Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભગવાન મહાવીર અને જયંતીનો પ્રેરક વાર્તાલાપ

ભગવાન મહાવીર અને જયંતીનો પ્રેરક વાર્તાલાપ

21 July, 2019 12:38 PM IST | મુંબઈ ડેસ્ક
ચીમનલાલ કલાધર - જૈન દર્શન

ભગવાન મહાવીર અને જયંતીનો પ્રેરક વાર્તાલાપ

મહાવીર

મહાવીર


જૈન દર્શન

ભગવાન મહાવીરના સમયમાં કૌશંબીનગરીમાં જયંતી નામની રાજકુમારી હતી. કૌશંબીના રાજા શતાનિકની તે બહેન હતી. પરમ શ્રમણોયાસિકા અને જૈન ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાળી હતી. ભગવાન મહાવીર જ્યારે કૌશંબીના ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા ત્યારે ભગવાનની વ્યાખ્યાનસભામાં રાજકુમારી જયંતીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ભગવાને તેના સુંદર અને માર્મિક ઉત્તરો આપ્યા હતા. રાજકુમારી જયંતીની આ જિજ્ઞાસાભરી તત્ત્વ પ્રશ્નોત્તરીથી એ સમયની સ્ત્રીઓ પણ કેટલી ભણેલીગણેલી અને જ્ઞાનવિદ્યામાં પારંગત હતી એ જણાઈ આવે છે. ભગવાન મહાવીરના પ્રત્યુત્તરોથી પ્રભાવિત થયેલી જયંતીએ એ પછી ભગવાન પાસે સાધ્વીપદ સ્વીકારીને પોતાનું જીવન સાર્થક કર્યું હતું. ભગવાન મહાવીર અને જયંતી વચ્ચે જે વાર્તાલાપ થયો એ આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. સંસારનું રહસ્ય સમજાવનારો ભગવાન મહાવીર અને જયંતી વચ્ચે જે વાર્તાલાપ થયો એ આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. સંસારનું રહસ્ય સમજાવનારો ભગવાન મહાવીર અને જયંતી વચ્ચેનો આ અર્થગર્ભિત સંવાદ સુજ્ઞ વાચકો માટે અત્રે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.



જયંતી : હે પ્રભુ, આ જગતમાં ઊંઘવું સારું કે જાગવું સારું?
ભગવાન : કેટલાક જીવોનું ઊંઘવું સારું તો કેટલાક જીવોનું જાગવું સારું.
જયંતી : હે ભગવંત, ઊંઘવું કે જાગવું એ બેમાંથી એક વાત સારી હોઈ શકે. બે પરસ્પર વિરોધી વાતો એકસાથે કેવી રીતે સારી
હોઈ શકે?
ભગવાન : અધર્મ માર્ગના પ્રવાસી, અધર્માચરણ કરનારા અને અધર્મથી જીવન નિર્વાહ કરનારા જીવો ઊંઘે છે ત્યાં સુધી એ હિંસાથી બચે છે અને બીજા જીવો ત્રાસથી બચે છે. એનું ઊંઘવું એને માટે અને અન્યો માટે સારું છે.
જયંતી: હે નાથ, આપની વાત સ્પષ્ટ સમજાય છે, પરંતુ હવે જાગવું કોનું સારું?
ભગવાન : જે જીવો દયાળુ છે, સત્યવાદી છે, અણહકનું લેતા નથી, સુશીલ છે, અસંગ્રહી છે એવા લોકો જાગે એમાં તેની જાતનું અને જગતનું બન્નેનું કલ્યાણ છે.
જયંતી : દયાળુ, જીવ ભારે કેમ થાય છે?
ભગવાન : હિંસા, જૂઠ, ચોરી, અનાચાર અને સંઘરવાની વૃત્તિ વગેરે અઢાર પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે અને જીવનું ભ્રમણ વધે છે.
જયંતી : હે પરમ જ્ઞાની, જીવો બળવાન સારા કે નિર્બળ સારા?
ભગવાન : ધર્મી જીવો બળવાન સારા, તેઓ પુરુષાર્થ દ્વારા પોતાનું અને પારકાનું કલ્યાણ કરે છે. અધર્મી જીવો નિર્બળ સારા, પોતાની નિર્બળતાથી તે પારકાને પીડા પહોંચાડી શકતા નથી અને પોતાની જાતનું પણ ઘણું અકલ્યાણ કરી શકતા નથી.
જયંતી : હે દીનાનાથ, જીવ કયા કર્મના ઉદયથી સુખી થાય છે?
ભગવાન : જે જીવો ગુરુનો, દેવનો અને સાધુનો વિનય કરે, કડવા વચન બોલે નહીં, આવા જીવો સુખી અને સર્વમાં લોકપ્રિય થાય છે.
જૈન આગમ ગ્રંથોમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચેનો વાર્તાલાપ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશે સુંદર પ્રકાશ પાડે છે. તો ભગવાન મહાવીર અને જયંતી વચ્ચેનો તત્ત્વબોધ કરાવતો માર્મિક સંવાદ અસાર એવા આ સંસારના સ્વરૂપને ખુલ્લું કરે છે. આજે અઢી હજાર વર્ષો પછી પણ ભગવાન મહાવીરની અમૃતવાણી અનેક જીવોને તારનારી, ધર્મમાર્ગે લઈ જનારી, દીવાદાંડી સમી બની રહે છે. ભગવાન મહાવીરને અગણિત વંદના હો?


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 12:38 PM IST | મુંબઈ ડેસ્ક | ચીમનલાલ કલાધર - જૈન દર્શન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK