મારા માટે લગ્ન એટલે કમ્પ્લીટ કમિટમેન્ટ : જય સોની (પીપલ-લાઇવ)

Published: 16th November, 2011 08:36 IST

કૉલેજમાં પૉકેટ-મની માટે પૈસા કમાવા માટે જય સોનીએ પોતાના મિત્ર સાથે મળીને માત્ર ટાઇમપાસ માટે મૉડલિંગ શરૂ કર્યું, પણ આ ટાઇમપાસ તેની કરીઅર માટે લૅન્ડમાર્ક સાબિત થશે એમ તેણે ક્યારેય નહોતું વિચાર્યું. સૌથી પહેલાં ટાઇટનની ઍડ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર જયે અત્યાર સુધીમાં ૧૭ ઍડ ફિલ્મો અને ૯ જેટલી સિરિયલોમાં કામ કર્યું છે.

 


(પીપલ-લાઇવ - શાદી કા લડ્ડુ - રુચિતા શાહ)

મીઠીબાઈ કૉલેજમાં ભણેલો જય કૉમર્સ ગ્રેજ્યુએટ છે અને આજકાલ ‘સસુરાલ ગેંદા ફૂલ’ સિરિયલમાં દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આમ તો તેને લગ્ન કરવાની હજી વાર છે, પણ જોઈએ પોતાના લાઇફ-પાર્ટનરને લઈને તેણે શું-શું અરમાનો સેવીને રાખ્યાં છે.

લગ્નની પર્ફેક્ટ ઉંમર

હું જ્યારે નાનો હતો ત્યારે વિચારતો કે છોકરાએ કમસે કમ ૨૫ વર્ષ સુધીમાં લગ્ન કરી લેવાં જોઈએ. જોકે મારો એ મત હવે બદલાયો છે. હવે હું માનતો થયો છું કે લગ્નની આઇડિયલ ઉંમર ૨૯-૩૦ વર્ષ છે. આ ઉંમરે તમે પૈસેટકે પણ સેટલ થઈ ગયા હો, દુનિયાદારીનું પણ સરખું નૉલેજ આવી ગયું હોય એટલે તમે કોઈ નવા સંબંધને ટેકલ કરી શકો. એને જે સંભાળ અને માવજતની જરૂર હોય તે પણ આપી શકો.

કેવી છોકરી ગમે?

મને થોડી સ્વીટ, ઇનોસન્ટ અને સિમ્પલ છોકરી ગમે. જે મને સમજે અને હું જેવો છું એવો જ મને સ્વીકારે. જે મને બદલવામાં ને મારા પર ડૉમિનેટ કરવામાં ન માનતી હોય અને મને ચિક્કાર પ્રેમ કરતી હોય. મારા માટે લુક્સ બહુ મેટર નથી કરતું, પણ તોય થોડી દેખાવડી તો હોવી જ જોઈએ. આજકાલ આવી છોકરીઓ હોતી જ નથી. હજારોમાં એક હોય. બનાવટી નહીં, પણ દિલમાં સચ્ચાઈ ધરાવતી છોકરી જોડે હું લગ્ન કરીશ.

મિક્સ હોવી જોઈએ

મને એવું નથી લાગતું કે મારી વાઇફ ઈન્ડિયન કે વેસ્ટર્ન કલ્ચરમાં બિલીવ કરનારી હોવી જોઈએ, પણ હા, જ્યાં જે રિક્વાયર્ડ હોય એ ટાઇમે એનામાં એ ગુણ હોવા જોઈએ. બન્નેનું મિક્સચર હોવી જોઈએ. થોડી ઇન્ડિયન અને થોડી વેસ્ટર્ન.

મારો પહેલો ક્રશ

મને બરાબર યાદ છે હું જ્યારે સિનિયર કેજીમાં હતો ત્યારે મારા મૅથ્સના ટીચર માટે મને પહેલો ક્રશ થયેલો. એ પછી તો સ્કૂલ-કૉલેજમાં અનેક ક્રશ થયા, પણ કોઈના માટે હજી સુધી સિરિયસ નથી થયો. હજી મને મારી ડ્રીમગર્લ બની શકે એવું કોઈ દેખાયું જ નથી એટલે હમણાં તો બિન્ધાસ્ત બૅચલર લાઇફ એન્જૉય કરી રહ્યો છું.

ઝઘડા તો થાય

ઘણા લોકો કહે છે આપણે આ પ્રકારના રિલેશનમાં આવીએ એટલે ઝઘડા, પઝેસિવનેસ, શક જેવી નવી મુસીબતો ઊભી થાય છે. જોકે હું તો આને આ રિલેશન માટે જરૂરી સમજું છું. આવું કંઈ સ્પાઇસ હોય તો જ તો જીવવાની મજા આવે બૉસ. ક્યારેક તમે સમજી જાઓ, ક્યારેક એ સમજી જાયે. હા એ બરાબર કે આ બધું ઓવરલિમિટ ના હોવું જોઈએ, પણ એ તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ પર નિર્ભર છે. તમે કેટલા એકબીજાને સમજો છો એની ત્યારે કસોટી થાય છે

વિશ્વાસ સૌથી જરૂરી

લગ્નનો સૌથી મહત્વનો અને જરૂરી પાયો છે તમારો એકબીજા માટેનો વિશ્વાસ. તમને એકબીજા માટે ટ્રસ્ટ નથી તો તમારું લગ્નજીવન લાંબું નહીં જ ટકે. પરસ્પર વિશ્વાસ અને એ વિશ્વાસ પર ખરા ઊતરવાની તમારી દાનત. આના પર તમારા સુખી લગ્નજીવનની ઇમારત નિર્ભર છે.

લિવ-ઇન ક્યારેય નહીં

લિવ-ઇન રિલેશનમાં હું જરાય નથી માનતો. મારા માટે એ એકદમ બેહૂદી બાબત છે. તમે સાથે જ રહેવા માગો છો તો લગ્ન કરીને રહોને. શું વાંધો છે, પણ સાથે રહીને અધ્ધરના અધ્ધર રહેવું એ જવાબદારીમાંથી છૂટવાનો પેંતરો સિવાય બીજું કંઈ નથી.

ખાઈને પસ્તાઈશ

લોકો કહે છે કે લગ્નનો લાડુ ખાય એય પસ્તાય ને ના ખાય એ પણ પસ્તાય. તો હું તો ખાઈને જ પસ્તાઇશ. જોકે હું એ બાબતે પણ નિશ્ચિંતછું કે મારે પસ્તાવાનો વારો નહીં આવે, કારણ કે લગ્નનાં મેં એવાં કોઈ સોનેરી સપનાંઓ સજાવ્યાં નથી કે લગ્ન માટે લોકોનું સાંભળી-સાંભળીને કોઈ નેગેટિવ પૂર્વગ્રહો પણ નથી બાંધ્યા. વાસ્તકિતાની ધરતી પર રહીને હું લગ્ન માટે વિચારું છું એટલે કેવી પરિસ્થિતિ આવી શકે છે એનો આછેરો અંદાજ તો છે જ. લગ્ન મારા માટે ઊભરો નથી કે જે આવ્યો ને શમી ગયો. એક સંપૂર્ણ જવાબદારી છે જે આગલી જિંદગીના બેટરમેન્ટ માટે ઉપાડવી આવશ્યક છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK