અહિંસા-લૉબી ઊભી કરવા જૈન મહારાજસાહેબોની શસ્ત્રો ઉપાડવાની હાકલ

Published: 17th December, 2012 02:45 IST

ગઈ કાલે દાદરમાં યોજાયેલા મહાઅધિવેશનમાં નિર્ણય લેવાયો કે ૧૦ મુદ્દાના ઍક્શન-પ્લાનમાં સૌપ્રથમ એક લાખ અહિંસા પરિવારોનું મહાસંગઠન તેમ જ ૧૧ લાખ અહિંસાપ્રેમીઓની વોટ-બૅન્ક પણ બનાવવામાં આવશેબકુલેશ ત્રિવેદી

દાદર, તા. ૧૭

દેશના પશુધનની કતલ કરીને માંસની નિકાસ કરતી મીટ-લૉબીને લડત આપવા અહિંસા-લૉબી ઊભી કરવાના વિચાર સાથે અહિંસા સંઘના નેજા હેઠળ ગઈ કાલે દાદરમાં જૈનોનું એક મહાઅધિવેશન યોજાયું હતું.
એમાં કોલાબાથી કલ્યાણ અને વાલકેશ્વરથી વિરાર સુધીનાં ૨૫૦થી ૩૦૦ જેટલાં વિવિધ યુવક મંડળોના સેંકડો પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મુનિરાજ વિરાગસાગરજી મહારાજસાહેબ અને વિનમ્રસાગરજી મહારાજસાહેબ અહિંસાના આ અભિયાન માટે છેલ્લાં ત્રણ વર્ષથી લડત ચલાવી રહ્યા છે. વિરાગસાગરજી મ.સા.એ આ વિશે યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે ‘આપણો જૈન ધર્મ અહિંસાના પાયા પર રચાયો છે. જૈન ધર્મના બધા જ ગુરુભગવંતોએ અહિંસાને આગળ કરી છે, પણ જ્યારે ધર્મની રક્ષાની વાત આવી છે ત્યારે ધર્મરક્ષકોએ હાથમાં શસ્ત્રો પણ ધારણ કયાર઼્ છે. યુવાનો, તમે ક્યાં સુધી સૂતા રહેશો? ક્યાં સુધી મૌન રહેશો? આપણા ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કરવી હશે તો હવે શસ્ત્રો ઉઠાવવાં જ પડશે, સશસ્ત્ર ક્રાન્તિ કરવી પડશે; માત્ર માળા જપવાથી કશું નહીં થાય. આપણે જ આપણી રક્ષા કરવી પડશે. જેમ શાસ્ત્ર વગર શસ્ત્ર અધૂરાં હોય છે એમ શસ્ત્ર વગર શાસ્ત્ર પણ અધૂરાં હોય છે. બધા કહે છે કે આપણું રક્ષણ કરવા ભગત સિંહ જેવો કોઈ વીર જન્મ લે. સાથે એવી પણ ઇચ્છા રાખે છે કે તે મારા ઘરમાં નહીં, બાજુવાળાના ઘરમાં જન્મ લે. આવી માનસિકતા છોડવી પડશે. આપણે જ આપણું રક્ષણ કરવા આગળ આવવું પડશે. ભગવાન કૃષ્ણે પણ તેમની અંતિમ પળોમાં કહ્યું હતું કે હું હવે આ ધરતી પર અવતાર નથી લેવાનો, કારણ કે તું જ તારો પોતાનો ઉદ્ધાર કરવા સક્ષમ છે; તારામાં જ અમાપ શક્તિ છુપાયેલી છે એને બહાર કાઢ અને લડ.’

યુવાનોમાં પોતાની વાણીથી શક્તિનો સંચાર કરતાં તેમણે વધુ એક ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘મોગલોએ કાળો કેર વર્તાવ્યો ત્યારે શિવાજીને સ્વામી રામદાસે કહ્યું હતું કે આમની સામે લડ. ત્યારે શિવાજીએ કહ્યું હતું કે હું એકલો આ લોકો સામે કઈ રીતે લડી શકીશ, મારી પાસેના મુઠ્ઠીભર માવળાઓ તેમની સેના સામે કઈ રીતે લડી શકશે, આ મારું કામ નહીં; તમે મને ભગવો આપો, મારી ઇચ્છા ભગવો લઈને સંન્યાસી બનવાની છે. ત્યારે સંત રામદાસે તેમને કહ્યું હતું કે તારે ભગવો પહેરવાનો નહીં, ભગવો લહેરાવવાનો છે; તારે હિન્દવી સ્વરાજ્યનું મહારાષ્ટ્ર ઊભું કરીને એના પર આ ભગવો લહેરાવવાનો છે; તું એકલો નહીં પણ તું ‘એકડો’ છે; તારી સાથે જોડાવા હજારો નહીં, લાખોની સંખ્યામાં મીંડાં તૈયાર બેઠાં છે; આજે રાષ્ટ્રને અને ધર્મને તારા જેવા વીરની જરૂર છે.’         

અહિંસા સંઘ, મુંબઈએ આયોજિત કરેલા વિદેશમાં માંસનું એક્સર્પોટ કરતી મીટ-લૉબી સામે અહિંસા-લૉબીના આ અભિયાનને સફળ બનાવવા ગઈ કાલના મહાઅધિવેશનમાં ૧૦ મુદ્દાનો ઍક્શન-પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. એમાં સૌપ્રથમ મજબૂત નેટવર્ક ઊભું કરવાના આશય સાથે એક લાખ અહિંસા પરિવારોનું મહાસંગઠન બનાવવામાં આવે એ માટે રજૂઆત કરવામાં આવી હતી. માંસાહાર અને માંસમાંથી બનતી વાનગીઓનો સંપૂર્ણ ત્યાગ, ચામડાંની બનાવટોનો ઉપયોગ ન કરવો, વેજ અને નૉન-વેજ બન્ને વાનગીઓ પીરસાતી હોય એવી હોટેલોમાં ભોજન ન કરવું, મહિનામાં માત્ર એક કલાક અહિંસાના પ્રચાર માટે ફાળવવો અને મહિને ઓછામાં ઓછું ૧૦૦ રૂપિયાનું આ હેતુ માટે દાન આપવું જેવા પાંચ નિયમો જે પરિવાર પાળી શકે એવા એક લાખ પરિવારને આ અભિયાનમાં જોડવામાં આવશે અને તેમનું સંગઠન બનાવવામાં આવશે.  

જો સરકારને આ માંસ એક્સર્પોટ બંધ કરવા કહેવું હશે તો એ માટે સંગઠન-યુનિટીની જરૂર પડશે. જો હજારો અને લાખોની સંખ્યામાં લોકો આ લડતમાં જોડાય તો સરકારે પણ એ વાત સાંભળવી પડશે અને એ માટે ૧૧ લાખ અહિંસાપ્રેમીઓની વોટ-બૅન્ક બનાવવી પડશે. આ વિશે માહિતી આપતાં મુનિરાજ વિનમ્રસાગરજીએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ત્રણ લાખ બિલ્ડિંગો છે. એમાંથી એક લાખ બિલ્ડિંગોમાં જૈનો રહે છે એટલે આપણે આ સંગઠન બનાવવા બહાર જવાની જરૂર નથી. આપણા બિલ્ડિંગથી જ એની શરૂઆત થઈ શકે. એક બિલ્ડિંગમાં ઓછામાં ઓછા ૧૦ ફ્લૅટ હોય અને એક ફ્લૅટમાં માત્ર બે જ વ્યક્તિ વોટ આપી શકતી હોય તો તેમને આપણે સમજાવવાનું રહેશે કે જે વ્યક્તિ આ આંદોલનને સર્પોટ કરે તેને મત આપો. સરકારની આ ખોટી નીતિનો વિરોધ કરે તે ઉમેદવારને જ મત આપો. જો આ શક્ય બનશે તો ૨૦ લાખ અહિંસાપ્રેમીઓની વોટ-બૅન્ક તૈયાર થઈ શકશે. બિલ્ડિંગ કો-ઑર્ડિનેટર, પછી તેની આગળ એરિયા કમિટી, એ પછી એ વિસ્તારના ઈસ્ટ-વેસ્ટના સહાયકો અને એ સ્ટેશનના મુખ્ય કો-ઑર્ડિનેટર પાસે એ વિગતો પહોંચશે અને આમ અહિંસાપ્રેમીઓની વોટ-બૅન્ક તૈયાર કરવામાં આવશે.’

અહિંસા-લૉબી બનાવવા આ અધિવેશનમાં અહિંસા ગ્રુપનો મુદ્દો પણ માંડવામાં આવ્યો હતો. રાજકારણીઓ સાથે કૉન્ટૅક્ટ રાખી શકે એ માટે પૉલિટિશ્યન કૉન્ટૅક્ટ ગ્રુપ, વિધિકાર ગ્રુપ, સંગીતકાર ગ્રુપ, ધાર્મિક અને વ્યાવહારિક ટીચર્સ ગ્રુપ બનાવવામાં આવશે જે અનેક લોકોને આ આંદોલન સાથે સાંકળીને સંગઠનને મજબૂત બનાવશે.

જૈનો પાસે રૂપિયા છે, પણ માત્ર રૂપિયાના જોર પર જીવદયા નહીં થઈ શકે. આપણે યુવાનોની એવી ટીમ, એવી સેના બનાવવી પડશે જે માત્ર મની અને માઇન્ડ જ નહીં પણ જરૂર પડે તો મસલ-પાવરનો પણ ઉપયોગ કરી શકે. વિનમ્રસાગરજી મ.સા.એ કહ્યું હતું કે ‘જૈન કિસી કો છેડતા નહીં ઔર કિસીને ઉસકો છેડા તો વો ઉસે છૌડતા નહીં. આ સેના માટે એમ કહેવામાં આવશે કે એક હાથ મેં માલા, એક હાથ મેં ભાલા. આ યુવાનો ગેરકાયદે પ્રાણીઓને કતલખાને લઈ જતી ટ્રકોને રોકશે અને પ્રાણીઓને બચાવીને ગેરકાયદે કતલખાનાંઓને બંધ કરાવશે.’ 

આ અધિવેશનમાં અનેક ગુજરાતી અને રાજસ્થાની રાજકારણીઓએ હાજરી આપી હતી. મીરા-ભાઈંદરના નગરસેવક નરેન્દ્ર મહેતા તથા હાલના નગરસેવક અને ભૂતપૂર્વ મેયર નરેન્દ્ર મહેતાએ પણ એમાં હાજરી આપી હતી. તેમણે પોતાનો સ્વ-અનુભવ વર્ણવતાં કહ્યું હતું કે ‘૨૦૦૭માં માત્ર બે જ જૈન નગરસેવકો મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં હતા. એ વખતે ભાઈંદરમાં નવું કતલખાનું બનાવવાનો સરકારનો પ્લાન હતો, પણ અમે એ વિશે જોરદાર લડત ચલાવી હતી. ભાઈંદરના ૨૫,૦૦૦ અહિંસાપ્રેમીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો જેને કારણે એ કતલખાનું બનાવવાનું સરકારે માંડી વાળવું પડ્યું હતું. જો આપણે યુનિટી દર્શાવીશું તો આપણી વાત માન્ય કરાવી શકીશું. જો સિસ્ટમ બદલવી હોય તો સિસ્ટમમાં અંદર આવીને એ બદલવી પડે એટલે વધુ ને વધુ જૈનો અને અહિંસાપ્રેમીઓ સક્રિય રાજકારણમાં આવે અને એમાં ભાગ લે એ જરૂરી છે.’

વિનમ્રસાગરજી મ.સા.એ કહ્યું હતું કે ‘મુંબઈમાં વિવિધ ૧૫૦૦ માર્કે‍ટ છે જેમાં જૈનો મોટી સંખ્યામાં સંકળાયેલા છે. એથી દરેક માર્કે‍ટમાં પહેલાં માત્ર ૧૦-૧૦ જણની આ અહિંસા-લૉબી માટે ગ્રુપ બનાવવામાં આવે તો એની સંખ્યા પણ ૧૫,૦૦૦ સુધી પહોંચી શકે જે આગળ જતાં લાખ્ખોમાં ફેરવાય. જૈનો પૉલિટિક્સિમાં આવે. યુવાનોના એવાં ગ્રુપ બનાવવામાં આવશે કે જે પોલીસ-સ્ટેશનની રેગ્યુલર મુલાકાત લઈ તેમના ટચમાં રહેશે. જૈનોને તેમની ઍક્ટિવિટી કરવામાં અડચણ આવશે તો તેઓ તેમને તરત સહાય કરશે. સંગઠન વડે જ શક્તિ ઊભી થશે. આ બધું કરવું અઘરું જરૂર છે, પણ અશક્ય નથી.’ 

રાજસ્થાનમાં મૂર્તિખંડનને લીધે જૈનોમાં રોષ

રાજ્સ્થાનના ગોડવાડમાં આવેલા જૈનોનાં પાંચ તીર્થના નારલાઈ તીર્થધામમાં આવેલા નેમિનાથ ભગવાનની ૬૦૦૦ વર્ષ જૂની અને રોજ પૂજાતી મૂર્તિનું મસ્તક ૧૨ ડિસેમ્બરે અલગ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે પણ જૈનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ માટે વિરોધ-પ્રદર્શન કઈ રીતે કરી શકાય એ માટે આજે એક મીટિંગનું આયોજન દાદરમાં કરવામાં આવ્યું છે, જેમાં મુનિરાજ વિરાગસાગરજી અને વિનમ્રસાગરજી આ વિશે યુવાનો સાથે ચર્ચા કરશે અને ઍક્શન-પ્લાન બનાવશે.’

અહિંસાને પ્રમોટ કરતી ફિલ્મ

૬ જાન્યુઆરીએ મરીન લાઇન્સમાં આવેલા બિરલા માતુશ્રી સભાગૃહમાં ૧ કલાક ૫૦ મિનિટની અહિંસાને પ્રમોટ કરતી ફિલ્મ ‘મૈં ગોરક્ષક’ રિલીઝ કરવામાં આવશે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK