ધીંગ-ધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ?

Published: Sep 29, 2019, 12:12 IST | જૈન દર્શન- ચીમનલાલ કલાધાર | મુંબઈ

અધ્યાત્મ યોગી શ્રી આનંદઘનજી જૈન ધર્મના એક સમર્થ જ્યોતિર્ધર થઈ ગયા. તેમણે પોતાની રચનાઓ દ્વારા અનેક જીવો પર ઉપકારો કર્યા છે.

અધ્યાત્મ યોગી શ્રી આનંદઘનજી જૈન ધર્મના એક સમર્થ જ્યોતિર્ધર થઈ ગયા. તેમણે પોતાની રચનાઓ દ્વારા અનેક જીવો પર ઉપકારો કર્યા છે. તેમણે રચેલ પદો-સ્તવન ચોવીશીઓ જૈન સાહિત્યના ઇતિહાસમાં એક સૂર્ય જેટલી પ્રબ‍ળ અને ચંદ્ર જેટલી તેજસ્વીતા ધરાવે છે. ત્રણ-ત્રણ સૈકાઓ વિત્યા છતાં આનંદઘનજીની અમરવાણી આજે પણ લોકહૃદયમાં ગુંજી રહી છે. અહીં તેમણે રચેલ તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનના સ્તવનનું રસદર્શન કરાવતા અતિ આનંદ થાય છે.
દુ:ખ દોહગ્ગ દૂરે ટળ્યાં રે, સુખ-સંપદ શું ભેટ,
ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ?
વિમલ જિન! દીઠાં લોચણ આજ;
મારા સિધ્યા વાંછિત કાજ...વિમલ...(૧)
આજે મેં વિમલનાથ જિનેશ્વરને મારા ચક્ષુથી જોઈ લીધા છે. મને તેમના સાક્ષાત દર્શન થયા છે. તેથી મારાં દરેક મનોરથ સિદ્ધ થયાં છે, મારાં દુ:ખ, દુર્ભાગ્ય નાશ પામ્યાં છે. સુખ અને સંપત્તિ સાથે મારો મેળાપ થયો છે. કેમકે માથે ધીંગો ધણી, સમર્થસ્વામી રાખ્યા પછી મામૂલી માણસથી કોઈ ગાજ્યો જાય ખરો? ન જ જાય. તેમ શ્રી જિનેશ્વર દેવના દર્શન પછી દુ:ખ અને દુર્ભાગ્ય ટકી શકે નહીં, અને સુખસંપત્તિ મળ્યા વિના રહે નહીં.
ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ સ્થિર પદ દેખ;
સમલ અસ્થિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ...વિમલ (૨)
હે વિમલનાથ પ્રભુ! આપના નિર્મલ અને સ્થિર એવા ચરણકમલને જોઈને લક્ષ્મીદેવી, મલિન અને નાશવંત સ્થાનરૂપ કાદવમાં ઉત્પન્ન થયેલા કમળને મામૂલી, તુચ્છ સમજીને છોડી દે છે અને આપના ચરણકમલમાં વસે છે.
મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ;
રંક ગણે મંદર ધરા રે, ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર...વિમલ...(૩)
હે વિમલનાથ પ્રભુ! મારો મનરૂપી ભમરો આપના ચરણકમલની સુવાસમાં એવો તો લીન થઈ ગયો છે કે સુવર્ણમય મેરુ પર્વતની ભૂમિ, ઇન્દ્ર, ચંદ્ર અને નાગેન્દ્ર પણ હવે મને રંક લાગે છે.
સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર;
મન વિશરામી વ્હાલ હો રે, આમત ચો આધાર...વિમલ...(૪)
હે સ્વામી! તારા જેવો સમર્થ, પરમ ઉદાર, મનના વિસામા સમાન, આત્માના આધારરૂપ અને વહાલામાં વહાલા ધણીને - માલિકને હું મેળવી શક્યો છું. તેથી હવે મારે બીજું શું જોઈએ?
દરિસણ દીઠું જિન તણું રે, સંશય ન રહે વેધ;
દિનકર-કર- ભર પસરંતા રે, અંધકાર પ્રતિષેધ...વિમલ...(૫)
સૂર્યના કિરણોનો સમૂહ ફેલાતા અંધકારનો નાશ થઈ જાય છે તેવી રીતે શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શન થતાં જ શંકાઓ, વહેમો, મિથ્યા-વાસના વગેરે નાશ પામી જાય છે.
અમિય ભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ
શાંત-સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય...વિમલ...(૬)
હે વિમલનાથ ભગવાન! આપની મૂર્તિ અમૃતરસથી જ ભરપૂર છે. કેમકે તે એકદમ શાંતરસમાં નાહી રહી હોઈ એવી રચાઈ ગઈ છે. માટે જગતની કોઈ શ્રેષ્ઠ વસ્તુની ઉપમા પણ તેને બંધબેસતી થતી નથી. આવી અનુપમ મૂર્તિને નીરખતા તૃપ્તિ થતી જ નથી.
એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ!
કૃપા કરી મુજ દીજીએ રે, ‘આનંદઘન’ પદ સેવ...વિમલ...(૭)
હે પરમકૃપાળુ! હે દયાનિધિ! આ સેવકની એક અરજ સાંભળી લ્યો. કૃપા કરીને આનંદના ઘન એવા આપ પરમાત્માના ચરણોની સેવા મને આપો.
આનંદઘનજીએ પરમાત્મા પાસે પ્રભુસેવા જ માગી, પણ આલોકના સુખ ન જ માગ્યા, કારણ કે આલોકના કહેવાતા બધા જ સુખ ક્ષણિક હોવા ઉપરાંત તેના રસપૂર્વકના ભોગવટામાં અન્ય જીવોની હીલના પણ થાય છે અને આત્મા પોતાના અસલ સુખના સ્વાદની ભૂમિકાએથી નીચે ઊતરી જાય છે.
પ્રભુપદથી ઊતરતા પદની ખેવના પ્રભુભક્તને જ હોતી નથી, અને હોય છે તો પણ કેવળ પ્રભુના ભકત બનવાની ખેવના હોય છે કે જ્યાં રહીને પણ અખંડપણે પ્રભુને પૂજી શકાય. પરમાત્માને ભજવાથી જ આત્માને એનો પરમ અર્થ સાંપડે છે અને તેમાંથી પરમપદની લાયકાત સાકાર બને છે.
આનંદઘનજી પરમભક્ત હતા. તેમનો ત્યાગ, તેમની પરમાત્મભક્તિ અજોડ હતી. આ અવધૂત યોગીને પરમાત્મા સિવાય કોઈની પરવા ન હતી. રાજા, મહારાજા, ધનસંપન્ન શ્રેષ્ઠિઓ કે સામાન્ય પ્રજાજનો પર તેમની સમાન દૃષ્ટિ હતી. તેમની રચનાઓમાં છલોછલ ભક્તિરસ ઊછળતો. આ યુગમાં પણ આ પરમભક્ત કવિનો એક અંશ પણ આપણામાં આવી જાય તો આપણું જીવતર ધન્ય ધન્ય બની જાય તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK