જામનગર જિલ્લાના ૨૦ અને દ્વારકાના ૧૨ ડૅમમાં પાણી જ નથી

Published: Jul 01, 2019, 08:36 IST | ગાંધીનગર

સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો હોવા છતાં રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં હળવો વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો હોવા છતાં રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં હળવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ગયા વર્ષે પણ અપૂરતા વરસાદને કારણે અહીંના મોટાભાગના ડૅમમાં પાણીનું સ્તર ઘણું નીચે છે. સૌની યોજનાનું પીવા માટે મર્યાદિત પાણી ઠલવાતું રહ્યું છે, પરંતુ સિંચાઇ માટે જોઈએ તેટલો જથ્થો ઉમેરાયો નથી. જેના કારણે જામનગર જિલ્લાના ૨૦ અને દ્વારકાના ૧૨ ડેમોમાં પાણી જ નથી. જેના કારણે લોકોની સાથે ખેડૂતો અહીં સારો વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે.

વરસાદના આગમન સાથે જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, જેતપુર, ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ આ વિસ્તારોમાં વાવણી કરી દીધી છે જેથી હવે બધા જ ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના કુલ ૧૩૯ ડૅમ અને જળાશયોમાં ૧૦ ટકાથી ઓછું પાણી છે. આ તમામ જળાશયોમાં ૨૫૩૭ એમસીએમ જથ્થો રહ્યો છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં ૩૩૨ એમસીએમ પાણીનો જથ્થો છે એટલે કે ૯.૩૦ ટકાની આસપાસ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર પછી ખરાબ હાલત ઉત્તર ગુજરાતની છે. અહીંના ૧૫ ડૅમમાં માંડ ૧૯૨૨ એમસીએમ એટલે કે અહીં પણ ૧૧.૩૦ ટકાની આસપાસ પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સ્થિતિ થોડી સારી છે. મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૦ ટકા જેટલું પાણી છે. સમગ્ર રાજ્યના નર્મદા ડૅમને બાદ કરતાં કુલ ૨૦૪ ડૅમ અને જળાશયોમાં ઓછું પાણી છે.

આ પણ વાંચોઃ વડલા માટે હૉસ્પિટલનું આખું પ્લાનિંગ જ ચેન્જ કરાવ્યું ‌વિજય રૂપાણીએ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે ૨૪ કલાક ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમને કારણે દ. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ૨૪ કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે. આજે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઈને આગળ વધશે. આ સિસ્ટમને કારણે આગામી મહિના જુલાઈની ૩, ૪ અને ૫ તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK