ઉત્તરાયણ ૨૨ ડિસેમ્બરે, પણ મકરસંક્રાંતિ ૨૦ જાન્યુઆરીએ

Published: 3rd December, 2014 03:08 IST

ખગોળ વિજ્ઞાની ડૉ. જે. જે. રાવલ કહે છે કે આ બન્ને ખગોળિય ઘટનાઓ અલગ-અલગ છે જેની આપણે ભેળસેળ કરી નાખી છેવર્ષોથી આપણે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ તહેવાર માનતા આવ્યા છીએ અને એની ઉજવણી ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ કરીએ છીએ, પરંતુ આ વિશે ફોડ પાડતાં ખગોળવિજ્ઞાની ડૉ. જે. જે. રાવલે કહ્યું કે ‘હકીકતમાં એ બન્ને જુદી-જુદી ખગોળીય ઘટનાઓ છે. ઉત્તરાયણ ૨૧ કે ૨૨ ડિસેમ્બરે જ થાય અને સૂર્યની સંક્રાંતિ તો દર મહિને થાય છે, પરંતુ આપણે એને ઉત્તરાયણ માનીને વળગી રહ્યા છીએ. આ વર્ષે ઉત્તરાયણ ૨૨ ડિસેમ્બરે છે અને મકરસંક્રાંતિ ૨૦ જાન્યુઆરીએ છે.

ઉત્તરાયણ કોને કહેવાય એ વિશે સમજ આપતાં ડૉ. રાવલે કહ્યું હતું કે સાદી ભાષામાં કહીએ તો ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યનું દક્ષિણ તરફની ગતિમાંથી ઉત્તર તરફનું પ્રયાણ એટલે ઉત્તરાયણ. આ પ્રયાણ દર વર્ષે ૨૧ કે ૨૨ ડિસેમ્બરે થવાનું કારણ પૃથ્વીની ઝૂકેલી ધરી છે. લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં ઉત્તરાયણ વખતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો એથી પહેલાં વિદ્વાનો અને પછી લોકો ઉત્તરાયણને મકરસંક્રાંતિ કહેવા લાગ્યા, જે આજ સુધી ચાલ્યું છે. અગાઉ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ભયંકર ઠંડીમાં ઠૂંઠવાતા એથી સૂર્યનાં કિરણો ઉત્તર દિશા તરફ આવે એની પ્રતીક્ષા લોકો કરતા અને તહેવારની જેમ ઊજવવાનું શરૂ કર્યું હતું. ઉત્તરાયણ તેમના માટે મોટો તહેવાર હતો અને આજે પણ પૃથ્વીના આ પ્રદેશોમાં એનું એટલું જ મહત્વ છે. ઉત્તરાયણ પછી વસંતસંપાત થાય અને સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે ત્યારે વસંત ઋતુનું આગમન થાય છે. સૂર્ય સાથે મળીને પ્રકૃતિ પૃથ્વીને નંદનવન બનાવે એથી લોકો ઉત્તરાયણની રાહ જોતા.

બીજી તરફ મકરસંક્રાંતિ કોને કહેવાય એ વિશે બોલતાં ડૉ. જે. જે. રાવલે કહ્યું હતું, ‘લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં મકરસંક્રાંતિ ઉત્તરાયણ સાથે જ થતી અને આપણે હજીય એને પકડીને બેસી ગયા છીએ, જે ખગોળ વિશેનું આપણું અજ્ઞાન છે. પૃથ્વીની કાલ્પનિક ધરીને ધ્યાનમાં લઈએ તો ખગોળીય રીતે પૃથ્વીની હાલકડોલક ગતિના કારણે વસંતસંપાત બિંદુ પશ્ચિમ તરફ સરકે છે એના કારણે પૃથ્વી પરથી અવકાશમાં દેખાંતુ આખું રાશિચક્ર પશ્ચિમ તરફ સરકે છે અને ઋતુઓ પાછી પડવાના કારણે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ પડતી જાય છે. આની ગણતરી પ્રમાણે વસંતસંપાત એટલે કે મકરસંક્રાંતિ દર ૭૨ વર્ષે એક ડિગ્રી પશ્ચિમ તરફ સરકતી હોવાથી મકરસંક્રાંતિ ચલાયમાન છે, પણ ઉત્તરાયણ તો ૨૧ કે ૨૨ ડિસેમ્બરે અચળ છે. આ રીતે બે હજાર વર્ષમાં ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ દૂર થતાં-થતાં મકરસંક્રાંતિ ૨૩, ૨૪, ૨૫ ડિસેમ્બર અને પછી ૧૪ જાન્યુઆરીએ પહોંચી હતી ત્યારથી આપણે આ ઠૂંઠું પકડી રાખ્યું છે, પરંતુ હવે એ ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ નહીં ૨૦ જાન્યુઆરીએ થાય છે. મકરસંક્રાંતિ ખસવાનું ચક્ર ૨૫,૬૦૦ વર્ષનું છે એથી આ ગણતરી પ્રમાણે હવે ૨૩,૬૦૦ વર્ષ પછી ફરીથી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકસાથે એટલે કે ૨૧ કે ૨૨ ડિસેમ્બરે આવશે. ૧૪ જાન્યુઆરીએ પતંગના પેચ લડાવવા અને ચીકી, પોંક કે લીલવા કચોરીનો આસ્વાદ માણવામાં કંઈ ખોટું નથી, પરંતુ ઉત્સવપ્રિય ભારતની જનતાની નવી પેઢીને કમસે કમ આ ખગોળીય ઘટનાની સાચી જાણકારી તો મળવી જ જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK