નવા વર્ષનો ઉત્તરાર્ધ : ચાલો ત્યારે, રેઝોલ્યુશન લઈએ

J D Majethia | Jan 11, 2019, 09:01 IST

નવા વર્ષની પાર્ટી પછી નવા વર્ષનો પહેલો દિવસ જ બપોરથી શરૂ કરનારાઓની સંખ્યા વધતી જાય છે

નવા વર્ષનો ઉત્તરાર્ધ : ચાલો ત્યારે, રેઝોલ્યુશન લઈએ
નવા વર્ષે શું છે તમારું રિઝોલ્યુશન ?

જે ડી કૉલિંગ

તમે જ કહો જોઈએ, બારના ટકોરે તમને તમારી વાઇફ, હસબન્ડ કે બૉયફ્રેન્ડ વિશ ન કરે તો તમે ક્યારેય ઝઘડ્યા છો કે નહીં? મોઢું ચડાવ્યું છે કે નહીં? ખોટો જવાબ નહીં આપવાનો, સાચેસાચું કહેવાનું અને હું જો સાચું કહું તો મેં તો એવા લોકો જોયા છે જે આ મુદ્દે ઝઘડો કરી બેસે. તમે માનશો નહીં, બાર વાગ્યે વિશ નહીં કરવાની બાબતમાં ઝઘડો થાય, કજિયો કરતા જાય અને બોલતા પણ જાય કે આ નવા વર્ષની શરૂઆત જ ખરાબ થઈ. ઝઘડાની વાત આપણે અગાઉ કરી છે કે એ કેવી-કેવી નાની વાતમાં શરૂ થઈ જતો હોય છે.

ઝઘડો થયો હોય તો પણ રાતના બે-ત્રણ વાગ્યે અને જો ઝઘડો ન થયો હોય તો પણ રાતના બે-ત્રણથી લઈને સવાર સુધી ભટકીને ઘરે આવનારાઓ પડ્યા છે આપણે ત્યાં. આ રીતે નવા વર્ષની શરૂઆત થાય અને પછી નવા વર્ષનો પહેલો દિવસ બપોરે બે વાગ્યે શરૂ થાય. એવું તમારે પણ બન્યું હોય તો એમાં ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી, કારણ કે લગભગ આખી દુનિયામાં એ દિવસે એવું જ વાતાવરણ હોય છે અને એટલે જ હવે તો નવા વર્ષના ફર્સ્ટ ડેએ રજા પણ મનાવવાનું શરૂ થઈ ગયું છે. આનું કારણ પણ છે. આખી દુનિયામાં આ એક દિવસે એટલો દારૂ ખરીદાય છે, વેચાય છે અને પિવાય છે કે ન પૂછો વાત. જો ગિનેસ બુકવાળા રેકૉર્ડ રાખવાનું શરૂ કરે તો તેમણે દર વષ્ોર્ આ આંકડા બદલવા પડે, કારણ કે દર વર્ષો એ રેકૉર્ડ તૂટતો જ જાય છે અને એ આંકડા મોટા થતા જ જાય છે. એક ઉંમર પછી દારૂ પીવાનું પ્રમાણ ઘટતું હશે, પણ બાપા બંધ કરે ત્યાં સંતાનો

એકવીસ-બાવીસનાં થઈ ગયાં હોય એટલે સરવાળો સરખો થઈ જાય.

અમારી વાત કરું તો મને હજી પણ યાદ છે કે શરૂઆતના દિવસોમાં થર્ટીફસ્ટ ડિસેમ્બરના દિવસે, સૉરી રાતના અમે લુખ્ખાઓની જેમ રખડતા, હા સાચે જ લુખ્ખાની જેમ. કોઈ કામધંધા વિનાના અને બસ ફર્યા કરીએ. થોડાં વષોર્ પછી નિયમ બદલાયો અને અમે થોડા દોસ્તો મારા ભાઈબંધ અને પાર્ટનર એવા આતિશ કાપડિયાના ઘરે ભેગા થઈને પીતા.

આજે પણ મને યાદ છે, આ પ્રકારની સૌથી પહેલી પાર્ટી જેમાં મારો મિમિક્રીનો પહેલો પર્ફોર્મન્સ હતો અને એ પણ ‘દામિની’ ફેમ મીનાક્ષી શેષાદ્રિની સોસાયટીમાં. એ જગ્યાએ હું, આતિશ કાપડિયા અને પરેશ ગણાત્રા સાથે ગયા હતા. અહીં મેં પહેલી વાર ડ્રિન્ક લીધું હતું. એ પછી થોડા સમય પછી ગુજરાતી રંગભૂમિના કલાકારોની પાર્ટી થવાની શરૂ થઈ, એ પાર્ટી બેસ્ટ હતી. કેટલા કલાકારો આવતા એમાં, સરિતા જોષી, કેતકી દવે, રસિક દવે, દીપક ઘીવાલા, સિદ્ધાર્થ રાંદેરિયા, સુજાતા મહેતા, અપરા મહેતા, સંજય ગોરડિયા, સેજલ શાહ, મુનિ ઝા. બધા કલાકારો એક જ પ્લૅટફૉર્મ પર, જલસો પડી જતો. આ સિવાય બીજા પણ અનેક કલાકારો આવતા, પણ અત્યારે બીજાં નામો યાદ નથી આવતાં એટલે આ જ નામોનો ઉલ્લેખ કર્યો છે એ સૌની જાણ માટે. દરેક કલાકારની નાચવાની એક આગવી સ્ટાઇલ હતી અને ખરેખર ખૂબ મજા પડતી. એકાદબે વર્ષ અમે પોતાની પાર્ટી કરી અમારા ટીવીજગતના કલાકારો સાથે અને એ પણ અમારી જ ટીવી-સિરિયલના સેટ પર અને એ પછી નવો દોર આવ્યો અને છેલ્લાં ઘણાં વર્ષોથી અમે પાંચ ફ્રેન્ડ્સે અમારા પરિવાર સાથે પ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું. અમે બધા બહારગામ જઈએ અને સાથે મજા કરીએ. વષોર્ સુધી આ ક્રમ ચાલ્યો, પણ આ વર્ષોનો આ ક્રમ તૂટ્યો

આ ક્રમ તૂટ્યો એનો મને સૌથી મોટો અફસોસ છે, પણ બધાં બહુ જેન્યુઇન કારણો હતાં એટલે ૨૦૧૯માં એ ક્રમ કન્ટિન્યુ કરવાનું નક્કી કર્યું છે. જોકે આ નવું વર્ષ તો બધાએ સાથે જ આવકાર્યું, પણ સાથે ચાર-પાંચ દિવસ બહારગામ જવાનું મિસ થઈ ગયું, પણ બધી વાતને પૉઝિટિવલી લેવાની હોય. નવા વર્ષની શરૂઆત બધાએ પૉઝિટિવ જ કરવી જોઈએ.

નવા વર્ષે બધા રેઝોલ્યુશન બનાવતા હોય છે અને મારા રેઝોલ્યુશન થોડા અલગ અને કમાલના હોય છે. નૉર્મલી લોકો સિગારેટ છોડવાના કે દારૂ છોડવાના અને હેલ્થ પર ધ્યાન આપવાના બનાવતા હોય છે. આ સિવાય વાંચન કે ક્યાંય ફરવા જવાનો કે સમાજસેવા માટેનો સમય કે ઘરના નોકરને ભણાવવાનો કે એક પણ ખાનની ફિલ્મ પહેલા શુક્રવારથી રવિવારની વચ્ચે નહીં જોવી એવી બચતના રેઝોલ્યુશન બનાવી શકો અને દર શુક્રવારે મારા લેખ વાંચવાનું અને મને પ્રોત્સાહન આપવાનું રેઝોલ્યુશન હમણાં જ બનાવી લો. ૨૦૧૯ના આ વર્ષમાં મેં ઘણા રેઝોલ્યુશન બનાવ્યા છે. જેમ કે મારા કામકાજમાં બહુ સમય જતો રહ્યો છે અને એટલે વાંચન નથી થતું, જે મને નથી ગમતું. રાતે વાંચવાનું પહેલાં થતું, પણ હવે તો રાત્રે ‘નેટફ્લિક્સ’ કે પછી ‘ઍમેઝૉન પ્રાઇમ’ પાછળ સમય જતો રહે છે, પણ આ વર્ષે દિવસની શરૂઆત જ વાંચનથી થાય એવી આદત પાડવી છે અને વાંચનને વ્યસન બનાવી દેવું છે. સૌથી સારામાં સારું વ્યસન છે અને જો થતું હોય તો મારી સાથે-સાથે જોડાજો. ખબર નથી, હું કેટલો આગળ નીકળી શકીશ, પણ તમે જો આગળ નીકળી ગયા તો મને બહુ આનંદ થશે.

આ પણ વાંચોઃ વેલકમ ૨૦૧૯ : નાચી લીધું, ખાઈ લીધું અને પેટ ભરીને પી લીધું

વાંચવા સાથેના સંબંધોની સાથે હું હંમેશાં કહેતો રહ્યો છું કે સંબંધોનું પણ વ્યસન રાખજો. મિત્રો અને સંબંધો હવે ઑનલાઇન થઈ ગયા છે ત્યારે ઍટ લીસ્ટ દર રવિવારે શક્ય બને તો રિલેટિવ્સ કે ફ્રેન્ડને ફોન કરવાનો અને બને તો રૂબરૂ મળવાનો નિયમ બનાવજો. જો માબાપથી દૂર હો તો તેમને રોજ ફોન કરવાનો પણ નિયમ બનાવી લેજો, બહુ જરૂરી છે આ. હેલ્થ માટે હું ગયા વર્ષે દસબાર વખત બોલી ગયો છું, પણ શિયાળો છે અને હેલ્થનું ધ્યાન રાખવું જ જોઈએ એટલે સવારના ચાલવાનું શરૂ કરી દો. સૌથી મોટું રેઝોલ્યુશન મેં હિંમતથી જે નક્કી કર્યું છે એ છે કે જરૂર પૂરતું બોલવાનું.

આમ તો આ સમજવામાં જ આખું વર્ષ નીકળી જવાનું છે કે એ બોલવામાંથી કામનું કેટલું હોય છે અને નકામું કેટલું હોય છે અને જરૂરી કેટલું છે અને બિનજરી કેટલું છે, પણ બોલવાની આદત પડી ગઈ છે, પણ આ ઉંમરે જો કન્ટ્રોલ ન કરીએ તો બોલવાની આદત વધતી જાય અને લોકો પછી આપણાથી અને આપણી વાતોથી કંટાળી જાય એવું બને. બીજા પણ થોડા રેઝોલ્યુશન છે, પણ આશા છે કે આ બધા હું પૂરા કરું અને બાકી રહી વાત તો તમને વધુમાં વધુ સારા લેખ આપવાનું, વધુ સારું સંશોધન કરીને વધુ સારી રીતે સારા શબ્દો શોધીને લખવાનું અને લેખ આપવાનું પણ એક રેઝોલ્યુશન મનમાં છે. ઈશ્વર કરે, આ બધામાં હું પાર ઊતરું.

આ પણ વાંચોઃ પહેલાંના સમયમાં દીકરી સાસરેથી પોસ્ટકાર્ડ શું કામ લખતી?

સૌથી અગત્યની અને છેલ્લી વાત.

કોઈને દુખી નહીં કરતા, કોઈને પીડા નહીં આપતા. કોઈની સાથે જાતની સરખામણી નહીં કરતા અને કોઈ તમારી સાથે પોતાની સરખામણી કરીને જાતને દુખી કરે તો તે એવું ન કરે એ માટે પણ તેને સમજાવજો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK