Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શાંતિ-રૅલીને વાર નહીં લાગે ક્રાન્તિ-રૅલી થતાં

શાંતિ-રૅલીને વાર નહીં લાગે ક્રાન્તિ-રૅલી થતાં

27 August, 2012 05:10 AM IST |

શાંતિ-રૅલીને વાર નહીં લાગે ક્રાન્તિ-રૅલી થતાં

શાંતિ-રૅલીને વાર નહીં લાગે ક્રાન્તિ-રૅલી થતાં


jain-maharellyજૈનોની મુલુંડમાં ગઈ કાલે યોજાયેલી વિરાટ રૅલીમાં સરકાર પાસે મૂર્તિને ખંડિત કરનારાઓને પકડવાની માગણી કરતાં પણ મહત્વની માગણી એ કરવામાં આવી હતી કે ઉત્તર પ્રદેશના લખનઉમાં ૧૭ ઑગસ્ટે ભગવાન મહાવીરની અને ગુરુ ગૌતમની મૂર્તિને સરકારના ખર્ચે નવી બનાવી એના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવે. આ બાબતની માગણી કરતું એક આવેદનપત્ર મુલુંડના ચાર ફિરકાઓના અગ્રણીઓએ જઈને મુલુંડપોલીસને ગઈ કાલે સુપરત કર્યું હતું.

જૈનોના ચારે ફિરકાઓની આ રૅલીમાં જોડાયેલા ૯૦૦૦થી પણ વધુ આબાલવૃદ્ધો-યુવાનો ગઈ કાલે સવારે મુલુંડના વીણાનગર જૈન સંઘમાંથી નીકળી મુલુંડના રાજમાગોર્ પર ફરીને મુલુંડ પોલીસ-સ્ટેશન ગયા હતા, જ્યાં અગાઉથી તૈયાર થયેલા આવેદનપત્રને ત્યાં હાજર રહેલા પોલીસ-અધિકારીઓને સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં જૈનોએ ત્રણ માગણી કરી હતી : એક, મહાવીરસ્વામીની મૂર્તિને ખંડિત કરનારાઓની સરકાર વહેલામાં વહેલી ધરપકડ કરવા માટે પગલાં લે. બે, સરકાર એના ખર્ચે મહાવીરસ્વામીની મૂર્તિ મર્યાદિત સમયમાં બનાવીને આપે અને એને એના મૂળ સ્થાને સ્થાપિત કરે અને ત્રણ, મહાવીરસ્વામીની મૂર્તિની અવહેલના થઈ રહી હતી એ સમયે હાજર રહેલી પોલીસને સરકાર તરત જ બરતરફ કરે.



રૅલીની પૂર્ણાહુતિ પછી મુંબઈના જૈન સામાજિક કાર્યકર આર. કે. જૈન ઉત્તર પ્રદેશની સરકાર સાથે વાતચીત કરવા અને મુલુંડના જૈન સમાજનો ત્યાંની સરકાર સુધી અવાજ પહોંચાડવા ગઈ કાલની રૅલીની બધી જ વિગતો, સી.ડી., વિડિયો, આવેદનપત્રની કૉપી જેવા અનેક દસ્તાવેજો લઈને લખનઉ જવા નીકળી ગયા હતા. ત્યાં તેઓ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને સરકારના અન્ય પ્રધાનો સાથે મીટિંગ કરી જૈનોના ભગવાનની મૂર્તિ ખંડિત થવાથી જૈનોની દુભાયેલી લાગણી અને તેમનામાં પ્રવર્તી રહેલા રોષની રજૂઆત કરી સરકારને વિનંતી કરશે કે એ એવાં પગલાં લે જેનાથી ઉત્તર પ્રદેશની સરકાર પર જૈનોનો વિશ્વાસ અડગ બને.


રૅલીને સંબોધવા અનેક સાધુસંતો હાજર થયા હતા. આ રૅલી પ્રસંગે વીણાનગરમાં બિરાજમાન આચાર્ય સાગરચંદ્રસાગરજી મહારાજસાહેબ અને દિગમ્બર સંપ્રદાયના આચાર્ય કુશાગ્રનંદીજીએ જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘દરેક રાજ્યની સરકારે જૈનોની સાથે બની રહેલી આવી ઘટનાને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. અમે અહિંસક છીએ અને રહીશું, પણ ગઈ કાલે નીકળેલી શાંતિ-રૅલી ત્યાં સુધી શાંતિ-રૅલી રહેશે જ્યાં સુધી અમે શાંતિપ્રિય છીએ. નહીંતર આ શાંતિ-રૅલીને ક્રાન્તિ-રૅલી થતાં વાર નહીં લાગે.’

નાલાસોપારામાં મહારૅલી


લખનઉમાં ૧૭ ઑગસ્ટે મહાવીરસ્વામી અને ગૌતમ બુદ્ધની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. એ સિવાય અલ્લુરુ, ગુલબર્ગા અને કર્ણાટકમાં ભગવાન આદિનાથની મૂર્તિ તોડવામાં આવતાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રોષની લાગણી વધુપડતી મુંબઈમાં જોવા મળી છે. ગઈ કાલે બપોરે બે વાગ્યે નાલાસોપારાથી એના વિરોધમાં રૅલી કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ એને સભામાં પરિવર્તિત કરવામાં આવી હતી.

નાલાસોપારા (ઈસ્ટ)ના સાલાસર પાર્ક વિસ્તારમાં આવેલા પાશ્વર્નાથ દિગમ્બર જૈન મંદિર દ્વારા ગઈ કાલે બપોરે બે વાગ્યે એક મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલી નાલાસોપારા (ઈસ્ટ)ના ટાંકી રોડથી તુલિંજ રોડ, સેન્ટ્રલ પાર્ક, દત્ત મંદિર પાસેથી પસાર થતી દેરાસરમાં સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ પહોંચીને સભામાં પરિવર્તિત થઈ હતી.

ચાતુર્માસ માટે પધારેલા મુનિપ્રવર ૧૦૮ જયકીર્તિ મ.સા. અને પ.પૂ. પ્રયત્નસાગરજી મ.સા.ની નિશ્રામાં આ રૅલી કાઢવામાં આવી હતી. રૅલીમાં જૈન મહાસંઘના ૨૦૦થી ૨૫૦ લોકો સહભાગી થયા હતા. દિગમ્બર જૈન મંદિરના અધ્યક્ષ હસમુખ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈનોના ભગવાનની મૂર્તિ તોડી એ એક મહાપાપ છે જેને કારણે જૈનોની લાગણી ભારે દુભાઈ છે. આ પાપ સામે અમે વિરોધ દર્શાવ્યો છે. અમે ફરી મહારૅલી કાઢવાનું વિચારી રહ્યા છીએ. આગળ શું કરવું એ નક્કી કરવા અમે એક બેઠક યોજી છે. મહારાજસાહેબની નિશ્રામાં આ બેઠક યોજવામાં આવી હતી.’

મલાડમાં મહારૅલી

સ્ત્રીભ્રૂણહત્યા અને ગૌહત્યા રોકવાના પૂર્વનિર્ધારિત મુદ્દાઓ સહિત લખનઉમાં મહાવીર ભગવાનની પ્રતિમાની અવહેલના અને કર્ણાટકમાં આદિનાથ ભગનાનની પ્રતિમાની તોડફોડના મુદ્દાને ઉજાગર કરતાં બૅનરો લઈને હજારોની સંખ્યામાં જૈન શ્રાવકોએ આજની મલાડની રૅલીમાં ભાગ લીધો હતો.  

દિગમ્બર જૈન મુનિશ્રી પ્રતીકસાગરજી મહારાજસાહેબના નેતૃત્વમાં નીકળેલી એ રૅલીમાં જૈનોના ચારે ફિરકાઓના શ્રાવકો જોડાયા હતા, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. કાંદિવલીમાં મુનિસુવ્રત જૈન દેરાસરમાંથી પણ એક રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મલાડની રૅલીમાં જૉઇન થઈ હતી. આ રૅલીનું નેતૃત્વ વિરાગસાગરજી મ.સા. અને વિનમþસાગરજી મ.સા એ કર્યું હતું, જેમાં અંદાજે પ૦૦ જેટલા શ્રાવકો જોડાયા હતા. રૅલીમાં જૈનોએ ‘દેખને સે કુછ નહીં હોતા, ઘર સે બાહર નિકલના હોગા’, ‘મૂર્તિ તોડને વાલે કો સજા કરો સજા કરો’, ‘જૈનમ જયતી શાસનમ’, ‘મહાવીરસ્વામીને ક્યા બતલાયા, જિયો ઔર જીને દો’ જેવા નારાઓથી વાતાવરણ ગજવી મૂક્યું હતું.   

સમસ્ત મુંબઈ લેવલ પર લખનઉમાં મહાવીર ભગવાનની પ્રતિમાની અવહેલના અને કર્ણાટકમાં આદિનાથ ભવનાનની પ્રતિમાની તોડફોડને મુદ્દે વિરોધ નોંધાવવા રણનીતિ બનાવવા આવતી કાલે વિલે પાર્લે‍માં ગણિવર્ય પૂજ્ય લબ્ધિચંદ્રસાગરજી, વિરાગસાગરજી મ.સા. અને વિનમþસાગરજી મ.સા.ની નિશ્રામાં મહાસુખ ભવનમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રૅલી સભામાં ફેરવાયા બાદ એમાં કૉન્ગ્રેસ અને બીજેપીના નેતાઓનું જૈન શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2012 05:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK