Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > જવાહર જવાહર છે અને સરદાર સરદાર છે

જવાહર જવાહર છે અને સરદાર સરદાર છે

17 November, 2019 12:18 PM IST | Mumbai
Dr Dinkar Joshi

જવાહર જવાહર છે અને સરદાર સરદાર છે

જવાહરલાલ નહેરૂ

જવાહરલાલ નહેરૂ


૧૯૫૫માં એસ.એસ.સી.ની પરીક્ષા એટલે આજની જેમ ૧૦મું ધોરણ નહોતું પણ ૧૧મું ધોરણ હતું. આ ૧૧મા ધોરણમાં અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં ‘The Patriot’ નામની એક કવિતાનો સમાવેશ થતો હતો. કવિનું નામ રોબર્ટ બ્રાઉનિંગ. ‘Patriot’ એટલે દેશભક્ત. મૂળ કવિતા ૬ કડીની છે. પાઠ્યપુસ્તકમાં આ ૬ પૈકીની બે કડી ભણાવવામાં આવતી હતી. આ કવિતામાં એક દેશનેતાની આ વાત છે. પહેલી કડીમાં આ દેશનેતાની ભારે લોકપ્રિયતાની વાત છે. આ નેતાના એક અવાજે હજારો લોકો એમની પાછળ પાછળ આવે છે, એમનો જયજયકાર કરે છે, પુષ્પવૃષ્ટિ કરે છે. એમના અનુયાયીઓ પોતાના આ નેતા માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે ઇત્યાદિ વાત આ પહેલી કડીમાં હોય છે. આ કવિતાનો આરંભ જ આ દેશનેતાના સરઘસથી થાય છે. – ‘It was roses roses all the way.’
કવિતાની બીજી કડીમાં આ નેતા લોકોમાં ભારે અપ્રિય થઈ ગયા છે, એની વાત કરવામાં આવી છે. અહીં લોકો એ જ નેતાને ધિક્કારે છે. આ નેતાએ દેશને કેટલું નુકસાન કર્યું છે, એની વાત થાય છે. આ નેતાના કારણે જ લોકોને કેટલું સહેવું પડ્યું છે, એવું રોષપૂર્વક લખાયું છે. સમય જ્યારે બદલાય છે ત્યારે લોકમાનસમાં કેવું પરિવર્તન આવે છે. દેશનેતા પણ પોતાના શાસનકાળમાં વિપરીત નિર્ણયો લે છે, એનાથી એની તસવીર વખત જતાં કેવી ખરડાય છે, એની આ વાત છે.
સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ ૧૭ વરસ સુધી શાસન કર્યું હતું. આ ૧૭ વરસ પછી એકાદ વરસનો અપવાદ બાદ કરતાં બીજો એટલો જ લાંબો સમયગાળો જવાહરલાલનાં પુત્રી ઇંદિરાજીએ પ્રધાનમંત્રી તરીકે ભોગવ્યો. આ સમયગાળામાં જવાહરલાલનો જન્મદિવસ ભારે ધામધૂમથી બાલ દિન તરીકે આખા દેશમાં ઉજવાતો હતો. અખબારોના પહેલા પૃષ્ઠ ઉપર બાળકો સાથેના ચાચા નહેરુના ફોચો છપાતા. ચાચા નહેરુને બાળકો કેટલાં પ્રિય છે, એનાં કથાનકો વિશે વાતો થતી. દેશની લગભગ તમામ શિક્ષણ સંસ્થાઓ નહેરુચાચા વિશે કાર્યક્રમો કરતી.
ગયા અઠવાડિયે આવી જ એક ૧૪મી નવેમ્બર આવી અને ગૂપચૂપ જતી રહી. ભાગ્યે જ કોઈએ આ દિવસને સંભાર્યો. આજે દેશની ઘણીખરી વર્તમાન સમસ્યાઓ માટે જાણે જવાહરલાલ નહેરુ જ જવાબદાર હોય, એવી માનસિકતા વધતાઓછા પ્રમાણમાં પ્રવર્તે છે. કોઈ પણ શાસક અથવા દેશનેતા પોતાના સુવર્ણકાળમાં જે નિર્ણયો કરે છે, એ હંમેશા સાચા જ હોય છે એવું નથી હોતું. જોકે એમણે લીધેલા ખોટા નિર્ણયો ભવિષ્યમાં દેશને હાનિકર્તા થાય તો એનાથી એમનું નેતૃત્વ અવશ્ય ખરડાય પણ આવા નિર્ણયો લેતી વખતે સ્થળકાળના સંદર્ભો, એમની સમજદારી, દીર્ઘદૃષ્ટિ અને સલાહકારો-આ બધું મહત્ત્વનું હોય છે. જવાહરલાલ સત્તાસ્થાને આવ્યા ત્યારે એટલે કે ૧૯૪૫-૪૬ની આસપાસ-ગાંધીજીનો અપવાદ બાદ કરતાં-દેશના સહુથી લોકપ્રિય નેતા હતા એ નિ:શંક છે. કહેવું હોય તો કહી શકાય કે આ લોકપ્રિયતા જનતાના વ્યાપક સ્તરે હતી. નેતૃત્વના ઊપલા સ્તરે જવાહરલાલ સ્વીકાર્ય નહોતા, એ વિશે પણ કોઈ શક નથી. ગાંધીજીનું પીઠબળ જો જવાહરલાલને મળ્યું ન હોત તો ઇતિહાસ કદાચ જુદો હોત!
જવાહરલાલે પ્રધાનમંત્રી તરીકે પોતાના શાસનકાળમાં ભૂલો કરી છે–ન કરવા જેવી ભૂલો કરી છે. કાશ્મીર પ્રશ્ને કે પછી ચીન સાથેના સંબંધોના પ્રશ્ને કોઈ પણ દેશના પ્રધાનમંત્રી ન કરી શકે એવી ભૂલો એમણે કરી છે પણ આવી ભૂલો કરતી વખતે એમણે જે ગણતરીઓ માંડી હતી, એ ગણતરીઓનું અંકગણિત કાળક્રમે ખોટું પડ્યું હતું. એમના સરદાર પટેલ સાથેના સંબંધો વિશે જે વાતો થાય છે, એમાં સત્ય અવશ્ય છે પણ આ વાતો ભારે નીચલા સ્તરથી કહેવાતી રહી છે. સ્વયં સરદારે નહેરુ વિશે વાત કરતાં શ્રી શ્રીપ્રકાશને કહ્યું છે- ‘જવાહરલાલ જુઠ્ઠા (એટલે કે liar) નથી પણ ખોટા (એટલે કે untrue) છે.’ જવાહરલાલે પોતાના વિશ્વાસુ સલાહકારો તરીકે કૃષ્ણ મેનન, રફી અહમદ કીડવાઈ કે પણિક્કર જેવા સાથીઓ રાખ્યા હતા. જેઓ ભારતીય પ્રજાના મૂળ સુધી પહોંચ્યા જ નહોતા.
જવાહરલાલે ભૂલો કરી છે. એમનામાં દીર્ઘદૃષ્ટિનો અભાવ હતો. સત્તાની મોહિનીથી અંજાયેલા હતા. આ બધી વાત મહદંશે સાચી પણ એમના કાર્યકાળને કે એમણે દેશને સત્તર વરસ સુધી એકજૂથ રાખ્યો એ વાત વિસ્મૃત થવી જોઈએ નહિ. જવાહરલાલે સરદાર માટે અણગમો કેળવ્યો હોય અને કેટલીક રાજકીય ખટપટો કરી હોય એવું આજે લાગે છે પણ એનો અર્થ એવો નથી કે હવે સમય બદલાયો છે માટે એમણે જે કર્યું હતું એવું જ વર્તન એમના માટે કરવું. એમની ભૂલો વિશે ઇતિહાસમાં અવશ્ય નોંધ લેવી જોઈએ પણ એમને ઉતારી પાડવાની કોઈ રાજકીય પ્રવૃત્તિ થવી ન જોઈએ.
પણ કયો દેશનેતા ભૂલ નથી કરતો, એનીય થોડીક વિચારણા થવી જોઈએ. આખું યુરોપ પોતાના પગ હેઠળ કચડી નાખનાર હિટલરે મરવાના વાંકે જીવતા બ્રિટનને છેલ્લો તમાચો મારવાને બદલે રશિયા ઉપર આક્રમણ કર્યું, એ શું એની ભૂલ નહોતી? બ્રિટન લગભગ ખતમ થઈ ચૂક્યું હતું એને પડતું મૂકીને જર્મની રશિયા તરફ ધસ્યું અને પરિણામે જર્મની હાર્યું, હિટલરને આત્મહત્યા કરવી પડી અને બ્રિટન બચી ગયું. હિટલરની આ ભૂલનું પરિણામ જર્મન પ્રજાએ દશકાઓ સુધી ભોગવવું પડ્યું. મુસ્લિમોના વૈશ્વિક મઝહબી વડા ખલિફાને પહેલાં વિશ્વયુદ્ધને અંતે હાંકી કાઢવામાં આવ્યા હતા. દુનિયાભરના મુસલમાનોએ આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો પણ હિંદુસ્તાનના કટ્ટરવાદી મુસલમાનોએ એનો અસ્વીકાર કરીને ખિલાફત ચળવળ શરૂ કરી. આ ચળવળનું નેતૃત્વ ગાંધીજીએ સ્વીકાર્યું. એમનો ઇરાદો અત્યંત નેક હતો. આનાથી હિંદુ-મુસલમાન એકતાનું વાતાવરણ પેદા થાય અને બ્રિટિશ સરકાર સામે લડત આપી શકાય એવી એમની ધારણા હતી પણ આમ બન્યું નહિ. ગાંધીજીની ગણતરી ખોટી પડી. સુધારાવાદી અને સાચા દેશપ્રેમી મુસલમાનો પાછળ ધકેલાઈ ગયા અને કટ્ટરવાદી મુસલમાનોના હાથમાં નેતૃત્વ આવી ગયું. આ નેતૃત્વે જ આગળ જતાં પાકિસ્તાનના બીજ રોપ્યાં. ખિલાફત ચળવળનું આ નેતૃત્વ નહિ લેવા માટે મહમદ અલી ઝીણા સહિત અનેક નેતાઓએ ગાંધીજીને રોક્યા હતા પણ ગાંધીજી એમની વાતમાં અડગ રહ્યા હતા.
કોઈ પણ રાજકીય નેતૃત્વની સફળતા કે નિષ્ફળતા માત્ર ભવિષ્ય જ કહી શકે છે. રાજકીય નેતૃત્વની આ કસોટી છે. જવાહરલાલ આ કસોટીએ ઊણા ઊતર્યા એ હકીકતનો ઇતિહાસે સ્વીકાર કર્યો છે પણ આ સ્વીકારને ગૌરવભેર સ્વીકારવો એ વર્તમાન પેઢી માટે ઉજ્જ્વળ પરંપરા બની શકે. જવાહરલાલ અને સરદાર પટેલ વચ્ચેના નીતિ વિષયક મતભેદો જ્યારે ટોચ ઉપર પહોંચ્યા હતા ત્યારે તત્કાલીન ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટબેટને ગાંધીજીને કહ્યું હતું – “સરદાર પટેલ વિના જવાહરલાલ પ્રધાનમંત્રી તરીકે આ બધું સંભાળી નહિ શકે. તમે એવું કરજો કે આ બન્ને સાથે જ રહે.”
જવાહરલાલની ભૂલોને મસમોટી કરીને સરદાર પટેલને મોટા બનાવવાની જરૂર નથી. સરદાર મોટા જ હતા અને છે. જવાહરલાલે આઝાદીના આરંભકાળે જે એકતા આપી એનો ઋણસ્વીકાર કરવો જ જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 12:18 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK