Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જલારામ મંદિરના નિર્માણ માટે ૨ કલાકમાં ૩ કરોડ થયા જમા

જલારામ મંદિરના નિર્માણ માટે ૨ કલાકમાં ૩ કરોડ થયા જમા

26 September, 2012 08:38 AM IST |

જલારામ મંદિરના નિર્માણ માટે ૨ કલાકમાં ૩ કરોડ થયા જમા

જલારામ મંદિરના નિર્માણ માટે ૨ કલાકમાં ૩ કરોડ થયા જમા




સંતશિરોમણિ શ્રી જલારામબાપા, માતુશ્રી વીરબાઈમા તેમ જ ગુરુવર્યશ્રી ભોજલરામજીના મંદિરનું વિસ્તૃત સંકુલ નિર્માણ કરવા માટે શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ દ્વારા રવિવાર, ૧૬ સપ્ટેમ્બરે કાલિદાસ નાટ્યમંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં જલારામભક્તોએ દાનની ઝોળીને છલકાવી દીધી હતી. બે કલાકના ટૂંકા સમયમાં આ મંદિરના નિર્માણ માટે દાનવીરોએ ત્રણ કરોડ રૂપિયા ભેગા કરી આપ્યા હતા જેને લીધે કાર્યક્રમમાં અભૂતપૂર્વ ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમમાં મોટા પડદા પર જલારામબાપાની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને મંડળની વેબસાઇટ લોકાર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં સરલા હરિભાઈ કોઠારી, પ્રભા પોપટ, મંડળના ટ્રસ્ટી કરસનદાસ ધનજી, પ્રેમજી વી. ઠક્કર, રામજી ખીમજી કોઠારી, પ્રમુખ શામજી ગોપાલજી ઠક્કર સાથે ટ્રસ્ટીઓ જમનાદાસ ડોસાભાઈ ગણાત્રા, દિલીપ વૃજલાલ રવાણી, નવીન રામજી કોઠારી તેમ જ મંડળની કારોબારીના પદાધિકારીઓએ દીપપ્રાગટ્ય કર્યું હતું.

સ્વાગત-પ્રવચનમાં પ્રમુખ શામજી ઠક્કરે જલારામભક્તોને સંબોધતાં કહ્યું હતું કે ‘મુંબઈ શહેરમાં અહીં મુલુંડમાં એક અનોખા જલારામબાપાના મંદિરનું નિર્માણ થવાનું છે જેને લીધે મુલુંડમાં સોનાનો સૂરજ ઊગ્યો છે.’

ત્યાર બાદ ટ્રસ્ટી દિલીપ રવાણીએ જલારામ મંદિરની ડોનેશન સ્કીમની ભક્તોને અને દાતાઓને સમજણ આપી હતી. લોહાણા સમાજ માટે આ નવતર પ્રયોગ હતો જેમાં દાતાઓએ નાણાકીય સ્રોત વહાવીને પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો.

શ્રી જલારામ બાપાના મંદિર/સંકુલ તેમ જ સમાજસેવાકીય પ્રવૃત્તિઓ માટે મુલુંડ-વેસ્ટના સેવારામ લાલવાણી રોડ પર ૨૨૫ ચોરસ મીટરનો વિસ્તૃત પ્લૉટ જલારામબાપાની પ્રેરણાથી શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડને જલારામ ડેરીવાળા સ્વ. વેલજી લાલજી સોતા, ચત્રભુજ વિશ્રામ રાજલ, સ્વ. અમૃતલાલ મોરારજી, સ્વ. હેમરાજ લાલજી તરફથી ભેટ મળ્યો હતો. ત્યાર બાદ મકાનના ચાર માળ માટે ગંગાસ્વરૂપ નર્મદા ઉમરશીભાઈ ગણાત્રા પરિવાર, નવીન રામજી કોઠારી પરિવાર, જમનાદાસ ડોસાભાઈ ગણાત્રા પરિવાર, જમનાદાસ કાનજી ઠક્કર પરિવાર, મનસુખલાલ માધવજી પલણ પરિવાર અને નવીન ઉમરશી ગણાત્રા પરિવારે દાનની પેટી છલકાવી દીધી હતી. તેમની સાથે પ્રદીપ જમનાદાસ કારિયા, સ્વ. શંકરલાલ દામજી ભંગદે, માધવજી દામજી કતીરા, મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ, નારાણજી ચત્રભુજ માણેક, ભાગીરથીબહેન નારાણજી માણેક, સ્વ. વીસનજી કોરજી ટારી (સેજપાલ) પરિવાર, દિલીપ વૃજલાલ રવાણી, ભરત હંસરાજ દનાણી, સ્વ. સુંદરબાઈ ગોપાલજી દામજી ભંગદે પરિવાર, સ્વ. દેવજી નારાણજી તન્ના પરિવાર, સ્વ. સુશીલા મૂલજીભાઈ ચંદન, સ્વ. સાકરબાઈ વાલજીભાઈ કોટક, બબીબાઈ ઉકેડાભાઈ મામોટિયા, સ્વ. પરસોત્તમ કાનજી ગિયાસોતા પરિવાર, સ્વ. સાવિત્રી હીરાલાલ ઠક્કર, ક્રિશ લક્ષ્મીચંદ શાહ, ડૉ. પુષ્પા રામજી સેજપાલ, કુસુમ પ્રવીણચંદ્ર શેઠ અને અન્ય દાતાઓએ થઈને એક કરોડ રૂપિયા દાનમાં આપતાં આ પ્રોજેક્ટને એક જોશ મળ્યું હતું.

નેતાજી સુભાષ રોડ પર આવેલા શ્રી રામાયણ જ્ઞાનમંદિરમાં પૂજ્ય ઓધવરામજી મહારાજના સાંનિધ્યમાં સંવત ૨૦૧૧ અષાઢ સુદ બીજ ને મંગળવાર ૨૧ જૂન, ૧૯૫૫ના રોજ કચ્છી ભાંડુઓના નવા વર્ષના દિવસે શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડની સ્થાપના કરવામાં આવી હતી. સમાજોપયોગી પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં આ મંડળના કાર્યાલય માટેની માગ ઊભી થતાં મંડળના સ્થાપક સભ્ય તથા ખાસ સેવાભાવી જલારામભક્ત સ્વ. ગોપાલજી દામજી ભંગદે-કોઠારાવાળા (બાબુભાઈ મોટા)ના અથાક પરિશ્રમ અને પ્રવૃત્તિ થકી ૧૯૭૭-’૭૮માં મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલા સી/૪, નવીન મંજુ સોસાયટીમાં બીજે માળે મંડળના કાર્યાલયની જગ્યા લેવામાં આવી હતી. એને જોતજોતામાં શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડે બીજમાંથી વટવૃક્ષનું રૂપ આપી દીધું હતું અને હવે મુલુંડમાં જલારામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાના આરે છે.

ભંડોળ અને વ્યવસ્થાપન સમિતિના નવીન ગણાત્રા, કીર્તિ દયાલજી કોઠારી, પ્રદીપ કારિયા, મુકેશ સોમૈયા, ગિરીશ કોઠારી તેમ જ કાર્યક્રમ વ્યવસ્થાપન સમિતિના લાલજીસર, જિજ્ઞેશ ખિલાણી, મેહુલ કારિયા, પ્રકાશ ચંદે સહિત જિતુ ગણાત્રા, દીપેશ સોમૈયા, વસંત વેલજી, ચેતનભાઈ (સાહેબજી), પ્રજ્ઞેશ ભંગદે, સમીર ધીરાવણી અને અન્ય કાર્યકર્તાઓએ દિવસ-રાત જહેમત ઉઠાવી આ આયોજનના વિવિધ તબક્કાઓને સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2012 08:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK