Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવકારમંત્ર ગ્રહણવિધિ નવકારને આત્મસાત્ કરવાની એક પ્રક્રિયા

નવકારમંત્ર ગ્રહણવિધિ નવકારને આત્મસાત્ કરવાની એક પ્રક્રિયા

17 March, 2019 01:44 PM IST |
ચીમનલાલ કલાધર

નવકારમંત્ર ગ્રહણવિધિ નવકારને આત્મસાત્ કરવાની એક પ્રક્રિયા

નવકારમંત્ર ગ્રહણવિધિ નવકારને આત્મસાત્ કરવાની એક પ્રક્રિયા


જૈન દર્શન

ગતાંકમાં નવકાર ગ્રહણવિધિ વિશે આપણે જાણ્યું. હજી એની કેટલીક બાબતો વિશે અહીં વિશેષ ચર્ચા કરવામાં આવી રહી છે. નવકાર ગ્રહણવિધિના કેટલાક નિયમો ગતાંકમાં જાણ્યા. એ વિશે વિશેષ પ્રકાશ બાકી રહે છે એ છે:



… નવકાર ગ્રહણવિધિ સમયે કરેલી પરમાત્માની પ્રાર્થના પછી સાધકે ગુરુ સમીપ જવું જોઈએ. ગુરુ જ્યારે તેના જમણા કાનમાં અડસઠ અક્ષરથી યુક્ત, નવ પદાત્મક, આઠ સંપદાઓથી વિભૂષિત એવો નવકારમંત્ર સંભળાવે ત્યારે સાધકે એને શુદ્ધ, નિર્મળ અને સ્થિર મનવાળા થઈને સાંભળવો જોઈએ. એ સમયે વારંવાર પ્રકૃષ્ટ પ્રમોદ ભાવના ભાવવી જોઈએ.


આ રીતે નવકારમંત્ર ગ્રહણની વિધિ પૂર્ણ કર્યા પછી સાધકે બે હાથ જોડીને વિનયપૂર્વક ગુરુને કહેવું જોઈએ કે ‘હે પ્રભુ! આપે ચિંતામણિરત્નથી અધિક એવો નવકારમંત્ર મને આપીને મારા પર અનહદ ઉપકાર કર્યો છે. મારો આજનો દિવસ ખરેખર સફળ થયો છે, મારું જીવન ધન્ય-ધન્ય બન્યું છે. હવે આપ અનુજ્ઞા આપો એટલે આવતી કાલથી નવકારમંત્રની આરાધના વિશે નિયમિત પ્રવૃત્તિનો હું શુભારંભ કરું.’

એ પછી ગુરુ આજ્ઞા આપે કે તરત જ સાધકે ‘તહત્તી’ કહી તેમની આજ્ઞા શિરોધાર્ય કરવી જોઈએ. એ પછી નવકારમંત્રની સ્તુતિ, સ્તોત્ર, છંદ, સ્તવન અને ગીતો બોલીને પોતાના ભાવની વૃદ્ધિ કરવી જોઈએ. એ પછી ગુરુ ‘સર્વ મંગલ’નો પાઠ સંભળાવે એટલે આ નવકાર ગ્રહણવિધિ આત્મસાત્ થઈ છે એમ ગણવું જોઈએ અને સાધકે હવે નિરંતર નવકારમય બનવા પોતાના પુરુષાર્થને કામે લગાડીને પોતાનું શ્રેય સાધવું જોઈએ.


અહીં એટલું અવશ્ય યાદ રાખવાનું છે કે સાધકની સફળતા સવિશુદ્ધ વિધિ પર જ નિર્ભર છે. અવિધિથી થયેલું કાર્ય ક્યારેય સફળતા અપાવી શકે નહીં. વિધિનું પાલન યથાયોગ્ય થાય, એમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ન આવે એ પર સાધકનું સતત ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ.

મંત્ર વિધિની તત્પરતા અને મંત્ર વિધિ ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના એ સાધકનું મહત્વનું લક્ષણ છે. એથી જ સાધકે મંત્રસાધનાની વિધિ જાણવા, એને ગ્રહણ કરવા, એનું યથાર્થ પાલન કરવા માટે નિત્ય તત્પર રહેવાનું છે. ‘અમે ઘણો પરિશ્રમ લીધો, ઘણી મહેનત કરી; પણ એનું કોઈ ફળ અમને મળ્યું નહીં’ એવી ફરિયાદ કરનારે સૌપ્રથમ એ તપાસ કરવી જોઈએ કે તેણે કરેલી વિધિનું પાલન બરાબર થયું છે કે નહીં? એમાં કોઈ અવિધિ તો નથી થઈને? જો વિધિનું યથાર્થ પાલન ન થયું હોય તો એ અવિધિને લીધે સાધકની સાધના સફળ ન થઈ શકે એમ બની શકે. અહીં એટલો ખુલાસો જરૂરી છે કે કાલદોષને કારણે આપણા ઘણા મંત્રો અને વિદ્યાઓનો લોપ થઈ ગયો છે. એમ છતાં જે કંઈ આપણી પાસે સચવાઈ રહ્યું છે એનું મહત્વ લગીરે ઓછું નથી. માટે આ બાબત સમજીને સાધકે કાળજીપૂર્વક, ચોકસાઈથી અને શ્રદ્ધાપૂર્વક મંત્રસાધના કરવાની છે.

નવકારમંત્ર ગ્રહણવિધિનો હેતુ એ જ છે કે સાધકને પંચમહાવ્રતધારી, વચનસિદ્ધ એવા ગુરુ-મહાત્માએ પોતાના સ્વમુખે મહામંત્ર નવકાર સંભળાવ્યો છે. ગુરુની મહાસાધના અને સાધુજીવનની ઉચ્ચ પરિપાટીના બળે સાધકને તેની જાપસાધનામાં કોઈ વિઘ્નો નડી શકે નહીં. ઊલટું જાપસાધના કરતાં સાધકમાં નિરંતર ભાવવૃદ્ધિ થતી જોવા મળે. તેનામાં અજબની શક્તિ અને સામર્થ્યનું પ્રાગટ્ય થાય. આ જ નવકારમંત્ર ગ્રહણવિધિનું રહસ્ય છે અને સાધકોએ એને વિધિપૂર્વક ગ્રહણ કરીને પોતાના કલ્યાણની કેડી કંડારવી જોઈએ.

આ પણ વાંચો : નવકારમંત્રની ગ્રહણવિધિને તમે જાણો છો?

જો નવકારજાપ યથાવિધિ થાય તો એની સિદ્ધિ માટે કોઈ સંદેહ રહેતો નથી. એટલે જ આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે ‘જપાત સિદ્ધિર્જપાત સિદ્ધિર્જપાત સિદ્ધર્જપાત સિદ્ધિર્ન સંશય:’ અર્થાત્ જાપથી સિદ્ધિ થાય છે, જાપથી સિદ્ધિ થાય છે, જાપથી સિદ્ધિ થાય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. નવકારમંત્ર જાપ એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી એ ઉપરોક્ત શાસ્ત્રકથનથી સાબિત થાય છે. નવકારમંત્ર ગ્રહણવિધિને સાકાર કરી નિત્ય સૂતા, ઊઠતા, બેસતા, ચાલતા, જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં નવકાર સ્મરણને સતત સાથે રાખી આપણું સ્વકલ્યાણ સાધીએ એ જ આ તકે શુભ અભ્યર્થના.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 01:44 PM IST | | ચીમનલાલ કલાધર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK