(પત્ની જાય જ્યારે બહારગામ - શર્મિષ્ઠા શાહ)
પાર્લામાં રહેતા જનક ભલારિયાનાં પત્ની ઋજુતા જ્યારે કામકાજ માટે વિદેશ જાય ત્યારે તેમને આવી અનુભૂતિ થાય છે એટલું જ નહીં, તેમનું માનવું છે કે પત્નીની ગેરહાજરીમાં જ તેનું ખરું મહત્વ સમજાય છે
કપોળ વાણિયા જ્ઞાતિના જનક ભલારિયા મેટલ ક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે અને તેમનાં પત્ની ઋજુતાબહેન એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપની ચલાવે છે. ત્રણ વર્ષ પછી આ દંપતી પોતાનાં લગ્નની સિલ્વર જ્યુબિલી ઊજવશે. આ દંપતીને એક દીકરો હૃદય છે. ઋજુતાબહેનને પોતાના કામ માટે અવારનવાર પરદેશ જવું પડે છે. આવા સંજોગોમાં જનકભાઈ ઘરને કઈ રીતે મૅનેજ કરે છે એ જાણવા ‘મિડ-ડે’એ આ દંપતીની મુલાકાત લીધી ત્યારે શું જાણવા મળ્યું એ તેમના જ શબ્દોમાં અહીં વર્ણવીએ છીએ.
પત્ની ગઈ પરદેશ
પત્નીની ગેરહાજરીમાં પોતાની જવાબદારી વિશે જનકભાઈ કહે છે, ‘લગ્ન પછી ઋજુતાએ ચાર કે પાંચ મહિનામાં જ કામ શરૂ કર્યું હૃદયના જન્મ પછી તેણે બે વર્ષ બ્રેક લીધો અને પછી પાછું કામ શરૂ કર્યું. બિઝનેસ માટે તેને પહેલી વાર પરદેશ જવાનું હતું ત્યારે તે ખૂબ જ અવઢવમાં હતી, પરંતુ એ સમયે અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હતાં અને હૃદયનો ખ્યાલ રાખવા માટે મારાં મમ્મી, ભાભી વગેરે હતાં એટલે મેં તેને જવા માટે પ્રોત્સાહિત કરી. ત્યાર બાદ અમે વિભક્ત રીતે રહેવા ગયાં. પછી જ્યારે-જ્યારે ઋજુતા વિદેશ જતી ત્યારે-ત્યારે મારી જવાબદારી વધી જતી.’
ફિર અંધેરી રાત
સ્ત્રી વગરનું ઘર એ ઘર નથી, પણ ધરમશાળા છે એમ જણાવીને જનકભાઈ ઉમેરે છે, ‘ઋજુતા વગરના શરૂઆતના ચાર-પાંચ દિવસ તો સારી રીતે નીકળી જતા હતા. હૃદય પણ ખુશ રહેતો હતો, કારણ કે તેને કોઈ ભણવા માટે પ્રેશર નહોતું કરતું. કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન વગર તેને જે કરવું હોય એ કરવા મળતું હતું એટલે તેની બીજી ડિમાન્ડ ઓછી થઈ જતી હતી. તે જે મળે એમાં ખુશ રહેતો હતો. હું બહુ સારો કુક નથી એટલે અમે સવારે દૂધ અને કૉર્ન-ફ્લૅક્સ ખાઈ લેતાં હતાં અને બાકીના સમયમાં બહાર જમવા જતા હતા. આમ ચાર-પાંચ દિવસ વેકેશન જેવું લાગે, પણ પછી જીવનમાં શૂન્યાવકાશ સર્જાવા લાગે અને અમે ઋજુતાને મિસ કરવા લાગીએ. ઋજુતા જ્યાં હોય ત્યાં અમે ફોનથી તેની સાથે રોજ અડધો કલાક વાત કરી લઈએ એટલે અમને સારું લાગે અને પછી તેને જલદી ઘરે પાછા આવવાની વિનંતી કરીએ. વીક-એન્ડમાં અમે મોટે ભાગે મારાં મમ્મી-પપ્પા પાસે જ જતાં જેથી મન ભર્યું રહેતું. ક્યારેક ઘરે મહારાજને બોલાવીને મિત્રો સાથે પાર્ટી કરીએ. હું અને હૃદય આમ બને એટલા ખુશ રહેવાનો પ્રયત્ન કરીએ, પણ મનમાં કોઈ ખૂણે એટલો રંજ તો અનુભવાય જ કે ઋજુતા પણ હોત તો સારું થાત. ઋજુતા વગર અમે કોઈ સારી રેસ્ટોરાંમાં જમવા ગયા હોઈએ તો તે આવે ત્યારે ફરીથી ત્યાં જ જમવા જઈએ. ઋજુતા વગર રોજનું રૂટીન ચાલ્યા કરે, પણ મારે ક્યારેક કોઈ ફંક્શનમાં કે વ્યવહારમાં એકલા જવું પડે ત્યારે મને તેની બહુ ખોટ સાલે.’
પુત્ર સાથે મિત્રતા વધી
જોકે પત્નીની ગેરહાજરીએ જનકભાઈની તેમના પુત્ર સાથેની આત્મીયતા વધારી દીધી એ વિશે તેઓ કહે છે, ‘સામાન્ય રીતે ટીનેજર પુત્ર માતા-પિતા કરતાં મિત્રો સાથે વધારે સમય પસાર કરવા માગતો હોય, પરંતુ ઋજુતા વિદેશમાં હોય ત્યારે હૃદય મારી સાથે જ વધારે સમય વ્યતીત કરે, કારણ કે તેને લાગે કે પપ્પા એકલા છે એટલે તેમને કંપનીની જરૂર છે. અમે સાથે જમીએ, હૃદય મારી સાથે તેની બધી વાત શૅર કરે. આમ અમારી મિત્રતા વધી ગઈ.
ઘર વેરવિખેર થઈ જાય
મને ઘર કે કબાટ સાફ કરતાં કે મૅનેજ કરતાં આવડતું નથી. એ બધું કામ ઋજુતા જ સંભાળતી હોય છે એમ કહેતા જનકભાઈ ઉમેરે છે, ‘મને મારા જ કિચનમાં છરી કે ચમચી શોધવી હોય તોપણ મળે નહીં. ઋજુતા વગર ઘર થોડું વેરવિખેર થઈ જાય અને તેને એ ખબર જ હોય એટલે વિદેશથી આવ્યા પછી તે પાછું સેટ કરવા મંડી જાય.’
સંબંધોની મહત્તા સમજાય
ઋજુતા ન હોય ત્યારે સંબંધોની મહત્તા મને સમજાય છે આટલું કહીને જનકભાઈ ઉમેરે છે, ‘ઋજુતા ન હોય ત્યારે મારા મિત્રો અને સંબંધીઓ અમને જમવા બોલાવે તથા વીક-એન્ડમાં અમને એકલું ન લાગે એનો તેઓ ખ્યાલ રાખે. અમારા ફૅમિલી-ફ્રેન્ડ્સ આવીને ઘર બરાબર છે કે નહીં એ ચેક કરી જાય છે તેમ જ જરૂરી ચીજવસ્તુઓ આપી જાય છે. તેઓ હૃદયને ફોન કરીને તેના ખબર પૂછે છે. આમ જ્યારે ઋજુતા વગર અમે એકલાપણું અનુભવતા હોઈએ ત્યારે અમારા મિત્રો અને સંબંધીઓ અમને ઉષ્મા આપે છે.’
ઋજુતાબહેનનું શું કહેવું છે?
એક સ્ત્રીએ કોઈ પણ કાર્યક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેને માટે ફૅમિલી-સર્પોટ પણ બહુ જરૂરી છે. મારા પતિ જનક મને ખૂબ જ સહકાર આપે છે અને તેઓ દરેક પરિસ્થિતિને અનુરૂપ થઈ જાય છે એટલે મને મારા કામમાં વાંધો આવતો નથી. સૌથી મોટી વાત એ છે કે હું બહારગામથી પાછી ફરું ત્યારે તેઓ કોઈ પણ જાતની ફરિયાદ કરતા નથી. મારા દીકરા હૃદયનો ઉછેર જ એવી રીતે થયો છે કે તે બાળપણથી જ ખૂબ ઇન્ડિપેન્ડન્ટ બની ગયો છે. હું મારા કામ માટે જ્યાં ગઈ હોઉં ત્યાં કામ પત્યા પછી સાંજે ફુરસદના સમયમાં મને પણ મારા કુટુંબીજનોની યાદ સતાવે છે અને ખૂબ ખાલીપો વર્તાય છે. એકબીજાથી દૂર રહેવાને કારણે અમને અમારા જીવનમાં એકબીજાનું કેટલું મહત્વ છે એની જાણ થાય છે.
Coronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
28th February, 2021 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
28th February, 2021 15:24 ISTતોડી દીવાર, નિકલી બારગર્લ્સ
28th February, 2021 11:08 ISTપ્રેન્કના નામે સૉફ્ટ પૉર્ન
28th February, 2021 11:05 IST