પ્રીતિ ખુમાણ
ભાઈંદર, તા. ૩૦
મૃત્યુ પામનાર રાજેન્દ્ર શાહ નૂતન ૩૭ વીસા શ્રીમાળી જ્ઞાતિના અગ્રણી વ્યક્તિ અને ભટેવા દેરાસરના ટ્રસ્ટી હતા. છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી તેઓ બાવન જિનાલય પાસે દેવચંદનગરના અરિહંત અપાર્ટમેન્ટમાં રહેતા હતા.
તેમની ઓળખ મિની પોલીસ-સ્ટેશન તરીકે થતી અને તેઓ હંમેશાં ગરીબોને મદદ કરતા હતા. જોકે તેમનો સ્વભાવ થોડો આકરો હતો. ઘરની નજીકમાં જ તેમની ખુશ્બૂ એસ્ટેટ એજન્સીની ઑફિસ હતી અને આ ઑફિસ તેમના બીજા ઘર જેવી હતી. ઘર નજીક હોવા છતાં તેમનું ટિફિન ઑફિસમાં આવતું હતું. આ ઑફિસમાં જ ગઈ કાલે સાંજે તેમનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડેલો મળી આવ્યો હતો.
ગઈ કાલે સાંજે તેમની ઑફિસની આસપાસના લોકોએ દરવાજો ખખડાવતાં કોઈ પ્રત્યુત્તર ન મળતાં આખરે દરવાજો ખોલી નાખવામાં આવ્યો ત્યારે તેમણે રાજેન્દ્ર શાહને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. ઑફિસનો સામાન વેરવિખેર પડ્યો હતો અને આખી ઑફિસમાં ચારે તરફ લોહીના છાંટા ઊડ્યા હતા.
રાજેન્દ્ર શાહ પર ચાકુથી અથવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. તેમના હાથ અને કમર પર ચાકુના ઘા માર્યાનાં નિશાન હતાં. રાજેન્દ્ર શાહના ગળામાં હંમેશાં ૧૦ તોલાની સોનાની ચેઇન, દરેક આંગળી પર સોનાની વીંટી, કાંડા પર જાડું બ્રેસલેટ અને મોંઘી ઘડિયાળ જોવા મળતી હતી. જોકે ગઈ કાલે સાંજે તેમના મૃતદેહ પરથી આ મૂલ્યવાન વસ્તુઓ ગાયબ હતી. પોલીસે ઘટનાસ્થળની તલાશી લેતાં ઑફિસમાંથી બે હેર-ક્લિપ મળી આવી હતી.
પોલીસે રાજેન્દ્ર શાહના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે એમ ભાઈંદરના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ) સુધીર કુડાળકરે કહ્યું હતું. ઘટનાસ્થળની મુલાકાત થાણેના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી) રાજકુમાર મોર અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ડીવાયએસપી) પ્રશાંત દેશપાંડેએ લીધી હતી. ઘટનાસ્થળનું ડૉગ-સ્ક્વૉડે નિરીક્ષણ કર્યું હતું. જોકે આ હત્યામાં ગુનેગાર સુધી દોરી જાય એવી કોઈ કડી પોલીસને હાથ નથી લાગી. આ પરિસર ભીડભાડભર્યો હોવા છતાં ઑફિસમાં ઘૂસી જઈને કેવી રીતે તેમની હત્યા કરવામાં આવી હશે એ તપાસનો વિષય છે.
એક કડક સ્વભાવના અને લોકોના ઝઘડાનું નિરાકરણ લાવી આપનાર વ્યક્તિની હત્યા થવાથી અહીંના રહેવાસીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. રાજેન્દ્ર શાહના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને તેમનાં સંતાનોનો સમાવેશ છે.