જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક મતદાન એ છે ભારતીય ઉપખંડની લોકશાહીવાંછુ પ્રજાનું પૉલિટિકલ સ્ટેટમેન્ટ

Published: 27th November, 2014 06:23 IST

આટલા બહોળા મતદાનના રાજકીય સૂચિતાર્થો કરતાં લોકતાંત્રિક સૂચિતાર્થો મહત્વનાં છે. નૅશનલ કૉન્ફરન્સ સામે લોકોનો રોષ છે એ બહુ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એક બાજુ લોકોને આતંકવાદીઓ અને લશ્કરની ગોળીથી પોતાનો જીવ બચાવવાનો છે, બીજી બાજુ તેઓ ભારત સરકાર સામે અધિકાર માટે લડે પણ છે અને એ સાથે લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ પણ કરે છે. રાજકીય પક્ષોનો વિજય અથવા પરાજય મહત્વનો નથી, મહત્વ લોકતંત્રના વિજયનું છે
કારણ-તારણ - રમેશ ઓઝા


કાઠમાંડુમાં સાર્કની શિખર પરિષદ મળી રહી છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા રાઉન્ડના મતદાનમાં મતદાતાઓએ એટલો ઉત્સાહ બતાવ્યો છે કે એ પોતે જ સાર્કની પરિષદમાં ભારતનું એક રાજકીય નિવેદન બની શકે એમ છે. સાર્કના આઠ સભ્ય-દેશોમાં માત્ર ભારત અને શ્રીલંકામાં જ ટકાઉ લોકશાહી છે. પાકિસ્તાન, બંગલા દેશ અને અફઘાનિસ્તાનમાં અત્યારે ચૂંટાયેલી સરકાર છે, પણ ત્યાં હજી ટકોરાબંધ લોકતંત્ર નથી. આ દેશોમાં ક્યારે લોકતંત્રનું કાસળ નીકળી જાય એ કહી શકાય નહીં. નેપાલ એક દાયકાથી લોકતાંત્રિક બંધારણ ઘડી રહ્યું છે જેમાં આપસી ખેંચતાણને કારણે સફળતા નથી મળતી. ભારતીય ઉપખંડમાં લોકશાહીના પ્રયોગની સફળતા-નિષ્ફળતા પોતે જ એક અભ્યાસનો રસપ્રદ વિષય છે.

જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ બહુમતી રાજ્ય છે. આમાં કાશ્મીરની ખીણમાં તો ૯૫ ટકા વસ્તી મુસલમાનોની છે. લદ્દાખમાં બૌદ્ધો બહુમતીમાં છે અને બીજા ક્રમે મુસલમાનો છે. જમ્મુમાં અનુક્રમે હિન્દુઓ, મુસલમાનો અને સિખોની વસ્તી છે. આ ત્રણ પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અનુબંધ બહુ ઓછો છે એટલે એકંદરે જમ્મુ અને કાશ્મીર રાજ્ય તરીકે કૃત્રિમ રાજ્ય છે. ઇતિહાસના કેટલાક અકસ્માતોના પરિણામે જમ્મુ અને કાશ્મીરની રચના થઈ હતી અને ઇતિહાસના બીજા કેટલાક અકસ્માતોને કારણે એ રાજ્ય એમને એમ પુનર્રચના વિના ટકી રહ્યું છે. જો કાશ્મીરનો વિખવાદ પેદા ન થયો હોત તો અત્યારના જમ્મુ અને કાશ્મીરનું પૂવર્‍ના અવિભાજિત આસામનું જે રીતે વિભાજન થયું અને ઈશાનનાં રાજ્યોની જે રીતે પુનર્રચના થઈ હતી એમ થઈ હોત. જોકે વર્તમાન એક અફર વાસ્તવિકતા છે એને ઇતિહાસના જો અને તો સાથે જોડવાનો ખાસ કોઈ અર્થ નથી હોતો.

એક તો આ ટિફિનબૉક્સ જેવું રાજ્ય છે જેમાં અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ પ્રજાની બહુમતી છે. એમાં પાછો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝઘડો છે. કાશ્મીરની ખીણમાં અલગતાવાદી આંદોલન ચાલી રહ્યું છે અને બે દાયકા સુધી હિંસાના તાંડવનો અનુભવ કર્યો છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાય અને ચૂંટણીમાં મતદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લે એ ઐતિહાસિક ઘટના છે. ખાસ કરીને, સાર્કની બેઠક ચાલી રહી છે ત્યારે તો આ ભારતનું અને માત્ર ભારતનું જ નહીં, ભારતીય ઉપખંડની લોકશાહીવાંછુ પ્રજાનું પૉલિટિકલ સ્ટેટમેન્ટ છે : અમને લોકશાહી જોઈએ છે અને આ ઉપખંડની દરેક પ્રજા લોકશાહીને અપનાવવા અને પોષવા તૈયાર છે.

જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની સત્તાવાર રીતે કુલ બેઠકો ૧૧૧ છે. આમાંથી ૨૪ બેઠકો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં છે એટલે ત્યાં અત્યારના તબક્કે ચૂંટણી યોજાઈ શકતી નથી. ટૂંકમાં ૨૪ બેઠકો કાયમ માટે ખાલી રહે છે. બાકીની ૮૭ બેઠકો ભારતના જમ્મુ અને કાશ્મીરની છે જેમાં ૪૬ બેઠકો કાશ્મીરની ખીણમાં છે, ૩૭ બેઠકો જમ્મુમાં છે અને ચાર બેઠકો લદ્દાખમાં છે. બેઠકોની સંખ્યા પર એક નજર કરશો તો ખ્યાલ આવશે કે ખીણની બેઠકો બહુમતી માટે જરૂરી ૪૪ બેઠકો કરતા બે વધુ છે. ખીણના મુસલમાનો ધારે તો સમગ્ર જમ્મુ અને કાશ્મીર પર રાજ કરી શકે છે, પણ એવું લોકતંત્રમાં બનતું નથી. લોકશાહીની એ તો ખૂબી છે. બીજું, ૮૭માંથી ૪૬ બેઠકો એ બહુ મોટી સંખ્યા પણ નથી એટલે ખીણના મુસલમાનોએ, પછી એ ગમે એ પક્ષના હોય, જમ્મુ અને કાશ્મીરમાં રાજ કરવું હોય તો બાકીના પ્રદેશને સાથે રાખવો પડે. રાજકીય વાસ્તવિકતા સ્વીકારીને અનુકૂળ થવાની આ જે ખૂબી છે એ માત્ર લોકશાહીમાં જોવા મળે છે.

જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી પહેલા રાઉન્ડમાં ૧૫ બેઠકો માટે યોજાઈ હતી. છ બેઠકો જમ્મુમાં, પાંચ બેઠકો ખીણમાં અને ચાર બેઠકો લદ્દાખમાં. ખીણમાં  જ્યાં ચૂંટણી યોજાઈ હતી એ બધી જ અંકુશરેખાને લાગીને છે, જ્યાં હજી હમણાં સુધી અલગતાવાદી અને આતંકવાદી પ્રવૃત્તિ એની ચરમસીમાએ હતી. આ મતદારક્ષેત્રોમાં સરહદે ભારત અને પાકિસ્તાન વચ્ચે છમકલાં થઈ રહ્યાં છે અને સૌથી મોટી વાત એ કે અહીં આમ્ડર્‍ ફોર્સિસ સ્પેશ્યલ પાવર ઍક્ટ હેઠળ લશ્કરને મળતાં અમર્યાદિત અધિકારો સામે આંદોલન ચાલી રહ્યું છે. ટૂંકમાં જે પ્રજાએ લાંબી યાતના ભોગવી છે, જ્યાં હજી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને જે પ્રજા ભારત સરકાર સામે લશ્કરની સત્તા ઘટાડવા લડી રહી છે એ પ્રજા મોટા પ્રમાણમાં મતદાન કરીને લોકતંત્રમાં નિષ્ઠા વ્યક્ત કરે એ નાચવા જેવી ઘટના નથી? ૭૧ ટકા મતદાન આ બેઠકોમાં થયું છે એવા પ્રાથમિક અહેવાલો છે. ગઈ લોકસભાની ચૂંટણી કરતાં સરેરાશ ૨૦ ટકા વધુ મતદાન થયું છે. ગઈ વિધાનસભાની ચૂંટણી કરતાં પણ ૨૫થી ૩૦ ટકા વધુ અને કેટલેક સ્થળે તો બેવડું મતદાન થયું હતું.

આટલા બહોળા મતદાનના રાજકીય સૂચિતાર્થો કરતાં લોકતાંત્રિક સૂચિતાર્થો મહત્વના છે. નૅશનલ કૉન્ફરન્સ સામે લોકોનો રોષ છે એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે એક બાજુ લોકોને આતંકવાદીઓ અને લશ્કરની ગોળીથી જીવ બચાવવાનો છે, બીજી બાજુ તેઓ ભારત સરકાર સામે અધિકાર માટે લડે પણ છે અને એ સાથે લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ પણ કરે છે. રાજકીય પક્ષોના વિજય-પરાજય મહત્વનો નથી, મહત્વ લોકતંત્રના વિજયનું છે.

અને કેમ ન હોય? ભારતમાં રિયાસતો સામે પ્રજાકીય અધિકારો માટે જ્યાં આંદોલનો થયાં હતાં એમાં કાશ્મીરની ખીણના હિન્દુઓ અને મુસલમાનો અગ્રેસર હતા. સમગ્ર ભારતમાં રજવાડાંઓમાં પ્રજા પરિષદો રચાઈ હતી જેના નેતાઓમાં શેખ અબદુલ્લા એક હતા. જમ્મુ અને કાશ્મીરનો મહારાજા કોમવાદી હિન્દુ હતો અને શેખ અબદુલ્લાનો તેની સામેનો સંઘર્ષ લોકતંત્ર માટેનો સેક્યુલર હતો. આ વારસો એનો પ્રભાવ બતાવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK