Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાવધાન ઇન્ડિયાઃ જે ડી મજેઠિયા

સાવધાન ઇન્ડિયાઃ જે ડી મજેઠિયા

31 May, 2019 09:57 AM IST | મુંબઈ

સાવધાન ઇન્ડિયાઃ જે ડી મજેઠિયા

સાવધાન ઇન્ડિયાઃ જે ડી મજેઠિયા


ગયા અઠવાડિયે સુરતમાં એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં એક દુર્ઘટના બની અને કાચી ઉંમરનાં ત્રેવીસ બાળકોનો ભોગ લેવાયો, તો સાથોસાથ વીસથી વધુ બાળકો ગંભીર ઈજા સાથે આજે પણ હૉસ્પિટલમાં ઝઝૂમે છે. શું સુરતની આ ઘટના પછી હવે ભ‌વિષ્‍યમાં ક્યારેય આવી દુર્ઘટના ફરી નહીં ઘટે? આપણે કેટલાંય વર્ષોથી આવી કેટલીયે દુર્ઘટનાઓનો સામનો કરતાં આવ્યા છીએ, પણ એ પછી પણ કશું બદલાતું જ નથી. આવા સમાચારો આપણે વાંચતાં રહીએ છીએ. જેમના પર વીત્યું હોય તેમના અને તેમના પરિવાર સિવાયના લોકો બેત્રણ દિવસમાં ભૂલી જઈને પાછા પોતાના વ્યસ્ત જીવનમાં આગળ વધી જાય છે. આ દુર્ઘટના સમયે મને સુરતથી રેડિયો જૉકી મીતનો મેસેજ આવ્યો. બહુ સરસ એ મેસેજ હતો. લાંબો છે એ મેસેજ, પણ ખરેખર એ સમજવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. મેસેજમાં લખ્યું હતું.

‘ઘટના ભલે વરાછામાં ઘટી, પણ એના પડઘા હજુ પણ મારા મગજ અને દિલમાં પડી રહ્યા છે, આસપાસની દુનિયામાં કંઈ પણ ખોટું ચાલતું હોય તો ચાલવા દેવાની આપણી નફ્ફટાઈનું પરિણામ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની આગની ઘટના છે. ગેરકાયદે ચણી દેવાયેલું બિલ્ડિંગ, ગેરકાયદે ચાલતા ટ્યુશન ક્લાસિસ, આંખ ઉઘાડી નાખે તેવા કિસ્સાઓ વચ્ચે પણ નીંભર કહેવાય એવું તંત્ર. નેતા અને આ નીંભર અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં પહેલાં મને એક વાલી તરીકે બીજા વાલીઓને પ્રશ્ન પૂછવો છે, શું અઢાર વર્ષથી નાનાં બાળકોને ટુ-વ્હીલર આપીને તેમને રસ્તા પર જીવતો બૉમ્બ બનાવીને મોકલવા બદલ માતાપિતાને કેટલી સજા થવી જોઈએ? સાઇડ પર વેહિકલ ચલાવી બાળકોને તેડતાં અને હેલ્મેટ પહેર્યા વગર વેહિકલ ચલાવતાં માબાપને શું સજા થવી જોઈએ? સાવ ફૂલ જેવાં બાળકોને ટુ-વ્હીલર પરવટ સાથે આગળ ગાડીની ટાંકી પર બેસાડીને બાઇક પર આંટો મરાવતા પપ્પા તમે જોયા હશે, એ બાળકની આંખને નુકસાન નહીં થતું હોય, દુર્ઘટના ઘટે ત્યારે એ બાળકની હાલત કફોડી નહીં થતી હોય? હાઇવે પર ટુ-વ્હીલરમાં ચાર-ચાર ફૅમિલી મેમ્બરને બેસાડીને ફુલ સ્પીડમાં સફર કરતો મોભી અને ચાલુ બાઇકે ફોન વાત કરતા મોભીને શું સજા આપવી જોઈએ? પાંચ વર્ષથી નાનાં બાળકોને લિફ્ટમાં એકલાં અવરજવર કરવા માટે માતાપિતાને શું સજા થવી જોઈએ? અહીંયાં એક આડવાત કહી દઉં,ઑટોમૅટિક લિફ્ટ હોય તો પણ છૂટ ન જ આપવાની હોય.) ગાર્ડનમાં કે કોઈ જાહેર જગ્યાએ ફરવા જાવ અને બાળક ક્યાં છે, શું કરે છે એની તમને ખબર જ ન હોય તો તમે શું કરશો? બાળકોની સેફ્ટીનું ચેકિંગ કર્યા વગર તેને જે તે બિલ્ડિંગમાં અભ્યાસ કરવા મોકલનારાં માતાપિતાને શું સજા થવી જોઈએ? બાળકને કઈ સ્કૂલમાં ભણાવીએ તો આપણું સ્ટેસ્સ વધે એ વિચારનારા વાલીઓએ જ એક વખત સ્કૂલના ટૉઇલેટમાં ચક્કર લગાવવું જોઈએ, જો જશે તો જ ખબર પડે કે સ્કૂલનું સ્ટાન્ડર્ડ કેટલું વૅલ્યુએબલ છે. રસ્તે ચાલતી જતી સ્ત્રીઓને ઘણી વખત ટોકવી પડે કે બહેન, બાળકને અંદરની બાજુએ ચલાવો અને તમે બહારની બાજુએ ચાલો. ત્યારે તે સામું તાડુકી લેતી હોય છે, તું તારું કામ કરને. આવી બેજવાબદાર મમ્મીઓને કે પછી પરિવારની મહિલાઓને શું સજા કરવી જોઈએ? તંત્રને ગાળો આપીને ભલે તમારા ગુસ્સાને શાંત પાડો, તમારી અકળામણની ખંજવાળને ટાઢી પાડો, પણ હકીકત તો એ છે કે પોતાની ભૂલને અવગણી તો ન જ શકો. આપણે એવા સમાજના મોભી છીએ જ્યાં સેફ્ટીને સૌથી વધારે હળવાશથી જોવામાં આવે છે. આ બધી દુર્ઘટનાઓના મૂળમાં એક જ વાક્ય છે કે જો આજે આ બધું નહીં વિચારો તો પછી આવતા સમયમાં એવા દિવસો માટે તૈયાર રહેવું પડશે કે જ્યારે પારાવાર અફસોસ હોય કે આના કરતાં પહેલાં વિચાર્યું હોત તો સારું થાત.’



આ મેસેજ વાંચીને હું વિચારે ચડ્યો કે આવું તો બને જ છે, પણ આ સિવાય પણ બીજું કેટલું બધું થતું હોય છે, જેમાં આપણે આપણી જાતને કે નજીકના લોકોને ટેકન-ફૉર-ગ્રાન્ટેડ લઈએ છીએ. સામાન્ય સંભાળ ન રાખવાનો સ્વભાવ જન્મથી જ આપણો રહ્યો છે.


આટલું તો ચાલે, આમાં શું મોટી વાત છે?

આપણો આ અભિગમ ધીરેધીરે બેદરકારીને એટલી મોટી કરી દે છે કે જેને લીધે આપણને અકસ્માત કે દુર્ઘટના જોવી પડે છે અને એ જ સમયે આપણને પણ ખબર પડે છે કે આપણે ખરેખર બહુ મોટી બેદરકારી કરતાં થઈ ગયા. હું કહીશ કે એવો સ્વભાવ ન બને એના માટે શક્ય હોય ઘરમાં કે શાળામાંથી જ આ પ્રકારના સંસ્કારોનું સિંચન શરૂ કરી દેવું જોઈએ, જેથી બાળકોના મગજમાં એક વાત સ્ટોર થઈ જાય કે નાનામાં નાના નિયમોનું પાલન કરવાનું છે, એને તોડવાના નથી. જ્યારે દેશ માટે નિયમો બનતા હોય છે ત્યારે એ નિયમની પાછળ ખૂબ બધા લોકોના અનુભવ, તેમની બુદ્ધિ અને તર્કબદ્ધ ચર્ચાનું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય છે. એ એમ જ હવામાંથી બનાવવામાં આવેલા નિયમો નથી જ નથી.


આપણે રૂપિયા, દાગીના સંભાળીને તિજોરીમાં રાખતા હોઈએ છીએ, કબાટને લૉક રાખીએ છીએ, એ રૂમમાં અજાણ્યાને દાખલ થવા પણ નથી દેતાં, પણ ખરેખર જીવથી વધારા વહાલા હોય એ સૌને આપણે અજાણતાં જ, બેદરકારી સાથે જોખમમાં મૂકી દેતા હોઈએ છીએ. આમાંથી બહાર નીકળવા માટે પોતાની જાતને ડગલે ને પગલે શિસ્તબદ્ધ બનાવવી પડે અને એકેક નિયમનું પાલન ચોકસાઈથી થાય એ જોતાં રહેવું પડે. આટલું જ નહીં, જો નિયમ પાળતા હશો તો તમે બીજા લોકોને પણ એવું કરવાની સલાહ આપી શકશો. તમારી આસપાસ નિયમો તોડતા તમારા પોતાના લોકોને સમજાવો કે તેમની બેદરકારી એક દિવસ એવી મોટી દુર્ઘટના સરજી શકે છે કે જેની કલ્પના પણ નહીં કરી હોય. લોકો પરવાનગી પૈસા ખવડાવીને લઈ લેતા હોય છે, આ પરવાનગીથી લાભ શું હોઈ શકે એ વિચારો તો સમજાઈ જાય કે આર્થિક લાભ સિવાયનો બીજો કોઈ લાભ હોતો નથી, પણ એવું કરનારાઓએ ખાસ ધ્યાન રાખવું કે એ પરવાનગી ગેરકાયદે છે, એનાથી તમે કોઈના જીવને જોખમમાં નાખો છો જેને કારણે આજે બેચાર કરોડ કમાવા માટે લીધેલી આ પરવાનગી તમારા પોતાના માટે પણ ખર્ચાળ, ત્રાસદાયી અને હાડમારી નોતરનારી બનશે.

આ પણ વાંચોઃ કૉલમ : આંબા ખાવાનું શરૂ કરી દીધું?

કાયદાકીય રીતે ચાલવામાં સમય અને ખર્ચ વધારે થશે, પણ ભલે સમય લાગે, પણ શૉર્ટકટ લેવામાં તમે બીજાને હેરાન કરી મૂકો છો અને ‘ડોન્ટ કટ સમવન્સ લાઇફ શૉર્ટ’ની રીતને ભૂલી જાવ છો. આજે અલગ-અલગ નિયમોના ઉલ્લંઘન માટે મોટા ઘરના અનેક નબીરાઓ જેલના સળિયા પાછળ સમય કાઢી રહ્યા છે. ડ્રન્ક-ઍન-ડ્રાઇવ આપણે ત્યાં સૌથી કૉમન અને સૌથી મોટો બેદરકારીનો વિષય છે. તમને ક્યારેય બહુ મન થાય અને ‌‌ડ્રિંક્સલીધું હોય તો એમાં ખોટું નથી, પણ એ લીધા પછી ગાડી ચલાવવાની નથી એ તો મગજમાં રહેવું જ જોઈએ અને હવે તો ટૅક્સી સર્વિસ પણ બહુ સરસ થઈ ગઈ છે એટલે પહેલેથી જ ગાડી લીધા વિના જ નીકળવું અને શાંતિથી ડ્રિંક્સની મજા પણ માણવી. વળતી વખતે ફરી ટૅક્સી કરી લો. સલામત રીતે તમે પણ પહોંચશો અને રસ્તામાં જે બીજા લોકો હશે એનું જોખમ પણ ટળી જશે. ધારો કે અચાનક જ પીવાનું બની ગયું તો ક્યાંક ગાડી પાર્ક કરીને ટૅક્સી કરી લો અને કાં તો જેણે ડ્રિંક્સ લીધું નથી એવા મિત્રને ગાડી ચલાવવા માટે આપી દો, પણ ભૂલેચૂકે, ભૂલેચૂકે મદિરાપાન કરીને ગાડી ન ચલાવવી. કહ્યું એમ, તમે કોઈ નિર્દોષને જ નહીં, પણ જેનો કોઈ વાંક નથી એવા તમારા પોતાના પરિવારને પણ ખૂબ મોટી સજા કરી રહ્યા છો. તમને બચાવવાના ચક્કરમાં સમય, પૈસા, વકીલો, કોર્ટના ધક્કા અને પછી તમે જયારે જેલમાં સજા ભોગવતા હો ત્યારે તમારા વગરનું તેમનું જીવન અને એ પણ કોઈ પણ જાતના વાંક વગર. આવાં બીજાં સો ઉદાહરણો આપણે બધા સાથે મળીને આપી શકીએ છીએ અને એ ઉદાહરણમાં અટવાયેલા નથી રહેવું માટે જેટલું બને એટલું જલદી આપણે અને આપણી આસપાસની પરિસ્થિતિને સુધારવાનું અને નિયમોના પાલનનું કરવાનું કામ શરૂ કરી દઈએ. નિયમો તોડતાં હોય કે લોકોના જીવન સાથે બેદરકારીથી વર્તતા હોય એવા લોકોના વડીલોને કે ઉચ્ચ સ્તર પર કમ્પ્લેન કરી દેવી. તમે એમાં કશું તેમનું બગાડી નથી રહ્યા, પણ તમે તેમને ખૂન કરતા અટકાવી રહ્યા છો, તેમનું હિત કરી રહ્યા છો.

આ પણ વાંચોઃ કૉલમ : રાજતિલક કી કરો તૈયારી, આ ગયે અબ ભગવાધારી

તમારા પોતાના જાનને જોખમમાં મૂકીને તમારા એરિયાનાં કોઈ ગુંડા તત્ત્વોને એવી રીતે નહીં છેડી દેતા જેનાથી તમારે કે તમારા પરિવારને અંગત રીતે ભોગવવું પડે કે પછી ભવિષ્‍યમાં પસ્તાવું પડે, પણ કુશળતાથી એવી રીતે કામ કરજો કે જેમને ખબર પડવી જોઈએ એમને ખબર પડી જાય અને જેમને ખબર ન પડવી જોઈએ એના સુધી વાત પહોંચે પણ નહીં. આ માત્ર નૈતિક જવાબદારીની વાત નથી, પણ આત્મસંતોષનો પણ વિષય છે. જે લોકોના જીવનમાં આવી દુર્ઘટના થઈ છે એવા લોકોએ આ સંદેશના ખૂબ ફેલાવવો જોઈએ અને બીજા લોકોને ચેતવવા જોઈએ. આ એક પ્રકારનાં ઑર્ગેનાઇઝેશન પણ શરૂ કરવાં જોઈએ, પણ એના પહેલાં પોતે નિયમોનું પાલન શરૂ કરી દો અને પછી એનો અમલ ફૅમિલી અને બીજા જે આસપાસના લોકો છે તેમને કહેવાનું શરૂ કરો. આપણું જીવન સુધારવાની જવાબદારી આપણી જ છે, એના માટે બીજા કોઈ કશું કરી શકવાના નથી. યાદ રાખજો સાવધ રહેવું એ ડરની વાત નથી, પણ જવાબદારીનો મુદ્દો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2019 09:57 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK