Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : રાજતિલક કી કરો તૈયારી, આ ગયે અબ ભગવાધારી

કૉલમ : રાજતિલક કી કરો તૈયારી, આ ગયે અબ ભગવાધારી

24 May, 2019 11:19 AM IST |
જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

કૉલમ : રાજતિલક કી કરો તૈયારી, આ ગયે અબ ભગવાધારી

ફરી એકવાર મોદી સરકાર

ફરી એકવાર મોદી સરકાર


જેડી કૉલિંગ 

આ ચૂંટણી મનોરંજનની મહારથી હતી અને હજી પણ છે. કેટલાંય ઘરોમાં હજી પણ મોડી રાત સુધી ન્યુઝ-ચૅનલો ચાલતી રહેશે, કારણ કે હજી તો સરકાર બનશે, નરેન્દ્ર મોદી શપથ લેશે, તેમની સ્પીચ આવશે, આગામી વર્ષોના પોતે જોયેલા ભવિષ્યની વાતો કરશે અને આવું કંઈકેટલુંય કેટકેટલા દિવસ સુધી ચાલુ જ રહેશે. દેખીતી રીતે આ એક મહાભારત લાગે છે. ભારતનું મહાભારત છે અને આ આખા મહાભારતના હીરો છે આપણા નરેન્દ્ર મોદી.



ભારત ઘણી રીતે શક્તિઓને આગળ લાવી નહોતું શક્યું, પણ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણી એવી દિશાઓમાં પ્રગતિ કરી છે જેનો ફાયદો આપણાં સંતાનોને, આપણી આગામી પેઢીને થશે. નરેન્દ્ર મોદી પાસેથી ૨૦૧૪ના વર્ષમાં આવેલા લોકસભાના ઇલેક્શનમાં જાદુની અપેક્ષા રાખી હતી. આ આશા હજી પણ રાખીશું તો નિરાશ થવાની શક્યતા રહેશે એવું આ વખતે બધાને લાગતું હતું, કારણ કે ૧૩પ કરોડના દેશમાં રહેતા લોકોની બધી સમસ્યા એક વ્યક્તિ અને તેની સાથે રહેલા ૩૦૦ જેટલા સંસદસભ્યો પાંચ વર્ષ જેટલા ઓછા સમયમાં શોધી ન શક્યા હોય, પણ હા, હવે આવતાં પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીને અગાઉનાં પાંચ વર્ષનો વડા પ્રધાનપદનો અનુભવ બહુ કામ આવશે. આ આશાઓ સાથે આપણું એક ડેવલપ્ડ કન્ટ્રીના બિરુદ તરફ આગળ વધવું હવે લગભગ નક્કી છે. લોકો ઘણી વાર બોલતાં તો બોલી નાખે છે કે નરેન્દ્ર મોદી પર આસપાસના ઘણા લોકોનું પ્રેશર છે, હવે બધાને પૂછીને પગલાં લેવાં પડશે એવું પણ આપણે સાંભળીએ છીએ; પણ મારુ કહેવું છે કે બધાને પૂછીને પગલાં લેવા કરતાં બધાને વિશ્વાસમાં લઈને પગલાં લેવામાં આવે એ લોકશાહી માટે વધુ સારું કહેવાય. જોકે નરેન્દ્ર મોદી માટે હું કહીશ કે તેમણે પોતાની નૅચરલ ગેમ જ રમવી જોઈએ. તેઓ જેવા છે અને પરિસ્થિતિને જે રીતે જુએ છે અને પોતાની રીતે આઉટ ઑફ બૉક્સ કહેવાય એવા જે નિર્ણય લે છે એવું આગામી દિવસો, મહિનાઓ અને વર્ષોમાં તેમણે ચાલુ રાખવું જોઈએ.


નરેન્દ્ર મોદીનું કદ ભારતમાં જ નહીં, આ લોકસભાના ઇલેક્શનના રિઝલ્ટ પછી વિશ્વભરમાં મોટું થઈ જશે. મેં વારંવાર કહ્યું છે કે આપણે નસીબદાર છીએ કે આપણને સંપૂર્ણ રીતે ઈમાનદાર અને કુશળ નેતા મળ્યા છે. આ જે નેતા છે એનો બીજો પ્લસ-પૉઇન્ટ એ પણ છે કે તે ખૂબ એમ્બિસિયસ અને વિઝનરી પણ છે. મહત્ત્વાકાંક્ષા તેમની પોતાના પરિવાર માટે નથી, પણ પોતાના દેશ માટે છે અને દીર્ઘદૃષ્ટિ પણ દેશ માટેના વિકાસ પ્રત્યે છે. તેમના દરેક નિર્ણય, દરેક પૉલિસી અને દરેક મુદ્દાઓમાં તમને તેમનું વિઝન દેખાશે. સ્પેસમાં જ આપણે કેટલી પ્રગતિ કરી, બૅન્કિંગ ક્ષેત્રમાં પણ એવું જ બન્યું છે અને એવી ઘણી દિશાઓ છે જ્યાં તેમનું વિઝન આપણને ખૂબ કામ આવ્યું છે અને આપણને હજી પણ એનો લાભ મળશે અને આપણે આવનારાં પાંચ વર્ષમાં ખૂબ પ્રગતિ કરીશું. ડિજિટલ ઇન્ડિયા બનાવીને આવતાં પાંચ વર્ષમાં એક મોટી સત્તાના નાગરિક બનીશું. આ વખતે તેમની સાથે એક નામ મેન્શન કરવું બહુ જરૂરી છે. જે રીતે આ વખતે બીજેપી ચૂંટણી લડી છે એ અમિત શાહ જેવા સક્ષમ વ્યક્તિના નેતૃત્વ વગર શક્ય નહોતું. તમે જુઓ કે બંગાળ અને ઓડિશા જેવા સ્ટેટમાં બીજેપીને કેવી મેજૉરિટી મળી, પાંચ વર્ષ પહેલાં એક સીટના પણ જ્યાં વાંધા હતા ત્યાં આજે કેટલા લોકોએ પાર્ટીને સપોર્ટ કર્યો છે અને એ માટે તેમના સુધી પહોંચીને પાર્ટી તથા પાર્ટી-લીડર કેવું કામ કરે છે એ માટેનું શ્રેય પ્રેસિડન્ટ અમિત શાહને આપવું જ રહ્યું. તેમણે અને નરેન્દ્ર મોદીએ મળીને આ દેશને એક નવા સ્થાને બેસાડ્યો છે.

હજી મતગણતરી ચાલુ છે, પણ એ ગણતરી વચ્ચે મેં ગયા શુક્રવારે આપને કહ્યું હતું એટલે આજે આ આર્ટિકલ ગુરુવારે બપોરે એક વાગ્યે લખીને તમારે માટે બધું પડતું મૂકીને લખી રહ્યો છું. દરેક ગણતરી એક જ દિશામાં અને એક વ્યક્તિ તરફ અંગુલીનિર્દેશ કરે છે, મોદી. આનંદો, ગયા શુક્રવારે જે વાત કરી હતી એ ઐતિહાસિક જ હતી. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ, સૌથી પહેલું રીઅૅક્શન સ્ટૉક માર્કેટમાં જ આવ્યું. લાખો ગયા અને ઘણાને લાખો-કરોડોનો નફો પણ થયો. આ લખું છું ત્યારે વિરોધ પક્ષના કે પછી વિરોધ પક્ષના પ્રેમમાં હોય એવા અનેક લોકો ચમત્કારની રાહ જોતા હતા.


આમ તો રવિવારે સાંજે આવેલા એક્ઝિટ પોલ વખતે જ બધું ક્લિયર હતું, પણ આ વખતે સાચા પડ્યા બાદ પણ આવનારા ઇલેક્શનમાં તેમનાં પરિણામો પર કેટલો ભરોસો રાખવો એ કહેવું તો અઘરું રહેશે અને એવું હોવું જ જોઈએ અને તો જ તો મજા આવે, મતગણતરીના દિવસની અને એ કલાકોની. આ લખું છું ત્યારે ઇન્ડિયા ટુડે ન્યુઝ-ચૅનલ પર ચૅનલના એક્ઝિક્યુટિવ એડિટર પ્રદીપ ગુપ્તાની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં હતાં. બીજેપી અને એના સાથીપક્ષોને ૩૪૬ સીટ મળે છે એવું તેમણે એકે જ દેખાડ્યું હતું અને એ સમયે તેમના પર માછલાં પણ ધોવાયાં હતાં. કેટલાક મિત્રોએ તેમને દાનવીર કર્ણ પણ કહી દીધા હતા. સ્વાભાવિક છે કે આવા સમયે સાચા પડીએ તો ખુશી થાય અને આંખમાં આંસુ પણ આવે, પણ હું કહીશ કે તેઓ તો રડી શક્યા, પણ એલફેલ વાણી સાથે ભરપૂર વાણીવિલાસ કરનારા અનેક નેતાઓ પોતાનાં આંસુઓને અંદર જ છુપાવીને બેસી રહ્યા.

બિચારા.

આપણા દેશનો વર્ષોનો સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એ સાક્ષરતા એટલે કે ભણતર અને ગરીબી રહ્યા છે. આ બે સિવાય ત્રીજો મોટો પ્રૉબ્લેમ છે કરપ્શનનો. આ દેશમાં આ બધી ચીજોને લીધે બહુ મોટી અસમાનતા ઊભી થાય છે. હવે આ અસમાનતા સમાન બને એટલે કે નીચલો વર્ગ ઉપર આવે અને જેની પાસે બહુ બધું છે એ વર્ગ કરપ્શન ઓછું કરીને કે પછી કરવા દઈને ખોટી રીતે આવતા પૈસાને બ્રેક મારે તો આ અસમાનતા ઘટશે. આ અસમાનતા ઘટાડવાનું નરેન્દ્ર મોદીનું પણ સપનું રહ્યું છે અને તેમનો પ્રયાસ પણ રહ્યો છે. આગળ વધતાં પહેલાં મારે કહેવું છે કે પૈસાવાળાઓએ ચિંતા કરવાની જરૂર નથી કે આવા પ્રયાસોથી તેમના પૈસા ઘટી જશે, ના એવું કશું નહીં થાય, પણ જો આપણે બધા ક્યાંક ને ક્યાંક કરપ્શનને સપોર્ટ નહીં આપીને ખરેખર દિલથી એની વિરુદ્ધ પ્રયાસ કરીશું તો આપણે એક બહુ સારો દેશ બનાવી શકીશું. બીજું, આ દેશમાં દરેકને બેઝિક સગવડ મળે એ પણ જોવાનું છે. ભણતર, સૅનિટેશન, પાવર, ગૅસ, પાણી અને આવું બીજું બધું બેઝિક છે અને હક પણ છે નાગરિકોનો. આવતાં પાંચ વર્ષમાં ઘણાં શહેરોમાં મેટ્રોથી માંડીને વિકાસનાં ઘણાં કામ થશે જેનાથી દેશ પ્રગતિશીલ અને બહુ સગવડભર્યો લાગશે. દેશની બૉર્ડર પર શાંતિ જળવાઈ રહે એટલે વાતોથી અને આપણા પાડોશી દેશોને ડરથી અંકુશમાં રાખીને મોદી સરકાર બીજી ઘણી બધી રીતે દેશને સુરક્ષાથી માંડીને ઉપરના સ્તર સુધી લઈ જશે એનો પણ મને વિશ્વાસ છે. સૌથી અઘરું અને મુશ્કેલ જો કંઈ બની રહેવાનું હોય તો એ છે આ વિવિધતાભર્યા દેશને એકસાથે રાખવાનું કાર્ય. હિન્દુ અને મુસ્લિમો કે માઇનૉરિટીને ઇલેક્શન વખતે અલગ કરીને ખૂબ કાદવ ઉછાળવામાં આવ્યો. તેમની સરકાર પર પણ ઉડાડવામાં આવ્યો અને સરકાર સાથે રહેલા લોકો પર પણ ઉછાળવામાં આવ્યો. આ ખોટા વાણીરૂપી કાદવનો જવાબ મતદારોએ જડબાતોડ રીતે આપ્યો છે અને એટલે જ મુસ્લિમો અને માઇનૉરિટી વસ્તીવધારો હોય એવા ઘણા વિસ્તારોમાં બીજેપીને બહુમતી મળી છે. દેશવાસીઓને એકસાથે લઈને ચાલવાની ચૅલેન્જ નરેન્દ્ર મોદી સામે રહેશે. એક મોટી ફૅમિલીમાં જેમ બધાને એકસાથે લઈને ચલાવવામાં અને બધાને રાજી રાખવામાં તકલીફ પડે છે એવું જ તેમની સાથે બનશે અને આટલા મોટા અને વિવિધતાભર્યા દેશને સાચવી રાખવાનું કામ સહેલું પણ નથી એ પણ એટલું જ સાચું છે. જોકે એ બધી વાત પહેલાં મને એક ખાસ વાત અત્યારે અહીં કહેવી છે.

આ પણ વાંચો : કૉલમ : આંબા ખાવાનું શરૂ કરી દીધું?

આ દેશને આટલી સક્ષમ સરકાર અને નેતા આપવાનું શ્રેય જો કોઈને આપવાનું હોય તો એ દેશના નાગરિકને આપવું પડે, કારણ કે મતદારોએ પોતાનું આ ભવિષ્ય જાતે લખ્યું છે અને સુદ્દઢ લખ્યું છે એ પણ એટલું જ સાચું છે. આજથી આપણા બધાનું જીવન ધીમે-ધીમે અને થોડું-થોડું બદલાશે અને એ સાચી તથા સારી દિશામાં જ જશે એવી મને આશા છે અને ખાતરી પણ છે. આજે વિરામ લેતાં પહેલાં મને છેલ્લે એક જ વાત કહેવી છે કે આવતાં પાંચ વર્ષ હવે બધું તમારા હાથમાં છે મોદીસાહેબ, મારા અને મારા તમામ વાચકો વતી આપને ખૂબ ખૂબ અભિનંદન.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2019 11:19 AM IST | | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK