જે કહી નથી શકતા, જે બોલી નથી શકતા

Published: Jun 26, 2020, 14:48 IST | J D Majethia | Mumbai

સમય ખરાબ છે અને આ ખરાબ સમયમાં જેઓ પોતાની ખરાબ પરિસ્થિતિ વર્ણવી નથી શકતા તેમને મદદ કરવાની ભાવના તમારી અંદર જગાડજો તથા તેમને સાથ આપજો, તેમને હાથ આપજો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર


શૂટિંગ હવે શરૂ થવાનું છે અને કામધંધો પણ ધીમે-ધીમે થાળે પડવા માંડ્યો છે, પણ આ બધા વચ્ચે હજી પણ અંદરખાને મૂંઝવણ અકબંધ છે. આર્થિક મૂંઝવણ છે, શારીરિક મૂંઝવણ પણ છે અને માનસિક મૂંઝવણ પણ એટલી જ છે. માનસિક મૂંઝવણમાં સૌકોઈને સાથ આપવો એ વિશે તો અગાઉ પણ વાત થઈ છે આપણે એટલે તમને એના વિશે વધારે વાત નથી કરવી, પણ અત્યારે તમને ખાસ કહેવાનું કે આર્થિક મૂંઝવણ અનુભવતા લોકોના પડખે ઊભા રહેજો, તેને સાથ આપજો. હાલ ઘણા એવા લોકો હશે જેઓ બહારથી તો પૈસેટકે સુખી દેખાતા હશે, પણ અંદરથી આર્થિક રીતે ઘણા તૂટેલા હશે. ઑલમોસ્ટ ત્રણ મહિનાથી વધારે સમયથી ધંધો-રોજગાર બંધ છે અને ધંધો-રોજગાર શરૂ થયો છે ત્યારે પણ મંદી દેખાય એવી શક્યતા છે. કામમાંથી છૂટા કરવામાં પણ આવશે અને એવું પણ બને કે અમુક, બહુ ઓછા છે આવા અમુક, પણ છે ખરા. આ જે અમુક લોકો છે તેઓ મંદીના નામે સ્ટાફ પરથી ભાર ઉતારવાનું કાર્ય કરશે. પહેલાં તો હું એ કહીશ કે આ તબક્કે કોઈને છૂટા કરવાને બદલે એવો કોઈ રસ્તો વિચારજો જેથી બેકારી કોઈએ જોવી ન પડે. અત્યારના સમયમાં બેકારી જોવાની આવે તો એ બહુ વિકટ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. પહેલાં ધંધો-રોજગાર બંધ અને એ પછી નોકરીનું જોખમ. આવું ન બને એનું જોજો તમે અને એ પણ જોજો કે વધારે ને વધારે રોજગાર કેવી રીતે ઊભો કરી શકાય. આ સમય એવો છે જે સમયે સૌકોઈએ એકબીજાને સાથ આપવો જોઈએ. સાથ આપીશું તો જલદીથી બહાર આવીશું અને આ ત્રાસદીમાંથી ઝડપથી ઊગરી જઈશું.
ત્રણ મહિનાથી ધંધો-રોજગાર બંધ છે અને આપણી વચ્ચે એવા અનેક લોકો છે જેમણે ક્યારેય કોઈ પાસે માગણી નહીં કરી હોય. આવા લોકોને જરૂર મદદ કરજો, કારણ કે તેમનો જમીર જીવતો હોય છે. આવા લોકોને અન્ય પાસેથી કે પછી મિત્રો પાસેથી માગતાં ઘણી શરમ આવતી હોય છે અને પોતાની મજબૂરી કોઈની સામે જતાવી નથી શકતા. આવા મિત્રો અને ભાઈઓને મદદ કરજો. મદદ કરવાનો આ સમય છે અને સમયે મદદ થઈ શકે એનું મૂલ્ય ખૂબ વધારે હોય છે.
હું તમને કહીશ કે તમારા પાડોશીના ઘરની પરિસ્થિતિ તપાસ કરજો, મિત્રના ઘરની પરિસ્થિતિ તપાસજો. બની શકે તો તેમના ઘરે કરિયાણું કે પછી એવી ચીજવસ્તુઓ પહોંચાડી દો જેની રોજબરોજ જરૂર પડતી હોય. આ કામ એવી રીતે પણ થઈ શકે કે તમે લેવા ગયા હતાં અને ઇચ્છા પડી, સસ્તું લાગ્યું એટલે તમે એને માટે પણ ખરીદી લીધું. મદદ કરવાના આશયથી આ એક પણ કામ નહીં કરતા, આ કામ તમારી ફરજના ભાગરૂપે કરજો. ઈશ્વરે તમને આપ્યું છે તો તમારે એ અન્ય સુધી પહોંચાડવાનું છે અને આ અન્ય તો એવા છે જે તમારા પોતાના છે. જરૂરી ચીજવસ્તુઓની સાથોસાથ એને જરૂર હોય તો રોકડાની હેલ્પ કરો. ધારો કે તે ના પાડે. તે ના જ પાડશે એની ખાતરી હું તમને આપું છું, પણ જો તે ના પાડે તો તમારે તેને કહેવાનું છે કે ઉધાર આપું છું, ઉછીના આપું છું, સગવડે પાછો પહોંચાડી દેજે.
મિત્રોને એકાંતમાં મળો, તેમને ખાનગીમાં પૂછો. મેસેજ કરીને પણ પૂછી શકાય અને તેને કહેવાનું પણ ખરું કે જરા પણ ખોટું બોલવાનું નથી. યારી-દોસ્તીમાં જે હક તમે સંબંધમાં ભોગવો છે એ સંબંધના દાવે પણ તમે તેને હકથી પૂછી શકો છો અને એટલા જ હકથી તમારે તેને કહેવાનું છે કે તે સાચું બોલે. અનેક લોકો પોતાની આવકમાંથી ધર્મની કે પછી ઈશ્વરની જકાત કાઢતા હોય છે. આ મદદ એ જકાત જ છે અને જો જકાતલાયક ફન્ડ હોય અને એ આપતા હો તો તમારે તેને કહેવાની જરૂર નથી કે તમે તેને જકાતનો પૈસો આપો છો, એ તમે ક્યારેય પાછો લેવાના નથી.
લૉકડાઉનનો સમય લાંબો પસાર થયો છે. દેશઆખા પર સંકટ આવ્યું છે અને આ સંકટ માત્ર આપણા જ દેશ પર નથી આવ્યું, વિશ્વઆખા પર આ સંકટ આવ્યું છે. આ સંકટને સમજો અને એને સમજીને ઓળખો છો એવા સૌકોઈને પૂછો કે તેમને જરૂરિયાત હોય તો તમને કહે. તેમની રહેણીકરણી કે પછી તેના હાથમાં રહેલા ૧૫-૨૦ કે ૨૫ હજાર રૂપિયાના ફોનને જોવાની જરૂર નથી. તેના ઘરમાં રહેલી બે બાઇક કે એક ગાડી સામે પણ નહીં જોતા. ઘણી વખત બધું બરાબર ચાલતું હોય એવા સમયે પણ લોકો આવી ચીજવસ્તુઓની ખરીદી કરી લેતા હોય છે. પછી ઈએમઆઇ પર ધ્યાન આપે અને જ્યાં સુધી ઈએમઆઇ ચાલતાં હોય ત્યાં સુધી બીજા બધા ખર્ચ પર કાપ મૂકી દે. બધાનું પોતપોતાનું ગણિત હોય છે, પણ આ ગણિત કોરોનાને કારણે સાવ અવળું પડી ગયું છે એટલે માત્ર બાહ્ય દેખાવ કે પછી હાથમાં રહેલી ચીજવસ્તુઓને જોઈને અનુમાન બાંધી લેવાની જરૂર નથી કે તમારા એ સગા કે મિત્રને તમારી મદદની જરૂર નથી. તેના બંધ હોઠને જોઈને પણ એવું અનુમાન બાંધવાની જરૂર નથી કે તેને તમારી હેલ્પની જરૂર નથી. માણસ કહી નથી શકતો એટલે એવું ધારવું નહીં કે તેને તમારા સાથની કે પછી પૈસાની કે જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત છે. ના, આવું અનુમાન લગાવવું નહીં. લગાવેલાં દરેક અનુમાન ક્યારેક ખોટાં પણ હોય છે.
એક બીજી પણ વાત મારે કહેવી છે. આ વાત પણ તમને લાગુ પડે છે. ધારો કે તમે મદદ કરી શકો એમ ન હો, ધારો કે તમારો પોતાનો હાથ ખેંચમાં હોય અને તમે કોઈને સહાય કરી શકો કે સાથ આપી શકો એમ ન હો તો એટ લીસ્ટ એટલું કરજો કે તમે બીજાને મદદ માટે તૈયાર કરજો, તેને આ લેખ મોકલજો જેથી જરૂરિયાતવાળા કોઈને તેમની હેલ્પ મળી રહે. મદદ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે હાથ આપવાનો છે, સાથ આપવાનો છે, સેલ્ફી નથી લેવાની. આપણે માણસ હોવાની ફરજ નિભાવીએ છીએ. કહ્યું એમ, ઈશ્વરે આપણને આપ્યું છે એટલે તમારે દેવના દૂત બનીને ઈશ્વરે તમને આપેલી સહાય આગળ વધારવાની છે. આ કાર્ય કરતી વખતે ભૂલથી પણ એવું ન કરતા કે મદદ લેનાર વ્યક્તિએ શરમનો અનુભવ કરવો પડે. ખાતરી છે કે આમ પણ તમે એ નહીં જ કરો પણ એમ છતાં, ઉત્સાહના અતિરેક વચ્ચે પણ એવું કામ ન થઈ જાય એનું ધ્યાન રાખવું એ આપણા સૌની ફરજ છે.
આ સમય કપરો છે અને કપરો સમય એકબીજાના સાથથી સરળ થઈને રહેતો હોય છે. જો આજે તમે કોઈના પડખે ઊભા હશો તો આવતી કાલે કે પછી સંકટ આવે એવા સમયે તમારી પાસે પણ કોઈનો સાથ ઊભો હશે, જે સાથ તમને પણ એ તકલીફવાળા સમયમાંથી બહાર કાઢવાનું કામ કરશે. બહાર પણ કાઢશે અને તમને હેમખેમ પાર પણ ઉતારશે. સંકટના આ સમયમાં સરકાર પણ પોતાનું કામ કરી રહી છે, પણ અગાઉ કહ્યું હતું એમ, ‘એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના...’
સાથી બનીને રહીશું તો તકલીફનો આ સમય પણ સહ્ય બનશે અને એને પાર કરવાની હિંમત પણ આવશે. આવતો સમય વધારે ઝડપથી પસાર થઈ જશે અને ઝડપથી બધું થાળે પડશે. થાળે પડશે ત્યારે જેને મદદ કરી હશે તે તમને પહેલાં યાદ કરશે. તમને યાદ પણ કરશે અને એ તમારી મદદની વાત પણ કાયમ યાદ રાખશે. તમારી ભાવના એવી નથી તો પણ તેણે આ સાથ ભૂલવાનો નથી. કહે છેને, દુઆ કે આશીર્વાદ ક્યારેય એળે નથી જતા. લીધેલી આ દુઆ પણ એળે નહીં જાય, મળેલા આ આશીર્વાદ ક્યાંય વ્યર્થ નહીં જાય એની ખાતરી હું તમને આપું છું. બસ, ખાલી આંખ ખોલો અને જે માગી નથી શકતા, કહી નથી શકતા તેને સાથ આપવાની તૈયારી સાથે આગળ વધો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK