જમ્મુ અને કાશ્મીરમાં મુફ્તી અને મોદી માટે નિરાશાજનક પરિણામ આવ્યાં છે

Published: 24th December, 2014 05:13 IST

BJPએ જો સમાંતરે ધર્માંતરણ જેવા હિન્દુત્વવાદી એજન્ડા લાગુ ન કર્યા હોત અને શુદ્ધ તથા પ્રામાણિક સેક્યુલર રાજકારણ કરીને દેશના એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજ્યમાં બહુમતી મેળવી હોત તો સોનામાં સુગંધ ભળત. અંગત રીતે હું એ દિવસ જોવા આતુર છુંjammu-kashmirકારણ-તારણ - રમેશ ઓઝા


જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં BJP અને PDP માટે ધારણા કરતાં ઓછી બેઠકો મળતાં એકંદરે પરિણામો નિરાશાજનક છે, જ્યારે કૉન્ગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ માટે ધારણા કરતાં વધુ બેઠકો મળતાં પરિણામો ઉત્સાહવર્ધક નથી તો પણ રાહત સમાન છે. 

BJPએ કાશ્મીરની ખીણમાં અને લદ્દાખમાં પ્રવેશ મેળવવા આકાશ-પાતાળ એક કયાર઼્ હતાં. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી લગભગ દર મહિને જમ્મુ અને કાશ્મીરની કોઈ ને કોઈ બહાને મુલાકાત લીધી હતી. જમ્મુ અને કાશ્મીર ભારતનું એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજ્ય છે. જો જમ્મુ અને કાશ્મીરમાં BJPને બહુમતી માટે જરૂરી ૪૪ બેઠકો મળે અને ૪૪ નહીં તો પણ જો ૪૦ જેટલી બેઠકો મળે તો હિન્દુ રાષ્ટ્રવાદી BJPના રાષ્ટ્રીય સ્વીકારની મહોર લાગી જાય એવી તેમની ગણતરી હતી. તેઓ મુસ્લિમ બહુમતી રાજ્યમાં હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષની સરકાર રચવા માગતા હતા. એ માટે તેમણે BJP માટે અનિવાર્ય ગણાતા આર્ટિકલ ૩૭૦ને રદ કરવાની માગણી BJPના એજન્ડામાંથી હટાવી દીધી હતી. ખીણમાં પ્રવેશવા BJPએ અબ્દુલ ગની લોનના પુત્ર અને પીપલ્સ કૉન્ફરન્સના નેતા સજાદ લોન સાથે છૂપી સમજૂતી કરી હતી. છૂપી એટલા માટે કે BJP સાથે ઉઘાડી સમજૂતી કરવામાં લોનને નુકસાન થવાનો ડર લાગતો હતો. નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં BJP માટે સફળ કહી શકાય એવી મોટી રૅલી પણ કરી હતી, જેમાં સજાદ લોનનો ટેકો હતો. સજાદે પોતાના પક્ષના પ્રભાવક્ષેત્રમાંથી લોકોને ટ્રકમાં રૅલીમાં ઉપસ્થિત રહેવા મોકલ્યા હતા. ટૂંકમાં ગ્થ્ભ્વિરોધી સેક્યુલરિસ્ટોનું મોઢું બંધ કરવા કાશ્મીર જીતીને રાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવવા નરેન્દ્ર મોદીએ કોઈ કસર બાકી રાખી નહોતી. એ ઉપરાંત આમાં પાકિસ્તાનને પણ એક મેસેજ જવાનો હતો કે જુઓ; કાશ્મીરની ખીણની પ્રજાને પણ હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ સ્વીકાર્ય છે અને એ રીતે ભારત સાથેનું જોડાણ સ્વીકાર્ય છે. ખેલ ગણતરીપૂવર્‍કનો અને દિલધડક હતો.  

જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં કુલ ૮૭ બેઠકોમાંથી ખીણ ૪૬ બેઠકો ધરાવે છે, જમ્મુ ૩૭ બેઠકો ધરાવે છે અને લદ્દાખ ચાર બેઠકો ધરાવે છે. ખીણમાં ૯૫ ટકા વસ્તી મુસ્લિમોની છે તો જમ્મુમાં હિન્દુઓ મોટી બહુમતી ધરાવે છે. લદ્દાખમાં બૌદ્ધો બહુમતીમાં છે. આમ જમ્મુ અને કાશ્મીર કોમી ધોરણે વિભાજિત છે અને વિભાજન ઘણે અંશે સંપૂર્ણ છે. નરેન્દ્ર મોદીની ગણતરી એવી હતી કે જમ્મુની હિન્દુ બહુમતીવાળી બેઠકોમાંથી ૩૨થી ૩૫ બેઠકો તો સહેજેય મળી જશે અને બે લદ્દાખમાં અને ચારથી પાંચ બેઠકો ખીણમાં મળી જાય તો બેડો પાર થઈ શકે એમ છે. ધારણાથી ઊલટું BJPને ખીણમાં અને લદાખમાં તો એક પણ બેઠક નથી મળી, પરંતુ હિન્દુઓની બહુમતી ધરાવતા જમ્મુમાં પણ ધારણા મુજબ બેઠકો નથી મળી. જમ્મુની કુલ ૩૭ બેઠકોમાંથી BJPને માત્ર ૨૫ બેઠકો જ મળી છે.

મુફ્તી મહમ્મદ સૈયદ અને મેહબૂબા મુફ્તીના પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી માટે પણ પરિણામો નિરાશાજનક આવ્યાં છે. PDPને ૨૮ બેઠકો મળી છે. જમ્મુ અને કાશ્મીરમાં ઓમર અબદુલ્લાની સરકાર સામે લોકો એટલા બધા નારાજ હતા જેટલા દેશના લોકો ડૉ. મનમોહન સિંહની સરકાર સામે નારાજ હતા. ખાસ કરીને જેલમમાં પૂરની ઘટના પછી તો સરકાર સાવ નિષ્ફળ સાબિત થઈ હતી. બહોળા પ્રમાણમાં થયેલા મતદાનને કારણે પણ એમ લાગતું હતું કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં PDP સપાટો બોલાવી શકે છે અને એવું પણ બને કે PDP ૩૫થી વધુ અને BJP ૩૦થી વધુ બેઠકો મેળવે. સામે નૅશનલ કૉન્ફરન્સને અને કૉન્ગ્રેસને ૧૦થી વધુ બેઠકો નહીં મળે એવી ધારણા હતી. ધારણાથી ઊલટું નૅશનલ કૉન્ફરન્સને ૧૫ અને કૉન્ગ્રેસને ૧૨ બેઠકો મળી છે. જો આ બે પક્ષો વચ્ચે ચૂંટણી-સમજૂતી થઈ હોત તો BJP અને PDP માટે પરિણામો હજી વધુ નિરાશાજનક હોત.

જમ્મુ અને કાશ્મીરમાં સરકાર તો PDPની રચાશે, પણ એમાં એ ટેકો કોનો લેશે એ હજી સ્પષ્ટ નથી અને મેહબૂબા મુફ્તીએ રહસ્ય જાળવી રાખ્યું છે. કૉન્ગ્રેસ સાથે ભૂતકાળમાં PDPએ ભાગીદારી કરી હતી અને એ સમયે અનુભવ સારો રહ્યો હતો અને રાજ્યને સ્થિર સરકાર મળી હતી. આ વખતે PDP કૉન્ગ્રેસ સાથે મળીને સરકાર રચે તો એ બહુમતીથી બહુ દૂર નહીં હોય. સરકારને માત્ર બે બેઠકો ઓછી પડે જેને માટે બીજા પક્ષો અને અપક્ષ વિધાનસભ્યોનો ટેકો મળી શકે એમ છે. PDP જો BJP સાથે સમજૂતી કરે તો વધારે મજબૂત સરકાર મળી શકે એમ છે. એ ઉપરાંત PDP સરકારને કેન્દ્ર સરકારની મદદ મળે જે જમ્મુ અને કાશ્મીર માટે અનિવાર્ય છે. અત્યારે PDP અને BJPના નેતાઓ કાર્ડ ખુલ્લા કરવા તૈયાર નથી. આમાં બન્ને પક્ષોની પોતપોતાની ગણતરી છે જેમાં ફાયદો અને નુકસાન બન્ને છે. દરમ્યાન ઓમર અબદુલ્લાએ PDPને ટેકો આપવાની અણધારી ગૂગલી ફેંકી છે.

રાજકીય પક્ષોનો વિજય-પરાજય ગૌણ છે, પ્રજાનો અને લોકતંત્રનો વિજય મહત્વનો છે તથા જમ્મુ અને કાશ્મીરમાં ઉપરાઉપરી ત્રીજી વાર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાઈ છે અને વધુ ને વધુ પ્રમાણમાં લોકો ભારત અને ભારતીય લોકતંત્રનો સ્વીકાર કરી રહ્યા છે. BJPએ જો સમાંતરે ધર્માંતરણ જેવા હિન્દુત્વવાદી એજન્ડા લાગુ ન કર્યા હોત અને શુદ્ધ અને પ્રામાણિક સેક્યુલર રાજકારણ કરીને દેશના એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજ્યમાં બહુમતી મેળવી હોત તો સોનામાં સુગંધ ભળત. અંગત રીતે હું એ દિવસ જોવા આતુર છું.

ઝારખંડ એક કમનસીબ રાજ્ય છે. ગયા દાયકામાં ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડની રચના એકસાથે થઈ હતી. આ ત્રણ રાજ્યોમાંથી એકમાત્ર ઝારખંડ લૂંટ, ભ્રક્ટાચાર અને રાજકીય અસ્થિરતાનું ભોગ બની ગયું છે. આ વખતે પહેલી વાર ઝારખંડને સ્થિર સરકાર મળશે. ઝારખંડની ૮૧ બેઠકોમાંથી BJPને ૪૩ બેઠકો મળી છે એટલે હવે એને કોઈના ટેકાની જરૂર નથી. કૉન્ગ્રેસને માત્ર ૬ બેઠકો મળી છે અને એણે ૧૫ બેઠકો ગુમાવી છે. ઝારખંડ મુક્તિ મોરચાને ખાસ નુકસાન થયું નથી એ બતાવે છે કે કૉન્ગ્રેસના ભોગે BJPને લાભ થયો છે. દેશમાં ભ્રક્ટાચારી રાજકારણીઓમાં શિરમોર ગણાતા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડાનો પરાજય થયો છે. જે પરિણામ આવ્યાં છે એ ઝારખંડના હિતમાં છે. ઝારખંડને સ્વચ્છ અને સ્થિર શાસનની જરૂર છે. BJP એ આપશે એવી આશા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK