જગડુશાનગરના રહેવાસીઓનું સફાઈ-અભિયાન

Published: 28th December, 2011 08:39 IST

લાંબા સમયની ગંદકીની સમસ્યાનું નિવારણ લાવવા તેઓ સુધરાઈના અધિકારીઓ-કર્મચારીઓને સાથે લઈને આદરશે સ્વચ્છતાઝુંબેશરોહિત પરીખ

ઘાટકોપર-વેસ્ટમાં આવેલા જગડુશાનગરમાં ઘણા લાંબા સમયથી ચાલી આવતી કચરાની અને ગટરો ભરાવાની સમસ્યા સામે જગડુશાનગરના રહેવાસીઓ ઘાટકોપર જે સુધરાઈના વૉર્ડ હેઠળ આવે છે એ એન-વૉર્ડના જાળવણી વિભાગના અધિકારીઓને સાથે રાખી ટૂંક સમયમાં સફાઈ-અભિયાન શરૂ કરશે. આ અભિયાનને સંપૂર્ણ સહકાર આપવાનું એન-વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રમોદ ખેડકરે શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે જગડુશાનગરની લીધેલી મુલાકાત દરમ્યાન ખાતરી આપી છે.

આ વિશે માહિતી આપતાં જગડુશાનગર પ્લૉટ ઓનર્સ અસોસિએશનના અગ્રણી જયેશ પારેખે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જગડુશાનગરના રહેવાસીઓની ઘણા સમયથી શિલ્પા, પારસદર્શન અને ગણેશદર્શન સોસાયટીની બહારના રસ્તાઓ પર અને નજીકના ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા ભેગા થતા હોવાની ફરિયાદ છે એટલું જ નહીં, અહીંની ગટરો છેલ્લાં પાંચ વર્ષથી સાફ થઈ જ નથી. ગટરોનાં ઢાંકણાં ઠેર-ઠેર તૂટી ગયાં છે અથવા તો ચોરાઈ ગયાં છે. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ અને રિલાયન્સ એનર્જીના કૉન્ટ્રૅક્ટરો કામ કર્યા પછી રસ્તાને અને ડ્રેનેજ-કવરોને બદતર હાલતમાં મૂકી જતાં રહે છે. રહેવાસીઓના ફ્લૅટમાં રિપેરિંગ કે રિનોવેશનનાં કામકાજ બાદ થયેલા ભંગારના ખડકલા નજીકના પ્લે ગ્રાઉન્ડમાં કે રસ્તા પર પડ્યા રહે છે જેને સુધરાઈ સાફ કરતી નથી. જગડુશાનગરમાં શિલ્પા સોસાયટીથી લઈને અંબિકા સિદ્ધિ સોસાયટી સુધીના રસ્તાની હાલત બિસમાર થઈ ગઈ હોવાથી મહિલાઓ, બાળકો અને ઉંમરલાયક લોકોને તો ચાલવામાં તકલીફ પડે જ છે, પણ સામાન્ય માનવીને પણ આ રસ્તા પર ચાલતાં પથ્થરા વાગે છે. તદુપરાંત અમારા વિસ્તારમાં આવેલી દિવ્યદર્શન સોસાયટીની સામે આવેલા ગાર્ડન-પ્લૉટને ડેવલપ કરવાની તાતી જરૂર છે.’

આ બધી જ સમસ્યાઓને લઈને જગડુશાનગર પ્લૉટ ઓનર્સ અસોસિએશનના સભ્યો જયેશ પારેખ, હરખચંદ સાવલા અને મહેન્દ્ર ગાલાનું બનેલું એક પ્રતિનિધિમંડળ શુક્રવારે સુધરાઈના એન-વૉર્ડના અસિસસ્ટન્ટ કમિશનર પ્રમોદ ખેડકરને મળવા ગયું હતું જ્યાં તેમણે પ્રમોદ ખેડકરને જગડુશાનગરના રહેવાસીઓની બધી જ સમસ્યાઓ જણાવ્યા બાદ આ વિસ્તારની મુલાકાત લેવાની વિનંતી કરી હતી.

અમારી વિનંતીને માન આપી પ્રમોદ ખેડકર અને તેમના જાળવણી વિભાગના અધિકારીઓએ શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે જગડુશાનગરની મુલાકાત લીધી હતી એમ જણાવતા જયેશ પારેખે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્રમોદ ખેડકર અને તેમની ટીમે અમારા વિસ્તારની મુલાકાત લઈ અમારા રહેવાસીઓની ફરિયાદો સાંભળી હતી. રહેવાસીઓએ રજૂ કરેલી દરેક સમસ્યાનું તેમણે અને તેમની ટીમે નજરે નિહાળી હતી અને અમને આ સમસ્યાઓનું ધીરે-ધીરે નિવારણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.’

ત્યાર બાદ જગડુશાનગર પ્લૉટ ઓનર્સ અસોસિએશનના હાજર રહેલા સભ્યો જયેશ પારેખ, મહેન્દ્ર ગાલા, હરખચંદ સાવલા, સુરેશ શાહ, કેતન મહેતા અને મનીષ દેઢિયાએ પ્રમોદ ખેડકરને જણાવ્યું હતું કે ‘તમારા ડિપાર્ટમેન્ટના સાથ-સહકારથી અમે અને અમારા રહેવાસીઆએ આ વિસ્તારને સ્વચ્છ બનાવવાનું અભિયાન શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. અમારી વાતથી પ્રમોદ ખેડકર ખુશ થઈ ગયા હતા. તેમને તરત જ તેમના જાળવણી વિભાગના અધિકારીઓને અમારા અભિયાનમાં જોડાવવાનું જણાવ્યું હતું. તેમને ખાતરી આપી હતી કે તેઓ અમારા વિસ્તારને બને એટલો જલદી સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સહયોગ આપશે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK