશો તો એ તમને બચાવશે. આજના સમયમાં આ વિધાન વધુ રેલેવન્ટ થઈ ગયું છે. કારણ કે કોરોનાને પગલે વિશ્વભરમાં આર્થિક મંદી સતત ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આપણો દેશ પણ આનો બહુ મોટો ભોગ બન્યો છે. આર્થિક વિકાસની ગતિ કે દર તેના નિમ્નત્તર સ્તરે છે. મંદી હજી વકરવાની શક્યતા ઊભી છે. કોવિડ-૧૯ને કારણે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ધંધા-પાણી બંધ છે. નોકરીઓ કપાઈ રહી છે અને પગાર પણ. સરકારે આર્થિક મંદીના ઉપાય માટે સંખ્યાબંધ પગલાં લીધાં છે અને હજી પણ લઈ રહી છે, કિંતુ તે તરત પરિણામ આપી શકશે નહીં. તેમ છતાં સરકાર પોતાનાથી બનતા પ્રયાસ કરી રહી છે એ વાતનો ઈનકાર થઈ શકે નહીં, કિંતુ દેશની જેમ સમસ્યાની સાઈઝ ખૂબ જ મોટી હોવાથી તેમાં પણ સમય લાગે છે. આજે આપણે સોશ્યલ વિષયને આર્થિક દૃષ્ટિએ મુલવીએ, કારણ કે આખરે સમાજકરણ અને અર્થકરણને ઘર જેવો સંબંધ હોય છે.

રોકડા રૂપિયા રાજા છે
હાલના સંજોગોમાં કેશ ઇઝ કિંગ છે અને લાંબો સમય રહેશે. પૈસા બચાવવા અને પૈસાનો સમજીને ઉપયોગ કરવો એ લોકોનો વર્તમાન સિદ્ધાંત બનવો જરૂરી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ માટે. આ વર્ગે પૈસા બચાવીને માત્ર રાખી મૂકવાની સાથે-સાથે તેનું યોગ્ય આયોજન કરી સમજી-વિચારીને પોતાની વિવેકબુદ્ધિ સાથે રોકાણ પણ કરવું જોઈશે. આ બાબત સમજાય નહીં તો યોગ્ય સલાહકારની સલાહ લઈને આગળ વધવું જોઈશે, કિંતુ આયોજન વિના તેમનું અર્થતંત્ર પણ ડામાડોળ થઈ જઈ શકે છે.
તો કરવું શું? આપણે તેના મુખ્ય પાંચ પગલાં સમજી લઈએ. વધુ પગલાં પણ તમે વિચારી શકો.
૧. કરકસર કરીને પણ બચત કરો
વર્તમાન સંજોગોમાં દરેકની આવક પર કાપ આવવાનું શરૂ થઈ ગયું છે. ઘણાંને તો આવક જ બંધ થઈ જવાની શક્યતા ઊભી છે. જેમાં નાનો અને મધ્યમ વર્ગ મુખ્ય હશે. આ વર્ગે પોતાની લાઇફ સ્ટાઇલમાં ધરખમ ફેરફાર કરવાના આવશે. ખાસ કરીને તેમણે કરકસર કરવા પર જોર આપવાનું છે. ઘણાને સવાલ થઈ શકે કે કેટલી કરકસર કરે માણસ? ખાવાનું તો જોઈએ ને? વાત સાચી છે, કિંતુ અત્યારના સંજોગોમાં કોઈ પણ હિસાબે કરકસર અનિવાર્ય છે. આ અભૂતપૂર્વ કટોકટી છે. આ સવાલનો જવાબ દરેકને અલગ-અલગ લાગુ પડી શકે છે, પણ કરકસર એ જાણે બચત હોય તેમ વર્તવાનું છે. આ બચત તેમને આગલા સંભવિત વધુ કપરા સંજોગોમાં કામ આવશે. આ વાત પ્રેક્ટિકલી મુશ્કેલ લાગી શકે છે, જ્યારે કે માર્ગ કાઢવો જરૂરી છે. બિનજરૂરી ખર્ચ સદંતર બંધ કરવા જોઈશે, જે પણ ખર્ચ ટાળી શકાય છે એ ટાળવા જોઈશે.
૨. નોકરી જાય તો ઈમર્જન્સી ફન્ડ
હવે ઘણાને ખ્યાલ આવ્યો છે કે ફાઇનૅન્શિયલ પ્લાનર શા માટે ઈમર્જન્સી ફન્ડની હિમાયત અને આગ્રહ કરતા હોય છે. કાલે સવારે તમારી નોકરી જાય તો તમારી પાસે એટલું ઈમર્જન્સી ફન્ડ હોવું જોઈએ કે તમને ત્રણથી છ મહિના ઘરખર્ચમાં વાંધો આવે નહીં. પ્લાનર આ માટે જ ખર્ચ કરતાં પહેલાં બચત કરવાનું પણ કહેતા હોય છે. બચત પછી હાથમાં જે રકમ બચશે તે ખર્ચ પર આપોઆપ અંકુશ લાવશે. અલબત્ત, આ મામલો પણ કેસ ટુ કેસ ધોરણે લાગુ પડી શકે. જેઓની નોકરી કે ધંધા હાલ સલામત છે તેઓ હજી પણ આ કામ કરી લે તેમાં શાણપણ છે. કેમ કે આગામી દિવસોમાં મંદી વધુ ગંભીર બની શકે છે.
૩. રોકાણ કરો તો આ ધ્યાન રાખજો
આવા સમયમાં રોકાણની ઑફર આવે કે રોકાણ કરવાનું મન થાય અને તમારી પાસે બચત બૅન્કમાં પડી હોય તો એ રોકાણ કરતાં પહેલાં ચાર વાર વિચાર કરો. એ રોકાણ તમને વળતર સારું ઑફર કરતું હોય, કિંતુ સલામત ન લાગતું હોય તો તેમાં અંજાઈ જાવ નહીં. એ રોકાણમાં તમારા નાણાં અટવાઈ જાય કે લોસ થાય તો તમે એ સહન કરી શકો છો એવી તૈયારી હોય તો જ રોકાણ કરવામાં હિત રહેશે. હાલ આંખ-દિમાગ બંધ રાખીને રોકાણ કરાય નહીં. લાંબા ગાળાનું રોકાણ પણ તો જ કરાય જો તમને એ નાણાંની હાલ કોઈ પણ સંજોગોમાં જરૂર પડવાની ન હોય. અન્યથા તમારે જો એ નાણાં વચ્ચેથી ઉપાડવાની જરૂર ઊભી થાય તો તમને લોસ બુક કરવાની નોબત આવી શકે છે.
૪. નવાં કામ-નવા સાહસ વિચારો
આ કટોકટી છે. દરેક કટોકટી નવી તકો પણ લાવતી હોય છે. માથે હાથ દઈ યા ટેન્શનમાં બેઠાં રહેવાથી કે નસીબનું રોયા કરવાથી ઉપાય થશે નહીં. નવા સાહસ માટે વિચારવું જોઈશે. નવા આઇડિયા માટે દિમાગ લગાડવું પડશે. સારું સાહસ કે તક હશે તો બૅન્કમાંથી ધિરાણ મળવાનું કઠિન નથી. હા, મુદ્રા બૅન્ક સહિત ઘણી બૅન્કો સરકારી આદેશ મુજબ હાલના સંજોગોમાં નાની રકમની લોન તો આપે છે. મહિલાઓ માટે પણ ખાસ લોન સુવિધા છે. બની શકે તમારે લોન માટે વધુ ફોલોઅપ કરવું પડે, કિંતુ સંનિષ્ઠ પ્રયાસ કરશો તો લોન મળી શકે અને એ લોનના આધારે તમે નાનો ધંધો શરૂ કરી શકો, ‘ન મામા કરતાં કહેણો મામો સારો’ કહેવતને યાદ કરી નાનું સાહસ પણ આ સમયમાં ખોટું નથી, શૂન્ય આવક કરતાં થોડા પૈસાની આવક પણ તમારી ભીતરના ઉત્સાહ, ખમીરને ટકાવવામાં સહાયરૂપ થશે. તમને માનસિક તનાવથી બચાવી શકશે. આજે અનેક લોકોએ પોતાના વર્તમાન બિઝનેસમાં મંદી આવી જવાથી કે બંધ થઈ જવાથી નવા ધંધા શરૂ કરી દીધા છે. આ સમયમાં જેની પણ વધુ ડિમાંડ છે, જરૂરિયાત છે કે આવવાની છે તેમાં લોકો ઝંપલાવવા લાગ્યા છે. બિઝનેસ નાનો હોવાનું મહત્ત્વ નથી, તમારી જાતને એ પ્રવૃત્ત રાખશે, તમને મહેનત માટે હિંમત આપશે અને તમારે હિંમતે મર્દા તો મદદે ખુદાનું સૂત્ર અપનાવવું જોઈશે. આમ નહીં કરો તો તમે ડિપ્રેશનમાં જઈ શકો છો. એ કરતાં મનને પ્રવૃત્ત રાખવું, નિરાશાને બદલે મહેનત તરફ મીટ માંડવી આવશ્યક છે. આ મહેનત તમારામાં એક પૉઝિટિવ સ્પીરિટ જાળવી રાખશે.
૫. ગૃહિણીઓ ઘરમાં બેસી કામ કરી શકે
આમ પણ આપણા દેશમાં નાણાંની બચતમાં ગૃહિણીઓ વધુ હોંશિયાર અને કુશળ હોય છે, તેઓ પૈસા ઉડાવવામાં જાણે છે તો સંકટના સમયમાં પરિવાર માટે પૈસા બચાવવામાં પણ માને અને જાણે છે, તેમ જ પરિવાર માટે મહેનત કરવામાં પણ પાછળ પડતી નથી. આ સમયમાં ગૃહિણીઓ પોતે પોતાની શક્તિ, બુદ્ધિ, મહેનત, સમયને ધ્યાનમાં રાખી ઘરમાં બેસી કરી શકાય એવાં કામ મેળવવાનો પ્રયાસ કરી શકે. એવાં ઘણાં કામ છે જે તેઓ ઘરના રુટિન કામો પતાવ્યાં બાદ પણ કરી શકે છે. સરકાર પણ મહિલાઓને સ્વનિર્ભર બનવામાં મદદ કરે એવી યોજના ધરાવે છે. આ મામલે મહિલાઓને કયાંક કોઈ માર્ગદર્શનની જરૂર પડી શકે, જેમાં તેમને થોડી મુશ્કેલી પડી શકે, કિંતુ કટોકટી સમયે પરિવાર માટે પોતે વધુ સક્ષમ બની જવાની ભારતીય મહિલાઓની શક્તિ અજાણી નથી. તેને શક્તિની દેવી એમ જ નથી કહેવાતી. માતા પોતાનાં સંતાનો માટે અને સ્ત્રી પોતાના પરિવારનો ટેકો-સહારો બનવા સંકટમાં વધુ ખીલે છે. આ માટે તેમણે સલાહ-સૂચન મેળવવાના થઈ શકે, પણ તે માર્ગ કાઢી શકે છે. આવા સમયમાં સંતાનોને પણ બચતના સંસ્કાર આપવાનું શીખવવું જોઈશે, તેમને મુશ્કેલીના સમયમાં ટકી રહેવાના અને તેની સામે લડવાના પાઠ શીખવા મળશે તો એ તેમને જીવનભર કામ લાગશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK