જમા ઉધારે મને સમજાવ્યું કે શૉર્ટ ટર્મ નુકસાન કરતાં લૉન્ગ ટર્મ ફાયદો જોવો

Published: 27th October, 2020 15:41 IST | Sanjay Goradia | Mumbai

કાન્તિ મડિયાએ શોના ચાર દિવસ પહેલાં ઓપનિંગ કૅન્સલ કરવાનું કહ્યું, પણ પબ્લિસિટીથી માંડીને થિયેટર-બુકિંગના પૈસા ચૂકવાઈ ગયા હતા એટલે મેં ઓપનિંગ કન્ટિન્યુ રાખ્યું

અમે મડિયાનાં પંખી: કાન્તિ મડિયા માટે અમે સૌ બાળકો જેવા અને મડિયા પણ અમને સૌને બાળકની જેમ જ રાખે.
અમે મડિયાનાં પંખી: કાન્તિ મડિયા માટે અમે સૌ બાળકો જેવા અને મડિયા પણ અમને સૌને બાળકની જેમ જ રાખે.

આપણે ગયા મંગળવારે વાત કરી હતી કે હું કેવી રીતે ઇંગ્લિશનો મારો મહાવરો વધારતો ગયો અને કઈ રીતે મેં લગ્ન પછી અંગ્રેજી શીખવા માટે નાના બાબાની જેમ સ્કૂલ-બૅગ અને નોટબુક હાથમાં લીધી હતી. આ બધું ત્યારે થાય જ્યારે તમે ભણવાની ઉંમરે મસ્તી-તોફાનમાં રત રહો. આ બધી વાત છે ‘ચક્રવર્તી’ નાટક ચાલતું હતું એ દરમ્યાનની. ‘ચક્રવર્તી’ના શો ધીમે-ધીમે ઓછા થવા લાગ્યા એ દરમ્યાન મારા વડીલ-મિત્ર એવા અશોક ઠક્કર સાથે મારો ખૂબ સારો ઘરોબો બંધાઈ ગયો હતો. અશોક ઠક્કર એટલે એ જ જેમણે મારા નાટક ‘બા રિટાયર થાય છે’માં બાપુજીનું કૅરૅક્ટર કર્યું હતું અને જેમને અમદાવાદના શો દરમ્યાન હાર્ટ-અટૅક આવતાં મેં એ ટૂરમાં તેમનું રિપ્લેસમેન્ટ કર્યું હતું.
અશોકભાઈએ મને કહ્યું કે સંજય આપણે પાર્ટનરશિપમાં એક નાટક કરીએ. બંદા તૈયાર. મારાં છેલ્લાં બન્ને નાટક ‘ચક્રવર્તી’ અને એની પહેલાંનું નાટક ‘કરો કંકુના’ પ્રકાશ કાપડિયાએ લખ્યાં હતાં, પણ આ વખતે અમે નક્કી કર્યું કે આપણે પ્રવીણ સોલંકી પાસે નાટકની વાર્તા માટે જઈએ, કારણ કે પ્રકાશ પાસે વાર્તા નહોતી અને નાટક લખવામાં પણ એ ખાસ્સો એવો ટાઇમ લેતો હતો. પ્રવીણભાઈ હંમેશાં ફૉર્મમાં હોય છે, પણ એ વખતની તો વાત જ જુદી હતી. એ વખતે તેમનો સુવર્ણકાળ ચાલતો હતો.
હું, કૌસ્તુભ ત્રિવેદી અને પ્રવીણભાઈ અશોક ઠક્કરના ઘરે મળ્યા. પ્રવીણભાઈની એક ખાસ વાત કહું તમને. તેમના મનમાં હંમેશાં વાર્તાઓ રમતી જ હોય. તમે તેમને ગમે ત્યારે ઊભા રાખીને પૂછો તો ઓછામાં ઓછી બે વાર્તા તો તેમની પાસેથી એ જ મિનિટે સાંભળવા મળી જાય. પ્રવીણભાઈને અમે વાત કરી એટલે તેમણે અમને તરત જ હા પાડીને કહ્યું કે તમે લોકોએ સંજીવકુમારની ફિલ્મ ‘યે જો હૈ ઝિન્દગી’ જોઈ હશે. એમાં કૃષ્ણ ભગવાન અને સંજીવકુમાર વચ્ચે કૉન્ફલિક્ટ હોય છે. મેં જોઈ હતી ફિલ્મ, બહુ સરસ વિષય હતો ફિલ્મનો. પ્રવીણભાઈએ કહ્યું કે વિષયવસ્તુ એ જ, પણ એને હું મારી રીતે બનાવીશ. અમે તરત જ હા પાડી એટલે વાત આવી ડિરેક્ટરની. નક્કી થયું કે આ વખતે ડિરેક્શનમાં આપણે કાન્તિ મડિયાને લઈએ.
કાન્તિભાઈ સામે તો અમે બધા બાળકો જેવા અને કાન્તિભાઈએ પણ અમને બધાને તેમનાં બાળકોની જેમ જ ટ્રીટ કર્યા છે. તેમને વાત કરી તો તેઓ તરત જ તૈયાર થઈ ગયા અને કહે કે આપણે કરીએ આ નાટક. વાત આવી લીડ ઍક્ટરની, ફિલ્મમાં જે કૅરૅક્ટર સંજીવકુમારે કર્યું હતું એને માટે કોને લેવા એની ચર્ચા ચાલતી હતી એ દરમ્યાન પ્રવીણ સોલંકી જ પ્રસ્તાવ લઈને આવ્યા કે દીપક ઘીવાલા અત્યારે અવેલેબલ છે અને તેઓ કામ કરવા માટે તૈયાર પણ છે.
મિત્રો, દીપકભાઈ એ વખતે ગુજરાતી રંગભૂમિના બહુ મોટા સ્ટાર, તેમનું નામ ખૂબ મોટું. ‘ચિત્કાર’ વખતે મેં તમને એ બધી વાત કરી જ છે. દીપકભાઈનું નામ આવે એટલે અમારે ના પાડવાનો કોઈ પ્રશ્ન જ ન આવે. અમે હા પાડી એટલે પ્રવીણભાઈએ દીપક ઘીવાલા સાથે વાત કરી અને આમ દીપકભાઈ બોર્ડ પર આવી ગયા તો દીપકભાઈની વાઇફના રોલમાં મેઘના રૉયને કાસ્ટ કર્યાં. અશોક ઠક્કર પણ એક મહત્ત્વની ભૂમિકામાં અને હું પણ નાટકમાં એક નાનકડા રોલમાં. એ સિવાય ચિરાગ વોરા, વિપ્રા રાવલ, રાકેશ વ્યાસ, કમલ કટારિયા અને સ્નેહલ ડાભી પણ નાટકમાં ફાઇનલ થયાં.
વિપ્રા રાવલ વિશે તમને અગાઉ વાત કરી છે. વિપ્રા ઍક્ટર મુકેશ રાવલની દીકરી અને મારા પહેલા નાટક ‘કરો કંકુના’ની મારી હિરોઇન. ચિરાગ વોરાની વાત કરીએ. સમાંતર રંગભૂમિમાં ચિરાગનું આજે ખૂબ મોટું નામ છે. ચિરાગે કરેલું નાટક ‘માસ્ટર ફૂલમણિ’ જેણે જોયું હશે તેઓ ચિરાગની ઍક્ટિંગને આજે પણ ભૂલ્યા નહીં હોય. હમણાં રિલીઝ થયેલી અને સુપરહિટ થયેલી વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા’માં પણ ચિરાગની ખૂબ સરસ ભૂમિકા છે. ચિરાગ અને વિપ્રા નાટકમાં આવ્યાં. ફિલ્મમાં જે કૃષ્ણનું કૅરૅક્ટર હતું એ નાટકમાં કમલ કટારિયાએ કર્યું હતું. નાટક શરૂ થયું એનાં બેએક વર્ષ પહેલાં જ પરાગ વિજય દત્ત ડ્રામા ઍકૅડમી શરૂ થઈ હતી, જેનો પહેલો બૅચ બહાર આવ્યો હતો. આ પહેલા બૅચમાંથી બે ઍક્ટરને લીધા, રાકેશ વ્યાસ અને સ્નેહલ ડાભી. રાકેશ અત્યારે ટીવી-સિરિયલનો ડિરેક્ટર છે અને સ્નેહલને તમે ‘સત્યા’માં ચંદરના કૅરૅક્ટરમાં જોયો જ છે. ચંદરે જ ફિલ્મનું સુપરહિટ ગીત ‘કલ્લુમામા...’ ગાયું હતું. સ્નેહલે ‘સત્યા’ ઉપરાંત પણ ઘણી ફિલ્મો કરી છે. એ સમયે સ્નેહલ નવોસવો, પણ ઍક્ટર બહુ સરસ. આ ઉપરાંત નાટકમાં હજી એક છોકરી હતી જેનું નામ મેઘા હતું, અટક ભૂલી ગયો છું.
આખી ટીમ રેડી થઈ ગઈ એટલે નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. રિહર્સલ્સ ચાલતાં ગયાં અને પોસ્ટ-પ્રોડક્શનનું બીજું કામ પણ સાથોસાથ ચાલતું ગયું. નાટક ઓપન કરવાની ડેટ પણ નક્કી થઈ ગઈ અને ટાઇટલ પણ ફાઇનલ થઈ ગયું, ‘જમા-ઉધાર.’ નાટકની વાર્તા નાટકના ટાઇટલ સાથે એકદમ બંધબેસતી હતી. પબ્લિસિટીનું કામ પણ જોરશોરથી ચાલુ થઈ ગયું અને નાટક ઓપન થવાનું હતું એના ચાર દિવસ અગાઉ કાન્તિ મડિયાએ મને બોલાવીનું કહ્યું.
‘સંજુ, રવિવારનો શો કૅન્સલ કર, નાટક કાચું છે.’
સાચું કહું તો મને પણ એ દેખાતું હતું. રિહર્સલ્સમાં હું હાજર રહેતો એટલે મને પણ ખબર પડતી હતી કે વધારે રિહર્સલ્સની જરૂર છે, પણ નાટકનું ઓપનિંગ પોસ્ટપોન કરવાની મારામાં હિંમત નહોતી. પબ્લિસિટી ઑલરેડી ચાલુ હતી. થિયેટરનું ભાડું ભરાઈ ગયું હતું અને પહેલા શો માટે ટિકિટબારી પણ ખૂલી ગઈ હતી. જો હવે હું શો કૅન્સલ કરું તો બહુ નુકસાન થાય, પણ મિત્રો સાચું કહું, મારી આ ગણતરી ખોટી હતી. એ સમયે હું જે નુકસાનની ગણતરી કરતો હતો એ ટૂંકા ગાળાનું નુકસાન હતું. મારે સમજવાની જરૂર હતી કે જો એક અઠવાડિયું નાટકનું ઓપનિંગ આગળ વધાર્યું હોત તો નાટક વધારે સારું અને અસરકારક બન્યું હોત, પણ એ વખતે મને સૂઝ્‍યું નહીં અને મેં નાટકના ઓપનિંગની ડેટ અકબંધ રાખી. આ મારા માટે લેસન હતું, શીખ હતી કે જીવનમાં ક્યારેય શૉર્ટ ટર્મ લાભ કે નુકસાનને જોવું નહીં, પણ એને બદલે લાંબા ગાળાનો વિચાર કરવો અને સરવાળા-બાદબાકીના સામાન્ય હિસાબને નહીં, પણ તાળો બેસાડીને આખી વાત વિચારવાની.

‘જમા ઉધાર’ રવિવારે ઓપન થયું. નાટકને બહુ સારો પ્રતિસાદ મળ્યો નહીં. નાટક એકદમ ફ્લૉપ પણ નહોતું એ પણ એટલું જ સાચું. ઠીકઠાક કહેવાય એવું ઍવરેજ રહ્યું. આ નાટકની કલકત્તાની ટૂર પણ અમે કરી હતી. વારંવાર કલકત્તાની વાત હું એટલા માટે કરું છું કે કલકત્તા એક એવું સેન્ટર છે જ્યાં નાટક જોયા વિના રાખવાની પ્રથા નથી. એ લોકોએ ‘જમા ઉધાર’ પણ જોઈને જ રાખ્યું હતું. મને યાદ છે કે ‘જમા ઉધાર’માં અમે સામાન્ય નુકસાની કરી હતી. તોતિંગ નહીં સામાન્ય, પણ એ સામાન્ય નુકસાની જોવાની પણ ન આવી હોત જો અમે નાટક ઓપન કરવાની ઉતાવળ ન કરી હોત.
‘જમા ઉધાર’ પૂરું થયું એટલે વાત આવી નવા નાટકની. અમે ફરી વખત પ્રવીણ સોલંકી સાથે વાત કરી. પ્રવીણભાઈએ પોતાના જ એક જૂના નાટકની વાર્તા કહી. એ નાટકનું જૂનું ટાઇટલ હતું ‘ષડ્‍યંત્ર’. પ્રવીણભાઈનું એ નાટક કાન્તિ મડિયાએ જ ડિરેક્ટ કર્યું હતું. નાટક સુપરહિટ હતું, પણ એને વર્ષો થઈ ગયાં હતાં એટલે પ્રવીણભાઈને લાગતું હતું કે એ નાટક ફરીથી કરી શકાય. ‘ષડ્‍યંત્ર’ નાટક મેં જોયું હતું અને મને ગમ્યું પણ હતું. નક્કી થયું કે નવેસરથી ‘ષડ્‍યંત્ર’ કરીએ. એ નાટકમાં રાજેશ મહેતાનો રોલ બહુ સરસ હતો અને ‘ચક્રવર્તી’ પછી રાજેશ મહેતા સાથે ફરીથી કામ કરવા મળતું હતું એટલે પણ મેં નાટક કરવાની તૈયારી દેખાડી. હકીકત તો એ હતી કે ‘ષડ્‍યંત્ર’ નાટક પછી જ રાજેશ મહેતા બહુ લાઇમલાઇટમાં આવી ગયા હતા. નાટકની બીજી ખાસ વાત એ હતી કે નાટક કૉમેડી-કમ-મર્ડર મિસ્ટરી હતું, જે બનવાનાં લગભગ ઓછાં થવા માંડ્યાં હતાં.

જોકસમ્રાટ
જાહેર નિવેદન: ઇિન્ડિપેન્ડટ મહિલાઓ હંમેશાં પોતાની કામવાળી પર ડિપેન્ડન્ટ હોય છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK