Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન વો કાગઝ કી કશ્તી, વો બારીસ કા પાની

મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન વો કાગઝ કી કશ્તી, વો બારીસ કા પાની

26 July, 2019 12:45 PM IST | મુંબઈ

મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન વો કાગઝ કી કશ્તી, વો બારીસ કા પાની

મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન વો કાગઝ કી કશ્તી, વો બારીસ કા પાની


(‘તેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાએ...’ આપણે વાત શરૂ કરી છે વરસાદની. વરસાદની આ વાતોને આપણે અટકાવી હતી ‘લગાન’ના ગીત સાથે. ફિલ્મમાં ગીત વરસાદનું, પણ વરસાદ આવે નહીં અને ગીતના શબ્દો, એ સમયનું વાતાવરણ તમને પ્રતીતિ કરાવતું રહે છે કે વરસાદ વગરનું જીવન મુશ્કેલ જ નહીં, અશક્ય છે. વરસાદનો અને પાણીનો આદર કરવો, અનાદર નહીં. દરેક રીતે અને દરેક અવસ્થામાં પાણીનો સ્વાદ માણવો અને એને વેડફવું નહીં. વાત બિલકુલ ખોટી નથી. આ સાચી વાત સાથે આપણે વરસાદ, સૉરી, લેખને આગળ વધારીએ ફરી આ વીકમાં...)

આપણે દુષ્કાળની વાતો કેટલી સાંભળીએ છીએ. દેશના કેટલા પ્રદેશોમાં દુષ્કાળ છે અને ખેડૂતોની શું હાલત થાય છે એની આપણને ખબર છે. આપણને પૂરતો વરસાદ મળી રહ્યો છે તો અનેક પ્રદેશ એવા છે જ્યાં અતિશય વરસાદને કારણે હાડમારી છે અને અનેક પ્રદેશો એવા છે કે જો વરસાદ ન પડે તો એ રાજ્યોમાં દુષ્કાળ પડે. આવા સમયે પાણીની રિસ્પેક્ટ કરવી બહુ જરૂરી છે. પાણીની પણ રિસ્પેક્ટ કરવાની અને વરસાદની પણ રિસ્પેક્ટ જાળવવાની. વરસાદ આવે ત્યારે એની મજા પોતપાતની રીતે અચૂક માણવી જ રહી. હું તો કહીશ કે એક પણ વરસાદને વીતી જવા ન દેવો જોઈએ. તમે પણ એ કરજો અને વરસાદને કારણે પડતી હાડમારી કરતાં કુદરતે આપેલા વરસાદને કારણે મળતી ઊભરતી લાગણીઓ પર ધ્યાન આપજો.



આપણે આ આર્ટિકલની શરૂઆત ગયા વીકથી કરી અને એ દરમ્યાન આપણે કેટલાંક વરસાદી ગીતો જોયાં. આ ગીતોમાં કે પછી વરસાદમાં દેખાડવામાં આવતા બીજા સીનમાં જે ભાવ આપણા કલાકારો રજૂ કરતા હોય છે એ શૉટ્સ વચ્ચે કામ કરવું ખૂબ જ મુશ્કેલભર્યું કામ છે. આ સીન્સ કરતી વખતે કલાકારો ખૂબ હાડમારી ભોગવતા હોય છે. બે લાઇન પછી કટ થાય કે પછી વરસાદ બંધ થાય એટલે થોડી વાર બેસવાનું, ફરીથી જાતને સૂકી કરવાની અને પછી ફરી પાછું ટેક આપવાનું શરૂ કરવાનું. ભીંજાવાનું અને ભીંજાતાં-ભીંજાતાં જે રીતે શૉટ આપવાનો હોય એને ઓકે કરાવવાનો હોય. તમે માનશો નહીં, પણ મોટા ભાગના કલાકારો વરસાદના શૂ‌ટિંગના શૉટ આપીને માંદા પડતા હોય છે, થોડા ભીના થવાનું, ફરી પાછા કોરા થવાનું, ફરી પાછા ભીના થવાનું, ફરી પાછું કામ કરવાનું. થોડા કામ પછી બ્રેક પડે એટલે વૅનિટી વૅનમાં જઈને બેસો, ત્યાં પાછું એસી ચાલતું હોય એટલે ઠંડી સહન કરવાની. મેં પણ વરસાદમાં એક ગીત કર્યું છે, યાદ છે તમને?


‘દરિયાછોરુ’ પિક્ચરના એક ગીતમાં એક અંતરો વરસાદમાં હતો જેમાં મારે ભીંજાતાં-ભીંજાતાં શૂટ કરવાનું હતું. કર્યું પણ ખરું. એ શૂટ પછી હું બે દિવસ બીમાર તો નથી પડ્યો, પણ હા શરદીમાં રહ્યો હતો એ પાક્કું. થાય જ અને એમાં કશું ખોટું પણ નથી. ડૉક્ટર અને મેડિકલ સ્ટોર પણ ચાલવા જોઈએને. ઘણા કલાકારોને આ પ્રકારના વરસાદમાં ગીતો કરવાનું અઘરું પણ પડતું હોય છે, ખાસ કરીને અભિનેત્રીઓને.

સામાન્ય રીતે સંકુચિત માનસિકતા ધરાવતા લોકો એવું વિચારતા હોય છે કે ફિલ્મલાઇનમાં આ બધું ચાલે અને પરપુરુષ સામે એ લોકોને કોઈ વાંધો ન હોય એવું ઘસાતું મતંવ્ય લોકો રાખતા હોય છે, પણ એવું નથી હોતું. ઍક્ટ્રેસને પોતાના પિતા સામે આવાં દૃશ્યો જોતાં અગવડ પડે છે અને આવા શૂટિંગ વખતે બૉયફ્રેન્ડ સાથેનો સંબંધ બહુ સેન્સિટિવ તબક્કામાંથી પસાર થતો હોય છે. આ તો વાત થઈ ઍક્ટ્રેસની પણ એવું જરા પણ નહીં માનત કે હીરોને આવા સીન કે ગીત કરવામાં જલસા હોય છે. ના, જરા પણ નહીં. પત્ની સ્પોર્ટિંગ હોય તો પણ તે આવાં દૃશ્યોને આસાનીથી નથી લઈ શકતી એ ફૅક્ટ છે. લાગણી તો હોયને અને એ લાગણીને લીધે ક્યાંક તો, કશેક તો ખટકતું હશે. જો મૅરિડ હોય અને બાળકો હોય તો એ પાછો નવો પ્રશ્ન. આવાં ગીતો કે સીન જોઈને બાળકોના મનમાં ઊપસતા સવાલોનું પણ ધ્યાન રાખવાનું. આ બધા પ્રશ્ન સામાન્ય લોકોને ક્યારેય મનમાં નથી આવતા એટલે હું તો કહીશ કે વરસાદનો અને પોતાના કામનો આદર કરીને આનંદમાં રહેવાનું અને તમારે પણ તમારા કલાકારોને આદરભાવથી જોઈને વરસાદનાં ગીતોને ખૂબ માણવાનાં.


કહેવાનો ભાવાર્થ એ જ કે ચોમાસાને અને વરસાદને ક્યારેય હાડમારી રૂપે નહીં જોતા. વરસાદ છે તો પૃથ્વી અકબંધ છે. પૃથ્વીની સૃષ્‍ટિ અકબંધ છે. વરસાદ એટલે કે પાણી વિના માણસ રહી નથી શકતો. માણસ તો શું, જીવ માત્ર એના વિના રહી શકતો નથી અને જેના વિના રહી શકાતું નથી એને શું કામ વગોવવાનું કામ કરવાનું. ચોમાસું આવે, વરસાદ શરૂ થઈ જાય એટલે સારા અને સાચા રસ્તા અપનાવી લેવાના. જરૂરી દવા લઈ લેવી, ઘરમાં વડીલો હોય તો ખાસ એવી દવાઓ રાખવી જેથી એ લોકો હેરાન ન થાય અને બહાર વરસાદ આવતો હોય તો તેમણે ક્યાંય બહાર ન જવું પડે. આટલું ચોક્કસ ધ્યાન રાખજો. બીજી અને અગત્યની વાત, શરાબ કરતાં રાબ વધારે સારી. સાચે જ.

મન થાય, બહુ ઇચ્છા થાય, માબાપની સામે ન હોય, ઘરમાં કોઈને વાંધો ન હોય, કોઈ વિરોધ ન કરતું હોય તો છાંટા-પાણીનો પણ વાંધો ન હોય, પણ મર્યાદા આપણે નક્કી કરી લેવાની. બહાર વરસાદ ચાલુ હોય એવા સમયે કપડાં ઘરની અંદર સૂકવાયેલાં હોય તો આપણે થોડું નીચે જોઈને ચાલવું, પણ ઝઘડો બિલકુલ ન કરવો. બની શકે કે સુકાઈ રહેલાં કપડાં આપણે માટે જ સૂકવવામાં આવ્યાં હોય અને એ આપણાં જ કપડાં હોય. વરસાદના દિવસોમાં બાળકો સાથે રમવું અને તેમને વરસાદની મજા કેવી રીતે લેવાય એ સમજાવવું. પરણેલા હો તો પત્ની સાથે અને બૅચલર હો તો ગર્લફ્રેન્ડ સાથે રોમૅન્સમાં વધારો કરવો. માન્યું કે પહેલાં જે રીતે કાગળની હોડી બનાવીને પાણીમાં એને તરાવવાની મજા હતી એ હવે જતી રહી છે, પણ એ મજાનો ઑપ્શન શોધીને મજા કરવી. મજાને મૂકવી નહીં. હવે તો છત્રી, રેઇનકોટ અને ગમબૂટમાં પણ બદલાવ આવી ગયો છે, પણ એ તમને જેવાં ગમતાં હોય એવાં સાથે રાખવાં અને સતત સાથે રાખવાં જેથી અચાનક વરસાદ શરૂ થઈ જાય તો ખોટેખોટો વરસાદને ભાંડવો ન પડે.

આ પણ વાંચોઃ તેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે

આ બધી વાતો કરતાં એક વાત યાદ આવી ગઈ. વરસાદ વખતે ચાલીમાં પાણી ભરાઈ જતાં અને એ પાણી છેક ઘૂંટણ સુધી ભરાતાં. વરસાદ શરૂ થાય એટલે અમારા ઘરમાં નિયમ હતો. મારા ભાઈઓનાં અને મારા બાપુજીનાં ગમબૂટ આવી જાય. ભાઈઓનું તો યાદ નથી, પણ મારા બાપુજી પાણી ભરાઈ જાય એટલે પોતાનો લેંઘો રાઉન્ડ વાળી એને ક્લિપ લગાડીને એ ફોલ્ડ કરેલો ભાગ ગમબૂટમાં રાખી દેતા, જેથી લેંઘો ભીંજાય નહીં. એટલી ચીવટ એ રાખે કે લેંઘો બગડે નહીં. અમારા સમયના એ વરસાદની અને મારા એ ઘરની સુંદર યાદો હજી પણ મારા મનમાં અકબંધ છે. એ દિવસોમાં મને બહુ થતું કે મને પણ ગમબૂટ પહેરવા મળે તો મજા પડી જાય, પણ એ ગમબૂટ એટલાં મોટાં હતાં અને આપણે એટલાં નાના કે સ્કૂલ જતી વખતે જો પહેરું તો મારા સ્કૂલ-ડ્રેસની શૉર્ટ્સ જ એની અંદર જતી રહે. જ્યારે હવે તો ગમબૂટ શું, વરસાદનાં ચંપલ પહેરવાનો પણ કંટાળો આવે છે. આ કંટાળા સાથે ઈશ્વરનો આભાર માનવો કે એ આમ જ વરસાદ આપતો રહે, વરસાદને પ્રેમ કરવાની લાગણી પણ આપતો રહે. આ પ્રાર્થનાની સાથોસાથ ભગવાનને એ પણ કહેજો કે જ્યાં દુષ્કાળ છે ત્યાં જરૂરિયાત મુજબ વરસાદ પાડ બાપલા, આમ તો અમૂલ્ય પણ તમારી કૃપાથી સાવ મફતમાં મળતો જલસો કરવા દો મારા વાલા. જ્યારથી વરસાદની વાત શરૂ કરી છે ત્યારથી ગુજરાતી નાટક ‘ખેલૈયા’નું વરસાદનું એક ગીત સતત મનમાં વાગ્યા કરે છે...
આભ ટપકશે એવું હમણાં...

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2019 12:45 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK