Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મોટું કોણ? કોરોના કે પરમાત્મા? કોરોના સાથે જીવતા શીખવું પડશે

મોટું કોણ? કોરોના કે પરમાત્મા? કોરોના સાથે જીવતા શીખવું પડશે

04 June, 2020 08:06 PM IST | Mumbai
Jayesh Chitalia

મોટું કોણ? કોરોના કે પરમાત્મા? કોરોના સાથે જીવતા શીખવું પડશે

મોટું કોણ? કોરોના કે પરમાત્મા? કોરોના સાથે જીવતા શીખવું પડશે


આપણા જીવનના છેલ્લા કેટલાય દિવસો કોરોનાનું રટણ અને એની ચિંતા કરવામાં ગયા છે. કોરોના જગતમાં અને જીવનમાં છવાઈ ગયો છે. કોરોનાને આટલું રટણ કરવાને બદલે એનાથી અડધું રટણ પણ પરમાત્માનું કર્યું હોત તો? આમ પણ હવે કોરોના સાથે જીવતા શીખવું પડશે. આ આપણી વ્યક્તિગત અને સામાજિક જવાબદારી બની જશે

કોરોના-કોરોના–કોરોના... છેલ્લા કેટલાય દિવસોથી રાત-દિવસ આપણે કોરોનાના વિચાર અને રટણ કરતા રહ્યા છીએ. કોરોના વિશે વાંચવું, સાંભળવું, જોવું, વિચારવું, ચર્ચા કરવી અને ચિંતા કરવી આ આપણા નિત્યક્રમનો ભાગ થઈ ગયો છે. એકેક માણસ કોરોનાના જાપ જપતો રહ્યો છે. કોરોના ક્યારે જાય, ક્યારે આમાંથી મુકત થવાય, ક્યારે બહાર નીકળશું? ક્યારે ફરી નૉર્મલ લાઇફ શરૂ થશે અને ક્યારે ફરી એ જ મસ્તીમાં જીવવાનું શરૂ કરી શકાશે? બધાને મુક્તપણે મળી શકાશે, મિત્રો-સંબંધીઓ સાથે બેસી ગપ્પા મારી શકાશે, હોટેલ કે પાર્ટીમાં યા પિકનિકમાં જઈ જલસા કરી શકાશે! આવા અનેક વિચાર સતત આપણા સૌના મનમાં ચાલ્યા કર્યા છે. એક દિવસ તો શું, એક આખો કલાક પણ કોરોનાની યાદ વિનાનો નહીં ગયો હોય.
શ્રદ્ધાનો હો વિષય જ્યારે
આ વિચાર કરતાં-કરતાં હવે જ્યારે ક્યાંક પૂર્ણ કે ક્યાંક આંશિક લૉકડાઉન ખૂલવા લાગ્યા છે ત્યારે એક વિચાર માનસપટ પર સતત સળવળી રહ્યો છે. આટલા દિવસોમાં આપણે સતત કોરોનાના જાપ કર્યા, કોરોનાને યાદ કર્યા, એને સ્થાને અથવા એના અડધા ભાગનું નામ પણ પરમાત્માનું લીધું હોત, વાંચ્યું હોત, સાંભળ્યું હોત, એની
ચર્ચા-સત્સંગ કર્યા હોત, પરમાત્માને યાદ કર્યા હોત તો? પરમને ગમતાં કાર્ય કર્યાં હોત તો? કોરોનાની ક્યારની વિદાય થઈ ગઈ હોત, કમસે કમ આપણા મનમાંથી, આપણા ભયમાંથી, આપણા વિચારોમાંથી. આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો વિચાર નથી કે પરમાત્માના જાપ કરવાથી કોરોના વાઇરસ ચાલ્યો જાય, પરંતુ શ્રદ્ધામાં મોટી શક્તિ હોય છે. સકારાત્મકતામાં ઘણું બળ હોય છે. જેમ જીવનમાં મુસીબત સમયે ઑલ ઇઝ વેલ કહેવાથી બધું સારું થઈ જતું નથી, પણ સારું લાગી શકે છે. દિલને તસલ્લી કે આશ્વાસન, ઉમ્મીદ અવશ્ય મળે છે કે સઘળું સારું છે અને થઈ જશે. આપણું મન આમ પણ બહુ ગભરું હોય છે, એને ઘણી વાર પટાવવું પડે છે. હવે કદાચ જ્યાં સુધી આ વાઇરસની નક્કર દવા કે વૅક્સિન નહીં શોધાય ત્યાં સુધી અને એ શોધાયા બાદ પણ લાંબા સમય સુધી આપણે કોરોના સાથે જીવવાનું છે એ સત્ય સ્વીકારી લેવું જોઈશે.
કોરોના વાઇરસ મોટો કે પરમાત્મા?
આ સાથે આપણે એ પણ વિચારવું જોઈએ કે મોટું કોણ છે? કોરોના કે પરમાત્મા? અગેઇન, અહીં અંધશ્રદ્ધાની વાત કરવાનો ઉદ્દેશ નથી. જ્ઞાન અને વિજ્ઞાન એને સ્વીકારશે પણ નહીં, એથી જ સભાન રહીને મારે માત્ર શ્રદ્ધાની અને એમાંથી મુસીબતોના પહાડોનો સામનો કરવાની મળતી શક્તિની વાત કરવી છે. અલબત્ત, પરમાત્માની યાદ કે તેના પ્રત્યેનો પ્રેમ અને શ્રદ્ધા આપણા ભયને કારણે ન હોવા જોઈએ. મુસીબત કેટલી પણ મોટી હોય, દરેક મુસીબતથી મોટો તો પરમાત્મા જ હોય છે.
પરમ સાથે વાતચીત થઈ
અલબત્ત, આ દિવસોમાં આપણે સૌએ ભગવાન સાથે પ્રાર્થનારૂપે, વિનંતી સ્વરૂપે કે ભયને કારણે વાત પણ કરી જ હશે, મંદિરોના દરવાજા ભલે બંધ થઈ ગયા, પણ પરમાત્માના હૃદયના દરવાજા કાયમ ખુલ્લા જ હોય છે. આમ પણ, મનમંદિરમાં પણ તે હોય જ છે. આપણાં દુઃખ-દર્દની વાત તો તેને કહીએ કે ન કહીએ તે જાણતો જ હોય છે. તેમ છતાં, આપણે મનુષ્ય સહજ સ્વભાવે તેને આપણી રજૂઆત કરતા જ રહેતા હોઈએ છીએ. આવા જ વિચારના ભાગરૂપ એક વાર અમારી પણ પરમ સાથે વાત થઈ ગઈ, તમારે જાણવું છે કે શું વાતચીત થઈ? આમ થઈ...
એ સાહેબ સામે તો ઝટ આવે નહીં એટલે અમે તેમને ફોન કર્યો.
હેલો પરમ, કોવિડ-19નું ક્યાં સુધી ચાલશે? તેણે તરત કહ્યું, તમે લોકો ચલાવશો ત્યાં સુધી એટલે અમે તેને કહ્યું કે પણ, અમે ક્યાં લાવ્યા છીએ આ કોરોના? અમે એવું શું ખોટું કર્યું કે અમે આનો ભોગ બન્યા. પરમે ફરી તરત જવાબમાં કહ્યું, તમને એ પણ નથી ખબર કે તમે શું ખોટું કર્યું! એટલે જ તો મેં તમને શાંતિથી વિચારવાનો, ખુદની સાથે બેસીને જાતને પૂછવાનો, સમજવાનો સમય આપ્યો જેથી તમે પોતે શું ખોટું કર્યું એ સમજાય. પછી પરમે કહ્યું, તમારે સુધરવું છે ખરું? જો નિષ્ઠાપૂર્વક સુધરવા તૈયાર થશો તો કોવિડ-19 ચાલ્યા ગયા બાદ કે રહ્યા પછી નવી જિંદગી જીવશો કે પછી એવા ને એવા જ રહેશો? વિચારી જુઓ, ઉતાવળ નહીં કરો, હજી સમય છે અને આ સમય બહુ મહત્ત્વનો છે, વાઇરસ તમારો દુશ્મન નથી, તમે ખુદ જ છો, આ સમજાઈ જશે તો વાઇરસ તમને કંઈ નહીં કરે, તમે વાઇરસમુક્ત થઈ જશો.
હરિ કૃપા અને હરિ ઇચ્છા
આ દિવસોમાં પરમની વાતો, સંકેતો, વિચારો કરતી વખતે સહજ જ સમજાય છે કે ઈશ્વર જે કરે છે એ બધું બરાબર હોય છે, તેનું કરેલું બધું જરૂરી હોય છે, કેમ કે તેણે કરેલું હોય છે, એ બધાનો સ્વીકાર કરો, એ તેના સર્જન છે, એને બરાબર નહીં માનીએ તો આપણે પોતે બરાબર નહીં રહી શકીએ, જે ખરેખર જરૂરી છે એ નહીં સ્વીકારીએ તો આપણે જ પોતે બિનજરૂરી લાગીશું યા બની જઈશું. ઇન શૉર્ટ, સ્વીકારભાવ નહીં રાખીએ તો આપણી ભીતર તિરસ્કારનો વાઇરસ ફેલાઈ જશે. વિચારીએ તો ખરા કે એ જરૂર વિના કંઈ પણ કરે છે ખરો? તો સવાલ ન ઉઠાવો, ફરિયાદ ન કરો, જે દરેક માટે જરૂરી છે એ જ તે કરી રહ્યો છે, એના પ્લાન પર્ફેકટ હોય છે, એ આપણને તે સમયે ન સમજાય એવું બની શકે, પરંતુ પછીથી સમજાશે એ નક્કી છે. એટલે જ તો કહેવાય છે, આપણી ઇચ્છા મુજબ થાય તો હરિ કૃપા અને તેની ઇચ્છા મુજબ થાય તો એ હરિ ઇચ્છા. આપણો વિવેક તેના આ બન્ને ભાવને સમજવામાં છે.
પરમની પરીક્ષામાં પાસ થયા?
યાદ રાખીએ, ઈશ્વર ક્યારેક ને ક્યારેક પરીક્ષા લેતો રહેતો હોય છે. આ વખતે તેણે સમગ્ર જગતની એકસાથે પરીક્ષા લીધી છે, તેની પરીક્ષામાં સવાલો અનેક હોય, પરંતુ જવાબ આપવાનું ફરજિયાત હોતું નથી. સમયની મર્યાદા પણ તે રાખતો નથી. જોકે પરીક્ષામાં ભાગ લેવાનું ફરજિયાત રાખે છે, તે પરિણામ આપે ત્યારે ખબર પડે છે કે આપણે કેટલા માર્ક સાથે પાસ થયા કે ફેલ થયા? મજાની વાત એ છે કે આપણે ફેલ થઈએ તો પણ તે આગળ જવા દે છે અને નવી તક પણ આપે છે. નક્કી આપણે કરવાનું હોય છે કે આપણે કેટલી વાર પરીક્ષા આપ્યા કરવી? બાકી તે જે કરે છે, આપણા સારા માટે જ કરે છે, એ તેણે કેટલી વાર સાબિત કરવાનું? એ તો આપણે સમજવાનું છે, સમજવા માટે સમય પણ તે આપે છે, આ વખતે સમજવા માટે બહુ જ લાંબો સમય આપ્યો છે.
કોરોના સાથે જીવતા શીખવું પડશે
વાસ્તવમાં આપણે જાતને જ પૂછીશું તો જવાબ મળશે કે આ સમયમાં આપણા જીવનમાં કેવાં સુંદર પરિવર્તન આવ્યાં, જીવન અને મૃત્યુને સમજવામાં કેટલી સહાયતા મળી. જીવનમાં ખરેખર કોનું-કેટલું મૂલ્ય છે અને હોવું જોઈએ એની સમજ આવી. જિંદગીને આપણે એક નવા દૃષ્ટિકોણથી જોવા લાગ્યા, કેટલીયે બાબતોની વ્યર્થતા સમજાવા લાગી. અનેક હાર્ડકોર પ્રૅક્ટિકલ માણસો આધ્યાત્મ તરફ વળી રહ્યા છે. વાસ્તવમાં આપણી ભીતર એક ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. હવે એ સુપરિવર્તનને કેટલું અને કઈ રીતે જાળવી રાખવું એ આપણી જવાબદારી રહેશે. કોરોના સાથે જીવતા શીખી લેવું જોઈશે જેમાં આપણે આપણી ઉપરાંત અન્ય લોકોની પણ કાળજી લેવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 08:06 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK