Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : યાદગાર વેકેશન ને ઇસ્તંબુલ ઍરપોર્ટ પરની રઝળપાટ

કૉલમ : યાદગાર વેકેશન ને ઇસ્તંબુલ ઍરપોર્ટ પરની રઝળપાટ

05 April, 2019 10:10 AM IST |
જમનાદાસ મજીઠિયા

કૉલમ : યાદગાર વેકેશન ને ઇસ્તંબુલ ઍરપોર્ટ પરની રઝળપાટ

ક્યા સે ક્યા હો ગયા : વિશ્વના સૌથી સ્માર્ટ ઍરપોર્ટમાં ગણાતાં ઇસ્તંબુલ ઍરપોર્ટ પર અમે ફ્રી ટાઇમમાં કેવા જલસા કરીશું એ જે કંઈ વિચાર્યું હતું એ બધું અમારી ખોવાયેલી બૅગના કારણે બળીને બાષ્પીભવન થઈ ગયું અને અમે આ ઍરપોર્ટ પર અમારી બૅગ જ શોધતા રહ્યા.

ક્યા સે ક્યા હો ગયા : વિશ્વના સૌથી સ્માર્ટ ઍરપોર્ટમાં ગણાતાં ઇસ્તંબુલ ઍરપોર્ટ પર અમે ફ્રી ટાઇમમાં કેવા જલસા કરીશું એ જે કંઈ વિચાર્યું હતું એ બધું અમારી ખોવાયેલી બૅગના કારણે બળીને બાષ્પીભવન થઈ ગયું અને અમે આ ઍરપોર્ટ પર અમારી બૅગ જ શોધતા રહ્યા.


જેડી કૉલિંગ

(ગયા વખતે આપણે ધુળેટીની હોળી વિશે વાત કરી, પણ એ અગાઉ આપણી ‘યાદગાર વેકેશન’ની વાતો ચાલુ હતી. આ અઠવાડિયે આપણે એ જ વાતને ફરી આગળ વધારવાની છે. છેલ્લે તમે વાંચ્યું, ઇસ્તંબુલ ઍરપોર્ટ પર અમે ફ્લાઇટમાં બેઠાં અને અમે બધું બરાબર ચેક કરવા લાગ્યાં. બધી બૅગો ચેક કરી. સામાનનો હિસાબ મળી ગયો અને અચાનક મને યાદ આવ્યું કે અમારી હૅન્ડબૅગ નથી. યાદ પણ આવી ગયું કે એ બહાર ઍરપોર્ટ પર રહી ગઈ છે અને અમે ઍરહૉસ્ટેસને વાત કરી. ફ્લાઇટના દરવાજા બંધ થઈ ગયા હતા એટલે ઍરહૉસ્ટેસે પાઇલટની પરમિશન માગી અને અમને ખબર પડી કે પ્લેન સાથેનો ઍરો બ્રિજ ખસેડાઈ ગયો છે એટલે હવે પ્લેનમાંથી બહાર નહીં જઈ શકીએ. અબ આગે...)



અમારી પાસે બેસવા સિવાય તો કોઈ છૂટકો જ નહોતો. બૅગ હતી નહીં અને બૅગ વિના હવે અમારે હવામાં ઊડવાનું હતું. હવે શું કરીશું અને શું થશે એના ટેન્શન વચ્ચે જ અમે ઍરહૉસ્ટેસની જે રેગ્યુલર ઇન્સ્ટ્રકશન હોય છે એ સાંભળવાનું ચાલુ કરી દીધું. મન અમારું ક્યાંય પોરવાતું નહોતું અને એમાં કશું છુપાવવા જેવું પણ નથી. તમારો આખેઆખો સામાન રહી જાય તો તમને ટેન્શન તો થાય જ અને એ સ્વાભાવિક પણ છે.


અમારા બધાના ઊતરેલા ચહેરા જોઈને ટર્કિસ ઍરલાઇન્સની ઍરહૉસ્ટેસ અમારી પાસે આવીને અમને કહે કે ચિંતા કરવાની જરૂર નથી, તમારો સામાન નેકસ્ટ ફ્લાઇટમાં તમને ઇસ્તંબુલ ઍરપોર્ટ પર મળી જશે. અમારી આ જે ફ્લાઇટ હતી એ એથેન્સથી મુંબઈ, વાયા ઇસ્તંબુલ હતી. અમારી પાસે તેની વાત માનવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. એવું પણ નહોતું કે અમારી બૅગ એ લોકો ભૂલી ગયા હોય અને અમે દેકારો કરીએ. આમ પણ એવા દેકારાનો પણ કોઈ અર્થ હોતો નથી. કારણ ક્યારેય કોઈ માણસ આવી ભૂલ ઇરાદાપૂર્વક તો કરતો જ નથી. મિત્રો, મને તમને એક સલાહ આપવી છે. જો કંઈ થઈ શકે એમ ન હોય તો નાહકનો એકબીજા પર ગુસ્સો કરીને વેકેશનનો મૂડ ક્યારેય બગાડવો નહીં. અમે પણ એ સમયે એવું જ કર્યું હતું અને નક્કી કર્યું કે જે ચિંતા બે કલાક પછીની છે એની ચિંતા અત્યારે કરીને મૂડ બગાડવાનો કોઈ અર્થ નથી એટલે આપણે હવે બૅગની વાત બે કલાક પછી જ કરીશું અને ત્યાં સુધી આ સફરનો આનંદ લેશું. ટિપ નંબર પાંચ, જેનું સૉલ્યુશન ત્યારે ને ત્યારે ન આવી શકતું હોય એની વાતો કરીને પોતાનો કે બીજાનો મૂડ જરા પણ બગાડવો નહીં. આ ટિપ માત્ર વેકેશનના પ્રવાસ દરમ્યાન જ નહીં, પણ એને જીવનના પ્રવાસ દરમ્યાન પણ પાળવાની કોશિશ કરજો, જીવન સરળ થઈ જશે અને નાહકના ઝઘડાઓ ટળી જશે.

પણ, પણ, પણ...


આ વાત આપણી આજુબાજુવાળા માનતા હોય એવું જરા પણ જરૂરી નથી. અમે બેઠા હતા ત્યારે જ અમને સલાહો મળવા લાગી કે બૅગ મળે તો સારું, આવું તો બનતું જ રહે, પણ ઍરલાઇન્સવાળા ધ્યાન જ નથી આપતા, તમારી બૅગ હમણાં બહાર વેચાઈ જશે વગેરે વગેરે... અમને આવી કોઈ વાત સાંભળવી નહોતી, પણ બીજા સહપ્રવાસીઓને એની દરકાર જ નહોતી, તેમને તો પોતાની સલાહ આપવાની જ ઇચ્છા હતી અને એ લોકો આ ઇચ્છા પૂરી કરતા હતા. અમે મૂડ સારો રાખવાનો પ્રયત્ન તો સતત કરતા હતા, પણ આ વાતો લાંબી ચાલી એટલે અમને બધાને પણ અંદર ને અંદર ચિંતા શરૂ થઈ ગઈ કે અમારી બૅગ સલામત રીતે મળશે કે નહીં?

અડધો કલાક, કલાક, દોઢ કલાક અને બે કલાક.

અમારી ફ્લાઇટ ઇસ્તંબુલ પહોંચી. અમે ઍરપોર્ટ પહોંચીશું કે તરત જ અમને અમારી બૅગના સમાચાર મળી જશે એવો વાયદો કરવામાં આવ્યો હતો, પણ ઍરલાઇન્સના સ્ટાફ અને પેલી ઍરહોસ્ટેસનો વાયદો ખોટો નીકળ્યો. કોઈને કંઈ ખબર જ નહોતી અને જાણે કે કોઈને આ વિશે વધારે વાત પણ ન કરવી હોય એ રીતે ફ્લાઇટ ખાલી કરીને બધા પોતપોતાના રસ્તે રવાના થઈ ગયા.

અમે ફટાફટ ટર્કિશ ઍરલાઇન્સના લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં ગયા. આ ડિપાર્ટમેન્ટના કાઉન્ટર પર એક લેડી ઑફિસર હતા. (એક આડવાત, લેડી ઑફિસર વધારે માયાળુ હોય અને મદદ કરે જ કરે એવી માન્યતા વિદેશમાં નહીં રાખતા) એ લેડી ઑફિસર થોડાં કડક હતાં અને તેમને અમારી ખોવાયેલી બૅગ માટે જરાસરખી પણ સહાનુભૂતિ નહોતી અને હોય પણ ક્યાંથી, આ તો તેમના માટે રોજનું હતું. અમારી જેમ રોજ અનેક ટૂરિસ્ટ પોતાનો સામાન ભૂલી જાય અને પછી તેમણે જવાબ આપવાના હોય. અમે ત્યાંથી નીકળીને આગળ વધ્યા.

ઇસ્તંબુલ ઍરપોર્ટ પર અમારે લાબું ચાલવાનું હતું અને લાંબો રસ્તો ક્રૉસ કરીને ઇમિગ્રેશન પાસ કરીને બીજી ફ્લાઇટ પકડવાની હતી. મેં તમને અગાઉ કહ્યું હતું કે અમારા આ પ્રવાસની અરેન્જમેન્ટમાં અમને અમારા મુંબઈવાળા મિત્ર મિતેશભાઈ કાટકોરિયાએ ઘણી મદદ કરી હતી. ખોવાયેલી બૅગ વિશે અમે મિતેશભાઈને પણ વાત કરી, જેથી તે અમારા વતી ઍરલાઇન્સ અને બીજા લોકોની સાથે વાત કરીને બૅગ મળે એવું કંઈ કરી શકે. મિતેશભાઈનો ઍરલાઇન્સમાં ખાસ્સો દબદબો હતો. મિતેશભાઈને વાત કર્યા પછી અમે ઍરપોર્ટની બે-ત્રણ વ્યક્તિ સાથે પણ વાતો કરી અને તેમના જવાબો પરથી અમારી બૅગ પાછી મળવાની આશા છૂટવા માંડી.

હવે અમારે અહીંથી બીજી ફ્લાઇટ પકડવાની હતી, પણ અમે એની તૈયારીઓ કરીએ એ પહેલાં મિશરી એક પાઇલટને લઈને મારી પાસે આવી. અમને લાગ્યું કે અમારી ફ્લાઇટના પાઇલટ હશે, પણ વાત કરી તો ખબર પડી કે એ બીજી કોઈ ફ્લાઇટના પાઇલટ હતાં અને બીજેથી આવતા હતા. ગોરાઓ બધા અકડુ હોય અને એ લોકો માત્ર પોતાની જિંદગી પર ધ્યાન આપે એવું જો તમે પણ મારી જેમ માનતા હો તો કહેવાનું કે આ પાઇલટને એ વાત લાગુ નહોતી પડતી. આ પાઇલટનું નામ હતું ડેવિડ અને આ ડેવિડ દેવદૂત સમાન હતો. અમે વાત કરી કે તરત જ તેમણે પોતાનાં ચક્રો ગતિમાન કર્યાં, ઑફિસર્સને દોડાવ્યા અને એથેન્સ ઍરપોર્ટ પર તેમના એક મિત્રની ફ્લાઇટ ઊપડવાની હતી તેને સીધો ફોન કર્યો અને તેને બૅગની વાત કરી. પેલા પાઇલટે એથેન્સ પહોંચીને ફોન કરશે એવું કહ્યું એટલે અમે ફટાફટ પેલા દેવદૂત જેવા ડેવિડભાઈનો નંબર લઈને અમારી ફ્લાઇટ પકડવા ભાગ્યા. જો અમારી આ ફ્લાઇટ પકડવામાં અમને મોડું થઈ જાય તો એવી હાલત થાત કે એક બૅગના ચક્કરમાં અમે ચાર જણ ઇસ્તંબુલ ઍરપોર્ટ પર રહી જાત અને અમારો ચેક-ઇન થઈ ગયેલો બધો સામાન મુંબઈ ઍરપોર્ટ પર પહોંચી જાત. અમારો મૂડ તો હવે બગડી જ ગયો હતો, પણ એ માત્ર બૅગના કારણે નહોતો બગડ્યો. બીજું પણ એક કારણ હતું. આ કારણ એ હતું કે અમે એથેન્સથી નક્કી કર્યું હતું ઇસ્તંબુલ ઍરપોર્ટ પર આપણી પાસે જે સમય રહેશે એ સમય દરમ્યાન અમે ચૉકલેટ્સ, ગ્લાસિસ, પર્ફયુમ્સ અને ગિફ્ટસ જેવી ગિફ્ટ્સ અમારી ફેમિલી, ફ્રેન્ડ્સ અને સ્ટાફ માટે લઈશું. બીજું પણ ઘણું શૉપિંગ કરવાનું હતું, પણ એ બધું પેલી ખોવાયેલી બૅગના ચક્કરમાં રહી ગયું હતું તો સાથોસાથ બૅગ મળી કે નહીં એ જાણવા માટે પણ બધાના ફોન કૉલ ચાલુ થઈ ગયા હતા.

આ પણ વાંચો : કૉલમ : યાદગાર પ્રવાસ : આજે વાત ગુમાવેલી બૅગની

ઇસ્તંબુલથી અમે ફ્લાઇટમાં ફરી બેઠાં. એ સમયે પણ અમને ખબર નહોતી કે હવે અમારી બૅગના સમાચાર શું છે અને એ ક્યાં છે. અનાઉન્સમેન્ટ શરૂ થઈ અને કહેવામાં આવ્યું કે હવે મોબાઇલ સ્વિચ-ઑફ કરવો. અમે નક્કી કર્યું કે ફોન બંધ કરવાની સાથે હવે આપણે પણ આપણું દિમાગ બંધ કરીએ અને વેકેશન પૂરું કરતાં પહેલાંની આ છેલ્લી જર્ની માણી લઈએ. આમ પણ આકાશમાં ઊડી ગયા પછી તો કશું કરી શકાવાનું નહોતું. અહીંયાં આવે છે ટિપ નંબર છ, જ્યારે કંઈ ન કરી શકીએ ત્યારે ચિંતા ઈશ્વર પર છોડી દેવી. સૉરી, એક સુધારો કરું. ઈશ્વર પર પણ ચિંતા શું કામ છોડવી, ચિંતા પડતી જ મૂકી દેવી. (ઑગસ્ટમાં ગુમાવેલી બૅગ કેવી રીતે છેક આ ફ્રેબુઆરીમાં અમારી પાસે પાછી ફરી એની વાત કરીશું આવતા વીકમાં)

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 10:10 AM IST | | જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK