માનવતાની મહેક

Published: 14th January, 2021 09:05 IST | Preeti Khuman Thakur | Mumbai

ઐરોલીના કચ્છી ભાનુશાલી સમાજના ૬૧ વર્ષના સિનિયર સિટિઝન બ્રેઇન ડેડ થતાં પરિવારે અવયવ દાનનો નિર્ણય લીધો, પણ ઉંમરને કારણે બે કિડની જ ડોનેટ થઈ : ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાને લીધે લિવર ન આપી શક્યા

બન્ને કિડની ડોનેટ કરીને અન્યને નવજીવન આપનાર જયંતભાઈ ભદ્રા.
બન્ને કિડની ડોનેટ કરીને અન્યને નવજીવન આપનાર જયંતભાઈ ભદ્રા.

નવી મુંબઈના ઐરોલીમાં નેવા ગાર્ડનના સેક્ટર-૨૦એમાં રહેતા ૬૧ વર્ષના જયંતભાઈ પ્રધાનભાઈ ભદ્રા અચાનક જ બિલ્ડિંગ નીચે પડી જતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાતાં બ્રેઇન ડેડ થયા હોવાનું સામે આવ્યું હતું. એથી પરિવારે તેમને વેન્ટિલેટર પર રાખવાને બદલે તેમનાં ઑર્ગન ડોનેટ કરતાં કોઈને નવજીવન મળશે એ વિચારે ઑર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. એ અનુસાર તેમની બન્ને કિડની ડોનેટ કરવામાં આવી હોવાથી બે વ્યક્તિઓને જીવવાની એક નવી આશા મળવાની છે. ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કચ્છના તેરા ગામના જયંતભાઈ ભદ્રા શ્રી તેરા ભાનુશાલી મિત્ર મંડળના સક્રિય સભ્ય હતા. મસ્જિદ બંદરમાં તેમના પરિવારની સત્કાર નામની હોટેલ હતી. વીસ વર્ષ પહેલાં બ્રેઇન હૅમરેજમાંથી એકદમ સાજા થયા હતા એમ જણાવતાં શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી અને જયંતભાઈના કઝિન મોટા ભાઈ વલ્લભદાસ ભદ્રાએ આ વિશે સંપૂર્ણ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો પહેલાં બ્રેઇન હૅમરેજ થયા બાદ જયંતે સારવાર લીધા બાદ તે એકદમ ફિટ હતો. એટલી ઉંમરે પણ તે વ્યવસ્થિત હતો. ઘરની નીચે પત્ની સાથે વૉક કરતા વખતે બિલ્ડિંગના પૅસેજમાં અચાનક પડી ગયો હતો. તેને તાત્કાલિક મુલુંડની ફોર્ટ‌િસ હૉસ્પિટલમાં શનિવારે દાખલ કરાયો હતો. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો પરંતુ તેનું બ્રેઇન ડેડ થયું હોવાનું અમને જણાવાયું હતું. વેન્ટિલેટર પર રાખીને પણ કોઈ અર્થ જ ન હોવાથી તેનાં ઑર્ગન ડોનેટ કરવાનો પરિવારે નિર્ણ લીધો હતો. તેની પણ ઇચ્છા તેના દરેક અવયવ ડોનેટ કરવાની હતી.’
આટલી ઉંમરે પણ તે બીજાની મદદે આવી શક્યો એમ જણાવતાં વલ્લભદાસ ભદ્રાએ કહ્યું કે ‘લગભગ ત્રણેક મહિના પહેલાં તેની બાયપાસ સર્જરી થઈ હતી. વર્ષો પહેલાં બ્રેઇન હૅમરેજ થયું છતાં એટલી ઉંમરે તે બીજાને મદદરૂપ બની શક્યો છે. ઉંમરના કારણે તેના અન્ય અવયવો ડોનેટ કરી શકાયા નહોતા પરંતુ બન્ને કિડની ડોનેટ કરી છે. લિવર પણ ડોનેટ કરવાનું હતું પરંતુ ટ્રાન્સપોર્ટની તકલીફ આવતાં મોડું થઈ જતાં એ કરી શકાયું નહોતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK